શક્તિ વિના મુક્તિ નથી | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 7, 2022 Leave a comment
શક્તિ વિના મુક્તિ નથી
એક મહાત્માએ કહ્યું છે કે ‘ સત્ય જ શક્તિ છે, એટલે શક્તિ જ સત્ય છે ‘ અવિદ્યા, અંધકાર અને અનાચારનો સત્યના પ્રકાશ દ્વારા જ નાશ થઈ શકે છે. શક્તિની વિધુતધારામાં જ એ શક્તિ છે કે જે મૃત વ્યક્તિ કે સમાજની નસોમાં પ્રાણનો સંચાર કરે અને તેને સશક્ત તેમ જ સતેજ બનાવે. શક્તિ એક તત્ત્વ છે, જેનું આહ્વાન કરીને જીવનના વિભિન્ન વિભાગોમાં તેને ભરી શકાય છે અને એ જ અંગમાં તેજ તેમ જ સૌંદર્યનાં દર્શન કરી શકાય છે. શરીરમાં શક્તિનો આવિર્ભાવ થાય ત્યારે દેહ શુદ્ધ સુવર્ણ જેવો ચમકદાર, હથોડા જેવો ઘડેલો, ચંદન જેવો સુગંધિત તેમજ અષ્ટધાતુ જેવો નીરોગી બની જાય છે. બળવાન શરીરનું સૌદર્ય જોયા જ કરીએ એવું હોય છે.
મનમાં શક્તિનો ઉદય થવાથી સામાન્ય મનુષ્ય પણ કોલંબસ, લેનિન, ગાંધી, સનયાતસેન જેવી વ્યક્તિ બની જાય છે અને ઈસુ, બુદ્ધ, રામ, કૃષ્ણ તથા મહંમદ જેવાં અસાધારણ કાર્ય પોતાના મામૂલી શરીર દ્વારા જ કરી દેખાડે છે. બૌદ્ધિક બળની થોડી પણ ચિનગારીઓ મોટાં મોટાં તત્ત્વજ્ઞાનોની રચના કરે છે અને વર્તમાન યુગની અનેક વૈજ્ઞાનિક શોધખોળોની ચમત્કારિક વસ્તુઓનું નિર્માણ કરી નાખે છે. વધુ બળનો થોડો અમથો પ્રસાદ આપણી આસપાસ ઝગમગાટ ઉત્પન્ન કરી દે છે. જે સુખ – સાધનોની સ્વર્ગલોકમાં હોવાની કલ્પના કરવામાં આવી છે તે પૈસાના બળે આ લોકમાં પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. સંગઠનબળ તો ગજબની ચીજ છે. “એક અને એક મળીને અગિયાર’ થઈ જવાની કહેવત સાવ સાચી છે. બે વ્યક્તિ જો સાચા મનથી મળી જાય તો એમની શક્તિ અગિયાર ગણી થઈ જાય છે. સાચા કર્મવીરો થોડી સંખ્યામાં પણ સાથે મળીને કામ કરે તો તેઓ આશ્ચર્યજનક કામ કરી શકે છે. કળિયુગમાં તો સંઘને જ શક્તિ કહેવામાં આવી છે. જૂથબંધી, દળબંધી, એકતા તથા સંગઠન એક જાદુ છે, જેના દ્વારા સંબંધિત બધી વ્યક્તિઓ એકબીજાને કંઈક આપે છે અને એ આદાનપ્રદાનથી એમના પૈકી પ્રત્યેકને બળ મળે છે.
આત્માની મુક્તિ પણ જ્ઞાનશક્તિ તેમ જ સાધનશક્તિથી જ થાય છે. અકર્મણ્ય અને નિર્બળ મનવાળી વ્યક્તિ આત્મોદ્ધાર નથી કરી શકતી અને નથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતી. લૌકિક અને પારલૌકિક સર્વ પ્રકારનાં દુ:ખ – દ્વંદ્વોથી છુટકારો મેળવવા માટે શક્તિની જ ઉપાસના કરવી પડશે. શક્તિ વિના મુક્તિ મળી શકતી નથી. અસશક્ત મનુષ્યો દુ:ખ દ્વંદ્વોમાં જ પડ્યા પડ્યા તરફડતા રહેશે અને ક્યારેક ભાગ્યને, ક્યારેક ઈશ્વરને તો ક્યારેક દુનિયાને દોષ દેતા રહેશે. જે વ્યક્તિ કોઈ પણ દશામાં મહત્ત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે ઈચ્છિત માર્ગ માટે શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ.
સાચી લગન તથા નિરંતર પ્રયત્ન એ બે મહાન સાધનાઓ છે, જેનાથી ભગવતી શક્તિને પ્રસન્ન કરી એમની પાસેથી ઈચ્છિત વરદાન મેળવી શકાય છે. તમે પોતાનો જે કંઈ કાર્યક્રમ બનાવ્યો હોય, પણ જીવન ઉદ્દેશ્ય રાખ્યો હોય એ પૂરો કરવામાં પૂરા ખંતથી લાગી જાઓ. સૂતાં – જાગતાં એ વિશે જ વિચાર કરતા રહો અને આગળનો રસ્તો શોધતા રહો. પરિશ્રમ ! પરિશ્રમ !! ઘોર પરિશ્રમ તમારી આદતમાં ભળેલો હોવો જોઈએ. એમ ન વિચારો કે વધુ કામ કરવાથી તમે થાકી જશો. વાસ્તવમાં પરિશ્રમ એક સ્વયંચાલક શક્તિ છે, જે પોતાની વધતી ગતિ પ્રમાણે કાર્યક્ષમતા ઉત્પન્ન કરી લે છે. ઉદાસ, આળસુ અને નકામી વ્યક્તિ બે કલાક કામ કરીને એક પર્વત ચઢી – ઊતરી હોય એટલા થાકનો અનુભવ કરે છે, પરંતુ ઉત્સાહી, ઉદ્યમી અને પોતાના કામમાં રસ લેનાર વ્યક્તિ સૂવાના સમયને બાદ કરતાં બાકીના સમયમાં કાર્યરત રહે છે અને જરા પણ થાકતી નથી. સાચી લગન, રસ, રુચિ અને ઝુકાવ એક પ્રકારનો ડાયનેમો છે, જે કામ કરવા માટે ક્ષમતા જેટલી વિદ્યુત હરઘડી ઉત્પન્ન કરતો રહે છે.
યાદ રાખો કે તમારો કોઈ પણ મનોરથ શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. અહીંતહીં ફાંફાં મારવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થાય નહીં, બીજાના ભરોસે કાર્યની શરૂઆત કરવાથી તો નિરાશા જ મળે છે. પોતાના પ્રિય વિષયમાં સફળ થવા માટે ખડે પગે થઈ જાઓ, એમાં ખરી લગન અને રસ પેદા કરો તેમ જ મશીનની જેમ તનતોડ પરિશ્રમ સાથે કામમાં લાગી જાઓ. અધીરા ન થાઓ, શક્તિની દેવી તમારા સાહસની વારંવાર પરીક્ષા લેશે, વારંવાર અસફળતા અને નિરાશાના અગ્નિમાં તપાવશે અને અસલી – નક્લીની ખાતરી કરશે. જો તમે કષ્ટ, મુશ્કેલી, અસફળતા, નિરાશા, વિલંબ વગેરે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થશો, તો એ પ્રસન્ન થઈને પ્રગટ થશે અને ઈચ્છિત વરદાન કરતાં અનેકગણું વધુ ફળ પ્રદાન કરશે.
એકવાર, બેવાર નહીં, હજાર વખત એ વાતને ગાંઠે બાંધી લો કે ‘શક્તિ વિના મુક્તિ નથી.’ દુ:ખ દારિદ્રની ગુલામીમાંથી શક્તિ પેદા કર્યા વિના કદાપિ છુટકારો થતો નથી. તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો ઊઠો, શક્તિ વધારો, બળવાન બનો. પોતાની અંદર લગન, કર્મઠતા અને આત્મવિશ્વાસ પેદા કરો. જયારે તમે તમારી સહાયતા સ્વયં કરશો, તો ઈશ્વર પણ તમારી સહાયતા કરવા દોડતો દોડતો આવશે.
પ્રતિભાવો