બ્રહ્મજ્ઞાન અને આસ્તિકતા | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાન અને આસ્તિકતા

બ્રહ્મજ્ઞાનનું પહેલું લક્ષણ સાચી આસ્તિકતા છે. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, એ સત્યને અનેક લોકો જાણે તો છે, પણ એને માનતા નથી. વ્યવહારમાં લાવતા નથી. જે પરમાત્માને સર્વવ્યાપી ઘટ – ઘટવાસી માનશે, એનું જીવન એ જ ક્ષણે પૂર્ણ પવિત્ર, નિષ્પાપ અને માનસિક વિકાર – પાપરહિત થઈ જશે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મારે શરણે આવે છે, જે મને અનન્ય ભાવથી ભજે છે, તે તરત જ પાપોમાંથી છૂટી જાય છે, નિઃસંદેહ વાત એવી જ છે. ભગવાનના શરણે જનાર, એમના પર સાચો વિશ્વાસ ધરાવનાર, એમનામાં પૂર્ણ આસ્થા રાખનાર, એક રીતે જીવનમુક્ત જ બની જાય છે. ઈશ્વરમાં વિશ્વાસ અને સાચું જીવન એ એક જ વસ્તુનાં બે નામો છે. જે ભગવાનનો ભક્ત છે, જેણે સર્વસ્વ ત્યાગીને પ્રભુનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું છે, જે પરમાત્માની ઉપાસના કરે છે, એને જગત્પિતાની સર્વવ્યાપકતા ઉપર આસ્થા જરૂર હોવી જોઈએ. જો એ વિશ્વાસ દૃઢ થઈ જાય કે ભગવાન કણકણમાં સમાયેલા છે, સર્વત્ર મોજૂદ છે, તો પાપકર્મ કરવાનું સાહસ થઈ શકે નહિ. એવો કયો ચોર હોય છે જે સાવધાન ઊભેલી સશસ્ત્ર પોલીસ સામે ચોરી કરવાનું સાહસ કરે ?


ચોરી, વ્યભિચાર, ઠગાઈ, ધૂર્તતા, દંભ, અસત્ય, હિંસા વગેરે માટે આડશ, પડદો કે કપટની જરૂર પડે છે. જ્યાં તક મળે છે, એ ખરાબ કાર્યોને પકડનાર કોઈ નથી હોતું, ત્યાં જ એ થઈ શકે છે. જયાં ધૂર્તતાને બરાબર સમજનાર, જોનાર અને પકડનાર માણસોની મજબૂત શક્તિ સામે ઊભી હોય છે, ત્યાં પાપકર્મો થવાનો સંભવ નથી. એ જ રીતે જે આ વાત પર સાચા મનથી વિશ્વાસ કરે છે કે પરમાત્મા બધી જગ્યાએ મોજૂદ છે, તે કોઈ પણ દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકતો નથી. ખરાબ કામ કરનાર પહેલાં બરાબર એ જોઈ લે છે કે મને જોનાર કે પકડનાર તો અહીં કોઈ નથી. જ્યારે તે સારી રીતે વિશ્વાસ કરી લે કે એનું પાપકર્મ કોઈની નજરમાં કે પકડમાં નથી આવી રહ્યું ત્યારે જ તે પોતાનું કામ હાથ ધરે છે. આ રીતે જે વ્યક્તિ પોતાને પરમાત્માની દૃષ્ટિ અથવા પકડની બહાર માને છે, તે જ દુષ્કર્મ કરવા પ્રવૃત્ત બની શકે છે. પાપકર્મ કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે તે વ્યક્તિ ઈશ્વરને માનવાનો દંભ ભલે કરતો હોય, પરંતુ વાસ્તવમાં તે પરમાત્માના અસ્તિત્વનો ઇન્કાર કરે છે.

પરમાત્મા અહીં મોજૂદ છે, એ વાત પર એને ભરોસો નથી. જો વિશ્વાસ હોય તો આવા મોટા હાકેમ સામે કેવી રીતે એના કાનૂનોને તોડવાનું સાહસ કરે ? જે વ્યક્તિ પોલીસના ચપરાસીને જોઈને થરથર કાંપતી હોય તેઓ એવા દુસ્સાહસી ન થઈ શકે કે પરમાત્મા જેવા સૃષ્ટિના સર્વોચ્ચ અમલદારની આંખો સામે ન કરવાનાં કામ કરે, એના કાનૂનને તોડે, એને ગુસ્સે કરે, એનું અપમાન કરે. એવું દુસ્સાહસ તો ફક્ત તે જ કરી શકે જે પરમાત્માને કહેવા – સાંભળવાની ચીજ માત્ર માનતો હોય અને તે પોથી – પુસ્તકોમાં મંદિર – મઠોમાં, નદી – તળાવોમાં અથવા સ્વર્ગ નરકમાં ભલે રહેતો હોય, પણ દરેક જગ્યાએ તે નથી. એની દૃષ્ટિ અને પકડથી હું બહાર છું એમ સમજતો હોય. જે લોકો પરમાત્માની સર્વવ્યાપકતા ઉપર વિશ્વાસ કરતા નથી, તેઓ જ નાસ્તિક છે. જે પ્રકટ કે અપ્રકટ રૂપે દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકે છે.


તે જ નાસ્તિક છે. આ નાસ્તિકોમાંના કેટલાક તો ભજન – પૂજન બિલકુલ નથી કરતા, કેટલાક કરે છે. જે નથી કરતા તેઓ વિચારે છે કે વ્યર્થ ઝંઝટમાં પડીને એમાં સમય બગાડવાથી શું ફાયદો ? જે ભજન – પૂજા કરે છે એ અંદરથી તો ન કરનાર જેવા જ હોય છે, પરંતુ વ્યાપારી – બુદ્ધિથી રોજગારના રૂપમાં ઈશ્વરનો અંચળો ઓઢી લે છે. કેટલાક માણસો ઈશ્વરના નામે પોતાની આજીવિકા ચલાવે છે. આપણા દેશમાં લગભગ ૫૬ લાખ જેટલા માણસો એવા છે જેમની કમાણી, ધંધો, રોજગાર ઈશ્વરના નામે છે. જો તેઓ પોતે ઈશ્વરને નથી માનતા એવું પ્રકટ કરે તો એ જ દિવસે એમને એશઆરામ આપનારી, મહેનત વિનાની કમાણી હાથમાંથી જતી રહેશે. તેથી તેમને જેમ ઠંડીથી બચવા માટે ગરમી આપનાર કામળો ઓઢી રાખવો પડે છે, તેમ ઈશ્વરને ઓઢી રાખવા પડે છે. જેવી જરૂરિયાત પૂરી થાય કે એ કામળાને એક ખૂણામાં ફેંકી દે છે. આ વેપારી લોકો જનતા સામે પોતાની ઈશ્વરભક્તિનો ભારે  દેખાવ કરે છે, કારણ કે જેટલો મોટો દેખાવ કરી શકે એટલી જ વધારે કમાણી થાય. વ્યાપારી – ઉદ્દેશ પૂરો થતાં જ તેઓ પોતાના અસલી રૂપમાં આવી જાય છે. એકાંતમાં ખુલ્લી રીતે પાપોથી ભરપૂર રમત રમતાં એમને જરાય ખચકાટ થતો નથી. ત્રીજા પ્રકારના કેટલાક નાસ્તિકો છે, જેઓ પ્રત્યક્ષ રીતે ઈશ્વરના નામે રોજી ચલાવતા નથી, પરંતુ એના નામે કંઈક ખર્ચ કરે છે. અવારનવાર ઈશ્વરનો આડંબર તેઓ રચ્યા કરે છે. શરીર ઉપર ઈશ્વરભક્તિનાં ચિહ્નો ધારણ કરી રાખે છે, ઘરમાં ઈશ્વરનાં પ્રતીકો મોજૂદ હોય છે, ઈશ્વરના નિમિત્તે કહેવાતા કર્મકાંડોનું આયોજન થતું રહે છે. ઈશ્વરભક્ત, કહેવડાવનારાઓનાં સ્વાગત-સત્કાર, ભેટો, પૂજા વગેરે થતું રહે છે. આ બધું એટલાં માટે થાય છે કે લોકો એમના વિશે સારા ખ્યાલ રાખે, એમનો આદર કરે, એમને ધર્માત્મા સમજે. એમના જીવનભરનાં કુકર્મોને ઉઘાડાં ન પાડે અને આજે પણ જે એમનાં દુષ્કર્મો ચાલી રહ્યાં છે તે છૂપાં રહે.


