૭. કજોડાં લગ્નો થવાં ન ઘટે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 10, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
કજોડાં લગ્નો થવાં ન ઘટે :
વૃદ્ધો સાથે કુંવારી યુવતીઓનાં લગ્ન જે લોકો કરે છે તેમાં ધનલોભ મુખ્ય છે. કન્યાનાં હાડમાંસ વેચનારા આવા લોકો નિર્દયી અને દુર્બુદ્ધિવાળા છે. એમને પોતાના સ્વાર્થ આગળ ધર્મ, ન્યાય કે અન્યાય કંઈ પણ દેખાતું નથી. માત્ર લાલચવશ તેઓ પોતાની માતા, બહેન, પત્ની, પુત્રી, ધર્મ, ઈમાન, ન્યાય અને નીતિ બધું જ વેચી શકે છે. આવા નરપશુઓનાં નીચ કર્મ સમાજના વાતાવરણને વિષમય બનાવે છે. આનો સખત વિરોધ થવો જ જોઈએ. કેટલીક વખત તો દસ બાર વર્ષની બાલિકાનું લગ્ન પચાસ-સાઈઠ વર્ષના વૃદ્ધ સાથે કરવામાં આવ્યું હોય એવું પણ મેં જોયું છે. આવા નરમેઘ ‘લગ્ન’ શબ્દને પણ કલંકિત કરે છે.
લૂંટ, અપહરણ, બળાત્કાર અને ખૂન જેવા ગુનાઓની જેમ આવાં લગ્નોને પણ ગુનાહિત કૃત્ય માની રોકવાં જોઈએ. જોકે આવી ઘટનાઓ ઓછી બને છે, પણ સમાજમાં એક પણ આવો બનાવ બનવો ન જોઈએ. જોકે કન્યાવિક્રયની દુષ્ટ પ્રવૃત્તિના લીધે વૃદ્ધ લગ્નો ઓછા થાય છે, પરંતુ તેમ છતાં જે મોટી સંખ્યા એમાં જોવા મળે છે તેનું કારણ માબાપોની દહેજ સંબંધી લાચારી મુખ્ય હોય છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે વધુ દહેજની માગણી સામાન્ય સ્તરનાં માબાપો માટે ખૂબ મૂંઝવણભર્યો પ્રશ્ન હોય છે. એવાં માબાપ પોતાની દીકરી માટે વર ખોળવા આકાશ પાતાળ એક કરતાં હોય છે અને એમાં જ સમય ઘણો વહી જાય છે. પરિણામે દીકરી ખૂબ મોટી થઈ જાય છે, જ્યારે સમાજની પ્રચલિત માન્યતાઓ અનુસાર સામાન્ય રીતે કન્યાનું લગ્ન વીસ વર્ષની ઉંમર સુધીમાં થવું જોઈએ. જો કન્યાની ઉમર વધી જાય તો સમાન ઉમરનો યુવક મળવો મુશ્કેલ બની જાય છે.
પ્રતિભાવો