શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું
June 7, 2022 Leave a comment
શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું
આસ્તિકતા અને કર્તવ્યપરાયણતાની સવૃત્તિનો પ્રભાવ પહેલાં પોતાના સૌથી સમીપવર્તી સ્વજન પર પડવો જોઈએ. આપણો સૌથી નજીકનો સંબંધી આપણું શરીર છે. એની સાથે સર્વ્યવહાર કરવો, એને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું અતિ આવશ્યક છે. શરીરને નશ્વર કહી એની ઉપેક્ષા કરવી કે એની જ સજ-ધજ કરવામાં બધી શક્તિ ખર્ચ કરી દેવી, બંને રીતે અકલ્યાણકારી છે. આપણે સંતુલનનો માર્ગ અપનાવવો જોઈએ.
આપણો સદા સહાયક સેવક શરીર છે. એ ચોવીસે કલાક સૂતાં જાગતાં આપણા માટે કામ કરતું રહે છે. એ જે પણ સ્થિતિમાં હોય, પોતાના સામર્થ્યથી આજ્ઞાપાલન માટે તત્પર રહે છે. સુવિધા સાધનોના ઉપાર્જનમાં એનો જ પુરુષાર્થ કામ આવે છે. એટલું જ નહિ, એની પાંચ જ્ઞાનેન્દ્રિયો ફક્ત જ્ઞાનવૃદ્ધિ કરવાની જ જવાબદારી ઉઠાવતી નથી, પરંતુ સમય-સમય પર પોત-પોતાની રીતે એક પ્રકારના રસાસ્વાદન પણ કરાવતી રહે છે. આ વિશેષતાઓને કારણે જ આત્મા એની સેવાસાધના પર મુગ્ધ થઈ જાય છે અને પોતાનું સુખ જ નહીં અસ્તિત્વ પણ ભૂલી જઈ એમાં જ સંપૂર્ણપણે રમી જાય છે. એનું સુખ-દુઃખ, માન-અપમાન વગેરે પોતાના નિજની ભાવ-સંવેદનામાં સમાવી લે છે. આ ઘનિષ્ઠતા એટલી વધુ સઘન થઈ જાય છે કે વ્યક્તિ આત્માની સત્તા આવશ્યકતા પણ ભૂલી જાય છે અને શરીરને જ પોતાનો આત્મા માનવા લાગે છે. એનો અંત થઈ ગયા બાદ તો જીવનની ઈતિશ્રી જ માની લેવામાં આવે છે.
આવા વફાદાર સેવકને સમર્થ, નીરોગી તથા દીર્ઘજીવી બનાવી રાખવું એ પ્રત્યેક વિચારશીલનું કર્તવ્ય છે. ચાહે છે તો બધાં એવું જ, પરંતુ જે રહેણી-કરણી આહાર-વિહાર અપનાવે છે, તે રીત એવી અવળી પડી જાય છે કે તેને કારણે પોતાના પ્રિય પાત્રને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે, એટલો અત્યાચાર સહન કરવો પડે છે કે એનું કચુંબર નીકળી જાય છે અને રોતો-કકળતો, દુર્બળતા અને રોગોથી ગ્રસિત થઈ વ્યક્તિ કસમયે જ દમ તોડી દે છે.