ચોથા પ્રકારના નાસ્તિકો એ છે જે પાપ છુપાવવા કે ધન કમાવા માટે નહિ, પણ પોતાને પૂજાવવા માટે, યશ અને શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરભક્ત બને છે. એના માટે થોડો ત્યાગ અને કષ્ટ પણ વેઠે છે, પરંતુ અંદરથી એમને પ્રભુની સર્વવ્યાપકતા ઉપર આસ્થા નથી હોતી. કેટલાક લાંચ રૂપે ઈશ્વરભક્તિને સાધે છે, અમુક ભોગ – ઐશ્વર્યની લાલસા એમને આ માર્ગ તરફ લઈ જાય છે. જે રીતે આજકાલ લાંચિયા અમલદારોને મોટી રકમ પકડાવીને લોકો ઇચ્છા મુજબનું કામ કરાવી લે છે અને થેલી ખર્ચ કરી થેલો ભરવામાં સફળ થઈ જાય છે. કેટલાક લોકો કહેવાતી રિદ્ધિ-સિદ્ધિઓ અને કોણ જાણે કેટકેટલા અપ્રત્યક્ષ વૈભવોના મનસૂબા બાંધી એને પ્રાપ્ત કરવાની ચિંતામાં ઈશ્વરના દરવાજા ખખડાવતા રહે છે. આમ પ્રત્યક્ષ ઈશ્વરભક્ત દેખાતા મનુષ્યોમાં અસંખ્ય એવા છે, જેમની અંદરની મનોભૂમિ પરમાત્માથી માઇલો દૂર છે. એમનું વ્યક્તિગત આંતરિક જીવન, સાંસારિક આચરણ, એવા નથી હોતાં કે જેનાથી એવી પ્રતીતિ થઈ શકે કે ઈશ્વરને હાજરાહજૂર સમજીને તેઓ પોતાને બુરાઈઓથી બચાવે છે. આવા લોકોને આસ્તિક કેવી રીતે કહેવાય ? જે માણસ પાપોમાં જેટલો લપેટાયો છે, જેનું વ્યક્તિગત જીવન જેટલું દૂષિત છે, તે તેટલો જ નાસ્તિક છે. લોકોને છેતરીને સ્વાર્થ સાધવો, છળ, પ્રપંચ, માયા, દંભ, અત્યાચાર, કપટ અને ધૂર્તતાથી બીજા અધિકારો પડાવી લઈ સ્વયં સંપન્ન બનવું તે નાસ્તિકતાનું સ્પષ્ટ પ્રમાણ છે. જે પાપ કરવાનું દુસ્સાહસ કરે છે તે આસ્તિક ન હોઈ શકે, ભલેને તે આસ્તિકતાનું ગમે તેટલું પ્રદર્શન કરતો હોય !


ઇશ્વરભક્તિનો જેટલો અંશ જેનામાં હશે તે તેટલા જ દઢ વિશ્વાસપૂર્વક ઈશ્વરની સર્વવ્યાપકતાનો વિશ્વાસ કરશે, બધામાં ઈશ્વરને સમાયેલો જોશે. આસ્તિકતાનો દૃષ્ટિકોણ આવતાં જ મનુષ્ય અંદર અને બહારથી નિષ્પાપ થવા લાગશે. પોતાના પ્રિયતમને ઘટઘટમાં બેઠેલો જેઈ તે બધાંની સાથે નમ્રતા, મધુરતા, સ્નેહ, આદર, સેવા, સરળતા, શુદ્ધતા અને નિષ્કપટતાભર્યો વ્યવહાર કરે છે. ભક્ત પોતાના ભગવાન માટે વ્રત, ઉપવાસ, તપ, તીર્થયાત્રા વગેરે દ્વારા સ્વયં કષ્ટ વેઠે છે અને પોતાના પ્રાણપ્રિયને માટે નૈવેધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, ભોગ, પ્રસાદ વગેરે કંઈ ને કંઈ અર્પણ કર્યા જ કરે છે. “સ્વયં કષ્ટ સહીને ભગવાનને કંઈક સમર્પણ કરવું” એ પૂજાની બધી જ વિધિ – વ્યવસ્થાઓનું તથ્ય છે. ભગવાનને ઘટઘટમાં રહેનારો માનનાર ભક્ત પોતાની પૂજાવિધિને આ આધાર પર પોતાના વ્યાવહારિક જીવનમાં ઉતારે છે. તેઓ પોતાના સ્વાર્થની પરવા કરતા નથી, પોતાને કોઈ કષ્ટ ઉઠાવવા પડે તે ઉઠાવે છે, પરંતુ જનતા જનાર્દનને – નરનારાયણને અધિક સુખી બનાવવામાં આસક્ત રહે છે. લોકસેવાનું વ્રત લઈને ઘટઘટવાસી પરમાત્માની વ્યાવહારિક રૂપે પૂજા કરે છે. આવા ભક્તોનો જીવન વ્યવહાર નિર્મળ, પવિત્ર, મધુર અને ઉદાર હોય છે. આસ્તિકતાનું આ જ તો પ્રત્યક્ષ લક્ષણ છે. પૂજાનાં સમસ્ત કર્મકાંડ એટલાં માટે છે કે મનુષ્ય પરમાત્માને સ્મરણમાં રાખે, એના અસ્તિત્વને ચોપાસ જુએ અને મનુષ્યોચિત કર્મ કરે. પૂજા, અર્ચના, વંદના, કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, તીર્થ વગેરેનું પ્રયોજન મનુષ્યની એ ચેતનાને જાગ્રત કરવાનું છે કે પરમાત્માની નિકટતાનું સ્મરણ રહે, ઈશ્વરના પ્રેમ અને શ્રદ્ધા દ્વારા લોકસેવાનું વ્રત રાખે અને ઈશ્વરના ક્રોધથી ડરીને પાપોથી દૂર રહે. જે પૂજા – ઉપાસનાથી એ ઉદેશ સિદ્ધ ન થતો હોય, તે વ્યર્થ છે. જે કોઈ ઉપાયથી “ પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું ” નો ભાવ જાગી ઊઠે તે ઉપાય ઈશ્વરભક્તિની સાધના જ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: