બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા
June 8, 2022 Leave a comment
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ
સંસારના મોટાભાગનાં દુઃખોનું કારણ સાંસારિક વિષયોની કામના અને ભોગલિપ્સા જ હોય છે. એનાથી પીડાતી વ્યક્તિ માટે વાસ્તવમાં આ સંસાર દુઃખદાયક છે. દુ:ખથી ઘેરાયેલી વ્યક્તિના મનમાં એક જ. વિચાર કાર્ય કરે છે કે તે નકામો અને ધૃણાસ્પદ છે. બીજી વ્યક્તિઓ નથી એના પ્રત્યે આકર્ષાતી, નથી હાર્દિક સંવેદના પ્રકટ કરતી. બીજાઓનો તો ઠીક એનો પોતાના ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે. બને છે એવું કે બીજાઓ પાસેથી એને નથી સહાયતા મળતી કે નથી સાંત્વના મળતી. પરંતુ એના મનમાં સતત એમ થયા કરે છે, કદાચ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એને દુ:ખમાંથી છુટકારો મળી જાય. દુ:ખના પ્રસંગે મનથી કોઈ પ્રકારની સહાયતા નથી મળતી, કેમ કે એની અનંત ઇચ્છાઓ જ દુ:ખ ઉત્પન્ન કરે છે. ઇચ્છાઓ દ્વારા ઉત્પન્ન થતાં સુખને તો એ ગળે લગાડે છે, પણ દુઃખ આવતાં એનું કંઈ સાંભળ્યા વિના ભગાડી મૂકવા માગે છે. પરિસ્થિતિ અનુરૂપ થતાં ક્યારેક એને પોતાની ચાલમાં સફળતા મળી જાય છે. બુદ્ધિ અસહાય બની સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે અને દુ:ખની બાબતમાં ગંભીર વિચાર કરવા અસમર્થ બની જાય છે. મનના ચક્રમાં ફસાયેલ પ્રાણી આ રીતે લાંબા સમય સુધી દુ:ખ ભોગવ્યા કરે છે. એક પછી એક એમ કેટલાયનાં જીવન આમ જ નષ્ટ થઈ જાય છે.
કેટલાક માણસો એવા પણ છે જે દુ:ખની ક્ષણ આવતાં એના ઉપર વિચાર કરે છે અને સત્સંગનો આશ્રય લે છે, પરંતુ અધૂરાં વિચાર અને બાહ્ય સત્સંગથી એમને લાભ થતો નથી કેમ કે એમાં પણ દુ:ખ ભોગવવા સિવાય એમનો બીજો અભિપ્રાય નથી હોતો. દુ:ખ અંગે વિચારતી વખતે અથવા સત્સંગ સમયે એમનું મન સંપૂર્ણ રીતે ત્યાં નથી હોતું. એમનું મન હંમેશાં અહીંતહીં ભટકતું રહે છે અને બીજાઓની વાતોમાંથી દુ:ખથી છુટકારો મેળવવાનું સમાધાન શોધે છે, જે એને ક્યારેય મળતું નથી, કારણ તે પોતાનાં ઈન્દ્રિયસુખોને છોડવા માગતો નથી. દુ:ખના પ્રસંગો જીવનમાં વારંવાર આવે છે અને જ્યારે જ્યારે આવે છે, ત્યારે મનુષ્યને ઊંડો આઘાત પહોંચાડે છે.
મનુષ્ય એનાથી ગભરાઈ જાય છે, ૨ડે છે અને બૂમો પાડે છે, પશ્ચાત્તાપ કરે છે અને એના મનમાં ભોગો તરફથી મોઢું ફેરવી લેવાની પણ ઇચ્છા થાય છે, પરંતુ જૂની આદત અવસર મળતાં એને ભોગ ભોગવવા તરફ ફરી પ્રવૃત્ત કરી દે છે અને એનો આગળનો નિર્ણય મંદ પડી જાય છે. વાસ્તવમાં એનું આ દુ:ખ પણ છેતરામણી જ છે. સાચા દુ:ખથી કોઈ કાર્ય તરફ સજાગતા જન્મે છે. જો એવું ન થાય તો સમજવું કે દુ:ખનો એના ઉપર કંઈ પ્રભાવ નથી પડ્યો. દુ:ખથી જો માણસ ન ચેત્યો તો સંસારમાં એવી કોઈ શક્તિ નથી, જે એને સન્માર્ગ ઉપર લઈ જાય. જે માણસે જિંદગીની વાતોને અર્થાત્ એનાં સુખ-દુ:ખને બરાબર સમજી લીધાં છે અને જેના મનમાં દુઃખોમાંથી છુટકારો મેળવવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ ગઈ છે, એને જીવનભર સત્સંગ કરતા રહેવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. સત્સંગ દ્વારા બહુ ઓછો લાભ ઉઠાવનાર એ વ્યક્તિઓ હોય છે, જે હંમેશાં સત્સંગ કરતા રહે છે, પરંતુ પોતાને સમજવાનો ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. અન્ય મંડળીઓની જેમ સત્સંગ પણ એમના માટે વાર્તાલાપ કરવાનું એક સ્થાન બની જાય છે. ક્યારેક બે ઘડી બેસીને ત્યાં પણ તેઓ પોતાના મનને હળવું કરી લેતા હોય છે. આવા લોકોના અજ્ઞાનનો જલદી અંત આવતો નથી. જેને સમજવાની એને અત્યંત આવશ્યકતા છે તેવી જીવનની કોઈ વાતને સન્મુખ રાખીને તે જે કોઈ સંતની પાસે જાય તો સંભવ છે કે એને થોડા સમયના જ સત્સંગથી બહુ મોટો લાભ થઈ જાય, પરંતુ જે ફક્ત વાત સાંભળવા અને સમય પસાર કરવા પૂરતો જ સત્સંગ કરે છે તેને બહુ જ ઓછો અને લાંબા અરસા બાદ લાભ થાય છે.
સત્સંગનો અભિપ્રાય છે. – માર્ગમાં કોઈક આવી જતાં એનું સમાધાન કરી લેવું. દરેક બાબતને સમજીને, સાધીને, જરૂર ઊભી થાય ત્યાં સત્સંગ દ્વારા લાભ ઉઠાવીને જો જીવન ચલાવવામાં આવે તો માર્ગ સુગમ બની જાય છે. મનુષ્યનું જીવન એક ઉપવન છે. ઉપવનને સારી સ્થિતિમાં રાખવા માટે એના ઉપર બધી બાજુએથી નજર રાખવી આવશ્યક છે. ઉદ્યાનના સૌંદર્યનો નાશ કરનારી કોઈ પણ ચીજ જો વચમાં ઊગી જાય છે તો ચતુર માળી તરત એને ઉખેડી નાખે છે. બાગ દેખાવમાં સારો ન લાગે તો માળીનો બધો જ પરિશ્રમ નકામો જાય છે. માળી જમીનને ખૂબ કેળવે છે અને એને નરમ બનાવી દે છે. જમીન બધી રીતે સારી બની જતાં તે ભાતભાતનાં ફૂલ અને ફળનાં વૃક્ષોને યથાસ્થાને એમાં ગોઠવે છે. કુશળ માળી દ્વારા આ રીતે સજાવેલો બાગ દેખાવમાં સુંદર લાગે છે. બાગના માલિકને પણ ત્યાં બેસવાની ઇચ્છા થાય છે અને આવનારાઓને પણ. આ જીવન પણ એક ઉદ્યાન જેવું છે. એને બધી રીતે સંભાળીને રાખવું જોઈએ, જેથી એની સ્વાભાવિક પ્રગતિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. વિવિધ પ્રકારની ઇચ્છાઓથી ઘેરાઈ જવાથી મનુષ્યનું જીવન સાચવ્યા વગરના ઉપવન જેવું થઈ જાય છે. ઇચ્છાઓ પૂરી કરવામાં તે મહેનત કરે છે અને એમાં લાગેલો રહે છે. સફળતા મળે છે ખરી પણ મોટે ભાગે તે નિષ્ફળ જ રહે છે. લાંબા સમય સુધી આ સુખપ્રાપ્તિની ધૂનમાં લાગેલા રહેવાના કારણે એને અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે. સુખની વચ્ચે એની પ્રતિક્રિયાને લીધે તેને પ્રતિદિન આઘાત પહોંચતો રહે છે, છતાં પણ તે એને જ સાચું જીવન સમજે છે. દુ:ખ અત્યંત વધી જતાં ક્યારેક ક્યારેક એને જીવન ભારરૂપ લાગે છે.
આ ગભરાટની વચ્ચે એના મનમાં એક જ ધૂન રહે છે કે વિપરીત સ્થિતિ અને દુઃખમાંથી કેવી રીતે છુટકારો મેળવવો, એને માટે તે ન કરવા યોગ્ય કાર્ય પણ કરી નાખે છે. દુઃખ બહુ વધી જતાં મન અને બુદ્ધિ ઉપર એનો કાબૂ રહેતો નથી. મનની અતિશય ખિન્ન સ્થિતિમાં તો પ્રાણી શરીરનો અંત ઇચ્છવા લાગે છે. અશાંત ચિત્તની આ બહુ મલિન સ્થિતિ છે. તેથી દુ:ખની સાધારણ સ્થિતિમાં હોશ હોય, ત્યારે ચિત્તમાં સજગતા જન્મે તો આ અવસરને હાથથી જવા ન દેવો જોઈએ. દુઃખના સમયે જન્મેલી સજગતા ચિરસ્થાયી બનાવી રાખવા માટે યોગ્ય પ્રતિબંધ કરવો જોઈએ. જો કે આપણને આપણા સુખનું જરૂરિયાત કરતાં વધુ ધ્યાન રહે છે, એટલાં માટે જીવનમાં આ બધી ગરબડ અને મુસીબતો છે. ઈન્દ્રિયસુખની બાબતમાં પ્રત્યેકનો એ અનુભવ છે કે તે એવું સુખ નથી જે મનુષ્યને નિશ્ચિંત કરી દે, પરંતુ દિવસે દિવસે તે કષ્ટ ઉત્પન્ન કરી બંધનને વધારતું જ રહે છે. આ સુખમાં તૃપ્તિ નથી. કોઈ ભોગને થોડા સમય સુધી સ્થાયી રાખવાથી માણસને એની ટેવ પડી જાય છે. પછી તો અનાયાસ જ અચેતન મન એવું કામ કરી બેસે છે. ઈન્દ્રિયસુખોમાં જો કોઈ વિઘ્ન અને નિબઁધ ન હોત તો કદાચ એને પણ સ્વાભાવિક કહી શકાત અને તો પછી એનાથી છુટકારો મેળવવાનું વિચારાત જ નહિ. સંસારમાં એવું જોવા મળે છે કે વિન – બાધાઓથી મુક્ત બની કોઈ પણ વ્યક્તિ ઈન્દ્રિયસુખોને ભોગવી શકતી નથી. કોઈ પણ સુખના ઉપભોગમાં સૌથી મોટું વિઘ્ન તો પોતાનું શરીર છે. તે ઉપરાંત, પરિસ્થિતિની વિભિન્નતા મુજબ અનેક પ્રકારની અગવડો છે, જે માણસ સામે રોજ આવ્યા કરે છે અને માણસ હંમેશાં તેનો અનુભવ કરે છે. જોતાં અને વિચારતાં એ પણ જણાય છે કે સુખ એવી કોઈ બાબત નથી જેને માટે આપણે કોઈ પણ બહારની વસ્તુ ઉપર આધારિત રહેવું પડતું હોય અથવા આપણા પર તેની પ્રતિક્રિયા ન થતી હોય. આવી દશામાં કયું પ્રાણી એ કહી શકે કે એનું સુખ વિઘ્નો-અડચણોથી રહિત છે. જો આ સ્થિતિ છે તો માણસ માટે એ આવશ્યક બની જાય છે કે તે પોતાનાં સુખદુ:ખ પ્રત્યે સજાગ બની જીવનની વાતોને સમજવાની કોશિશ કરે અને પોતાની કોઈ ઇચ્છાનું જબરદસ્તીથી દમન ન કરીને તેનું રહસ્ય બરાબર જાણી જવાય સમજાઈ જાય છે, ત્યારે એનો ત્યાગ કરતાં કોઈ દુ:ખ નથી થતું. યોગ્ય પ્રયત્ન