ઈશ્વરનું ભજન કેવી રીતે કરવામાં આવે ? | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

ઈશ્વરનું ભજન કેવી રીતે કરવામાં આવે ?

સાધારણ રીતે બધા જ ભગવાનનું નામ લે છે, પરંતુ એની સાથે જ્યાં સુધી ભગવાનના આદેશોના પાલનનું ધ્યાન રાખવામાં ન આવે, ત્યાં સુધી વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. ભગવાનના જપ કરવાની સાથે દશેય ઈન્દ્રિયોની દુર્વાસનાઓનો ત્યાગ કરીને ચિત્તને સદાચારી અને સાત્વિક બનાવીને જ્યારે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે સાચો લાભ મળે છે. નામ – જપ કરનારાઓ માટે શાસ્ત્રકારોએ દસ નામાપરાધ બતાવ્યા છે અને એનાથી બચવાનો કઠોર આદેશ કર્યો છે. જેમ કે ઔષધિ સેવન કરતી વખતે પરેજી પાળવી પણ આવશ્યક છે તેવી રીતે નામ જપ કરનારે દસ નામાપરાધોથી બચવાનું પણ આવશ્યક છે. પરેજી ન પાળવાથી, કુપથ્ય ખાવાથી સારી ઔષધિનું સેવન પણ નકામું બને છે, તેવી રીતે નામાપરાધ કરવાથી નામ – જપ પણ નિષ્ફળ જાય છે. દસ ઋતોથી, દસ નામાપરાધથી બચીને રામનામ જપવાથી કોટિ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે, તે દસ ઋતા આ પ્રમાણે છે.-

સાનિન્દાસતિ નામવૈભવ કથા શ્રીશશયોર્ભેદધીર શ્રદ્ધા ગુરુ શાસ્ત્ર વેદ વચને નામ્ન્યર્થવાદભ્રમઃ |
નામાસ્તીતિનિષિદ્ધ વૃત્તિ વિહિત ત્યાગૌહિ ધર્માન્તરે : સામ્યં નામ જપે શિવસ્ય ચ હરેનમાપરાધા દશ |
( ૧ ) સન્નિંદા ( ૨ ) અસતિ નામ વૈભવ કથા ( ૩ ) શ્રીશેશયોર્ભે દધીઃ. ( ૪ ) અશ્રદ્ધા ગુરુવચને ( ૫ ) શાસ્ત્ર વચને ( ૬ ) વેદ વચને ( ૭ ) નામ્ન્યર્થવાદભ્રમઃ  ( ૮ ) નામાસ્તીતિ નિષિદ્ધ વૃત્તિ ( ૯ ) વિહિત ત્યાગ ( ૧૦ ) ધમાઁતરે સામ્યં – આ દસ નામાપરાધ કે ઋત છે. તેનો ત્યાગ કરવાથી નામજપનું કોટિ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દસ સંબંધી વિવરણ નીચે આપેલું છે.
( ૧ ) સત્ નિંદા –સત્પુરુષોની, સ્વજનોની, સત્યની, સાચાં કાર્યોની, સત્ સિદ્ધાંતોની કોઈ સ્વાર્થથી પ્રેરાઈને નિંદા કરવી, સત્ય માર્ગ પર ચાલવાનું, સત્ સિદ્ધાંતોને અપનાવવાનું, કોઈ લોભ અથવા ભયને કારણે સાહસ ન થાય તો લોકો પોતાની નબળાઈ છુપાવવા માટે સત્ય બાબતો અથવા સત્પુરુષોનો કોઈ મિથ્યા આધાર લઈ વિરોધ કરવા લાગે છે. આ ‘સન્નિંદા’ છે. શત્રુમાં પણ સત્યતા હોય તો એ સત્યતાની પ્રશંસા જ કરવી જોઈએ.

