૩. ન્યાયનું હનન થવું ન જોઈએ : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 7, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
ન્યાયનું હનન થવું ન જોઈએ :
ન્યાયનું ત્રાજવું બધા માટે સરખું હોવું જોઈએ. નર અને નારી ઈશ્વરના બે હાથ છે. કહો કે બે આંખો પણ છે. પરમાત્માએ એ બન્નેને સરખાં સર્જ્યો છે. સમાન અધિકાર પણ આપ્યા છે. નર અને નારી વચ્ચે જે લિંગભેદ છે એનો અર્થ એ છે કે એમનામાં રહેલી અપૂર્ણતા બન્નેના મિલનથી સંપૂર્ણ પૂર્ણતામાં પરિણમે છે. આ ઈશ્વરની એક કલાત્મક વ્યવસ્થા છે. એનાથી એમના સામાજિક અને માનવીય અધિકારોમાં કોઈ ફર્ક પડતો નથી. લગ્ન નક્કી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે બેમાંથી કોઈને પણ અન્યાય તો નથી થતો ને જેની પત્ની નાનાં બાળકોને મૂકીને મૃત્યુ પામી હોય એવા મોટી ઉંમરના પુરુષે જો લગ્ન કરવાં આવશ્યક જ હોય તો પોતાને અનુકૂળ . અને ઉંમરમાં સરખી વિધવા સ્ત્રી ખોળવી જોઈએ. નિસંતાન વિધુર નિસંતાન વિધવા સાથે અને બાળકો વાળા વિધુર બાળકવાળી વિધવા સાથે જો લગ્ન કરે તો તે વધુ ન્યાયસંગત ગણાય. જો પુરુષનાં સંતાનોને બીજી પત્ની ઉછેરી શકતી હોય તો બાળકવાળી વિધવાનાં બાળકોનું લાલનપાલન એનો બીજો પતિ કેમ ન કરી શકે ?
વિશેષ અધિકાર ભોગવવાનું બધાને ગમે છે. વિશેષ સુવિધાઓ જેને મળી છે તેને એ છોડવી ગમતી નથી. આ જ વાત વિધુર પુરુષોના લગ્ન સંબંધમાં પણ લાગુ પડે છે. સામાન્ય રીતે એવા પુરુષો પણ કુમારિકા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ ન્યાય સંગત નથી. પુરુષ ઉંમરમાં મોટો હોય તો પત્ની વહેલી વિધવા બને એ જોખમ પણ સ્પષ્ટ છે. પરિણામે એમનાં નાનાં બાળકોને આ દુ:ખ ભોગવવું પડે છે. અત્યારના સંજોગોમાં વૈધવ્ય કેટલું કષ્ટપ્રદ હોય છે એ કોણ નથી જાણતું ? કોઈ પુરુષ પોતાના સુખ માટે પોતાની ભાવિ પત્નીને વૈધવ્યની આગમાં નાખવાનું કામ કરે અને એને અનાથ બનાવવાનું કાર્ય કરે એ કોઈપણ રીતે યોગ્ય નથી. એવું અન્યાયપૂર્ણ દામ્પત્યજીવન ક્યારેય સુખશાન્તિવાળું ન બની શકે. એવાં દંપતીને જોવાથી એનું પ્રત્યક્ષ પરિણામ આપણે નિહાળી શકીએ છીએ. આવી સ્થિતિમાં સ્ત્રી હંમેશાં એ વિચારે દુ:ખી થતી હોય છે કે એની સાથે હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. આ અત્યાચારને ભલે એ લાચારીથી સહન કરે, પણ એના મનમાં તો પ્રતિહિંસાની આગ સળગતી રહે છે. પરિણામે સાચી વાત એ છે કે એવાં લગ્નો કદી પણ સફ્ળ થતાં નથી.
પ્રતિભાવો