દ્વારા માણસ એને છોડવા શક્તિમાન બને છે. આ કામ પણ સહેલું નથી, જે માણસ હંમેશાં સજાગ રહે તો અવશ્ય શક્ય છે. સજાગ બનીને પણ જો માણસ પોતાના લાંબા સમયના અભ્યાસને છોડી ન શકે તો બીજી કોઈ જ્ઞાનસભર યુક્તિ બતાવી પણ શકાતી નથી. આવા સમર્થ પ્રાણી હંમેશાં દુ:ખમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. મનુષ્યને સાચા માર્ગ પર લાવવા માટે દુ:ખોથી વધુ સારી કોઈ વસ્તુ નથી. દુ:ખ જ મનુષ્યને સજગ થવાની તક આપે છે. સજગતા દ્વારા જીવનનો બોધ થઈ જતાં એની ગતિ સ્વાભાવિક બની જાય છે. શરૂઆતમાં ચિત્ત પહેલાં કરતાં વધુ અશાંત બની જાય છે, પરંતુ આ અશાંતિ સજગતાના પ્રકાશમાં ધીરે ધીરે ઓછી થતી જાય છે. શરૂઆતની આ એ મુશ્કેલી છે જે જીવનને સમજણના માર્ગ પર લઈ જાય છે. ધીમે ધીમે માણસે એની વચ્ચે રહીને એને જોતો રહીને અને એનાં રહસ્યને સમજીને એનાથી મુક્ત થઈ જાય છે.
જીવનની ત્યાજ્ય બાબતોને સમજીને જેમ જેમ માણસ એને સહેલાઈથી છોડી શકવામાં સમર્થ બનતો જાય છે, તેમ તેમ એનું જીવન વધારે ને વધારે સ્વાભાવિક અને ગંભીર બનતું જાય છે. ત્યાગ કરી દીધેલી વસ્તુમાં ફરી એને રાગ રહેતો નથી. છોડી દીધા પછી એની તરફ નથી થતો ક્ષોભ કે નથી હોતો વિજય પ્રાપ્ત કર્યાનો ગર્વ. તે વ્યક્તિ પોતાની કોઈ પણ દશામાં આઘાત પામતી નથી. જીવન એને અધિક રૂચિકર અને પોતાનું લાગે છે, કેમ કે એને એણે નજીકથી જોયું છે અને એનાં અલગ અલગ પાસાંઓ ઉપર વિચારતાં શીખ્યો છે. જીવનની સાથે સમવર્તી થવાથી કષ્ટ ઓછું થવા લાગે છે. એની સામે જે બાબત આવશે તેને સમજવા માટે તે પોતાનું હૃદય, મન અને બુદ્ધિ અર્પિત કરી દેશે. એના વિચાર અને કાર્યમાં કોઈ અંતર નહિ રહે, પોતાને સમજવા માટે માણસને કોઈ અન્ય વ્યક્તિના ઉપદેશ અને આલોચનાની આવશ્યકતા નથી હોતી. રાગદ્વેષથી પ્રેરાઈને તે કોઈના તરફ પ્રેમ પ્રદર્શિત કરશે નહિ કે ઘૃણા કરશે નહિ કોઈને પોતાનો મિત્ર સમજશે નહિ શત્રુ સમજશે નહિ. તે મનુષ્ય પોતાને સમજવામાં એટલો લીન બની જશે કે સમસ્ત બાહ્ય વસ્તુઓ એના માટે ઉપેક્ષણીય બની જશે. બીજાઓની વાતો ઉપર ધ્યાન આપવા માટે એની પાસે સમય હશે નહિ અને તે બીજાઓ માટે કોઈ વિરુદ્ધ વાત વિચારશે નહિ. કોઈને પોતાનાથી શ્રેષ્ઠ સમજી એનું પ્રભુત્વ સ્વીકારશે નહિ કે કોઈને પોતાનાથી હલકો સમજી એની ઉપેક્ષા કરશે નહિ અથવા એની ઉપર પ્રભુત્વ જમાવશે નહિ. આ બંને સ્થિતિઓમાં ભય અને ભેદ રહે છે, તેથી આવા જીવનમાં સમત્વ હોતું નથી કે સ્વાભાવિકતા પણ હોતી નથી. એનું પરિણામ સંકીર્ણતા અને અવનતિ છે. જીવનમાં જ્યારે બીજાઓનો અધિક પ્રભાવ પડવા લાગે છે ત્યારે તે માણસ પોતાનો રહેતો નથી.
એનામાં વિચાર અને સ્વતંત્ર કાર્ય કરવાની ક્ષમતાનો અભાવ થઈ જાય છે. જીવનની આવી પરિસ્થિતિમાં સત્યનું દર્શન થતું નથી. સત્યનો અનુભવ કરવા માટે પ્રત્યેક પ્રાણીએ પોતાના બનવાની આવશ્યકતા છે. સત્યની શોધ કરનારે હર્ષ, શોક, મોહ, અનુરાગ અને પ્રભુત્વની ભાવનાને પોતાની પાસે આવવા દેવી ન જોઈએ. આ સ્થિતિ મનને ઉત્તેજિત કરનારી હોય છે. ચિત્તને એવી સ્થિતિમાં રાખવું જોઈએ કે એના ઉપર કોઈ બાહ્ય બાબત પોતાનો પ્રભાવ પાડી શકે નહિ. ચિત્તમાં જ્યારે આનંદ અને નિરાલંબ પ્રેમ સ્થાન મેળવી લે છે, ત્યારે પોતાનાં – પારકાંનો ભેદ મટી જાય છે. આવો પુરુષ નથી ક્યારેય ઉદાસ રહેતો કે નથી મન લગાડવા માટે અન્ય કોઈ અવલંબનની આવશ્યકતા અનુભવતો. જીવજંતુ અને લતા – વેલીઓ સાથે એને મિત્રતા થઈ જાય છે. કષ્ટદાયક પ્રસંગોનો જીવનમાં અભાવ થવાની શરૂઆત થાય છે. મન હંમેશાં પ્રસન્ન અને એકાગ્ર થવા લાગે છે. સંસારની સાથે એનો શુદ્ધ પ્રેમનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસારની પ્રત્યેક વસ્તુમાં તે પોતાનું રૂપ જુએ છે. એને સર્વત્ર સત્યનું દર્શન થાય છે અને પ્રત્યેક અવસ્થા એને માટે આનંદની અવસ્થા બની જાય છે. વાયુના રૂપમાં તે સંસારની સહેલ કરશે. ફૂલપાન અને ઘાસની સાથે તે નૃત્ય કરશે, આકાશ એનું રૂપ હશે ; જલ, પૃથ્વી અને અગ્નિ એનાં બાહ્ય પ્રતીક હશે. સંસારની પ્રત્યેક વસ્તુ સાથે જ્યારે એકતા અને મૈત્રી સ્થપાઈ જશે પછી તે ખિન્ન અને ભયભીત શા માટે રહેશે ? શુદ્ધ અને પવિત્ર મનની અંદર ઉચ્ચ અને મનવાંછિત ભાવનાઓ ઉદય પામે છે. આવા ઉદ્બોધિત પુરુષ સંસારમાં આનંદ – પ્રસાર કરવાનું કેન્દ્ર બની જાય છે. વ્યક્ત અને અવ્યક્ત બંને સ્થિતિઓમાં એમના દ્વારા કાર્ય – સંપાદન થતું રહે છે. આનંદ – પ્રાપ્તિની આ એષણા સ્વાર્થની ભાવના નથી. એમાં નિવાસ કરવાથી મનના