( ૨ ) અસતિ નામ વૈભવ કથા – અસત્યનો આધાર લઈ આગળ વધેલી વ્યક્તિઓ અથવા સિદ્ધાંતોના ઓઠા નીચે વૈભવની પ્રશંસા કરવી. કેટલીય જૂઠી, પાખંડી, અત્યાચારી વ્યક્તિ પોતાની ધૂર્તતાના આધાર ઉપર મોટા કહેવાવા લાગે છે. એમની ચમકદમકથી આકર્ષાઈને એમની પ્રશંસા કરવી અથવા એમના વૈભવનું લોભામણું વર્ણન કરવું ત્યાજ્ય છે. અસત્યની નિંદા થવી જોઈએ. જૂઠા આધાર પર મળેલી સફળતાઓને આ રીતે સમજવી, સમજાવવી અને એમનું અનુકરણ કરવાનો લોભ થાય એ નામાપરાધ છે.

( ૩ ) શ્રીશેશયોર્ભેદધીઃ – વિષ્ણુ, મહાદેવ વગેરે દેવતાઓમાં ભેદબુદ્ધિ રાખવી, એમને અલગ અલગ માનવા. એક જ સર્વવ્યાપક સત્તાની વિભિન્ન શક્તિઓનાં નામ જ દેવતા કહેવાય છે. વાસ્તવમાં પરમાત્મા જ એક દેવ છે. અનેક દેવોના અસ્તિત્વના ભ્રમમાં પડવું, નામજપ કરનાર માટે યોગ્ય નથી.

( ૪ ) અશ્રદ્ધા ગુરુ વચને – સદ્ ગુરુ, તત્ત્વદર્શી, નિઃસ્પૃહ, આત્મપુરુષોનાં સદ્ વચનોમાં અશ્રદ્ધા રાખવી, વિરોધ ન કરવા છતાં ઉદાસીન રહેવું તે અશ્રદ્ધા છે. સદ્ ગુરુનાં લોક – હિતકારી સદ્ વચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ.

( ૫ ) અશ્રદ્વા શાસ્ત્રવચને – શાસ્ત્રનાં વચનોમાં અશ્રદ્ધા રાખવી. આમ તો કેટલાંય પુસ્તકો સાંપ્રદાયિક, પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી યુક્ત હોવા છતાં શાસ્ત્ર કહેવાય છે, પરંતુ વાસ્તવિક શાસ્ત્ર એ છે જે સત્યતા, લોકહિત, કર્ત્તવ્યપરાયણતા અને સદાચારનું સમર્થન કરે છે. આ કસોટીમાં જે શુદ્ધ સોનાની જેમ સાચું સિદ્ધ થાય તે જ શાસ્ત્ર છે. એવાં શાસ્ત્રોનાં વચનો ઉપર અશ્રદ્ધા ન કરવી જોઈએ.

( ૬ ) અશ્રદ્ધા વેદવચને – અર્થાત્ વેદવાક્યમાં અશ્રદ્ધા રાખવી. જ્ઞાનને વેદ કહે છે. જ્ઞાન – પૂર્ણ, સદ્બબુદ્ધિસંમત વચનોમાં અશ્રદ્ધા ન કરવી જોઈએ. વેદ સત્યજ્ઞાનનો આધાર હોવાને કારણે શ્રદ્ધા કરવા યોગ્ય છે.

( ૭ ) નામ્ન્યર્થવાદભ્રમઃ – નામના અર્થવાદમાં ભ્રમ કરવો. ઈશ્વરનાં અનેક નામોનાં અર્થમાં જે વિભિન્નતા છે એને કારણે ભ્રમમાં ન પડવું જોઈએ. ગોપાલ, મુરલીધર, યશોનંદન, રામ, રઘુનાથ, દીનબંધુ, અલ્લાહ, ગૉડ વગેરે નામોના શબ્દાર્થ અલગ – અલગ છે. આ અર્થોથી તત્ત્વ અલગ – અલગ હોવાનો ભ્રમ થાય, પરંતુ એ સાચું નથી. બધાં જ નામ એક પરમાત્માનાં છે. તેથી પરમાત્માની બાબતમાં કોઈ પૃથક્તાના ભ્રમમાં ન પડવું જોઈએ.

( ૮ ) નામાસ્તીતિ નિષિદ્ધવૃત્તિ-  નામ તો છે જ, પછી અન્ય બાબતોની શું જરૂર, એવી નિષિદ્ધવૃત્તિ. ઈશ્વરનું નામોચ્ચારણ કરવા માત્રથી બધાં પાપ કપાઈ જશે, તેથી પાપ કરવામાં કોઈ મુશ્કેલી નથી, એવું કેટલાય માણસો વિચારે છે. દિવસ – રાત કુવિચારો અને કુકર્મોમાં લાગેલા રહે છે અને એના ફળથી બચવા માટેના સહેલા ઉપાયો શોધે છે કે બે – ચાર વાર રામનામ લઈ લીધું તો બસ હવે બેડો પાર, બધાં જ પાપ નાશ પામ્યાં. આ જબરું અજ્ઞાન છે. પરમાત્મા નિષ્પક્ષ, સાચો ન્યાયાધીશ છે. તે ખુશામત કરનારના નથી પાપ માફ કરતો  કે નથી ખુશામત ન કરનારના પુણ્યને રદ કરતો. કર્મોનું યથાયોગ્ય ફળ આપવું એ તેનો સુદૃઢ નિયમ છે. તેથી આત્મબળની વૃદ્ધિ માટે નામસ્મરણ કરતાંકરતાં પણ એવી આશા કરવી જોઈએ કે પરમાત્મા અમારાં ખરાં – ખોટાં કર્મોનું યથાયોગ્ય ફળ તો ચોક્કસ આપશે જ. જેઓ પાપનાશની આશા
બેસી રહે છે અને કુમાર્ગને છોડીને સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન નથી કરતા, તેઓ નામાપરાધ કરે છે.

૯ ) વિહિત ત્યાગ – વિહિતકર્મોનો ત્યાગ, જવાબદારીને છોડી દેવી, કર્ત્તવ્યધર્મથી મુખ ફેરવી લેવું, નામાપરાધ છે. કેટલાય માણસો ‘ સંસાર મિથ્યા છે, દુનિયા જૂઠી છે ” વગેરે મહાવાક્યોનો સાચો રહસ્યમય અર્થ સમજયા વિના પોતાનાં કર્ત્તવ્ય, ધર્મ અને જવાબદારીને છોડીને ઘરમાંથી ભાગી નીકળે છે. જ્યાં ત્યાં ગુંડાગીરીમાં, દુર્વ્યસનીઓના કુસંગમાં ભટકે છે. આ અનુચિત છે, ઈશ્વરે પ્રદાન કરેલી જવાબદારીઓ અને કર્તવ્યધર્મોને પૂરી સાવધાની અને ઈમાનદારીથી પૂરા કરતાકરતાં ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ.

( ૧૦ ) ધર્માન્તરે : સામ્યમ્ – ધર્મ સિવાયની, ધર્મ વિરુદ્ધ વાતોને પણ ધર્મની સમતામાં રાખવી, અનેક સામાજિક કુરીતિઓ એવી છે જે ધર્મવિરુદ્ધ હોવા છતાં પણ ધર્મમાં સ્થાન પામે છે, જેમ કે પશુબલિ અને સ્ત્રી તથા શૂદ્રોની સાથે અસમાનતા તથા અન્યાયયુક્ત વ્યવહાર ધર્મના નામે પ્રચલિત છે, પરંતુ વાસ્તવમાં તે અધર્મ છે. આવા અધર્મોને ધર્મમાં જોડવા, ધર્મની સમતામાં રાખવા, નામાપરાધ છે. કર્ત્તવ્યકર્મ જ ધર્મ કહેવાય છે. અકર્ત્તવ્યોને રૂઢિવાદને કારણે ધર્મસામ્ય ન બનાવવા જોઈએ. આ દસ ઋતોથી શુદ્ધ થઈને, એમનો ત્યાગ કરી, દસેય ઈંન્દ્રિયોને સંયમમાં રાખીને, સત્ય અને ધર્મથી જીવનને ઓતપ્રોત બનાવીને જે લોકો નામ જપ કરે છે, ભગવાનનું નામોચ્ચારણ કરે છે, એમનો જ આત્મા પવિત્ર બને છે અને તેઓ કોટિ યજ્ઞફળના અધિકારી બને છે. એમ તો પોપટ પણ રામ રામ રટે છે, પણ એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. વાચકોએ દસઋત બનીને જ નામ – જપ કરવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે –
રામનામ સબ કોઈ કહે, ન દસઋત કહે ન કોઈ, એક બાર દસઋત કહે, કોટિયજ્ઞ ફલ હોય.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: