શક્તિનો દૈવી સ્રોત | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 10, 2022 Leave a comment
શક્તિનો દૈવી સ્રોત
ઘણી વ્યક્તિઓ જે સ્વભાવથી જ પોતાને નિર્બળ અને સામર્થ્યહીન માને છે તેઓ સરળતાથી એ વિશ્વાસ કરી જ શકતી નથી કે મહેનત કરવાથી પોતે મહાન તથા શક્તિશાળી થઈ શકે છે. તેઓ પોતાની વર્તમાન દુર્બળ અવસ્થાને જોઈને એવું વિચારે છે કે આપણે તો સદા આ રીતે દબાયેલા રહેવા માટે પેદા થયા છીએ, પરંતુ આ એક ભ્રમજનક ધારણા છે. પ્રત્યેક વ્યક્તિની અંદર એક એવું શક્તિકેન્દ્ર હાજર છે, જે એને ઈચ્છાનુસાર ઊંચા સ્થાને પહોંચાડી શકે છે. શાસ્ત્રોમાં કહ્યું છે : પ્રત્યેકમસ્તિ ચિચ્છક્તિર્જીવ શક્તિ સ્વરૂપિણી” “પ્રત્યેક જીવમાં ચૈતન્યશક્તિ ( આત્માની અનંત અને અપાર શક્તિ ) વિદ્યમાન છે.” શક્તિથી જ મનુષ્ય પહેલાં ધર્મ પ્રાપ્ત કરે છે. પછી એનાથી જ અર્થ સિદ્ધ કરતાં કરતાં પુણ્ય સંચય કરીને કામનાઓની પૂર્તિ કરવામાં સમર્થ બને છે. અંતે એ શક્તિથી પૂર્ણ ત્યાગ તેમ જ જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે. પોતાની શક્તિના પ્રવાહનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ પુરુષાર્થ છે. આ રીતે શક્તિ સંપન્નતાને સ્વાર્થ સિદ્ધિના બદલે બીજાના હિતમાં વાપરવી એ જ ઉન્નતિના પંથે આગળ વધતા રહેવું છે.
શક્તિની ક્યાંય કોઈની પાસે ભીખ માગવાની જરૂર નથી. એ તો બધાને આપમેળે મળે છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન તથા વિવેકનો ઉદય થતો નથી ત્યાં સુધી દેહ નિરર્થક ક્રિયા કરતો રહીને અસદ્ભાવોને સત્ય માનીને પોતાના જીવનમાં સુલભ શક્તિઓનો દુરુપયોગ કરતો રહે છે. કદાચ આપણું જીવન સદ્ગુણ અને સદ્ભાવરહિત હોય તો આપણે શક્તિઓના સદુપયોગથી કોઈ પણ પ્રકારના અભાવને તુચ્છ તથા અકિંચનમાંથી મહાન થઈ શકીએ છીએ. દેહ, પ્રાણ, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા દુરુપયોગ થતી શક્તિનો સદુપયોગ કરવા માટે જ પૂજા, પાઠ, કીર્તન, જપ, તપ અને ધ્યાન વગેરે અનેક સાધનોનો આશ્રય લેવો પડે છે. જે રીતે આપણું આ ભૌતિક શરીર આ જ ભૂલોકનાં દ્રવ્યોથી બનેલું છે, એ જ રીતે આપણાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય ક્ષેત્રો ઉત્તરોત્તર સૂક્ષ્માતિસૂક્ષ્મ લોક દ્વારા નિર્મિત છે, પ્રત્યેક ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ છે અને પોતપોતાના લોકની દિવ્યશક્તિઓ મેળવવા માટે પ્રત્યેક ક્ષેત્ર ક્રિયાશીલ થઈ રહ્યું છે. જે ક્ષેત્રમાં ક્રિયાની પ્રધાનતા રહે છે એ જ ક્ષેત્ર વિશેષ શક્તિસંપન્ન હોય છે.
