૧૦. સમતાના સિદ્ધાંત પર આચરણ
June 3, 2022 Leave a comment
સમતાના સિદ્ધાંત પર આચરણ
અનેક સ્થાનો પર ભ્રમણ કરતાં કરતાં જે સમયે બુદ્ધ વૈશાલી પહોંચ્યા તો ત્યાં નગરની બહાર એક સુરમ્ય ‘આમ્રવન’માં રોકાઈ ગયા. તે આમ્રવન એ નગરની મુખ્ય વેશ્યા “આંબપાલી’નું હતું. જ્યારે આંબપાલીએ આ સમાચાર સાંભળ્યા તો તે પોતાના રથ પર સવાર થઈને ભગવાનનાં દર્શન માટે ગઈ. તે વખતે તેના ચિત્તમાં જાતજાતના વિચારો ઉદ્ભવી રહ્યા હતા. ક્યારેક તે પોતાના નીચ વ્યવસાય તરફ જોતી તો ક્યારેક શીલના અવતાર ભગવાન બુદ્ધ તરફ. જ્યારે આમ્રવન થોડુંક જ દૂર રહ્યું તો તે મર્યાદાના ખ્યાલથી રથમાંથી ઊતરી ગઈ અને ચાલતી જ આમ્રવનની ભીતર પ્રવેશી ગઈ. તેણે જોયું કે બુદ્ધ ભગવાન ભિક્ષુ-સમૂહને ઉપદેશ આપી રહ્યા છે. તે પણ એક બાજુ ખસીને સાંભળવા લાગી. સભા વિસર્જિત થતાં તે બુદ્ધની નજીક ગઈ અને બીજા દિવસે સંઘ સહિત ભોજનનું નિમંત્રણ આપ્યું. ભગવાને મૌન રહીને તેનો સ્વીકાર કર્યો.
આંબપાલી નગરમાં પાછી ફરી રહી હતી, ત્યારે તેને વૈશાલીના લિચ્છવી વંશના સરદાર બુદ્ધના પડાવ તરફ જતા રસ્તે મળ્યા. તેમણે પૂછ્યું, “આંબપાલી ! આજે શું વાત છે કે રથમાંથી ઊતરીને જઈ રહી છો?”
આર્યપુત્રો ! ભગવાને કાલ માટે મારું ભોજન સ્વીકાર્યું છે.”
– લિચ્છવી આ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા અને કહેવા લાગ્યા – “આંબપાલી ! આ દાન મને દઈ દે. હું તેના માટે એક લાખ સોના મહોરો આપીશ.”
“આર્ય પુત્રો ! એક લાખ તો શું, જો બદલામાં મને આખી વૈશાલી આપી દો તો પણ હું નિમંત્રણ આપી શકું નહિ.”
લિચ્છવી પરસ્પર કહેવા લાગ્યા, “ઓહ ! આપણે વાર કરી દીધી, આપણી હારી ગયા. આ ગણિકાએ આપણને જીતી લીધા.” તેમ છતાં તે બધા ભેગાં થઈને બુદ્ધની સેવામાં પહોંચ્યા અને કહ્યું –
“ભંતે! સંઘ સહિત આપ કાલ માટે અમારા નિમંત્રણનો સ્વીકાર કરો.”
“લિચ્છવીઓ ! કાલ માટે તો મેં આંબપાલીનું નિમંત્રણ સ્વીકાર્યું છે.” લિચ્છવી ચૂપ રહી ગયા અને માથું નમાવીને પાછાં ચાલ્યા ગયા.
બીજા દિવસે ભોજનનો સમય થઈ જતાં આંબપાલીએ બુદ્ધ પાસે સમાચાર મોકલ્યા. તેઓ પોતાના સમસ્ત ભિક્ષુઓને સાથે લઈને તેના ઘરે પહોંચ્યા અને બિછાવેલાં આસનો પર બેસી ગયા. આંબપાલીએ ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક ભગવાનને ભોજન કરાવ્યું. ભોજન સમાપ્ત થતાં તે તેમની સામે બેસી ગઈ અને બોલી
“ભંતે ! હું બુદ્ધ સંઘના શરણે જાઉં છું અને મારું આમ્રવન બુદ્ધ તથા ભિક્ષુ સંઘને ભેટ આપું છું.” બુદ્ધે મૌન રહીને તેની પ્રાર્થના સ્વીકારી લીધી.
જો કે ભારતીય શાસ્ત્રોમાં પ્રાચીન કાળથીજ “આત્મવત્ સર્વભૂતેષુ” નો ઉપદેશ આપવામાં આવ્યો હતો, પણ વ્યવહારમાં તેનો ઉપયોગ કરનારની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી. ખાસ કરીને શૂદ્રો અને સ્ત્રીઓ સાથે તો ધર્મ નેતાઓનો વ્યવહાર કોઈ પણ રીતે ઉચિત કહી શકાય તેવો ન હતો. બુદ્ધે આ અન્યાયનો અનુભવ કર્યો અને પોતાના સંઘમાં સદાય આ બંને અન્યાય પીડિત વર્ગોને સમાન સ્થાન આપ્યું. આંબપાલીની ઘટના આ સામ્યભાવનું બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે સ્ત્રીતો હતી જ, સાથોસાથ તેનો વ્યવસાય પણ એવો હતો, જે સમાજમાં નીચ અને ઉપેક્ષિત ગણાય છે; પણ બુદ્ધે તેના મનોભાવની શુદ્ધતા સમજી લીધી અને તેની સાથે પૂર્ણ શિષ્ટતાનો વ્યવહાર કર્યો. તેના પરિણામે આંબપાલીનું હૃદય પૂર્ણ શુદ્ધ થઈ ગયું અને તેણે પોતાની ધન સંપત્તિ જ નહિ, સમસ્ત જીવન ધર્મ અને સમાજ સેવા માટે અર્પણ કરી દીધું. આ ઉદાહરણે અન્ય હજારો સ્ત્રીઓને પણ પ્રેરણા આપી અને તેઓ પણ બુદ્ધસંઘની અનુયાયી અને સહાયિકા બની ગઈ. તેના પરિણામે સમાજના સંસ્કાર અને પ્રગતિમાં એટલી બધી સહાયતા મળી, જેની કલ્પના પણ કરી શકાતી નથી.
પ્રતિભાવો