હું પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશ અને બધાના હિતમાં મારું હિત માનીશ
June 10, 2022 Leave a comment
હું પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશ અને બધાના હિતમાં મારું હિત માનીશ
સામાજિક ન્યાયનો સિદ્ધાંત એવો અતૂટ છે કે એક ક્ષણ માટે પણ તેની ઉપેક્ષા કરી ન શકાય. એક વર્ગ સાથે અન્યાય થશે તો બીજો વર્ગ ક્યારેય પણ શાંતિપૂર્વક જીવી શકશે નહીં. બીજાઓની જેમ જ સામાજિક ન્યાય અને અધિકારોનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિ પેદા કર્યા વિના આપણો સમાજ શોષણમુક્ત થઈ શકશે નહીં. સો હાથથી ભલે કમાઓ, પરંતુ તેનું હજાર હાથથી દાન અવશ્ય કરી દો અર્થાત્ અસંખ્ય બૂરાઈઓને જન્મ આપતી સંગ્રહવૃત્તિને વિકસિત થવા દેશો નહિ.
કોઈ વ્યક્તિમાં જ્યારે કંજૂસાઈ, સ્વાર્થીપણું અને નિષ્ઠુરતાની ભાવના જરૂર કરતાં વધારે પ્રમાણમાં ભરેલી હોય ત્યારે જ એ પોતાની પાસે સામાન્ય લોકો કરતાં ખૂબ જ વધુ ધન સંગ્રહ કરી શકે છે. બીજા લોકો જ્યારે ભારે મુશ્કેલીઓ વચ્ચે નિંદનીય અને અભાવગ્રસ્ત જીવન જીવી રહ્યા હોય તથા તેમના બાળકો શિક્ષણ અને આરોગ્ય સેવાઓથી વંચિત થઈ રહ્યાં હોય ત્યારે એમની જરૂરિયાતો તરફ જેઓ આંખો મીંચીને રહેશે, કોઈને કશું પણ આપવા ન ઈચ્છે અને આપશે તો રાઈરતી જેટલું આપી પહાડ જેટલો યશ લૂંટવાનો અવસર મળશે તો જ થોડું આપે એવી વ્યક્તિ જ ધનવાન બની શકે છે. સામાજિક ન્યાયનો તકાજો એ છે કે દરેક વ્યક્તિ કમાણી તો ઘણી કરે, પરંતુ એ કમાણીનો લાભ બીજાઓને પણ આપે. બધા લોકો હળીમળીને ખાય, જીવે અને બીજાઓને જીવવા દે. દુઃખ અને સુખ બધા લોકો સાથે મળીને વહેંચીને ભોગવે. આ બંને ભાર જો એકના ખભા પર આવી જાય તો એ દબાઈને થાકી જાય છે, પરંતુ જો બધા લોકો એને અંદરોઅંદર વહેંચી લે તો કોઈના ૫૨ ભાર પડતો નથી, બધાનું ચિત્ત હળવું રહે છે અને સમાજમાં વિષમતાનું બીજ પણ પેદા થઈ શકતું નથી.
જે રીતે આર્થિક સમતાનો સિદ્ધાંત સનાતન અને શાશ્વત છે, તે જ રીતે સામાજિક સમતાના માનવીય અધિકારોની સમતાનો આદર્શ પણ અનિવાર્ય છે. એને પડકાર આપી ન શકાય. કોઈ જાતિ, વંશ કે કુળમાં જન્મ લેવાથી કોઈ મનુષ્યના અધિકાર ઓછા થઈ જતા નથી કે ઊંચા માની શકાતા નથી. નાના કે મોટા હોવાની અથવા નીચ કે ઉચ્ચ હોવાની કસોટી ગુણ, કર્મ અને સ્વભાવ જ હોઈ શકે છે. પોતાની વ્યક્તિગત વિશેષતાઓને કારણે કોઈનું ઓછું કે વધારે માન હોઈ શકે છે, પરંતુ કોઈને અમુક કુળમાં જન્મ લેવાથી જ એને નાનો કે મોટો કદાપિ માની શકાય નહીં. આ પ્રકારની અવિવેકપૂર્ણ માન્યતાઓ જ્યાં પણ ચાલી રહી છે ત્યાં કેટલાક લોકોનો અહંકાર અને કેટલાક લોકોનો દીનતાનો ભાવ જ કારણભૂત હોઈ શકે છે. હવે વિકસતી જતી દુનિયા આ પ્રકારના કચરા અને કબાડ જેવા વિચારોને ઝડપથી હટાવતી આગળ વધી રહી છે.
સ્રીઓ વિશે પુરુષોએ એવી માન્યતા બનાવી રાખી છે કે શરીરમાં ભિન્નતા હોવાથી નર અને નારીમાં કોઈને હીન કે મહાન માનવામાં આવે તે ઠીક નથી. આપણે સમાજનું અભિન્ન અંગ છીએ એ સારી રીતે સમજી લેવું જોઈએ. જે રીતે શરીર સાથે સંબંધિત બધા અવયવોનો સ્વાર્થ પરસ્પર બંધાયેલો છે, તે જ રીતે આખી માનવજાત એક જનાવમાં બેઠેલી છે. ભેદની ભાવના રાખનારા, ભિન્ન સ્વાર્થી, ભિન્ન આદર્શો અને ભિન્ન માન્યતાઓ ધરાવતા લોકો ઘણી સંખ્યામાં કોઈ જગ્યાએ એકત્રિત થઈ જાય તો તેઓ એક રાષ્ટ્ર, એક સમાજ એક જાતિ બની શકતા નથી. એકતાના આદર્શો સાથે જોડાયેલાં અને એ આદર્શ માટે બધું જ ન્યોછાવર કરી દેવાની ભાવના ધરાવતા લોકોનો સમૂહ જ સમાજ કે રાષ્ટ્ર છે. શક્તિનો સ્ત્રોત આ જ એકતાની અનુભૂતિમાં છે. આ શક્તિ બનાવી રાખવા માટે દરેક વ્યક્તિ પોતાને વિરાટ પુરુષનું એક અંગ અને રાષ્ટ્રીય મશીનનો એક પ્રામાણિક અવયવ માનીને ચાલે તથા સૌના સંયુક્ત હિતને ધ્યાનમાં રાખે તે જરૂરી છે. આ ભાવના જ આપણી સર્વાંગીણ પ્રગતિનો આધાર બની શકે છે.
સૌના હિતમાં પોતાનું હિત સમાયેલું હોવાની વાત જ્યારે કહેવામાં આવે છે તો લોકો એવો તર્ક પણ આપે છે કે પોતાના વ્યક્તિગત હિતમાં જ બધાનું હિત સાધવું જોઈએ. જો આ સાચું છે તો આપણે પોતાના જ હિતની વાત કેમ ન વિચારીએ ?
અહીં આપણે સુખ અને હિત વચ્ચેનો ફ૨ક સમજવો પડશે. સુખનો અનુભવ ફક્ત આપણી માન્યતાઓ અને અભ્યાસના આધારે થાય છે, જ્યારે હિત શાશ્વત સિદ્ધાંતો સાથે જોડાયેલું હોય છે. આપણે મોડે સુધી સૂતા રહેવામાં અને કંઈ પણ ખાતા રહેવામાં સુખનો અનુભવ તો કરી શકીએ છીએ, પરંતુ હિત તો વહેલા ઊઠવામાં અને મહેનતુ અને સંયમી બની રહેવાથી જ સધાશે. આથી વ્યક્તિગત સુખને ગૌણ તથા સાર્વજનિક હિતને મુખ્ય માનવાનો નિર્દેશ સત્સંકલ્પમાં રાખવામાં આવ્યો છે.
સામૂહિક સ્વાર્થ માટે વ્યક્તિગત સ્વાર્થનું બલિદાન કરવાનું નામ જ પુણ્ય અને પરમાર્થ છે. એને જ દેશભક્તિ, ત્યાગ, મહાનતા, બલિદાન વગેરે નામોથી સંબોધવામાં આવે છે. આ જ નીતિ અપનાવીને મનુષ્ય મહાપુરુષ બને છે, લોકહિતની ભૂમિકા નિભાવે છે અને પોતાના દેશ અને સમાજનું મુખ ઉજજવળ કરે છે. મુક્તિ અને સ્વર્ગનો રસ્તો પણ આ જ છે. આત્માની શાંતિ અને સદ્ગતિનો આધાર પણ એના પર જ રહેલો છે. એથી વિપરીત બીજો રસ્તો એ છે જેમાં વ્યક્તિગત સ્વાર્થ માટે સંપૂર્ણ સમાજનું અહિત કરવા મનુષ્ય કટિબદ્ધ થઈ જાય છે, બીજા ભલે ગમે તેવી વિપત્તિમાં ફસાઈ જાય અને ગમે તેટલું નુકસાન તથા દુઃખ ભોગવે, પરંતુ પોતાના માટે કોઈની જરાય પરવા કરવામાં ન આવે. આને જ અપરાધી વૃત્તિ કહેવાય છે. આત્મનાશનો અને આત્મપતનનો માર્ગ આ જ છે. એના પર ચાલીને વ્યક્તિ નરક જેવી યંત્રણાઓથી ભરેલી સર્વનાશની ખાઈમાં પડે છે.
આથી જ પોતાની સદ્ગતિ તથા સમાજની પ્રગતિનો માર્ગ સમજી વ્યક્તિગત સુખ અને સ્વાર્થની આંધળી દોટ બંધ કરીને વ્યાપક હિતોની સાધના શરૂ કરવી જોઈએ. પોતાના ક્લ્યાણની અનુભૂતિને ક્રમશઃ સુખો અને સ્વાર્થોથી હટાવીને વ્યાપક હિતો તરફ વાળવું જ આપણા માટે શુભ છે.
ભગવાને મનુષ્યને આટલી બધી સુવિધાઓ અને વિશેષતાઓ એ માટે નથી આપી કે એ પોતે જ મોજમજા કરે અને પોતાની કામવાસનાઓની આગ ભડકાવવા અને તેને બુઝાવવા માટેના ગોરખધંધામાં લાગેલો રહે. ઈશ્વરે મનુષ્યને જો મોજમજા કરવા માટે જ આટલી બધી સુવિધાઓ આપી હોત અને બીજા પ્રાણીઓને અકારણ એનાથી વંચિત રાખ્યા હોત તો એ ચોક્કસપણે પક્ષપાતી હોત. અન્ય જીવો સાથે કંજૂસાઈ અને મનુષ્ય સાથે ઉદારતા વર્તવાનો અન્યાય ભલા એ પરમાત્મા કેમ કરે, જેનિષ્પક્ષ, જગત પિતા, સમદર્શી અને ન્યાયકારી નામથી પ્રસિદ્ધ છે.
યુગ નિર્માણ સંલ્પમાં એ અત્યંત જરૂરી કર્તવ્ય તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે મનુષ્યનું જીવન સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે છે. શાસ્ત્રોમાં પોતાની કમાણી પોતે જ ખાઈ જનારને ચોર માનવામાં આવ્યો છે.
જે મળ્યું છે તેને વહેંચીને ખાવું જોઈએ. મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતાં જે કંઈ વધારે મળ્યું છે તે એનું પોતાનું નથી, પરંતુ સૃષ્ટિની શરૂઆતથી લઈ અત્યાર સુધીના શ્રેષ્ઠ સત્પુરુષોના શ્રમ અને ત્યાગનું ફળ છે. જો આવું ન થયું હોત તો મનુષ્ય પણ એક દુર્બળ જંગલી પશુની જેમ રીંછ અને વાનરોની જેમ પોતાના દિવસો કાપી રહ્યો હોત. આ ત્યાગ અને ઉપકારની પુણ્યપ્રક્રિયાનું નામ જ ધર્મ, સંસ્કૃતિ તથા માનવતા છે, એના જ આધારે પ્રગતિના પથ પર આટલું વધવાનું શક્ય બન્યું. જો આ પુણ્ય-પ્રક્રિયાને તોડી નાંખવામાં આવે અને મનુષ્ય ફક્ત પોતાના સ્વાર્થની વાત વિચારવામાં તથા એમાં જ લાગેલા રહેવાની નીતિ અપનાવવા લાગે તો ચોક્કસપણે માનવીય સંસ્કૃતિ નષ્ટ થઈ જશે અને ઈશ્વરીય આદેશના ઉલ્લંઘનના ફળસ્વરૂપે જે વિકૃતિ પેદા થશે તેનાથી સંપૂર્ણ વિશ્વને ભારે ત્રાસ સહન કરવો પડશે.
પરમાર્થની આધારશિલાના રૂપમાં જે પુરુષાર્થ માનવજાતનો અંતરાત્મા બનતો આવ્યો છે તેને નષ્ટભ્રષ્ટ કરી નાંખવો અને સ્વાર્થી બનીને જીવવું તે નિશ્ચિતપણે સૌથી મોટી મૂર્ખતા છે. આ બેવકૂફીને અપનાવીને પણે આપણે બધી રીતે આપત્તિઓને જ નિમંત્રણ આપીએ છીએ અને મુશ્કેલીઓના કાદવમાં આજની જેમ જ દિવસે દિવસે ઊંડા ફસાતા જઈએ છીએ.
પ્રતિભાવો