૧૩. બુદ્ધના અંતિમ દિન
June 3, 2022 Leave a comment
બુદ્ધના અંતિમ દિન
આ રીતે બુદ્ધે સતત ૪૫ વર્ષ સુધી દેશભરમાં ભ્રમણ કરીને જનતાને ‘સત્ય-ધર્મ’ નો ઉપદેશ આપ્યો અને તેને અનેક કુરીતિઓ અને અંધવિશ્વાસોમાંથી છોડાવીને કલ્યાણકારી માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. તેમાં તેમને સારી એવી મહેનત કરવી પડતી હતી અને અનેક મુશ્કેલીઓ પણ સહન કરવી પડતી હતી. બધાં સુધારાનાં કામોમાં અનેક દુષ્ટ પ્રકૃતિના લોકો નુકશાન પહોંચાડવા પણ તૈયાર થઈ જાય છે. બુદ્ધને પણ ક્યારેક આવા વિરોધો સહન કરવા પડતા હતા.
જ્યારે તેઓ ‘જેતવન’ નામના સ્થાનમાં હતા તો તેમના કેટલાક શત્રુઓએ સુંદરી નામની બૌદ્ધ ભિક્ષુણીને લાલચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધી અને તેની પાસે કહેવરાવ્યું કે ‘હું બુદ્ધ પાસે વારંવાર જાઉં છું’ અર્થાત્ મારી સાથે તેમને અનૈતિક સંબંધ છે! જ્યારે તે અનેક લોકો સામે આ વાત કહી ચૂકી તો એ જ દુષ્ટ લોકોએ ચૂપચાપ તેને મારી નાંખી અને બૂમરાણ કરી મૂકી કે બુદ્ધના માણસોએ તેને મારી નાંખી છે.
તેમણે પોતાના તરફથી જાળ તો બહુ મોટી રચી હતી, પણ બુદ્ધની અત્યાર સુધીની જીવનચર્યા અને મહાન ત્યાગને જાણવાને કારણે કોઈએ આના પર જલદી વિશ્વાસ ન કર્યો. જ્યારે આ સમાચાર મહારાજ બિંબિસાર પાસે પહોંચ્યા તો તેમણે આ સમાચાર ફેલાવનારને જ પકડી લીધા અને તેમને ધમકાવીને સાચી વાત પૂછી.
લોકો શરાબના નશામાં ચૂર હતા, એટલે આપોઆપ જ પોતાની ભૂલ કબૂલી લીધી અને ષડ્ યંત્રની આખી વાત પ્રકટ કરી દીધી. પછી તેમને પોતાના કરતૂત પર એટલી ગ્લાનિ થઈ કે તેઓ બુદ્ધના શરણે ગયા અને ક્ષમા માગવા લાગ્યા. નિર્વિકાર ચિત્ત ભગવાન બુદ્ધે તેમને પણ માફ કરી દીધા અને સંઘમાં સામેલ થવાની અનુમતિ આપી દીધી.
આ રીતે એક વાર તેઓ એકલા યાત્રા કરતા કરતા અંગુલિમાલ ડાકુ સામે જઈ પહોંચ્યા. તે બહુ ક્રૂર અને ભયંકર માણસ હતો અને જે વ્યક્તિઓને મારતો હતો, તેની એક આંગળી કાપીને પોતાના ગળાની માળામાં સામેલ કરી દેતો હતો. આમ, તે લગભગ એક હજાર વ્યક્તિઓને મારી ચૂક્યો હતો. તે બુદ્ધને મારવા માટે તૈયાર થયો, પણ તેમણે નિર્ભય ભાવે તેને એવી રીતે તેની ભૂલ સમજાવી કે તેની આંખ ખૂલી ગઈ અને તે પોતાના કુકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. બુદ્ધ તેને પણ ધર્મોપદેશ આપીને બુદ્ધ સંઘમાં સામેલ કરી દીધો અને આગળ જતાં તે બહુ મોટો ધર્મપ્રચારક બની ગયો.
પ્રતિભાવો