૨. સમાન જોડાં ખોળીએ : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 6, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય. એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
સમાન જોડાં ખોળીએ :
ગુણ, કર્મ અને સ્વભાવની દૃષ્ટિએ તથા શારીરિક અને માનસિક સમાનતાની દૃષ્ટિએ યોગ્ય હોય એવાં જોડાં ખોળવાં જોઈએ. મેળ વગરનાં લગ્નો દુઃખદાયક હોય છે. તરુણ તરુણીની અભિરુચિ અને આકાંક્ષાને ધ્યાનમાં રાખીને જીવનસાથીની પસંદગી કરવી જોઈએ. બહારના રૂપાળા દેખાવને બદલે તેમનામાં રહેલા ગુણોને મહત્ત્વ આપવું જોઈએ.
શ્રીમંત કુટુંબમાં જ કન્યા આપવાનો દૃષ્ટિકોણ છોડીને સંપૂર્ણ યોગ્ય લગ્નવાંચ્છુ યુવક શોધવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
ધનનું મહત્ત્વ પહેલાં પણ ઓછું હતું અને અત્યારે તો એનું મૂલ્ય, મહત્ત્વ અને સ્થાયિત્વ ઘણી બધી દષ્ટિએ સાવ ઓછું છે. શ્રીમંત કુટુંબના છોકરા કરતાં ગરીબ ઘરનો યોગ્ય યુવક બધી રીતે સારો હોય છે. કન્યાનું જીવન પરિવારની શ્રીમંતાઈના કારણે નહીં, પણ એના સુયોગ્ય જીવનસાથીના કારણે જ સુખમય થઈ શકે છે. એટલા માટે જ યુવકની પ્રતિભા અને સજ્જનતા પ્રત્યે વિશેષ ધ્યાન આપવું ઘટે, નહિ કે એની શ્રીમંતાઈ તરફ. છોકરીની યોગ્યતાને અનુલક્ષીને યુવક શોધવો જરૂરી છે. ધનના પ્રલોભનથી અયોગ્ય કન્યાઓનો સુયોગ્ય યુવકોની સાથે સંબંધ બાંધવામાં કદાચ સફ્ળતા મળે તો પણ એવાં જોડાં ઓછાં સુખી થતાં હોય છે.
બની શકે તો સગાઈ નક્કી કરતા પહેલાં વરકન્યાને એકબીજા વિષે પૂરી માહિતી આપવી જોઈએ. પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે એમની સંમતિ લેવી જોઈએ. એમની ઈચ્છા વિરુદ્ધ સગાઈ કદી પણ નક્કી કરવી જોઈએ નહિ. દહેજ વગેરેની મુશ્કેલીઓના કારણે કેટલીકવાર છોકરીઓની ઉમર મોટી થઈ જાય છે અને યોગ્ય વર મળતા નથી. એવી સ્થિતિમાં મોટી ઉંમરનો વર પસંદ કરી લેવાય છે. કેટલીકવાર તો એ પ્રૌઢ ઉમરનો હોય છે. આવા સંબંધો હંમેશાં નિંદનીય છે.
વિધુર વ્યક્તિઓનાં લગ્ન જો જરૂરી હોય તો વિધવાઓ સાથે થવાં જોઈએ. જે નિયમ સ્ત્રી માટે છે એ પુરુષ માટે પણ હોવો જોઈએ. વિધવા અને વિધુરોની નૈતિક, ધાર્મિક અને સામાજિક સ્થિતિ લગભગ સરખી હોય છે. પ્રતિબંધ અને સુવિધા બન્નેને (સ્ત્રી અને પુરુષને) સરખાં મળવાં જોઈએ. જો વિધવા સ્ત્રી માટે પુનર્લગ્ન અનુચિત માનીએ તો એ નિયમ વિધુરોને પણ લાગુ પડે છે. જો વિધુરોને બીજું લગ્ન કરવાની છૂટ હોય તો એવી છૂટ વિધવાઓ માટે પણ રાખવી જોઈએ. ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ. બંધન પણ બધા માટે સરખાં હોવાં જેઈએ. નારી દુર્બળ છે, અસહાય અને પરાધીન છે એટલા માટે એના ઉપર પ્રતિબંધ લાદવામાં આવે અને પુરુષ સમર્થ છે, એટલા માટે એને વિશેષ સુવિધા મળે એ કોઈપણ રીતે ન્યાયી નથી.
પ્રતિભાવો