૮. પરમાર્થ પરાયણ કાર્યકર્તાઓનું સંગઠન
June 3, 2022 Leave a comment
પરમાર્થ પરાયણ કાર્યકર્તાઓનું સંગઠન
બુદ્ધ જાણતા હતા કે જ્યાં સુધી સાચા કાર્યકર્તાઓનું એક સંગઠન તૈયાર થશે નહિ ત્યાં સુધી તેમના સિદ્ધાંતોનો સમુચિત પ્રસાર થવાનું સંભવ નથી. જોકે શરૂઆતમાં જ તેમના શિષ્યોની સંખ્યા અનેકગણી થઈ ગઈ હતી અને તેઓ એક સંઘ રૂપે બુદ્ધની સાથે ભ્રમણ કરતા હતા, પરંતુ તેઓ તે સમયના વાતાવરણથી પ્રભાવિત થઈને એક બીજાની દેખાદેખીથી દિક્ષા લેતા ગયા હતા, તેમાં ઉચ્ચ કોટિની પરમાર્થ ભાવનાવાળા “ભિક્ષુ થોડાક જ હતા. એટલાં માટે જ્યારે રાજગૃહમાં રહેતા સંજય નામના પરિવ્રાજના બે વિદ્વાન અને પરમાર્થ પરાયણ શિષ્ય “ઉપતિષ્ય’ અને “કોલિત’ તેમની પાસે પરિવ્રાજક બનવા માટે આવ્યા, તો તેમણે તેમને પ્રસન્નતાપૂર્વક દીક્ષા આપી.
આ બંને પોતાના ગુરુની પાસે રહીને પરંપરાગત રીતે પ્રચલિત શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા હતા, પણ સામાન્ય કર્મકાંડ અને પૂજા – ઉપાસનાના વિધાનથી તેમને સંતોષ થતો ન હતો. તેઓ જીવન અને વિશ્વ સંબંધી સાચા જ્ઞાનની શોધમાં હતા અને તેમણે પરસ્પર પ્રતિજ્ઞા કરી હતી કે- “જેને પહેલાં અમૃત (જ્ઞાન)ની પ્રાપ્તિ થાય, તે બીજાને તેની માહિતી આપે.”
એક દિવસ ઉપતિષ્યએ અશ્વજિત નામના બૌદ્ધ ભિક્ષુને ‘ત્રિચીવર’ (ભિક્ષુઓનાં ત્રણ વસ્ત્ર) ધારણ કરીને અને પાત્ર લઈને રાજગૃહમાં ભિક્ષા માટે ફરતા જોયા. તેમની સંયમ પૂર્ણ રીત અને શાંતિયુક્ત મુખમુદ્રા જોઈને ઉપતિષ્ય પર બહુ પ્રભાવ પડ્યો અને તેણે એ જાણવા માગ્યું કે કયા ગુરુના ઉપદેશથી આને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે? એટલે તે એક જિજ્ઞાસની જેમ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને જ્યારે અશ્વજિત ભિક્ષા ગ્રહણ કરીને પોતાના સ્થાન પર પહોંચ્યો તો ઉપતિષ્યએ કહ્યું, “આયુષ્યમાન્! આપની આકૃતિ અત્યંત સુંદર અને શાંત છે. છબિ-વર્ણ પરિશુદ્ધ છે. આપ કોને આપના ગુરુ બનાવીને પ્રવ્રજિત થયા છો? આપના શાસ્તા અર્થાત્ “માર્ગદર્શક કોણ છે ? આપ કોના ધર્મને માનો છો?”
અશ્વજિત- “આયુષ્યમાન્ ! હું શાક્યવંશીય મહાશ્રમણ ગૌતમને મારા ગુરુ બનાવીને પ્રવ્રજિત થયો છું અને તેમના ધર્મને જ માનું છું.”
ઉપતિષ્ય-“તેમનો ધાર્મિક સિદ્ધાંત કયો છે?”
અશ્વજિત – “હું આ ધર્મમાં હજી નવો જ પ્રવ્રજિત થયો છું, એટલે વિસ્તારથી તો બતાવી શકતું તેમ નથી, પણ ટૂંકમાં તેમનો સિદ્ધાંત આ છે
યે ધમ્મા હેતુપ્પભવા તેસંહેતુ તથાગતોઆહ | તેસંચયો નિરોધો એવં વાદી મહાસમણો |
અર્થાત્ જે ધર્મ (બાહ્યાચારની દૃષ્ટિએ) નિર્મિત કરવામાં આવ્યા છે, તે બધા નિરોધવાળા (નાશવંત કે અસ્થાયી) છે.”
ઉપતિષ્યએ આ સાંભળ્યું તો તેનાં જ્ઞાનનેત્ર ખૂલી ગયાં. તે સમજી ગયો કે જે ધર્માચરણ ઉપરના ક્રિયાકાંડોની પૂર્તિ માટે કરવામાં આવે છે તથા જે પૂજા-ઉપાસના કોઈ લૌકિક કે પારલૌકિક કામનાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે, તેનાથી સાચું આત્મજ્ઞાન અને આત્મશાંતિ મળી શકતાં નથી. એટલાં માટે જ્યાં સુધી સંસારના પદાર્થોને ક્ષણભંગુર સમજીને તેના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરવામાં નહિ આવે અને સમસ્ત જીવન વ્યવહારોમાં પરમાર્થ ભાવનાનો સમાવેશ કરવામાં નહિ આવે, ત્યાં સુધી આત્મમાર્ગમાં પ્રવેશ થઈ શકવાનું મુશ્કેલ જ છે. આવું વિચારીને તે પોતાના મિત્ર કોલિત પાસે ગયો અને તેને પણ આ શુભ સમાચાર સંભળાવ્યા. તેણે પણ આ સિદ્ધાંતની યથાર્થતાનો અનુભવ કર્યો અને તેઓ તે જ દિવસે શિષ્ય ભાવે બુદ્ધ પાસે ઉપસ્થિત થયા.
બુદ્ધ તેમને જોતાં જ સમજી ગયા કે આ સત્ય જ્ઞાનની શોધમાં જ અહીં આવ્યા છે અને સાચા હ્રદયથી તેનું અનુગમન કરવા માગે છે. તેમણે એ બંનેને પૂછ્યું તો બંનેએ વિનયપૂર્વક વંદન કરીને કહ્યું, – “ભગવન્ ! અમને પ્રવ્રજિત કરો, દીક્ષા આપો.”
બુદ્ધે કહ્યું- “આવો ભિક્ષુઓ! ધર્મતો સ્પષ્ટ અને સરળ છે. જ્યારે મનુષ્ય અનેક પ્રકારની કામનાઓ અને ઇચ્છાઓનો ત્યાગ કરીને કલ્યાણ ભાવનાથી ધર્મના સીધા-સાદા શિક્ષણ પર આચરણ કરવા લાગે છે તો તેને સ્વયં જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે અને તે ભવ-બંધનોથી છુટકારો મેળવી લે છે.”
બંનેને એ જ વખતે પ્રવ્રજિત કરીને તેમના નામ સારિપુત્ર અને મૌદ્ગલ્યાયન જાહેર કરવામાં આવ્યાં. તેમણે સંઘમાં સરળ ભાવે સેવા કરવાનો અને બધા પ્રકારની પરિસ્થિતિઓમાં નિર્વિકાર રહીને કર્તવ્યપાલનમાં વ્યસ્ત રહેવાનો જે આદર્શ ઉપસ્થિત કર્યો, તેનાથી બૌદ્ધ સંઘની ખૂબ પ્રગતિ થઈ અને લોકોની નજરમાં તેની પ્રતિષ્ઠા વધી. તેમની આંતરિક સેવા ભાવનાનું એ પરિણામ આવ્યું કે થોડાક વખતમાં જ તેઓ બુદ્ધના મુખ્ય શિષ્ય અને કાર્યકર્તા બની ગયા અને આજે પણ બુદ્ધ – જગતમાં તેમનું બહુ નામ અને સન્માન છે. એક વાર જ્યારે બુદ્ધજીએ એક અન્ય પ્રિય શિષ્ય આનંદને પૂછ્યું -“શું તને સારિપુત્ર ગમે છે?” તો તેણે કહ્યું –
“ભંતે ! કોણ એવો મૂર્ખ, દુષ્ટચિત્ત અને મૂઢ હોય, જેને સારિપુત્ર ન ગમે. આયુષ્યમાન સારિપુત્ર પંડિત છે, મહાપ્રજ્ઞાવાન છે, અલ્પ ઇચ્છુક છે, સંતોષી છે, નિર્લિપ્ત છે, પ્રયત્નશીલ છે, પ્રવત્તા છે, પાપ નાશ કરનાર છે. આવા સારિપુત્ર કોને ન ગમે?”
થોડાંક વર્ષો પછી જ્યારે ધર્મની મહત્તમ સેવા કરતાં કરતાં નાલંદા નજીક ‘નાલક’ ગામમાં રોગગ્રસ્ત થઈને સારિપુત્રનો દેહાંત થઈ ગયો તો આનંદે બુદ્ધજી પાસે જઈને આ સમાચાર આપ્યા અને કહ્યું, “આ સાંભળીને મારું શરીર તો જાણે જડ થઈ ગયું. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. ધર્મની વાત તો શું દિશાઓય સૂઝતી બંધ થઈ ગઈ.”
બુદ્ધ -“શું કામ આનંદ, આવું શા માટે કહે છે? શું સારિપુત્ર શીલ પોતાની સાથે લઈ ગયા? સમાધિ પોતાની સાથે લઈ ગયા ? પ્રજ્ઞા પોતાની સાથે લઈ ગયા? વિમુક્તિ પોતાની સાથે લઈ ગયા ? મુક્તિનું જ્ઞાન-દર્શન પોતાની સાથે લઈ ગયા?”
આનંદ – “ના ભંતે ! સારિપુત્ર શીલ, સમાધિ, પ્રજ્ઞા, વિમુક્તિ કશું જ પોતાની સાથે લઈ નથી ગયા, પણ તેઓ મારા ઉપદેશક હતા, ધર્મના જ્ઞાતા હતા, પોતાના સહકારીઓ પર તેમની ખૂબ કૃપા રહેતી હતી. હું તેમની એ કરુણા, દયા, કૃપાને યાદ કરું છું.”
બુદ્ધ – “આનંદ ! જેવી રીતે કોઈ મોટા ભારે વૃક્ષના રહેતાં તેની સૌથી મોટી સારયુક્ત ડાળી તૂટીને પડી જાય, તેવી રીતે બૌદ્ધ સંઘ માટે સારિપુત્રનું નિર્વાણ થવાનું છે, પણ એવું ક્યાં સંભવ છે કે જેની રચના થઈ છે, જે અસ્તિત્વમાં આવ્યું છે, તેનો વિનાશ ન થાય? ના આનંદ! આમ થઈ શકતું નથી. એટલાં માટે તમારો દીપક તમે બનો. કોઈ બીજાનો આશ્રય ન જુઓ. ધર્મને જ તમારો દીપક સમજો, તેનો જ આશ્રય ગ્રહણ કરો.”
સદાચારી અને પરોપકારી મહાપુરુષોનું સન્માન કરવું, તેમની સેવા સહાયતા માટે સદાય તત્પર રહેવું એ પ્રત્યેક સજ્જનનું કર્તવ્ય છે, પણ પોતાને તેમના પર એટલાં બધા આશ્રિત કરવાનું યોગ્ય નથી કે તેમના અભાવે સંસાર શૂન્ય જ દેખાવા લાગે. સંસારમાં રહેવાનું કે તેને છોડી શકવાનું તો મનુષ્યના વશની વાત નથી, એટલાં માટે પ્રત્યેક સ્થિતિમાં જગતની નશ્વરતાને સમજીને પોતાના ચિત્તને સમતુલિત રાખવું એ જ બુદ્ધિમાન વ્યક્તિનું કર્તવ્ય છે. બુદ્ધ પણ સારિપુત્રના મહાન ગુણોને જાણતા હતા અને તેમની સાથે સ્નેહ રાખતા હતા, પણ તેઓએ પણ જાણતા હતા કે જે જન્મ્યો છે તેનો અંત થવાનું અનિવાર્ય છે અને આવા પ્રસંગે વધુ પડતો મોહ બતાવીને કર્તવ્યમાં ઢીલ કરવાનું યોગ્ય કહી શકાતું નથી. એટલાં માટે આનંદને બુદ્ધએ જ સમજાવ્યું કે સંસારમાં મહત્ત્વ સદ્ગુણોનું જ છે અને આપણે સારિપત્રનું સન્માન આવા સદ્ગુણોને કારણે જ કરતા હતા. એટલાં માટે મરણ બાદ તેમના પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો માર્ગ એ જ છે કે એ સદ્ગુણોનું વધુમાં વધુ પાલન કરવું.
પ્રતિભાવો