૫. બ્રહ્મજ્ઞાન માટે ધ્યાનની આવશ્યકતા
June 10, 2022 Leave a comment
બ્રહ્મજ્ઞાન માટે ધ્યાનની આવશ્યકતા
બ્રહ્મજ્ઞાન અથવા ઈશ્વરના સ્વરૂપને સમજવા અને તેને અનુરૂપ ચાલવા માટેના અનેક માર્ગ છે, પરંતુ ભક્તિપૂર્વક ઈશ્વરનું ધ્યાન અને ભજન કરવું એ બધામાં મુખ્ય છે. આ એક એવું સાધન છે જે પ્રત્યેક ઈશ્વરીયમાર્ગની સફળતા માટે આવશ્યક છે. ‘ ગરુડપુરાણ ‘ માં કહ્યું છે –
ભજ ઈત્યેવ વૈ ધાતુઃ સેવામાં પરિકીર્તિતા | તસ્નાત્રેવાબુધે પ્રોક્તા ભક્તિઃ સાધન ભૂયસી II
શ્લોકનું તાત્પર્ય છે કે – ‘ ભજ્’ ધાતુનો અર્થ સેવા છે. ( ભજ – સેવાયાં ) તેથી બુદ્ધિશાળી જનોએ ભક્તિનું સાધન સેવા કહી છે. ‘ ભજન ’ શબ્દ ‘ ભજ્ ’ ધાતુથી બન્યો છે. જેનો સ્પષ્ટ અર્થ સેવા છે. “ ઈશ્વરનું ભજન કરવું જોઈએ ” – જે શાસ્ત્રોએ આ મહામંત્રનો મનુષ્યને ઉપદેશ આપ્યો છે તેમનો ઉદ્દેશ મનુષ્યને ઈશ્વરની સેવામાં પ્રવૃત્ત કરવાનો હતો. જે વિધિ વ્યવસ્થા દ્વારા મનુષ્યપ્રાણી ઈશ્વરની સેવામાં તલ્લીન બની જાય તે જ ભજન છે. આ ભજનના અનેક માર્ગ છે. અધ્યાત્મ માર્ગના આચાર્યોએ દેશ, કાલ અને પાત્રના ભેદને ધ્યાનમાં રાખીને ભજનના અનેક કાર્યક્રમ બનાવ્યા અને બતાવ્યા છે
વિશ્વના ઇતિહાસમાં જે જે અમર વિભૂતિઓ, મહાન આત્માઓ, સંત, સિદ્ધ, જીવન્મુક્ત, ઋષિ અને અવતાર થયા છે એ બધાએ ભજન કર્યું છે અને કરાવ્યું છે, પણ એ બધાનાં ભજનોની પ્રણાલી એકસરખી નથી. દેશ – કાલ અને પરિસ્થિતિ અનુસાર એમને ભેદ કરવો પડ્યો છે. આ ભેદ હોવા છતાં પણ ભજનનાં મુખ્ય તથ્યમાં કોઈએ અંતર આવવા દીધું નથી. ભજન ( ઈશ્વરની સેવા ) કરવું એટલે ઈશ્વરની ઇચ્છા અને આજ્ઞાનું પાલન કરવું. સેવકો પોતાના માલિકોની સેવા આ રીતે પણ કર્યા કરે છે. એક રાજાના શાસનમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. એ બધાને જવાબદારીનાં કામ વહેંચી દેવાય છે. દરેક કર્મચારી પોતપોતાનું નક્કી કરેલું કામ કરે છે. પોતાના નિયત કાર્યને યોગ્ય રીતે કરનાર રાજાનો કૃપાપાત્ર બને છે. એના વેતન તથા પદમાં વધારો થાય છે, પુરસ્કાર મળે છે, ઇલ્કાબ વગેરે આપવામાં આવે છે. જે કર્મચારી પોતાના નિયત કાર્યમાં આળસ કરે છે તે રાજાના ગુસ્સાનો ભોગ બને છે. દંડ, પગારમાં કાપ, સ્વાનિવૃત્તિ અથવા અન્ય પ્રકારની સજાઓ પામે છે. આ નિયુક્ત કર્મચારીઓની સેવાનું યોગ્ય સ્થાન જેમાં એમને નિયુક્ત કરાયા છે તેવાં કાર્યોમાં છે. રસોઇયા, ભંગી, પંખા