શક્તિનો અપવ્યય ન કરો | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

શક્તિનો અપવ્યય ન કરો
એવી ભાગ્યશાળી વ્યક્તિઓ બહુ ઓછી નીકળશે, જેમને શક્તિ જન્મજાત મળી હોય. મોટા ભાગના મનુષ્યોને ધીરે ધીરે અભ્યાસ દ્વારા જ શક્તિ પ્રાપ્ત થાય છે અને એનો સંચય કરવાથી શક્તિશાળી બની શકાય છે. આપણી શક્તિના વિકાસનાં ત્રણ કાર છે : મન, વચન અને શરીર. આ દ્વારા જ આપણે કોઈ કાર્ય કરવામાં સમર્થ બનીએ છીએ, પરંતુ આપણે આપણી શક્તિઓને અનેક કામોમાં વિખેરી રાખી છે. એટલે જ આપણે પોતાને નિર્બળ સમજીએ છીએ. એતો સિદ્ધ થયેલી બાબત છે કે કોઈ પણ વસ્તુ ભલે ગમે તેટલી તાકાતવાળી હોય, પરંતુ તેના ટુકડા કરી નાખવાથી જેટલા ટુકડામાં એ વિભક્ત થઈ હશે એટલા અંશે શક્તિનું બળ પણ ઓછું થઈ જશે. આ રીતે આપણે આપણા મનને અનેક સંકલ્પ – વિકલ્પમાં વહેંચેલું રાખીશું તો એક નિર્ણય પર પહોંચવામાં મુશ્કેલી ઊભી થશે. કોઈ પણ વિષય પર ગંભીરતાથી વિચારી શકીએ નહીં, એના ઊંડાણ સુધી પહોંચી શકીએ નહીં.

આ રીતે વાણીશક્તિને વ્યર્થ બકવાસ કે વાચાળતામાં ખર્ચતા રહીશું તો એની કોઈ અસર થશે નહીં. શક્તિ એટલી કમજોર પડી જશે કે શક્તિરૂપે અનુભવાશે પણ નહીં.


આ રીતે શારીરિક શક્તિનું પણ સમજવું. કહેવાનો આશય એ છે કે દરેક વખતે આ વિવિધ શક્તિઓનો જે અપવ્યય થઈ રહ્યો છે એ તરફ ધ્યાન આપી એમને રોકવામાં આવે. એમને લક્ષ્યમાં કેન્દ્રિત કરવામાં આવે, જેથી જે કાર્ય વર્ષોમાં થતાં નથી તે મહિનાઓ, દિવસો, કલાકો તેમ જ મિનિટોમાં થવા લાગશે. જ્યાં પણ એનો પ્રયોગ થશે ત્યાં પૂર્ણ રૂપે થશે. એટલે એ કાર્યમાં જલદીથી સફળતા મળે છે.


મનઃશક્તિના વિકાસ માટે મનની દૃઢતા જરૂરી છે. પચાસ વાતો પર વિચાર કરવાના બદલે એક જ વાત પર વિચાર કરવામાં આવે, વ્યર્થ સંકલ્પ – વિકલ્પ રોકવામાં આવે. વાણીશક્તિને પ્રબળ કરવા માટે ઓછું બોલવું, મૌન રહેવા માટે આમતેમ વ્યર્થ હરવું – ફરવું નહીં, ઈન્દ્રિયોને ચંચળ બનાવવી નહિ.


આ રીતે ત્રણેય શક્તિઓને પ્રબળ બનાવીને તેમને લક્ષ્ય તરફ વાળવાથી જીવનમાં અદ્ભુત સફળતા મળી શકશે. લક્ષ્યની પ્રાપ્તિ જ જીવનની સફળતા છે.


જડ પદાર્થોના લાંબા સમયના સંપર્કથી આપણી વૃત્તિ બહિર્મુખી બની ગઈ છે, જેથી પ્રત્યેક કાર્ય તેમ જ કારણનું મૂળ આપણે બહાર જ શોધતા રહીએ છીએ. આપણે કદી એ અનુભવ જ નથી કરતા કે આખરે કોઈ ચીજ આવશે ક્યાંથી અને આપશે કોણ ? જો એનામાં એ શક્તિ જ ન હોય, તો આપણે લાખ ઉપાય કરીએ, પરંતુ જડ તો જડ જ રહેશે. ચેતન સાથે જોડાઈને એ ચેતનાનો આભાસ થઈ શકે છે, પણ ચેતન હોતી નથી. કેમ કે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ ભિન્ન છે. જેનો જે સ્વભાવ છે તે એ જ રૂપમાં રહે છે, સ્વભાવ છૂટતો નથી. જો કોઈ વસ્તુનો સ્વીકાર જ ન કરવામાં આવે, તો નિમિત્ત વગેરે કારણો કરશે શું ? એટલે કાર્યકારણનો સંબંધ આપણે અંતર્મુખી બનીને વિચારવો જોઈએ. જે સારું – ખોટું કરીએ છીએ તે આપણે જ કરીએ છીએ, બીજું કોઈ નહીં. જયારે કોઈ વિકાસ થાય છે તો એ અંદરથી જ થાય છે, બહારથી નહીં. નિમિત્ત ત્યારે જ કાર્યરત થાય છે, જયારે તે સ્વીકારની સાથે જોડાય છે.


આપણી શક્તિનો સ્રોત આપણી અંદર જ છે. એટલે એને બહાર શોધતા ફરવાથી સિદ્ધિ નહીં મળે. મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. એની સુગંધનો એ મતવાલો છે, પરંતુ એ એને બહાર ક્યાંકથી આવતી માનીને ચારે બાજુ ભટક્યા કરે છે, પણ કશું હાથ આવતું નથી. આ જ રીતે આપણે આપણા સ્વરૂપ, સ્વભાવ તથા ગુણોને ભૂલીને પારકી આશામાં ભૌતિક પદાર્થો એકઠા કરી એમના દ્વારા જ્ઞાન, સુખ, આનંદ વગેરે પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. આ ભ્રમ છે. આ ભ્રમને કારણે અનંતકાળથી સુખપ્રાપ્તિ માટે ભૌતિક સાધનો તરફ આશા રાખીને બેઠા છીએ, પરંતુ સુખ મળતું નથી. બાહ્ય જગત સાથે આપણે એટલા બધા ભળી ગયા છીએ કે એનાથી અલગ તેમ જ ભિન્ન પણ કશુંક છે. એની કલ્પના પણ આપણાથી થતી નથી. જે મહાપુરુષોએ પોતાની અનંત આત્મશક્તિને ઓળખી એને પ્રગટ કરી છે, પૂર્ણ જ્ઞાન તેમ જ આનંદ પ્રાપ્ત કર્યો છે એમની બધી ચિંતાઓ વિલીન થઈ ગઈ છે. આકુળતા – વ્યાકુળતા નષ્ટ થઈને પૂર્ણ શાન્તિ પ્રગટ થઈ ગઈ છે. એમને ઈચ્છા નથી, આકાંક્ષા નથી, અભિલાષા નથી, આશા નથી, ચાહ નથી. તેથી અંતર્મુખ બની પોતાની શક્તિને ઓળખવી અને એનો વિકાસ કરવો એ આપણા સૌ માટે ખરેખર આવશ્યક છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: