૧૪. સુભદ્રની કથા
June 3, 2022 Leave a comment
સુભદ્રની કથા
આ રીતે ભગવાન જીવનભર અજ્ઞાની અને પંથ ભૂલેલાને સદ્દમાર્ગ બતાવીને જ્યારે વૃદ્ધાવસ્થા અને નિર્બળતાને કારણે મૃત્યુશય્યા પર પડી ગયા તો સુભદ્ર નામના પરિવ્રાજકે આ સમાચાર સાંભળ્યા. તેણે વિચાર્યું કે બુદ્ધ જેવા મહાપુરુષો રોજેરોજ જન્મ લેતા નથી. મારી ધર્મ સંબંધી શંકાઓ નિર્મૂળ થવાની તક ફરી ક્યારેય મળી શકશે નહિ. એટલે તે જ્યાં ભગવાન બુદ્ધ તે વખતે વિશ્રામ કરી રહ્યા હતા તે સાલવનમાં જઈ પહોંચ્યો અને આનંદને કહ્યું, “મારા હ્રદયમાં ધર્મ સંબંધી કેટલીક શંકાઓ છે. જો તેને અત્યારે નિર્મૂળ ન કરી શક્યો તો તે પછી ક્યારેય નિર્મૂળ થઈ શકશે નહિ. કૃપા કરીને મને ભગવાનનાં દર્શન કરાવો.” તે વખતે આનંદે કહ્યું –
“સુભદ્ર ! આ ભગવાન પાસે શંકાનું સમાધાન કરવાનો સમય નથી. ભગવાન નિર્વાણ શય્યા પર છે. અત્યારે તેમને કષ્ટ ન આપો.”
“આનંદ! મને ભગવાનનાં દર્શન કરી લેવા દો.”સુભદ્રએ કહ્યું.
સુભદ્ર! અત્યારે એમને કષ્ટ ન આપો.” આનંદે કહ્યું.
આનંદ અને સુભદ્રની વાતચીતનો અસ્પષ્ટ ધ્વનિ બુદ્ધના કાનમાં પહોંચ્યો. જેણે આજીવન બધા પ્રકારના લોકો પર સદ્દવિચારોની વર્ષા કરી હોય, તે અંતિમ સમયે તેનાથી વિપરીત કેવી રીતે ચાલી શકે? તેમણે કહ્યું, “આનંદ સુભદ્રને રોકો નહિ. આવવા દો. તે જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છાથી આવ્યો છે, મને કષ્ટ આપવાનાં વિચારથી નહિ.”
સુભદ્રએ પાસે જઈને કરુણાની એ શાંત મૂર્તિને જોયા. તથાગતનો ઉપદેશ તેના હ્રદયમાં તરત જ પ્રવેશી ગયો. તેણે કહ્યું, “ભંતે! હું બુદ્ધ ધર્મ અને સંઘના શરણે જાઉં છું. મને આપ ભિક્ષુ બનાવી લો.”
બુદ્ધે કહ્યું, “સુભદ્ર ! સંઘનો નિયમ છે કે કોઈ બીજા સંપ્રદાયની પ્રવ્રજિત વ્યક્તિ જો બૌદ્ધ સંઘમાં સામેલ થવા ઇચ્છે તો તેણે ચાર મહિના સુધી પ્રતીક્ષા કરવી પડે છે.”
“ભંતે! ચાર મહિના તો શું, હું ચાર વર્ષ સુધી પ્રતીક્ષા કરવા તૈયાર છું.”
બુદ્ધ – “તો આનંદ! સુભદ્રને હમણાં જ પ્રવ્રજિત કરો.”સુભદ્ર જ બુદ્ધ ભગવાનનો અંતિમ શિષ્ય થયો.
મૃત્યુની નજીક ઊભા રહીને પણ પરોપકારથી મોં ન ફેરવે તે જ સાચો મહાપુરુષ અને આત્મજ્ઞાની છે. નહિતર મોટા ભાગના લોકો જીવ જોખમમાં હોય ત્યારે બધું જ ભૂલીને જીવ બચાવવા માટે બે બાકળા બની જાય છે. સામાન્ય વ્યક્તિ સદાય “આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા ની ઉક્તિને ચરિતાર્થ કરનારા હોય છે, પણ આત્મતત્ત્વના વાસ્તવિક જ્ઞાતા મૃત્યુની લેશમાત્ર ચિંતા કરતા નથી અને તે વખતે પણ જેટલી ક્ષણ કોઈને સેવા-સહાયતામાં લાગી શકે, તેને જ મરતાં મરતાં જીવનનો સાર સમજે છે. બુદ્ધ ભગવાનનું સુભદ્રની શંકાનું સમાધાન કરવાનું કાર્ય એવું જ હતું. તેમના આ ઉદાહરણથી આપણને એ શિક્ષણ મળે છે કે મૃત્યુનો ભય નિરર્થક છે અને તેની સંભાવના જોઈને ગભરાઈ જવું, કર્તવ્ય – કર્મથી વિમુખ થઈ જવું તે તો બહુ નિંદનીય છે. જ્યારે એ એક અનિવાર્ય વાત છે અને તેને ભય કે ગભરામણ દ્વારા દૂર કરી શકાતી પણ નથી, તો આપણે તેના તરફ નિર્ભય શા માટે ન રહીએ? તે ક્યારે આવશે તેની ચિંતા ન કરીને
અંતિમ ક્ષણ સુધી કર્તવ્યપાલનની ભાવનાને જીવિત અને જાગૃત રાખવી એ જ શ્રેષ્ઠ વ્યક્તિઓનું લક્ષણ છે અને તેઓ જીવનનો લાભ ડરનારા અને ભાગનારા લોકો કરતાં ક્યાંય વધારે પ્રાપ્ત કરી લે છે.
પ્રતિભાવો