સ્થૂળ ક્ષેત્રમાં સંઘરાયેલી શક્તિ દ્વારા સ્થૂળકર્મ સારી રીતે સિદ્ધ થાય છે. પ્રાણમય સૂક્ષ્મક્ષેત્રમાં પ્રાણશક્તિ દ્વારા વિવિધ વિષય વાસનાઓ તથા કામનાઓની પૂર્તિ થતી રહે છે. આ રીતે મનોમય ક્ષેત્રમાં કેન્દ્રિત શક્તિ દ્વારા વિવિધ ભાવ, ઈચ્છા, તેમ જ સંકલ્પની સિદ્ધિ થાય છે. એનાથી પણ ઉપર વિજ્ઞાનમય ક્ષેત્રમાં વિકસિત શક્તિના યોગથી અદ્ભુત પ્રતિભાયુક્ત જ્ઞાનનો પ્રકાશ થાય છે. આ જ જ્ઞાનલોકમાં પરમાર્થનો પથિક પોતાની વિખરાયેલી બહિર્મુખી શક્તિને અંતર્મુખ કરતાં કરતાં પોતાના પરમ લક્ષ્ય તરફ અગ્રેસર થવામાં સમર્થ બને છે. જે રીતે ભૌતિક ભવનને બીજા રૂપમાં બદલવા માટે સંપત્તિની જરૂર પડે છે, એ રીતે ઈચ્છિત રૂપમાં પોતાના ભાગ્યભવનને બદલવા માટે પણ શક્તિ અને પુણ્યરૂપી સંપત્તિની આવશ્યકતા છે. તપ દ્વારા શક્તિ અને સેવા દ્વારા પુણ્યરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. શક્તિના દુરુપયોગથી દુર્ભાગ્યની અને સદુપયોગથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સાંસારિક સ્વાર્થ જ સાધતા રહેવું એ શક્તિનો દુરુપયોગ છે, પરંતુ પરોપકાર કરતા જઈને પોતાનો પરમાર્થ કરી લેવો એ શક્તિનો સદુપયોગ છે.
સંસારમાં આસક્ત રહેવું તે શક્તિનો દુરુપયોગ છે અને ત્યાગ દ્વારા જ્ઞાન તથા ભક્તિમાં મગ્ન હોવું તે શક્તિનો સદુપયોગ છે. અહંકારપૂર્વક પોતાની શક્તિથી કોઈને પાડી દેવોતે શક્તિનો દુરુપયોગ છે અને પતિતને સરળ ભાવથી ઊંચે ઉઠાવવો તે શક્તિનો સદુપયોગ છે. સંયમ – સાધના દ્વારા શક્તિનો વિકાસ કરવા તથા શક્તિના સદુપયોગની સિદ્ધિ માટે જ મંદિરોમાં, તીર્થસ્થાનોમાં, શક્તિપીઠોમાં, વન – ઉપવનોમાં સમયાનુસાર જવાની પ્રક્રિયા આપણા દેશમાં ચાલતી આવી છે. આવાં પવિત્ર સ્થાનોમાં પોતાના અંતરની સુષુપ્ત શક્તિ સહજ પ્રયાસથી જ જાગૃત થઈ જાય છે. આપણે સૌએ ધ્યાન દઈને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે શક્તિનો કોઈ પણ ક્રિયા, ચેષ્ટા, ભાવ, તેમ જ વિચાર દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે સદુપયોગ. આ રીતે આપણે મેળવેલી શક્તિની વધુમાં વધુ વૃદ્ધિ કરી શકીએ છીએ. શુદ્ધ, સાત્ત્વિક આહાર અને વિષય સંયમથી શારીરિક ઉન્નતિ થાય છે. સવ્યવહાર તેમ જ સદ્ગુણોના વિકાસથી માનસિક ઉન્નતિ થાય છે. સંત – સદ્ગુરુના સમાગમ દ્વારા પ્રાપ્ત જ્ઞાનથી બૌદ્ધિક ઉન્નતિ થાય છે અને નિષ્કામ પ્રેમ તેમ જ સત્ય સ્વરૂપના ધ્યાનથી આત્મોન્નતિ થાય છે. આપણને સૌ પ્રથમ સંતોના સત્સંગની સૌથી વધુ આવશ્યકતા છે, જેનાથી આપણે વિવેક દષ્ટિ પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી આપણે આત્મસંયમથી સાધના કરીએ, કેમ કે બુદ્ધિમત્તાપૂર્વક આત્મસંયમથી જ શક્તિ સંપન્ન થઈને આનંદ અને શાંતિના પરમધામની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં શક્તિની પ્રાપ્તિ તેમ જ નિર્બળતાનો અભાવ જ માનવ ઉત્થાન કે શક્તિનો સદુપયોગ છે. જયારે આપણે ભયને બદલે નિર્ભય થઈને પ્રત્યેક તકલીફને દૂર કરવા માટે સમર્થ થઈ જઈએ અને આપણા લક્ષ્ય તરફ આગળ વધતા જ જઈએ તથા જ્યારે આપણને સક્તિની મહાન કૃપાનો અનુભવ થવા લાગે ત્યારે આપણે શક્તિનો સદુપયોગ કરનારી વ્યક્તિના રૂપમાં આપણને પોતાને પામીને ધન્ય થઈ જઈશું.
પ્રતિભાવો