આ બધું એ અજ્ઞાનને કારણે થાય છે, જે હોશ સંભાળતા પહેલાં જ અભિભાવકોના અણસમજને લીધે એ પોતાના ઉપર લાદી લે છે. સ્વસ્થ-સમર્થ રહેવું કંઈ કઠિન નથી. પ્રકૃતિના સંકેતોનું અનુસરણ કરવા માત્રથી આ પ્રયોજન સિદ્ધ થઈ શકે છે. પ્રકૃતિના બધા જીવધારી આ જ કરે છે અને દુર્ઘટના જેવી આકસ્મિક પરિસ્થિતિઓ બાદ કરતાં સામાન્ય રીતે નીરોગી રહે છે અને સમયાનુસાર પોતાના મોતે મરે છે. પ્રકૃતિના સંદેશ–સંકેતોને જ્યારે સૃષ્ટિના બધા જીવધારી મોટી બુદ્ધિ હોવા છતાં પણ સમજી લે છે ત્યારે મનુષ્ય જેવો બુદ્ધિજીવી એમને અપનાવી ન શકે એવું કોઈ કારણ નથી. પ્રકૃતિના સ્વાસ્થ્ય-રક્ષાના નિયમો વ્યવહારમાં ખૂબ જ સરળ છે, તે માટે ગુરુગમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની અતિરિક્ત આવશ્યકતા નથી, તે સહજપણે સમજી અને પાળી શકાય છે. ઉચિત અને અનુચિતનો નિર્ણય કરનાર યંત્રો આ શરીરમાં જ લાગેલાં છે, જે તત્કાળ એ કહી દે છે કે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ ? મર્યાદાઓનું પાલન અને વર્જ્ય બાબતોનું અનુશાસન પાળવા માત્રથી ઉદ્દેશ્યની પૂર્તિ થઈ જાય છે.
આહાર-વિહારનું ધ્યાન રાખવાથી સ્વાસ્થ્ય-રક્ષાની સમસ્યા ઉકલી જાય છે. આહાર મુખ્ય પક્ષ છે, જેને સ્વાસ્થ્ય, અનુશાસનનો પૂર્વાર્ધ કહી શકાય છે. ઉત્તરાર્ધમાં વિહાર આવે છે, જેનો તાત્પર્ય નિત્ય કર્મ, શૌચ, સ્નાન, શયન, પરિશ્રમ, સંતોષ વગેરેથી છે. આના જ સંબંધમાં પૂરતી જાણકારી પ્રાપ્ત કરી લેવાથી અને એનું પરિપાલન કરતા રહેવાથી એક પ્રકારના આરોગ્યના વીમા જેવું થઈ જાય છે.
શરીરને ઈશ્વરના પવિત્ર નિવાસના રૂપમાં માન્યતા આપવી ઉચિત છે. આ તથ્ય ધ્યાનમાં કાયમ રહે તો શરીર પ્રત્યેના નિરર્થક મોહથી બચી, એના પ્રત્યેનાં કર્તવ્યોનું સંતુલન નિર્વાહ શક્ય છે. મંદિરને સાવવા, સમારવામાં ભગવાનને ભુલાવી દેવું નરી મૂર્ખતા છે, પરંતુ દેવાલયોને ગંદા, તિરસ્કૃત, ભ્રષ્ટ, જીર્ણ-શીર્ણ રાખવા પણ પાપ માનવામાં આવે છે. શરીરરૂપી મંદિરને મનગમતી ખરાબ આદતોથી રોગી બનાવવું પ્રકૃતિની દૃષ્ટિએ મોટો અપરાધ છે. તેના ફળસ્વરૂપે પીડા, બેચેની, અલ્પાયુ, આર્થિક હાનિ, તિરસ્કાર જેવા દંડ ભોગવવા પડે છે.
રુગ્ણતા કે બીમારી ક્યાંય બહારથી આવતી નથી. વિકાર તો બહારથી પણ પ્રવેશ કરી શકે છે તથા શરીરની અંદર પણ પેદા થાય છે, પરંતુ શરીર-સંસ્થાનમાં એમને બહાર કાઢી ફેંકવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે. મનુષ્ય પોતાની ઈન્દ્રિયોના અસંયમથી જીવની શક્તિને ખરાબ રીતે નષ્ટ કરી દે છે. આહાર-વિહારના અસંયમથી શરીરના પાચનતંત્ર, રક્તસંચાર, મસ્તક, સ્નાયુ-સંસ્થાન વગેરે પર ભારે આધાત પડે છે. વારંવારના આઘાતથી તે રોગગ્રસ્ત અને દુર્બળ થવા લાગે છે. નિર્બળ સંસ્થાન અંદરના વિકારોને સ્વાભાવિક ઢંગથી બહાર કાઢી શકતા નથી. ફળસ્વરૂપે તે શરીરમાં એકત્રિત થવા લાગે છે તથા અસ્વાભાવિક ઢંગથી બહાર નીકળવા લાગે છે. આ જ સ્થિતિ બીમારી કહેવાય છે.
