૬. બાળલગ્નો અયોગ્ય છે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 9, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
બાળલગ્નો અયોગ્ય છે :
બાળલગ્નો વિષે પહેલાં જ કહેવામાં આવ્યું છે કે આવાં જ લગ્નો દરેક દષ્ટિએ અયોગ્ય છે. અતિ ઉત્સુક મા-બાપો પોતાના બાળકોનાં જલદી લગ્ન કરી નાંખી લગ્નની જવાબદારીમાંથી છટકવા માગે છે અને લગ્નનો લહાવો લેવા ઇચ્છે છે. આવી અધીરાઈભરી ઉત્સુકતાને બાલિશતા જ કહી શકાય. પછાત જાતિઓમાં આવી પ્રથા હજી પણ મોટા પ્રમાણમાં છે. હજુ તો જેમના હોઠેથી ધાવણ પણ સુકાયું નથી એવાં નાનકડાં બાળકોના હજારો લગ્નો આજે પણ આ દેશમાં થાય છે. નગરોમાં રહેલા શિક્ષિત વર્ગના લોકોમાં હવે પરિપક્વ ઉંમરે લગ્નો થવા માંડયા છે, પણ ભારતની અધિકાંશ જનતા ગામડાંમાં રહે છે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હજી ત્યાં શિક્ષણનો વ્યાપ વધ્યો નથી. ગામડાંના પછાત વર્ગના લોકોમાં કુરિવાજોનું સ્થાન વિશેષ છે. બાળલગ્નોના નામે આજે પણ અસંખ્ય બાળકોનો શારીરિક તથા માનસિક સર્વનાશ થઈ રહ્યો છે. આ અજ્ઞાનતાને રોકવી જરૂરી છે. સમાજમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી આવી અજ્ઞાનતાભરી રમત બંધ થાય.
મધ્યયુગમાં જ્યારે વિધર્મી આક્રમણખોરોનું ભારતમાં રાજ્ય હતું ત્યારે તેઓ કોઈપણ સુંદર યુવતીનું બળજબરીથી અપહરણ કરી જતા અને તેને લગ્નની ફરજ પાડતા ત્યારે એક આપદ્ ધર્મ તરીકે સમાજના બુદ્ધિશાળી લોકોએ બાળલગ્નની પ્રથા સ્વીકારેલી, ‘શીઘ્રબોધ’ જેવાં સામાન્ય પુસ્તકોમાં એવા શ્લોક એ વખતે લખવામાં આવ્યા કે જેમાં આઠ દસ વર્ષના બાળકોનાં લગ્નને યોગ્ય લેખવામાં આવ્યાં હતાં. તે સમય માટે એ વ્યવસ્થા યોગ્ય હતી.
આ વ્યવસ્થાયે તે વખતે ધર્મનું રક્ષણ કરવામાં સહયોગ આપ્યો હતો. તેથી એ વખતે કરવામાં આવેલી એ વ્યવસ્થા પ્રશંસનીય હતી, પરંતુ હવે એવી પરિસ્થિતિ નથી. હવે આપણી બહેન દીકરીઓના અપહરણનો એવો ભય નથી, એટલે આજના યુગમાં એ આપદ્ ધર્મને અનુસરી બાળલગ્નની પ્રથા ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. તાવ ઊતરી ગયા પછી પણ કવીનાઈનનાં ઈન્જેકશન લેતા રહેવાની કોઈ જરૂર ખરી ? જે લોકો પોતાનાં બાળકોનાં બાળલગ્નને ધર્મકૃત્ય સમજીને નાની ઉંમરે લગ્નો કરી નાખે છે તેઓ મોટી ભૂલ કરે છે. ભારતીય ધર્મમાં પુખ્ત ઉંમરનાં જ યુવક યુવતીઓનાં લગ્નો કરવાનો આદેશ છે. બાળલગ્નોની તો એમાં કલ્પના પણ કરી નથી. આ આંધળી રમતને ધર્મ માનવાનો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી.
પ્રતિભાવો