આપણો યુગનિર્માણ સત્સંકલ્પ
June 5, 2022 Leave a comment
એકવીસમી સદીનું સંવિધાન, આપણો યુગનિર્માણ સત્સંકલ્પ
યુગનિર્માણ, જેને લઈને ગાયત્રી પરિવાર પોતાની નિષ્ઠા અને તત્પરતાપૂર્વક અગ્રેસર થઈ રહ્યો છે એનું બીજ સત્સંકલ્પ છે. એના આધાર પર આપણી સર્વે વિચારણા, યોજના, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ ચાલે છે. એને આપણો ઘોષણાપત્ર પણ કહી શકાય. આપણામાંથી પ્રત્યેકે એક દૈનિક ધાર્મિક કૃત્યની જેમ એને નિત્ય વહેલી સવારે વાંચવો જોઈએ અને સામૂહિક શુભ અવસરો પર એક વ્યક્તિ ઉચ્ચારણ કરે અને બીજા બધા લોકો એને દોહરાવે.
સંક્લ્પની શક્તિ અપાર છે. આ વિશાળ બ્રહ્માંડ પરમાત્માના એક નાના સંક્લ્પનું જ પ્રતિફળ છે. પરમાત્માને ઇચ્છા થઈ “એકોહમ્ બહુસ્યામ્” હું એકલો છું, બહુ થઈ જઉં. એ સંકલ્પના ફળસ્વરૂપ ત્રણ ગુણ તથા પંચતત્ત્વ ઉપજ્યાં અને આખો સંસાર તૈયાર થઈ ગયો. મનુષ્યના સંકલ્પ દ્વારા આ ઉબડ ખાબડ દુનિયાને આવું સુવ્યવસ્થિત રૂપ મળ્યું છે. જો આવી આકાંક્ષા ન જાગી હોત, આવી આવશ્યક્તા ન અનુભવી હોત તો કદાચ મનુષ્ય પણ બીજાં વન્ય પશુઓની જેમ મરવાનાં વાંકે જીવી રહ્યો હોત.
ઇચ્છા જયારે બુદ્ધિ દ્વારા પરિષ્કૃત થઈને દૃઢ નિશ્ચયનું રૂપ ધારણ કરી લે છે ત્યારે તે સંકલ્પ કહેવાય છે. મન જ્યારે કોઈ સંકલ્પ પર કેન્દ્રિત થઈ જાય છે ત્યારે એની પૂર્તિમાં વિશેષ મુશ્કેલી નથી રહેતી. મનનું સામર્થ્ય અપાર છે, જ્યારે મનોબળ ભાવનાપૂર્વક કોઈ દિશામાં સંલગ્ન થઈ જાય છે ત્યારે સફળતાનાં સાધનો અનાયાસ મળતાં જાય છે. ખરાબ સંક્લ્પની પૂર્તિ માટે પણ જ્યારે સાધન મળી જાય છે તો શુભ સંકલ્પનું તો કહેવું જ શું ? ધર્મ અને સંસ્કૃતિનું જે વિશાળ ભવન માનવજાતિના માથા પર છત્રછાયા જેવું હાજર છે એનું કારણ ઋષિઓની સંકલ્પશક્તિ જ છે. સંકલ્પ આ વિશ્વની સૌથી પ્રચંડ શક્તિ છે. વિજ્ઞાનની શોધ દ્વારા અગણિત પ્રાકૃતિક શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરીને વશ કરી લેવાનું શ્રેય માનવીની સંકલ્પશક્તિને ફાળે જ જાય છે. શિક્ષણ, ચિકિત્સા, શિલ્પ, ઉદ્યોગ, સાહિત્ય, કલા, સંગીત વગેરે વિવિધ દિશાઓમાં જે પ્રગતિ આજે જોવા મળે છે એના મૂળમાં માનવીની સંકલ્પશક્તિ જ રહેલી છે. એને પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ કહી શકાય. આકાંક્ષાઓને મૂર્ત રૂપ આપવા માટે જ્યારે મનુષ્ય કોઈ ચોક્કસ દિશામાં અગ્રેસર થવા માટે દંઢ નિશ્ચય કરી લે છે તો એની સફળતા માટે કોઈ શંકા નથી રહેતી.
આજે પ્રત્યેક વિચારશીલ વ્યક્તિ એવો અનુભવ કરે છે કે માનવીય ચેતનામાં એ દુર્ગુણો ખૂબ પ્રમાણમાં વધી ગયા છે, જેને કારણે અશાંતિ અને અવ્યવસ્થા છવાઈ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તનની આવશ્યકતા અનિવાર્ય રૂપે અનુભવાય છે, પરંતુ આ કાર્ય ફક્ત આકાંક્ષા માત્રથી પૂરું નહીં થાય. એને માટે એક સુનિશ્ચિત દિશા નક્કી કરવી પડશે અને સક્રિય રૂપથી સંગઠિત કદમ ઉઠાવવાં પડશે. એ સિવાય આપણી ચાહના એક કલ્પના માત્ર બની રહેશે, યુગનિર્માણ સંકલ્પ એ દિશામાં એક સુનિશ્ચિત કદમ છે. આ ઘોષણાપત્રમાં બધી ભાવનાઓ ધર્મશાસ્ત્રની આદર્શ પરંપરાને અનુરૂપ વ્યવસ્થિત ઢંગથી સરળ ભાષામાં થોડાક શબ્દોમાં મૂકવામાં આવી છે. આ ઘોષણાપત્રને આપણે સારી રીતે સમજી એના પર મનન અને ચિંતન કરીએ તથા એવો નિશ્ચય કરીએ કે આપણું જીવન એ ઢાંચામાં ઢાળવું જોઈએ. બીજાઓને ઉપદેશ આપવાના બદલે આ સંકલ્પ-પત્રમાં આત્મનિર્માણ ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજાઓને કશુંક કરવાને માટે કહેવા કરતાં સૌથી વધારે પ્રભાવશાળી રીત એક જ છે કે આપણે પણ એવું કરવા લાગીએ. આપણું નિર્માણ જ યુગનિર્માણનું અત્યંત મહત્ત્વપૂર્ણ કદમ હોઈ શકે. ટીપું ટીપું જળ ભેગું થઈને જ સમુદ્ર બને છે. એક એક સારો મનુષ્ય મળીને જ સારો સમાજ બનશે.
યુગનિર્માણની ભાવનાઓનું આ સ્પષ્ટીકરણ અને વિવેચન વાચકો આ સીરીઝની આગલી પુસ્તિકાઓમાં વાંચશે. આ ભાવનાઓને ઊંડાણથી આપણા અંતઃકરણમાં જ્યારે આપણે ઉતારી લઈશું તો એનું સામૂહિક સ્વરૂપ એક યુગ આકાંક્ષાના રૂપમાં ૨જૂ થશે અને એની પૂર્તિ માટે અનેક દેવતા, અનેક મહામાનવ નરતનમાં નારાયણરૂપ ધારણ કરીને પ્રગટ થશે. યુગપરિવર્તન માટે જે અવતારની આવશ્યક્તા છે એ પહેલાં આકાંક્ષાના રૂપમાં જ અવતરિત થશે. આ અવતારનું સૂક્ષ્મ સ્વરૂપ આ યુગનિર્માણ સત્સંકલ્પ જ છે. એના મહત્ત્વનું મૂલ્યાંકન આપણે ગંભીરતાપૂર્વક કરવું જોઈએ. યુગનિર્માણ સત્સંકલ્પનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
“આપણો યુગનિર્માણ સત્સંકલ્પ‘
–અમે ઇશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને અમારા જીવનમાં ઉતારીશું.
–શરીરને ભગવાનનું મંદિર સમજીને આત્મસંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું.
–મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું.
—અમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું.
—ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરીશું.
–મર્યાદાઓનું પાલન કરીશું, વર્જનાઓથી બચીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બનીશું.
–સમજદારી, ઇમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ પેદા કરીશું.
-અનીતિ દ્વારા પ્રાપ્ત થયેલી સફળતાના બદલે નીતિ પર ચાલતાં મળેલી અસફળતાને શિરોધાર્ય કરીશું.
–મનુષ્યના મૂલ્યાંકનની કસોટી એની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓને નહીં, પરંતુ એના સદ્વિચારો અને સત્કર્મોને માનીશું.
—બીજાઓ સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે આપણને પોતાને માટે પસંદ ન હોય.
–સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રસાર માટે આપણો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપથી ખર્ચતા રહીશું.
–પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું.
–રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખીશું નહીં.
–‘મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે’ એ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું, તો યુગ અવશ્ય બદલાશે.
–“અમે બદલાઈશું તો યુગ બદલાશે”, “અમે સુધરીશું તો યુગ સુધરશે’’ આ તથ્ય પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે.
આ યુગનિર્માણ સત્સંકલ્પનો પાઠ દૈનિક ઉપાસના પહેલાં નિત્ય કરવો જોઈએ. પાઠ ધીમી ગતિથી, સમજીને, વિચાર કરીને કરવો જોઈએ. સત્સંકલ્પનો એક સાથે પાઠ કરી લીધા બાદ મનની ઇચ્છા પ્રમાણેના સૂત્રની વિસ્તૃત વિવેચનાનો સ્વાધ્યાય આપણા દૈનિક સ્વાધ્યાયનું અંગ બની જવો જોઈએ. મનુષ્યને દેવમાનવ બનાવવા સક્ષમ છે. એ માટે શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય, ચિંતન, મનન અને અનુશાસનની આવશ્યકતા છે.
પ્રતિભાવો