એક પ્રકારની અપમાનજનક સ્થિતિ છે. ભારરૂપ થઈને જીવનારા સ્વસ્થ રહેવાથી જ કોઈ પોતાનું અને બીજાઓનું ભલું કરી શકે છે. જેને દુર્બળતા અને રુગ્ણતાએ ઘેરી લીધી હશે, એ નિર્વાહ જેટલું ઉત્પાદન કરી શકશે નહિ. બીજા પર આશ્રિત રહેશે. પરાવલંબન ક્યાંય સન્માન પામી શકતા નથી કે કોઈની સહાયતા કરવામાં સમર્થ થઈ શકતા નથી. જેનાથી પોતાનો જ ભાર સારી રીતે ઉપાડી શકાતો નથી, એ બીજા માટે કેવી રીતે કેટલો ઉપયોગી થઈ શકશે ?
મનુષ્ય જન્મ અગણિત વિશેષતાઓ અને વિભૂતિઓથી ભરેલો છે. અત્યાર સુધીમાં કોઈ મહામાનવ જેટલો ઉત્કર્ષ કરી શક્યો છે તેટલો ઊંચો ઊઠી શકે તેની હર કોઈને છૂટ છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે, જ્યારે શરીર અને મન પૂર્ણપણે સ્વસ્થ હોય. જેટલા લોકો માટે જે જેટલો ઉપયોગી અને સહાયક સિદ્ધ થાય છે, તેટલા પ્રમાણમાં તેને સન્માન અને સહયોગ મળે છે. પોતાનો અને બીજાઓના અભ્યુદયમાં એ જ યોગદાન આપી શકે છે, જે સ્વસ્થ, સમર્થ રહેવાની સ્થિતિ ટકાવી રાખે છે. આથી જ અનેક દુઃખદ દુર્ભાગ્યો અને અભિશાપોમાં અસ્વસ્થતાને જ પ્રથમ માનવામાં આવી છે. પ્રયત્ન એ થવો જોઈએ કે આવી સ્થિતિ ઉત્પન્ન ન થાય. સ્વસ્થતાપૂર્વક જેટલું જીવી શકાય, તેટલું જ જીવન સાર્થક માનવામાં આવે છે.
કેટલાક અપવાદોને બાદ કરતાં અસ્વસ્થતા આપણું પોતાનું જ ઉપાર્જન છે. ભલે એ અજાણ્યે, ભ્રમવશ કે બીજાઓની દેખાદેખી એને નોતર્યો હોય . સૃષ્ટિનાં બધાં પ્રાણી જીવનપર્યંત નીરોગી રહે છે. મરણકાળ આવે ત્યારે તો બધાને મરવું પડે છે. મનુષ્યની ખરાબ આદત જ એને બીમાર બનાવે છે. જીભનું ચટોરાપણું અતિશય માત્રામાં અખાદ્ય ખાવા માટે વિવશ કરતું રહે છે. જેટલો ભાર ઉપાડી ન શકાય તેટલો લાદવાથી તો ગમે તેનું કચુંબર નીકળી શકે છે. પેટ પર અપચો પણ આ કારણથી જ ચડી બેસે છે. વગર પચેલું અન્ન સડે છે અને સડો રક્તપ્રવાહમાં ભળી જવાથી જ્યાં પણ અવસર મળે ત્યાં રોગનું લક્ષણ દેખાવા લાગે છે. કામુક્તાની કુટેવ જીવની શક્તિનું હદ વગરનું રક્ષણ કરે છે અને મગજની તીક્ષ્ણતાનું હરણ કરી લે છે. અસ્વચ્છતા, પૂરતી ઊંઘ ન લેવી, સખત પરિશ્રમ ન કરવો, નશો જેવી કુટેવ પણ સ્વાસ્થ્યને જર્જરિત બનાવવાના નિમિત્ત કારણ બને છે. ખુલ્લી હવા અને ઉજાસથી બચવું, બંધિયાર વાતાવરણમાં રહેવું તે પણ રુગ્ણતાનું એક મોટું કારણ છે. ભય કે આક્રોશ જેવા ઉતાર-ચઢાવવાળા ભરતી-ઓટ પણ મનોવિકાર બને છે અને વ્યક્તિને સનકી, કમજોર તથા બીમાર બનાવતા રહે છે.
શરીરને નીરોગી બનાવી રાખવું મુશ્કેલ નથી. આહાર, શ્રમ અને વિશ્રામનું સંતુલન બેસાડી દરેક વ્યક્તિ આરોગ્ય અને દીર્ઘજીવન મેળવી શકે છે. બીજા નિયમો પણ એવા નથી કે જેની માહિતી જનસાધારણને ન મળી શકે. એ થોડા પ્રયત્નથી જાણી શકાય છે. આળસ રહિત, શ્રમયુક્ત, વ્યવસ્થિત દિનચર્યાનું નિર્ધારણ મુશ્કેલ નથી. સ્વાદને નહીં સ્વાસ્થ્યને લક્ષ્ય બનાવી ઉપયુક્ત ભોજનની વ્યવસ્થા કોઈપણ સ્થિતિમાં બનાવી રાખવી શક્ય છે. સુપાચ્ય આહાર યોગ્ય માત્રામાં લેવો જરા પણ મુશ્કેલ નથી. શરીરને ઉચિત વિશ્રામ આપી દરેક વખતે તાજોમાજો બનાવી રાખવા માટે ક્યાંયથી કશું લેવા જવું પડતું નથી. આ બધું આપણી અસંયમ તથા અસંતુલનની વૃત્તિને કારણે જ સાધી શકાતું નથી અને આપણે આ સુરદુર્લભ દેહને પામીને પણ નરક જેવી હીન અને યાતનાગ્રસ્ત સ્થિતિમાં પડ્યા રહીએ છીએ.
શારીરિક આરોગ્યના મુખ્ય આધાર આત્મસંયમ અને નિયમિતતા જ છે. એમની ઉપેક્ષા કરી માત્ર ઔષધિઓની મદદથી આરોગ્યલાભનો પ્રયાસ મૃગ મરીચિકા સિવાય કશું જ નથી. આવશ્યક હોય ત્યારે ઔષધિઓનો સહારો લાકડીની જેમ લઈ તો શકાય છે, પરંતુ ચાલવું તો પગથી જ પડે છે. શારીરિક આરોગ્ય અને સશક્તતા જે જીવની શક્તિ પર આધારિત છે એને ટકાવી રાખવાનું આ માધ્યમોથી જ શક્ય છે. શરીરને પ્રભુના મંદિર જેવું મહત્ત્વ આપો. છીછરાં પોષાક અને શ્રૃંગારથી એને દૂર રાખો. એને સ્વચ્છ, સ્વસ્થ અને સક્ષમ બનાવવું પોતાનું પુણ્ય કર્તવ્ય સમજો. ઉપવાસ દ્વારા સ્વાદ અને અતિ આહારની દુષ્પ્રવૃત્તિઓ પર અધિકાર મેળવવાનો પ્રયાસ કરો. મૌન અને બ્રહ્મચર્ય સાધના દ્વારા જીવનની શક્તિ ક્ષીણ ન થવા દો. એને અંતર્મુખી બનાવવાનો પ્રયાસ કરો. શ્રમશીલતાને દિનચર્યામાં સ્થાન આપો. જીવનના મહત્ત્વપૂર્ણ કાર્યોને નિયમિતતાના એવા બંધનમાં જકડી રાખો કે ક્યાંય છટકવાનો મોકો ન મળે. થોડીક તત્પરતા રાખી આ બધું સાધી શકવું સંભવ છે. આવું કરીને આ શરીરથી એવા લાભ મેળવી શકાય છે, જેમની સંભાવના શાસ્ત્રકારોથી લઈ વૈજ્ઞાનિકો પણ સ્વીકાર કરે છે.
પ્રતિભાવો