૪. વિધુર અને વિધવાઓની સમસ્યાઓ, લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 8, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
વિધુર અને વિધવાઓની સમસ્યાઓ
આદર્શ લગ્નોનું આયોજન કરતા પહેલાં એ વાત જાણી લેવી જોઈએ કે જોડી બરાબર મળી છે કે નહિ. જો બન્નેની જોડી ખોટી રીતે ગોઠવવામાં આવી હોય તો માત્ર સુધારેલી પદ્ધતિથી કરેલાં લગ્નનું કોઈ મૂલ્ય નથી. આપણે જોડી મેળવવામાં કાળજી રાખવી જોઈએ. વિધુરોનાં કુમારિકાઓ સાથે લગ્ન કરવાના પ્રચલિત રિવાજના કારણે હિન્દુ સમાજમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા મોટા પ્રમાણમાં વધતી રહી છે. આવી વિધવાઓની જે દયનીય સ્થિતિ હોય છે એનાથી કોઈ અજાણ નથી.
કુટુંબોમાં જે સ્વાર્થ તથા સંઘર્ષ ચાલ્યા કરે છે એમાં કુટુંબની કોઈ સ્ત્રી વિધવા થાય ત્યારે કુટુંબીજનો એ પ્રયત્ન કરે છે કે એના મૃત પતિની સંપત્તિના રખેવાળ બનીને પણ સંપત્તિ ઓહિયાં કરી લેવી અને એ બિચારીને રઝળતી કરી મૂકવી. એવી લાચાર વિધવાઓ પછી સમાજમાં તિરસ્કૃત જીવન વ્યતીત કરે છે. અરે, ત્યાં સુધી કે કોઈ મંગળ પ્રસંગે પણ એમના પ્રવેશને અશુભ અમંગળ માનવામાં આવે છે. તેનાં કુટુંબીજનો તો તેને જ અભાગણી, પાપી માને છે. વખત આવ્યે એનો તિરસ્કાર કરવાનું, તેણીનું અપમાન કરવાનું પણ ચૂકતાં નથી. એવી સ્ત્રીનાં અસહાય અને અનાથ બાળકો પણ અપમાનજનક સ્થિતિમાં જીવે છે. પરિણામે એ બાળકોમાં પણ આજીવન લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે.
વિધવાઓની દિન પ્રતિદિન થતી વૃદ્ધિ બંધ થવી જોઈએ. અનાથ લોકોની સંખ્યામાં વધારો કરતી હિન્દુજાતિની આ પ્રચલિત કુપ્રથાને તાત્કાલિક રોકવી જરૂરી છે. આ ન્યાયનો પોકાર છે. માનવીય અધિકારોનો પ્રશ્ન છે. રિવાજ ગમે તે હોય પણ જો તે માનવતા અને નૈતિકતાના આદર્શોની વિરુદ્ધનો હોય તો તે બદલવો જ ઘટે. હવે એ સમય પાકી ગયો છે કે લગ્ન કરતાં વિધવા તથા વિધુરની બાબતમાં ધ્યાન આપવું જોઈએ. વૃદ્ધ લગ્નો અને કજોડાં લગ્નોને રોકવાં જોઈએ. યુવતીઓમાં એવી હિંમત પેદા કરવી જોઈએ કે જો એમને વિધુરોની સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવતી હોય તો એવા બંધનમાં બંધાવાનો સ્પષ્ટ ઇન્કાર કરે. સામાજિક કાર્યકર્તાઓએ આવા સમયે વિરોધીનો અવાજ ઉઠાવવો જોઈએ. કાયદાકીય બંધન ભલે ન હોય, પણ ન્યાયનો અવાજ વધુ બળવત્તર હોય છે. એની મહત્તા સરકારી નિયમો અને પ્રચલિત પરંપરાઓની તુલનામાં અનેકગણી વધારે છે. અનીતિનો તો તમામ સ્તરે વિરોધ થવો જ જોઈએ. લગ્નના નામે થતા અન્યાયનો પણ એ જ રીતે વિરોધ થવો જરૂરી છે.
પ્રતિભાવો