શક્તિની આવશ્યકતા | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 6, 2022 Leave a comment
શક્તિની આવશ્યકતા
જીવન એક પ્રકારનો સંગ્રામ છે. એમાં ક્ષણે ક્ષણે વિપરીત પરિસ્થિતિઓ તથા મુશ્કેલીઓ સામે લડવું પડે છે. મનુષ્ય અસંખ્ય વિરોધી તત્ત્વોને પાર કરીને પોતાની યાત્રા ચાલુ રાખવાની હોય છે. જ્યાં જોઈએ ત્યાં શત્રુઓથી જીવન ઘેરાયેલું લાગશે “દુર્બળ, સબળોનો આહાર છે.” આ એક એવું કડવું સત્ય છે, જેનો લાચારીથી સ્વીકાર કરવો જ પડે છે. નાની માછલીને મોટી માછલી ગળી જાય છે. મોટાં વૃક્ષો પોતાનું પેટ ભરવા માટે આસપાસના અસંખ્ય નાના નાના છોડવાઓનો ખોરાક ઝાપટી જાય છે અને એ નાના છોડવા મૃત્યુના મુખમાં ચાલ્યા જાય છે. નાનાં જીવજંતુઓને ચકલીઓ ખાઈ જાય છે અને એ ચકલીઓને બાજ આદિ મોટાં પક્ષીઓ મારી ખાય છે. ગરીબ અમીર દ્વારા તથા દુર્બળ બળવાન દ્વારા હેરાન થાય છે. આ બધી વાતો પર વિચાર કરતાં આપણે એ નિર્ણય પર પહોંચીએ છીએ કે સબળોનો શિકાર થવાથી, એમના દ્વારા નષ્ટ થવાથી આપણે પોતાનો બચાવ કરવાનો છે ને આપણી દુર્બળતાને હઠાવી ઓછામાં ઓછી એટલી શક્તિ તો એકઠી કરવી જ જોઈએ, જેથી કોઈ આપણને નષ્ટ ન કરી નાખે.
રોગોનાં કીટાણુ એટલાં સૂક્ષ્મ હોય છે કે તે નરી આંખે દેખાતાં નથી. તેઓ આપણા સ્વાસ્થ્યનો નાશ કરી નાખવા અને મારી નાખવા માટે છાના છાના પ્રયત્ન કરતાં રહે છે. આપણા શરીરમાં એમને સહેજ પણ જગ્યા મળી જાય તો બહુ તીવ્ર ગતિથી એ આપણને બીમારી અને મૃત્યુ તરફ ખેંચી જાય છે. નાનકડો મચ્છર મેલેરિયાનો ઉપહાર લઈને પાછળપાછળ ફર્યા કરે છે, માખીઓ મરડાની ભેટ લઈને તૈયાર ઊભી હોય છે. બિલાડી ઘરમાં ખાવાપીવાની વસ્તુઓનો બગાડ કરવા, ઉંદર કપડાં કાતરી નાખવા તથા વાનર વાસણ ઉઠાવી જવા તૈયાર બેઠાં હોય છે. બજારમાં નીકળો તો દુકાનદાર ખરાબ માલ આપવા, ઓછું વજન કરવા, બમણા પૈસા વસૂલ કરવા ટાંપીને બેઠાં હોય છે. ગઠિયાઓ, ઠગ, ચોર, ઉઠાઉગીરો મોકો શોધી રહ્યા હોય છે. ઢોંગી, માફિયાઓ પોતાની જાળ અલગ જ રીતે બિછાવે છે. ચોર, ગુંડા, દુષ્ટ, અકારણ દ્વેષ રાખે છે, દુશ્મનાવટ બાંધે છે અને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. સગાસંબંધી પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે આપણું હિત કે અહિત કરતા રહે છે.
ચારે તરફથી મોરચો મંડાયેલો છે. જો આપ સાવધાન નહીં રહો, સજાગ નહીં રહો, પોતાને બળવાન સાબિત નહીં કરો, તો ચારેકોરથી એટલાં પ્રહાર થવા લાગશે કે એનાથી બચવાનું મુશ્કેલ બની જશે. આવી દશામાં પ્રગતિ કરવી, આનંદ પ્રાપ્ત કરવો તો દૂર રહ્યો, પણ શોષણ, અપહરણ, ઘાત અને મૃત્યુથી બચવાનું મુશ્કેલ બની જશે. આથી સાંસારિક જીવનમાં પ્રવેશ કરતાં એ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે કેવળ સજાગ અને બળવાન વ્યક્તિ જ આ દુનિયામાં આનંદમય જીવનની અધિકારી છે. જે નિર્બળ, આળસુ અને બેપરવા સ્વભાવના છે તેમનું કોઈ ને કોઈ રીતે બીજા દ્વારા શોષણ થશે અને તેઓ આનંદથી વંચિત થશે. જેમને પોતાના સ્વાભાવિક અધિકારોની રક્ષા કરતાં કરતાં પ્રતિષ્ઠાપૂર્વક જીવવાની ઇચ્છા છે તેમણે પોતાના દુશ્મનોથી સજાગ રહેવું પડશે, એમનાથી બચવા બળ એકઠું કરવું પડશે.
જ્યાં સુધી આપ પોતાની યોગ્યતા પ્રગટ નહીં કરો ત્યાં સુધી લોકો અકારણ જ તમારા રસ્તામાં પથરા નાખશે, પરંતુ જ્યારે એમને ખબર પડી જશે કે તમે શક્તિસંપન્ન છો, તો જેઓ અકારણ દુશ્મનાવટ કરતા હતા તેઓ જ અકારણ મિત્રતા કરશે. બીમાર માટે પૌષ્ટિક ભોજન ઝેર જેવું બની જાય છે, પરંતુ સ્વસ્થ મનુષ્યને એ બળ આપે છે. જે સિંહ રસ્તે ચાલતા સીધાસાદા લોકોને મારીને ખાઈ જાય છે એ જ સિંહ સરકસના રિંગમાસ્ટર સામે પૂંછડી હલાવે છે અને એમની આજ્ઞાનું પાલન કરીને બહુ મોટી આવક મેળવવાનું સાધન બની જાય છે.
સારા સ્વાસ્થ્યવાળાને બળવાન કહે છે, પરંતુ આજના યુગમાં આ પરિભાષા અધૂરી છે. શરીરબળ, ધનબળ, બુદ્ધિબળ, પ્રતિષ્ઠાનું બળ, સાથીઓનું બળ, સાહસનું બળ એ બધું મળીને પૂર્ણ બળ બને છે. આજના યુગમાં બળવાન એ છે કે જેની પાસે ઉપરનાં છ બળોમાંથી કેટલાંક બળ હોય. તમે તમારા શરીરને બળવાન બનાવો, પરંતુ સાથે સાથે અન્ય પાંચ બળોને પણ એકત્ર કરો, કોઈની સાથે અન્યાય કરવામાં આ બળોનો ઉપયોગ કરો એવું અમારું કહેવું નથી, પરંતુ જ્યારે તમને અકારણ હેરાન કરવામાં આવી રહ્યા હોય ત્યારે આત્મરક્ષા માટે યથોચિત રીતે એનો પ્રયોગ કરો, જેથી શત્રુઓને દુ:સાહસ ન કરવાનો પાઠ શીખવા મળે. બળવાન બનવું પુણ્યનું કામ છે, કેમ કે એનાંથી દુષ્ટ લોકોની કુવૃત્તિઓ પર અંકુશ મુકાય છે અને બીજા કેટલાય દુર્બળોની રક્ષા થાય છે.
પ્રતિભાવો