બ્રહ્મજ્ઞાનનો માર્ગ કઠિન નથી | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા
June 9, 2022 Leave a comment
બ્રહ્મજ્ઞાનનો માર્ગ કઠિન નથીજો કે સાંસારિક માણસો બ્રહ્મજ્ઞાનને ઘણું કઠિન – પ્રાય : અસંભવ માને છે, પરંતુ આ એક મોટી ભૂલ છે. બ્રહ્મજ્ઞાન અથવા આધ્યાત્મિકતા મનુષ્યના જીવનમાં આદિકાળથી ઓતપ્રોત છે, તેથી એને સમજી શકવાનું અને પાલન કરી શકવાનું જરાય કઠિન નથી. વર્તમાન સમયમાં એમાં જે મુશ્કેલી જણાય છે એનું કારણ એ છે કે અત્યારે સંસાર વાસ્તવિકતાને છોડીને કૃત્રિમતામાં ગુંથાયો છે. તેથી જે માર્ગ મનુષ્યને માટે સીધો, સરળ અને હિતકારી હતો તે જ એને કઠિન અને અસંભવ જણાય છે, પરંતુ જો વિચારપૂર્વક જોવામાં આવે તો ભલાઈ અને પવિત્રતાનો માર્ગ પાપ અને નીચતા કરતાં ઘણો સરળ છે. ભલાઈમાં જે સ્વાદ છે, પવિત્રતામાં જે આનંદ છે તે પાપ અને નીચતાની સરખામણીએ વધુ મજેદાર છે. ભલાઈ કરવી એ પાપ કરવા કરતાં વધુ સરળ છે, કેમ કે પરમાત્માસ્વરૂપ મનુષ્યની પ્રવૃત્તિ- સ્વભાવથી જ પવિત્રતા તરફની છે. પાપ અને નીચતા તો ઘણાં અપ્રાકૃતિક છે. મનુષ્ય નથી ઇચ્છતો કે તે નિકૃષ્ટતાના પંજમાં ફસાઈ જાય. એ માર્ગ ઉપર ચાલતાં એને ડગલે ને પગલે પોતાના આત્માનો સંહાર કરવો પડે છે, મનની રુચિ પર બળજબરી કરવી પડે છે ત્યારે તે ક્યાંક પાપ કરી શકે છે.
જે વ્યક્તિ ધૂમ્રપાન શરૂ કરે છે ત્યારે એને ખૂબ જ ખાંસી આવે છે, આંખમાં આંસુ આવી જાય છે, શરીરમાં પીડા થાય છે, માથામાં ચક્કર આવે છે, મુખમાંથી દુર્ગંધ આવે છે. આ બધું એ કારણે થાય છે, કેમ કે તમાકુ અપ્રાકૃતિક છે. પરમેશ્વર નથી ઇચ્છતા કે આપણે તે કાર્ય કરીએ. એમાં પ્રકૃતિનો સહયોગ નથી. ફક્ત આપણી આ અનધિકાર ચેષ્ટા જ એ દિવ્ય શક્તિઓ ની વિરુદ્ધ લડાઈ કરે છે.
આ રીતે પાપ અને નીચતાનો આરંભ કરવામાં આપણા અંત : કરણને ભયંકર વિક્ષોભ થાય છે, આત્મગ્લાનિ અને ક્લેશ ઉત્પન્ન થાય છે, મન કોઈક અજ્ઞાત ભયથી થર – થર કાંપે છે, આપણાં દુષ્કૃત્યોમાં સાથ આપવા ઇચ્છતું નથી, આપણું શરીર સ્વાભાવિક ગતિથી તે તરફ જતું નથી. અડિયલ ઘોડાની જેમ તે ઠેર ઠેર અટકે છે અને તે માર્ગ પર ચાલવા ઇચ્છતું નથી. આપણો સંકલ્પ, આપણી ધારણાઓ, આાપણી વૃત્તિઓ બધાં જ જવાબ દઈ દે છે. આપણા મન ઉપર અત્યાચાર કરતાં કરતાં આપણે પાપમાં પ્રવૃત્ત થઈએ છીએ. વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેવાથી આપણી પવિત્ર આકાંક્ષાઓ લગભગ મરી જાય છે. જે રીતે જાણીબૂજીને આપણે અફીણ, દારૂ, તમાકુ તથા અનેક વિષયુક્ત પદાર્થોના અભ્યાસી થઈ જઈએ છીએ અને આપણને એની કડવાશની પણ પ્રતીતિ થતી નથી, તેવી રીતે અભ્યાસી બની જવાથી આપણને પાપ અને નીચતા આચરતાં ગ્લાનિનો અનુભવ થતો નથી. સમય જતાં આપણે પાકા પાપી બની જઈએ છીએ.
પરમાત્માને તમારી અંદરથી કાર્ય કરવા દો. પ્રભુની જે ઇચ્છા છે, તદનુસાર ચાલવા માટે પોતાની જાતને વિવશ કરો. પરમાત્માને સ્વયં તમારી પોતાની મરજી મુજબ ચાલવા મજબૂર ન કરો. તમારી ઇચ્છા એક હોવી જોઈએ. તમે એ જ સર્વશક્તિમાન પરમાત્મા છો, જેણે તમામ જગતને પોતાની પવિત્રતા પ્રદાન કરી છે અને અણુઅણુમાં તે જ ઉત્કૃષ્ટ તત્ત્વને ઓતપ્રોત કરી દીધું છે, જે સત્ય છે, સુંદર છે તથા સર્વત્ર શિવ છે. આત્મનિરીક્ષણ દ્વારા જુઓ કે કેટલી માત્રામાં તમે ઈશ્વરેચ્છાના અનુગામી બન્યા છો ? તમારાં કેટલાં કાર્ય પરમાત્મા માટે હોય છે ? કેટલો સમય તમે ‘ સ્વ ’ ની પૂર્તિમાં વ્યતીત કરો છો ? કેટલો સમય તમે પૂજા – આરાધનામાં ગાળો છો ? તમારાં વિભિન્ન અંગોનો શું અભિપ્રાય છે ? તે કયા હેતુથી બનાવવામાં આવ્યાં છે ? તમારાં નેત્રોનું કાર્ય પવિત્રમાં પવિત્ર વસ્તુઓનું દર્શન હોવું જોઈએ. તમે કુરૂપતામાં પણ ભવ્યતા શોધી કાઢો. પ્રતિકૂળતામાં પણ સહાયક તત્ત્વોનું દર્શન કરતા રહો. મુશ્કેલમાં મુશ્કેલ અને વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ વિચલિત ન થાઓ. તમારા પગ તીવ્ર આંધી, પાણીમાં પણ સ્થિર રહે. તમારા હ્રદયમાં પવિત્રતાની ગરમી હોય. શરીરમાં ઉત્સાહ હોય. અંગ – પ્રત્યંગમાં પરમેશ્વરનું તેજ ચમકતું રહે.
આત્મબંધુઓ ! આ સંસાર સાથે આપણો કોઈ સંબંધ નથી. આપણે સત્ ચિત્ આનંદ વિશુદ્ધ પરમ પદાર્થ – આત્મા છીએ. સંસાર અને સાંસારિક સંબંધ રમકડાં માત્ર છે. અવારનવાર આપણે કહ્યા કરીએ છીએ કે અમુક વ્યક્તિ અમારો શત્રુ છે, અમુક અમારો મિત્ર છે, અમુક અમારા પિતા છે, અમુક પુત્ર છે, પરંતુ વાસ્તવમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પિતા નથી કે કોઈ પુત્ર નથી. આપણે સૌ સાક્ષાત્ પરબ્રહ્મ પદાર્થ છીએ. સંસારના ક્ષુદ્ર ઝઘડાઓ સાથે આપણો કોઈ સંબંધ નથી. સુખ અને દુઃખ, છાંયો અને તડકો છે, જે આવતાં જતાં રહે છે. આપણી આંતરિક શાંતિ ભંગ થવી જોઈએ નહિ. આપણે સંસારથી બહુ ઊંચા છીએ.
જેમ વિમાનમાં બેસીને આકાશમાં વિહાર કરવાથી સંસારની પ્રત્યેક વસ્તુ ઘરબાર, મનુષ્ય, પશુ, વૃક્ષ વગેરે નાનાં નાનાં લાગે છે તે રીતે આત્મસ્વરૂપનો પ્રકાશ મેળવનાર સાધકને સાંસારિક પદાર્થો મિથ્યા લાગે છે. તે એમનાથી બહુ જ ઊંચો ઊઠી જાય છે. માયામોહના ચક્રમાં ફસાતો નથી. એને દિવ્યજ્ઞાન તે પ્રકાશ આપે છે, જેના ઉજાસમાં એને ભવ્યતા, પવિત્રતા તથા વાસ્તવિક સત્યનાં દર્શન થાય છે.
તમે સંસારથી અલગ રહીને જ આત્મજ્યોતિને પ્રકાશિત કરી શકો, એવું નથી. સંસારની થપાટો સહીને પણ તમે સારી રીતે દિવ્યતા પ્રાપ્ત કરી શકો છો. ઘર – ગૃહસ્થીની અનેક જવાબદારીઓનું પાલન કરતાં કરતાં પણ તમે સહર્ષ પોતાની અંદરના પરમાત્મ તત્વને પ્રકાશિત કરી શકો છો.
તમે પ્રત્યેક કાર્ય એમ માનીને કરો કે તમે પરમાત્મા છો, એના એક અંગ છે. તમારામાં જ્ઞાન, સત્ય, પ્રેમ ભરેલાં પડ્યાં છે અને તમે હંમેશાં જીવનમાં એ તત્ત્વોનો પ્રકાશ કરી રહ્યા છો. તમે સર્વત્ર પ્રેમ, દિવ્યતા અને શાંતિનું જ દર્શન કરો છો. તમારી દષ્ટિ ફક્ત ભવ્ય તત્ત્વોના ચિંતનમાં જ લાગે છે. તમે પવિત્ર શબ્દોનું જ ઉચ્ચારણ કરો છો અને મનમંદિરમાં સદાસર્વદા પવિત્ર સંકલ્પોને જ સ્થાન આપો છો.
આપનું લક્ષ્ય અને આદર્શ જેટલા દિવ્ય હશે, તેટલી જ આપને ઈશ્વરીય પ્રેરણા મળતી રહેશે. જે ગુણ તમારામાં નથી તેને પોતાની અંદર માની લો. પછી એને અનુરૂપ આચરણ કરો. સમય જતાં તે જ શુભતત્ત્વો તમારામાં પ્રગટ થશે. તમે પોતાને દીન, હીન, પાપી નહિ, પરમ પવિત્ર નિર્વિકાર આત્મા માનો.
પ્રતિભાવો