નાખનાર, ધોબી, ચોકીદાર, ચારણ, નાઈ વગેરે સેવક પણ રાજાને ત્યાં રહે છે. તેઓ પણ એમનું નિયત કાર્ય કરે છે. પરંતુ આ સામાન્ય કર્મચારીઓમાંથી કોઈ એવું નથી વિચારતા કે રાજાની સર્વોપરિ કૃપા અમારા ઉપર ઊતરે. વાત પણ સાચી છે. રાજાના યોગ્ય ઉદ્દેશને સુવ્યવસ્થિત રાખનારા રાજ્યમંત્રી, સેનાપતિ, અર્થમંત્રી, વ્યવસ્થાપક, ન્યાયાધીશ વગેરે ઉચ્ચ કર્મચારી જેટલો આદર, વેતન, આત્મભાવ મેળવે છે, તેટલાં બિચારાં ભંગી, રસોઇયા વગેરેને જીવનભર સ્વપ્નમાં પણ મળતાં નથી. રાજ્યના બધા જ કર્મચારીઓ જો પોતાનાં નિયત કાર્યોમાં અરુચિ દાખવી રાજાના રસોઇયા, ભંગી, કહાર, ધોબી, ચારણ વગેરે બનવા દોડી જાય તો રાજાને થોડીક પણ પ્રસન્નતા અને સુવિધા થશે નહિ. જો કે આ બધા કર્મચારીઓને રાજા માટે અગાધ પ્રેમ છે અને પ્રેમથી પ્રેરાઈને જ એમણે વ્યક્તિગત શરીર સેવા કરી છે અને દોટ મૂકી છે. પરંતુ આવો વિવેકરહિત પ્રેમ લગભગ દ્વેષ જેવો જ હાનિકર્તા બને છે. એનાથી રાજ્યનાં આવશ્યક કાર્યોમાં મુશ્કેલી અને અનાવશ્યક કાર્યોનો વધારો થશે. આ કાર્યપ્રણાલી કોઈ પણ બુદ્ધિમાન રાજાને ગમશે નહિ.
ઈશ્વર રાજાઓનો મહારાજ છે. આપણે બધા એના રાજ્યના કર્મચારી છીએ. આપણા સૌ માટે નિયત કર્મો છે. પોતપોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરતાંકરતાં આપણે ઈશ્વરની ઇચ્છા અને આજ્ઞાનું પાલન કરીએ છીએ. આમ સાચી સેવા કરતા રહીને સ્વાભાવિક રીતે એના પ્રિયપાત્ર બની જઈએ છીએ. રાજાઓને તો વ્યક્તિગત સેવાની પણ આવશ્યકતા રહે છે, પરંતુ પરમાત્માને તો રસોઇયા, ભંગી, કહાર, ચારણ, ચોકીદાર વગેરેની કંઈજ આવશ્યકતા નથી. તે સર્વવ્યાપક છે. વાસના અને વિકારોથી રહિત છે. આથી એને ભોજન, કપડાં, પંખો, રોશની વગેરેનો કોઈ જ ઉપયોગ નથી.
ધ્યાન, જપ, સ્મરણ – કીર્તન, વ્રત, પૂજન, અર્ચન, વંદન આ બધો આધ્યાત્મિક વ્યાયામ છે. જે કરવાથી આત્માનું બળ અને સતોગુણ વધે છે. આત્મોન્નતિ માટે આ બધું કરવું આવશ્યક અને ઉપયોગી પણ છે, પરંતુ આટલું જ માત્ર ઈશ્વર ભજન કે ઈશ્વરભક્તિ નથી. આ તો ભજનનો બહુ જ નાનો અંશ છે. સાચી ઈશ્વર સેવા એની ઇચ્છા અને આશાઓને પૂરી કરવામાં છે. એની ફૂલવાડીને વધુ લીલીછમ અને ફળફૂલથી લચેલી બનાવવામાં છે. પોતાનાં નિયત કર્તવ્યો નિભાવતા જઈ પોતાની અને બીજાઓની સાત્વિક ઉન્નતિ તથા સેવામાં લાગી રહેવું એ પ્રભુને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ ઉપાય હોઈ શકે છે.
પ્રતિભાવો