૧૨. સહકારી જીવનની આવશ્યકતા
June 3, 2022 Leave a comment
સહકારી જીવનની આવશ્યકતા
બુદ્ધ પાંચસો ભિક્ષુઓને લઈને કીટાગિરિ તરફ ગયા. સારિપુત્ર અને મૌદ્ગલ્યાયન પણ તેમની સાથે હતા. જ્યારે કીટાગિરિ નિવાસી ભિક્ષુઓ કે જેમાં અશ્વજિત અને પુનર્વસુ મુખ્ય હતા, તેમણે આ સમાચાર સાંભળ્યા તો તેમણે પરસ્પર મસલત કરી કે સારિપુત્ર અને મૌદ્ગલ્યાયનની નિયત બરાબર નથી એટલે એવો ઉપાય કરવો કે તેમને શયનાસન ન મળી શકે. આમ વિચારીને તેમણે સંઘના સમસ્ત ઉપયોગી પદાર્થો પરસ્પર વહેંચી લીધા. જ્યારે બુદ્ધ સંઘની કેટલીક વ્યક્તિઓ આગળ ચાલીને કીટાગિરિ પહોંચી અને ત્યાંના ભિક્ષુઓને ભગવાન બુદ્ધ, સારિપુત્ર તથા મૌદ્ગલ્યાયન માટે શયનાસનની વ્યવસ્થા કરવાનું કહ્યું, તો તેમણે કહ્યું –
“આવુસો ! અહીં સાંઘિક શયનાસન નથી. અમે બધી સાંઘિક સંપત્તિને વહેંચી લીધી છે. ભગવાનનું સ્વાગત છે. તેઓ ઇચ્છે એ વિહારમાં રહે. સારિપત્ર તથા મૌદ્ગલ્યાયન પાથેચ્છુક છે, અમે તેમને શયનાસન નહિ આપીએ.”
સારિપુત્રએ તેમને પૂછયું –
“આવુસો! શું તમે સંઘની શય્યાઓ વહેંચી લીધી છે?”
“હા, અમે એવું જ કર્યું છે.”અશ્વજિતે કહ્યું.
ભિક્ષુઓએ જઈને સમસ્ત સમાચાર ભગવાન બુદ્ધને કહી સંભળાવ્યા, તો તેમણે આવું અનુચિત કર્મ કરનાર ભિક્ષુઓની નિંદા કરતાં કહ્યું- “ભિક્ષુઓ! પાંચ વસ્તુઓ વહેંચી શકાતી નથી – (૧) આરામ કે આરામની વસ્તુ, (૨) વિહાર-નિવાસ સ્થાન, (૩) મંચ, પીઠ, ગાદી, તકિયા, (૪) સોટી, વાંસ, મૂંજ ઘાસ.
સાધુનું એક બહુ મોટું લક્ષણ ‘અપરિગ્રહ’ પણ છે. જે વ્યક્તિ સાધુવેશ ધારણ કરીને પણ પોતાની સુખ-સુવિધા માટે બધી રીતે સુખ – સામગ્રી ભેગી કરતો રહે, તેને ઢોંગી કે હરામખોર જ કહેવો પડશે, કારણ કે જો તેને સુખ-સામગ્રીની આટલી લાલસા હોય તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ભિક્ષુ બનવાની જરૂર જ શું હતી? ગૃહસ્થમાં જો તે પરિશ્રમ કરીને ધનનું ઉપાર્જન કરતો હોત અને તેની ઇચ્છાનુસાર આરામનું જીવન જીવતો હોત તો તેના તરફ કોઈ ખાસ ધ્યાન ન આપત. પણ જો કોઈ વ્યક્તિ સાધુ બનીને જીવિકાનું ઉપાર્જન કરવા માટે પરિશ્રમ કરવાનું બંધ કરી દે અને ત્યારે પણ સુખ-સામગ્રીનો સંગ્રહ કરવામાં, તેના પર પોતાની માલિકી સ્થાપવાની લાલસા કે ફિકરમાં રચ્યોપચ્યો રહે તો તે સમાજ આગળ એક દૂષિત ઉદાહરણ રજૂ કરવાનો દોષી જ ગણાશે.
સાધુ આશ્રમનો એક બહુ મોટો લાભ સહકારી જીવન વ્યતીત કરવું એ છે. ગૃહસ્થ આશ્રમમાં તો સામાજિક પરિસ્થિતિઓ અને વ્યક્તિગત કારણોથી પણ માણસે પોતાના વ્યવહારની મોટા ભાગની વસ્તુઓ અલગ રાખવી પડે છે, પણ સાધુ સાથે આવું કોઈ બંધન હોતું નથી અને તે ચાહે વ્યક્તિગત પદાર્થોનો ભાર ઉપાવામાંથી અને તેનું રક્ષણ કરવાની ઝંઝટમાંથી સહેજે છુટકારો મેળવી શકે છે. જૈન સાધુઓમાં આ તથ્ય પર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે અને તેમની સામે એ આદર્શ રાખવામાં આવ્યો છે કે જો તેમનામાં સામર્થ્ય હોય તો તેઓ પોતાની આવશ્યક વસ્તુઓની સંખ્યા ઘટાડતા ઘટાડતા તેનો પૂર્ણપણે અંત કરી શકે છે. ત્યારે તેમની પાસે તો અન્નનો એક દાણો અને વસ્ત્રનો એક ટુકડો બાકી રહેતો નથી અને તેઓ પોતાનો ભાર સર્વથા પ્રકૃતિ પર અને સમાજ પર છોડીને નિશ્ચિત થઈ જાય છે. જો આ હદ સુધી આગળ ન વધી શકાય તો પણ સાધુઓનું એ કર્તવ્ય, એ ધર્મ ચોકસ છે કે પોતાની પાસે રહેતી વસ્તુઓની સંખ્યા ઓછામાં ઓછી રાખે અને નિવાસ, શયા, ભોજન-સામગ્રી વગેરેની વ્યવસ્થા સામૂહિક રીતે જ કરે. આનાથી ઓછા પદાર્થોમાં જ ઘણા લોકોનું કામ ચાલી શકે છે અને સાધુ અનેક વસ્તુઓનો ભાર ઉપાડવાની અને તેની દેખભાળ કરવાની ચિંતાથી મુક્ત રહી શકે છે. આગળ જતાં સમાજની અન્ય વ્યક્તિ પણ આ આદર્શને અપનાવી શકે અને પોતાની પરિસ્થિતિઓ તથા સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સામૂહિક જીવનનો ઓછોવત્તો ભાગ લઈ શકે છે.
એમાં સંદેહ નથી કે આ પ્રકારનું સામૂહિક જીવન સભ્યતા અને પ્રગતિનું એક બહુ મોટું સાધન છે. આમાં પ્રત્યેક પદાર્થની ઉપયોગિતા અનેક ગણી વધી જાય છે અને તેનાથી વધુમાં વધુ લાભ ઉઠાવી શકાય છે. જે લોકો એકલાં મોટા પદાર્થોની વ્યવસ્થા કરી શકવામાં અસમર્થ હોય છે, તેઓ પણ કોઈક રીતે તેના ઉપયોગની સુવિધા મેળવી શકે છે. તેનાથી વ્યક્તિગત લાલસા, માલિકીભાવ, હરીફાઈ, ઈર્ષ્યા-દ્વેષ વગેરે હાનિકારક પ્રવૃત્તિઓમાં કમી આવે છે. આ તથ્યને નજર સમક્ષ રાખીને વેદોએ ગાયું છે
સંગચ્છ્ધ્વં સં વદધ્વં સે વો મનાંસિ જાનતામ્ |
સમાનો મંત્ર: સમિતિ સમાની સમાનં મનઃ સહ ચિત્તમેષામ્ |
સમાની વ આકૂતિઃ સમાના હદયનિવઃ |
સમાનમસ્તુ વો મનો યથા વ સુસહાસતિઃ.|
અર્થાત્ – “તમે લોકો સાથેસાથે ચાલો, સાથે સાથે બોલો, તમે સમાન મનવાળા થાવ, તમારા વિચાર પણ સમાન થાવ. તમારું કર્મ સમાન હો, તમારું હૃદય અને મન પણ સમાન હો. તમે સમાન મતિ અને રુચિવાળા થઈને બધી રીતે સુસંઠિત થાવ.”
બુદ્ધ સંઘમાં પણ શરૂઆતમાં ત્યાગનો આદર્શ બહુ ઊંચો રાખવામાં આવ્યો હતો અને એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે ગૃહસ્થો દ્વારા ત્યાગી દેવામાં આવેલી થોડી વસ્તુઓથી જ ભિક્ષુ લોકો પોતાનું કામ ચલાવી લે અને સમાજ પર પોતાનો ભાર ઓછામાં ઓછો આવવા દે. બૌદ્ધ ભિક્ષુ ફક્ત પહેરવા માટે વસ્ત્ર, સૂવા માટે ગોદડી અને ખાવા પીવા માટે એક કાષ્ઠપાત્ર સિવાય બીજું કંઈ રાખતા ન હતા. પરંતુ પછીથી આ ભિક્ષુઓમાં પણ સંગ્રહ કરવાની પ્રવૃત્તિ વધતી ગઈ. એક સમય એવો આવ્યો કે જ્યારે બૌદ્ધ મઠોમાં લાખો- કરોડોની સંપત્તિ ભેગી થઈ ગઈ, આવું આજે આપણે મોટા ભાગનાં હિંદુ મંદિરોમાં પણ જોઈ રહ્યા છીએ.
આ રીતે સંપત્તિ ભેગી થવી એ નિશ્ચિતપણે પતન તથા ભ્રષ્ટાચારનું કારણ બને છે. અને એ જ વાત બૌદ્ધ સંઘ સાથે પણ બની સંપત્તિ વધવાથી તેમનામાં ભ્રષ્ટતા અને જાતજાતના દોષ ઉત્પન્ન થઈ ગયા અને તેમનો નાશ થવા લાગ્યો, બુદ્ધ આ તથ્યને સારી રીતે સમજતા હતા અને એટલાં માટે તેમણે એક મઠમાં આવી થોડીશી પ્રવૃત્તિ થતી જતાં જ તેની નિંદા કરી અને તેને અટકાવવાનો આદેશ આપ્યો. જ્યાં સુધી બૌદ્ધ સંઘ આના પર આચરણ કરતા રહ્યા ત્યાં સુધી તેની નિરંતર પ્રગતિ થતી ગઈ અને તે દુનિયાનાં દૂરદૂરનાં સ્થાનો સુધી ફેલાતો ગયો.
પ્રતિભાવો