સંકલ્પ- વિકલ્પો અદૃશ્ય થાય છે. જીવનની આ સ્થિતિમાં પ્રયાસ નથી રહેતો. આ જીવનની શુદ્ધ, સહજ અને સાત્ત્વિક દશા છે. આવી વ્યક્તિને જોઈને બીજાં પ્રાણી પણ આ શુદ્ધ ભાવનાને ગ્રહણ કરવાની ઇચ્છા કરવા લાગે છે અને પોતાનો પ્રયાસ શરૂ કરી દે છે. આ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ એક જ ક્ષણમાં નથી થઈ જતી, પરંતુ તેથી હતાશ થવાની કોઈ વાત નથી. સત્ય સૌને માટે એક અને અનિવાર્ય છે.
સૌ એક દિવસ એને પ્રાપ્ત કરશે – પ્રશ્ન કેવળ સમયનો હોઈ શકે. એના માટે સૌથી વધુ આવશ્યક બાબત છે – તીવ્ર વેગ હોવી. તીવ્ર વેગવાળા પ્રાણી એને તરત મેળવી લે છે. એમને અહીં તહીં ભટકવું પડતું નથી. વાર તો એમને લાગે છે જેઓ મંદ વેગને કારણે રસ્તામાં અટકીને આમતેમ સહેલ કરવા લાગે છે. જુદાજુદા ઉપાયો દ્વારા લોકોએ એની શોધ કરી છે. એમનું કહેવું છે કે સત્યની પ્રાપ્તિ માટેના માર્ગ અનેક છે, પરંતુ ખરેખર સત્યની પ્રાપ્તિનો માર્ગ ફક્ત એક છે અને તે છે “ સૃષ્ટિ અને જીવનના રહસ્યને સમજવું ”. એને લોકો જ્યાં સુધી બરાબર સમજી ન લે ત્યાં સુધી તેઓ અનેક માર્ગ અને અનેક ઉપાયો દ્વારા અનુભવ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરતા રહે છે. લોકો કહે છે કે ઈશ્વર ઘટઘટમાં વ્યાપી રહ્યો છે, પરંતુ તે ફકત મુખથી જ કહે છે. આ સત્યને સમજી લીધા પછી પ્રાણી પોતાના પ્રત્યેક કાર્ય માટે જવાબદાર બની જાય છે. તે પોતાના અંતરાત્માના અવાજને સાંભળે છે અને તે અનુસાર આચરણ કરે છે. અર્થાત્ તે પ્રત્યેક કાર્યમાં પોતાના હદય અને મનને એક કરીને કાર્ય કરવાની ચેષ્ટા કરે છે, હૃદય અને મનમાં ઐક્યથી જ બુદ્ધિનો વિકાસ થાય છે. અંત : કરણમાં ઈશ્વર, સત્ય અથવા જીવનની અનુભૂતિ થઈ જતાં પ્રાણી પોતાનાં સમસ્ત કાર્યો પ્રત્યે સાવધાન બની જાય છે. એનો આ માર્ગ જીવનની વાસ્તવિકતાને સામે રાખે છે. એનાથી જીવન સ્વાભાવિક અને સરળ બને છે. પછી એનામાં ઈશ્વરપ્રાપ્તિ અને સત્યને જાણવાની પણ કોઈ ઇચ્છા રહેતી નથી, પરંતુ એનું જીવન જ સત્ય બની જાય છે. એનું પ્રત્યેક આચરણ, વ્યવહાર અને કાર્ય એ રીતનું બની જાય છે કે જેના કોઈ કર્મ બંધન નથી બનતું. આ રીતનું સમત્વમય જીવન જ સત્ય છે અને એમાં ઈશ્વરનું દર્શન છે.
સત્યની અનુભૂતિ પછી બધી જ બાબતો અને બધી સ્થિતિઓમાં મનુષ્ય પોતાની સત્તાનો અનુભવ કરે છે. એના મનમાંથી સંદેહ જતો રહે છે. પ્રત્યેક સ્થિતિમાં તે સત્યની અંદર નિવાસ કરે છે. એકલતાની ભયાનક સ્થિતિનો અંત આવી જાય છે. પ્રતિક્ષણ સત્યની સામે હોવાથી તે હંમેશાં આનંદમાં નિવાસ કરે છે. સત્યવિહીન મનુષ્યની સ્થિતિ જળથી છૂટી પડેલી માછલી જેવી હોય છે. થોડીક ક્ષણો સુધી જીવિત તો રહે છે, પરંતુ એના જીવનમાં આનંદ, ઉત્સાહ અને સાર રહેતો નથી, એની દશા એ માછલી જેવી છે જે કોઈ માછીમારની જાળમાં ફસાઈને અતિશય દુઃખથી પ્રાણત્યાગ કરે છે. પોતાના કોઈ ક્ષણિક સુખને કારણે જો કોઈ માણસ પોતાની સ્થિતિને એનાથી અલગ સમજે છે તો વાસ્તવમાં એ ભ્રાન્ત છે અને પોતાના જીવનને બરાબર સમજી રહ્યો નથી. સંસાર એક મોટી જાળ છે. એનાં અસંખ્ય છિદ્રોમાં માણસ પોતાની ઇચ્છાઓની તૃપ્તિ જુએ છે, અને લોભ – મોહને કારણે એમાં ફસાવાની ચેષ્ટા કરે છે. એક વાર ફસાઈ ગયા પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેથી માણસે પ્રત્યેક શ્વાસ-ઉચ્છ્વાસમાં સચેત રહેવું જોઈએ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
સંપૂર્ણ રીતે સચેત થઈ જતાં કર્તાપણાનો ભાવ પણ જતો રહે છે અને એને કોઈ વસ્તુ પોતાનામાં ફસાવી નથી શકતી, જ્યારે આનંદની સત્તાથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ બીજી રહેતી નથી, ત્યારે સંસારનાં ક્ષણિક સુખદુ:ખ પશ્ચિમમાં આથમતા સૂર્યની જેમ મનના કોઈ એક દૂર દેશમાં અસ્ત થઈ જાય છે. જીવનમાં આ તટસ્થાની સ્થિતિ છે, જ્યાં સંસારના વૈભવ આકાશમાં રહેલ પ્રાત:કાલીન નક્ષત્રોની જેમ ફિક્કા પડી જઈ આનંદના પરમ પ્રકાશમાં વિલીન થઈ જાય છે. આનંદની પ્રાપ્તિ બાદ સંસારની બાબતોની ચિત્ત ઉપર અસર જ થતી નથી, પછી કોઈ પણ પદાર્થ પોતાના તરફ આકર્ષી શકતો નથી. બધા જ પ્રપંચ મટી જાય છે.
જ્યારે આ એક જ વસ્તુ જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય છે, બલકે એ જ જીવન છે, ત્યારે મનુષ્ય અહીંના સુખદુ:ખના લફરામાં પડીને શા માટે વ્યર્થ સમય નષ્ટ કરે છે ? માર્ગમાં જો કોઈ વિઘ્ન આવી જાય તો એના ઉપર વિચાર કરવો જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. આનંદને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લેવાની પ્રત્યેક મનુષ્યમાં અભિલાષા હોવી જોઈએ. આ માર્ગ ઉપર ચાલતાં દુઃખ ન આવે એવું નથી. દુ:ખ આવતાં એને ટાળવાની વ્યાકુળતા ન હોવી જોઈએ. એવું કરવાથી લગન હોવા છતાંય લક્ષ્ય સુધી પહોંચવામાં વિલંબ થશે.
આનંદની અનુભૂતિ કોઈ બીજો કરાવી દે, એ સંભવ નથી. પોતાના પ્રયાસથી જ જીવનની આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. આ કોરી કલ્પના નથી. બોધપૂર્વક પ્રયાસ કરવાથી એમાં સફળતા મળે છે એ ધ્રુવસત્ય છે. પ્રત્યેક મનુષ્ય પોતાના પુરુષાર્થ અને પ્રયાસ દ્વારા એને પ્રાપ્ત કરી શકે છે. માણસોના જીવનમાં વિભિન્નતા ચોક્કસ જોવા મળે છે, પરંતુ તે કોઈ રુકાવટ નથી. સત્ય વસ્તુમાં કલ્પનાને કોઈ સ્થાન નથી.
આમ તો ધણાના મનમાં સત્યને જાણી લેવાની ઇચ્છા અને લગન છે અને કોઈ સરળ માર્ગની શોધમાં છે. એટલા માટે તે પથ પર ચાલવા તૈયાર થઈ જવું જોઈએ. એક વાર સજગ બની પગલું આગળ મૂકી દીધા પછી નિરાશ થવું પડતું નથી અને મનુષ્ય પીછેહઠ કરવાનું પસંદ કરતો નથી. સમજી વિચારીને જ્યારે આપણે આ માર્ગ પર પગ મૂકીશું ત્યારે આપણામાં સુખદુ:ખના રહસ્યને સમજવાની ક્ષમતા આવી જશે. સુખનો પ્રસંગ આવતાં આપણે ફુલાવું ન જોઈએ અને દુ:ખના પ્રસંગોમાં ગભરાવું ન જોઈએ. પરંતુ એની વચ્ચે રહીને એના રહસ્યને સમજીને એનાથી મુક્ત થવું જોઈએ.
આનંદ જ એક માત્ર સત્ય છે. આ જ એક સ્વાભાવિક મંદિર છે, જ્યાં બધાએ આવવાનું છે. અહીં બેસીને તમે સાચા ધ્યાનમાં નિમગ્ન થઈ શકો છો. એને એક વાર દઢતાપૂર્વક અપનાવી લેવાથી બધો જ સંદેહ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં મનુષ્ય સંસારનો થઈ જાય છે અને સંસાર એનો થઈ જાય છે. ‘ અહમ્’ની અલગ ભાવના મટીને વિરાટમાં લીન થઈ જાય છે. રાગ – દ્વેષનો અગ્નિ હંમેશ માટે બુઝાઈ જાય છે. આ આત્યંતિક આનંદ પ્રાપ્ત કરી લેવાથી મનુષ્ય સ્વતંત્રતાપૂર્વક સંસારમાં વિચરણ કરે છે. જે મનુષ્યો પૂર્ણ સ્વતંત્ર છે અને આનંદ માં રહેલા છે, તેઓ જ સંસારની સામે કોઈ સાચી વાત મૂકી શકે છે. આનંદમાં પ્રતિષ્ઠિત થવાથી પુરુષ પ્રાણીમાત્રનો મિત્ર બની જાય છે અને પ્રેમ જ એનું મુખ્ય આચરણ રહે છે, પ્રેમ સિવાય એની પાસે બીજી કોઈ વસ્તુ રહેતી નથી. આ સ્થિતિને પ્રાપ્ત કરી લીધા પછી એકને અનેકમાં જોવાની ક્ષમતા સ્વાભાવિક રીતે જ રહે છે. આ જ મોક્ષની સ્થિતિ છે.
પ્રતિભાવો