મર્યાદાઓ પાળીશું
June 11, 2022 Leave a comment
મર્યાદાઓ પાળીશું
પરમાત્માએ મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતાં વિશેષ બુદ્ધિ અને શક્તિ આપી છે. આ સંસારમાં જેટલી પણ મહત્ત્વપૂર્ણ શક્તિઓ છે એમાં બુદ્ધિશક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. મનુષ્યજાતિની અત્યાર સુધીની પ્રગતિ પાછળ તેની બૌદ્ધિક વિશેષતાનો જ પ્રભાવ રહેલો છે.
આટલી મહાન શક્તિ મનુષ્યને આપી તેની સાથે પરમાત્માએ કેટલીક જવાબદારીઓ પણ સોંપી છે, જેથી આપવામાં આવેલ શક્તિનો દુરુપયોગ ન થાય. જવાબદારીઓનું નામ છે – કર્તવ્ય-ધર્મ, રેલવેના એન્જિનમાં વિશેષ શક્તિ હોય છે, એ પોતાના માર્ગથી ભટકી જાય તો અનર્થ ઉત્પન્ન કરી શકે છે. તેથી જમીન પર બે પાટાઓ બેસાડવામાં આવ્યા છે અને તેના પર એન્જિનને ચાલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળીમાં ઘણી શક્તિ રહેલી છે. એ શક્તિ આમતેમ વિખરાઈ ન જાય તે માટે એનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ ઉદ્દેશ પૂર્ણ થાય તે માટે એ પ્રબંધ કરવામાં આવ્યો છે કે વીજળી વાયરમાંથી પ્રવાહિત થાય અને એ વાયર પણ ઉપરથી ઢાંલો રહે. દરેક શક્તિશાળી તત્ત્વ પર નિયંત્રણ જરૂરી છે. નિયંત્રણ ન રહેવાથી શક્તિશાળી વસ્તુઓ અનર્થ પેદા કરી શકે છે. પરમાત્માએ જો મનુષ્યને નિયંત્રિત રાખ્યો ન હોત, એના પર ધર્મર્તવ્યોની જવાબદારી રાખી ન હોત તો ચોક્કસપણે માનવપ્રાણી આ સૃષ્ટિનું સૌથી ભયંકર અને સૌથી અનર્થકારી પ્રાણી સિદ્ધ થયું હોત.
અશક્ત કે ઓછી શક્તિવાળા પદાર્થો કે જીવ નિયંત્રણમાં રહી શકે છે, કેમ કે તેમના દ્વારા ખૂબ જ ઓછા નુકસાનની શક્યતા રહે છે. કીડા મંકોડા, માખી-મચ્છર, કૂતરા-બિલાડી જેવા નાના જીવો પર કોઈ બંધન રહેતાં નથી, પરંતુ બળદ, ઘોડા, ઊંટ, હાથી વગેરે મોટાં પ્રાણીઓના નાકમાં નથ, લગામ વગેરે નાંખી નિયંત્રિત કરવામાં આવે છે, જો બેલગામ હોત તો એ શક્તિશાળી પ્રાણી લાભદાયક સિદ્ધ થવાની જગ્યાએ નુકસાનકારક જ સાબિત થાત.
અનિયંત્રિત મનુષ્ય કેટલો ઘાતક હોઈ શકે છે એની કલ્પનામાત્રથી જ રૂંવાડાં ઊભાં થઈ જાય છે. જે અસુરો, દાનવો, લૂંટારાઓ અને દુષ્ટાત્માઓનાં કુકૃત્યોથી માનવસભ્યતા અંકિત થતી રહી છે, તેઓ શકલ-સૂરતથી તો મનુષ્ય જ હતા પરંતુ એમણે સ્વેચ્છાચાર અપનાવ્યો, મર્યાદાઓ તોડી, ન ધર્મનો વિચાર કર્યો કે ન કર્મનો, શક્તિઓના મદમાં એમને જે કંઈ સૂઝયું અને જેમાં લાભ દેખાયો એ જ કરતા રહ્યા, પરિણામે એમનું જીવન બધી રીતે ઘૃણાસ્પદ અને નિકૃષ્ટ બન્યું. એમના દ્વારા અસંખ્યોએ ત્રાસ ભોગવ્યો અને સમાજની શાંતિ-વ્યવસ્થામાં ભારે અવ્યવસ્થા પેદા થતી રહી. અસુરતાનો અર્થ ઉદંડતા છે.
મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ દુર્ઘટનાઓ કહેવાય છે અને તેના પરિણામે સર્વત્ર વિક્ષોભ જ પેદા થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી બધાં નિયત કક્ષા અને ધરી પર ફરે છે, એકબીજા સાથે આકર્ષણશક્તિથી બંધાયેલા રહે છે અને એક નિયત વ્યવસ્થાને અનુરૂપ પોતાનો કાર્યક્રમ ચાલુ રાખે છે. જો તેઓ નક્કી થયેલ વ્યવસ્થા મુજબ પોતાનો કાર્યક્રમ ચાલુ ન રાખે તો તેનું પરિણામ પ્રલય જ હોઈ શકે છે. ગ્રહો જો માર્ગમાં ભટકી જાય તો એકબીજા સાથે અથડાઈને વિનાશની પ્રક્રિયા પેદા કરી દેશે. મનુષ્ય પણ જ્યારે પોતાના કર્તવ્યમાર્ગથી ભટકી જાય છે ત્યારે પોતાનો જ નહિ, બીજા ઘણાનો નાશ પણ કરે છે.
પરમાત્માએ દરેક મનુષ્યના અંતરાત્મામાં એક માર્ગદર્શક ચેતનાની સ્થાપના કરી છે, જે એને દરેક યોગ્ય કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને અયોગ્ય કાર્ય કરે ત્યારે વખોડે છે. સદાચાર અને કર્તવ્યપાલનનાં કાર્યોને ધર્મ કે પુણ્ય કહેવાય છે, એ કરવાથી તરત જ કરનારને પ્રસન્નતા અને શાંતિનો અનુભવ થાય છે. આથી ઊલટું જો સ્વેચ્છાચાર વર્તવામાં આવ્યો, ધર્મમર્યાદાઓ તોડવામાં આવી અને સ્વાર્થ માટે અનીતિનું આચરણ કરવામાં આવ્યું તો અંતરાત્મામાં લજ્જા, સંકોચ, પશ્ચાત્તાપ, ભય અને ગ્લાનિનો ભાવ અનુભવાશે. અંદર અશાંતિ રહેશે અને એવું લાગશે કે જાણે પોતાનો અંતરાત્મા જ તેમને ધિક્કારી રહ્યો છે. આ આત્મદંડની પીડા ભુલાવવા માટે અપરાધી પ્રવૃત્તિના લોકો નશાનો સહારો લે છે. છતાં ચેન ક્યાં મળે છે ? પાપવૃત્તિઓ બળતા અગ્નિસમાન છે, જે એને સ્થાન મળે ત્યાં જ પહેલાં જલન પેદા કરે છે.
આત્મદંડ સૌથી મોટી માનસિક વ્યાધિ છે. જેનું મન તેનાં દુષ્કર્મો માટે ધિક્કારતું રહેશે, એ આંતરિક દૃષ્ટિએ ક્યારેય સશકત રહી શકશે નહિ. એને ઘણા માનસિક દુર્ગુણો ઘેરી વળશે અને ધીરે-ધીરે અનેક મનોવિકારોથી ઘેરાઈ જશે.
મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લોકો તાત્કાલિક થોડો લાભ ઉઠાવતા જોવા મળે છે. દૂરગામી પરિણામોને ન જોતાં લોકો તાત્કાલિક લાભને જુએ છે. બેઈમાનીથી ધન કમાવાથી, દંભ કરીને અહંકાર વધારવાથી અને અયોગ્ય ભોગો ભોગવવાથી જે ક્ષણિક સુખ મળે છે, એ પરિણામસ્વરૂપે ભારે વિપત્તિ બનીને સામે આવે છે. માનસિક સ્વાસ્થ્યનો નાશ કરવામાં અને આધ્યાત્મિક મહત્તા અને વિશેષતાઓને સમાપ્ત કરવામાં સૌથી મોટું કારણ આત્મદંડ છે, ઝાકળ પડવાથી જેમ પાક્નો નાશ થાય છે, તેવી જ રીતે આત્મદંડની બળતરાથી મન અને અંતઃકરણનાં બધાં શ્રેષ્ઠ તત્ત્વો બળી જાય છે અને આવો મનુષ્ય પ્રેત અને પિાચો જેવી સ્મશાનયુક્ત મનોભૂમિ લઈને સતત વિક્ષુબ્ધ થઈને ભમતો રહે છે.
ધર્મકર્તવ્યોની મર્યાદા તોડનારા ઉદંડ અને કુમાર્ગગામી મનુષ્યોની ગતિવિધિઓને રોકવા માટે તથા તેમને દંડ આપવા માટે સમાજ અને સત્તા તરફથી જે વિરોધી વ્યવસ્થા થઈ છે, તેનાથી સર્વથા બચી રહેવાનું શક્ય નથી. ધૂર્તતાના બળે આજે કેટલાય અપરાધી પ્રવૃત્તિના લોકો સામાજિક તિરસ્કાર અને કાયદાના દંડથી બચી જવામાં સફળ થતા રહે છે, પરંતુ આ ચાલ સદાય સફળ થતી રહે તેવું નથી. અંતે અસત્યનું આવરણ ફાટવાનું જ છે. જનમાનસમાં વ્યાપ્ત ધૃષ્ણાનો સૂક્ષ્મ પ્રભાવ એ મનુષ્ય પર અદેશ્ય રૂપથી પડે છે, જેનાં ખરાબ પરિણામો જે સામે આવે છે. રાજદંડથી બચતા રહેવા માટે આવા લોકો લાંચ આપવા માટે ઘણો પૈસો ખર્ચ કરે છે, સતત ગભરાયેલા અને દબાયેલા રહે છે અને તેમનો કોઈ સાચો મિત્ર રહેતો નથી. જે લોકો તેમનાથી લાભ ઉઠાવે છે તેઓ પણ અંતરથી ઘૃણા કરે છે અને વખત આવ્યે શત્રુ બની જાય છે. જેમનો આત્મા ધિક્કારશે તેમને આજે નહિ તો કાલે બધા જ ધિક્કારવા લાગે છે. આવો ધિક્કાર ભેગો કરીને જો મનુષ્ય જીવતો રહે તો તેનું જીવન ન જીવવા સમાન છે.
નિયંત્રણમાં રહેવું જરૂરી છે. મનુષ્ય માટે એ ઉચિત છે કે તે ઈશ્વરની મર્યાદાઓનું પાલન કરે. પોતાની જવાબદારીઓને સમજે અને કર્તવ્યો પૂરા કરે. નીતિ, સદાચાર અને ધર્મનું પાલન કરતા રહી ઓછા લાભમાં સંતોષ માનવો પડે છે. ગરીબાઈ અને સાદાઈયુક્ત જીવન વિતાવવું પડે છે, પરંતુ એમાં સુખ વધુ છે. અનીતિ અપનાવીને વધુ ધન એકઠું કરવાનું શક્ય છે, પરંતુ આવું ધન પોતાની સાથે એટલા ઉપદ્રવો લઈને આવે છે કે તેનો સામનો કરવો ભારે ત્રાસદાયક બની જાય છે. દંભ અને અહંકારનું પ્રદર્શન કરીને લોકો ઉપર જે રોફ પાડવામાં આવે છે એનાથી આતંક અને કુતૂહલ થઈ શકે છે, પરંતુ શ્રદ્ધા અને પ્રતિષ્ઠાનાં દર્શન પણ દુર્લભ બનશે. એશઆરામ અને વાસનાના બિનઉપયોગી ભોગ ભોગવનાર પોતાનું શારીરિક, માનસિક અને સામાજિક સંતુલનનો નાશ કરીને ખોખલો જ બની જાય છે. પરલોક અને પુનર્જન્મને અંધકારમય બનાવીને આત્માને અસંતુષ્ટ અને પરમાત્માને અપ્રસન્ન રાખી ક્ષણિક સુખો માટે અનીતિનો માર્ગ અપનાવવો તે કોઇપણ રીતે દૂરદર્શિતાપૂર્ણ કહી શકાય નહિ.
આપણે ધર્મનું અને કર્તવ્યપાલનનું મહત્ત્વ સમજીએ તથા સદાચારની મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરીએ એમાં જ બુદ્ધિમત્તા છે. પોતે શાંતિપૂર્વક જીવીએ અને બીજાઓને સુખથી જીવવા દઈએ. આ બધું નિયંત્રણની નીતિ અપનાવવાથી જ શક્ય બની શકે છે. આપણે સન્માર્ગથી ભટકી ન જઈએ તે માટે જ આપણી ઉપર પરમાત્માએ કર્તવ્ય અને ધર્મનો અંકુશ રાખ્યો છે. આ નિયંત્રણો તોડવાની કોશિશ કરવી તે પોતાને અને બીજાઓને માટે જાતજાતની વિપત્તિઓને આમંત્રણ આપવાની મૂર્ખતા જ ગણવામાં આવશે.
સમાજમાં સ્વસ્થ પરંપરાઓ કાયમ રહેવાથી આપણી અને બધાની સુવિધા બની રહેશે. એ ધ્યાનમાં રાખી આપણામાંથી દરેક પોતાનાં નાગરિક કર્તવ્યોનું પાલન કરવામાં ભાવનાપૂર્વક જાગૃત રહેવું જોઈએ. સમાજ બધાનો છે. બધા લોકો થોડો થોડો બગાડ કરે તો બધું મળીને બગાડની માત્રા વધી જશે, પરંતુ જો સુધારના થોડા થોડા પ્રયત્નો શરૂ થાય તો એ સુધારાથી બધું મળીને સુધાર પણ ધણો થઈ શકે છે. યોગ્ય તો એ છે કે આપણે બધા મળી આપણા સમાજને સુધારવા, સંચાલન કરવા અને સ્વસ્થ પરંપરાઓ પ્રચલિત કરવાનો પ્રયત્ન કરીએ અને સભ્ય સુવિકસિત લોકોની જેમ ભૌતિક તથા આત્મિક પ્રગતિનું સુખ અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ.
બીજાઓની સગવડોનું ધ્યાન રાખી પોતાની સગવડ અને સ્વતંત્રતાને સ્વેચ્છાપૂર્વક સીમિત રાખવી તે દેશના સભ્ય નાગરિકોનું કર્તવ્ય છે. સ્વચ્છતાનો જ દાખલો લઈએ તો ગમે ત્યાં નાક સાફ કરવું, થૂંકવું, પાન-તમાકુની પિચકારી મારવી તે પોતાને દૂર જવાના કષ્ટથી ભલે બચાવે, પરંતુ બીજાઓને ધૃણા-અસુવિધા થશે અને જો પોતાને કોઇ રોગ હોય તો એના ચેપનું આવતા-જતા લોકો પર આક્રમણ થશે. ભલે આપણને કોઈ ના રોકે, પરંતુ આપણું નાગરિક કર્તવ્ય છે કે બીજાઓની સુવિધાને ધ્યાનમાં રાખી પોતે એ ગંદકી નાંખવાના યોગ્ય સ્થાન સુધી જઈને નાગરિક કર્તવ્ય બજાવીએ. બીડી – સિગારેટ પીએ ત્યારે ધ્યાન રાખીએ કે અસ્વચ્છ ધુમાડો છોડવાથી પાસે બેઠેલા અન્ય લોકોની તબિયત ખરાબ તો નથી થતી ને ? કોઈને અસુવિધા તો નથી થતી ને ? તેનું પોતે જ ધ્યાન રાખીએ. આપણાં એ કાર્યથી જો બીજાઓને તકલીફ થતી હોય તો સભ્યતાનો તકાજો એ જ છે કે ક્યાંય દૂર જઈને બીડી પીએ અને ધુમાડો કાઢે. સૌને આગ્રહ છે કે આ ખરાબ ટેવને છોડી જ દો.
ઘરમાંની ગંદકીને લોકો મોટેભાગે પોળ કે રસ્તા પર નાંખી દે છે તેથી રસ્તે ચાલતા લોકોને અગવડ થાય છે અને સાર્વજનિક સ્થળોની સ્વચ્છતાનો ભંગ થાય છે. સારું તો એ છે કે ઘરમાં જ કચરાનો ડબો રાખીએ અને જ્યારે સફાઈ કર્મચારી આવે ત્યારે જ ડબો ખાલી કરીએ. ગંદકી કરીને એ પોળમાં રહેનારા અને ચાલનારાઓને તકલીફ પહોંચાડશો નહિ. સાર્વજનિક સ્થળોની સ્વચ્છતા અને વ્યવસ્થા નષ્ટ કરવી તે એ બતાવે છે કે આ ધૃણાસ્પદ લોકોનું મનુષ્યતાનું પ્રારંભિક કર્તવ્ય નાગરિક્ત્તાનું પણ જ્ઞાન નથી.
મુસાફરખાના, ધર્મશાળા, પાર્ક, નદીકિનારા, સિનેમાઘર વગેરે બધાના કામમાં આવતાં સ્થળોમાં લોકો જ્યાં ત્યાં રદ્દી કાગળ, પાન, સિગારેટનાં ખોખાં, મગફળીનાં છોતરાં વગેરે નાંખતા રહે છે અને જોતજોતામાં આ સ્થળો ગંદકીથી પરેશાન થઈ જાય છે. સંડાસ અને મળમૂત્ર વિસર્જન ખોટી જગ્યાએ કરવાથી ત્યાંની સ્થિતિ એવી થઈ જાય છે કે બીજાઓને તેનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બની જાય છે. જયારે કેટલાય યાત્રીઓ ઊભા ઊભા પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે કેટલાય લોકો પથારી ફેલાવીને અને પગ ફેલાવીને બેસી રહે છે અને કોઈ ઊઠવાનું કહે ત્યારે ઝઘડે છે. આવા લોકોએ મનુષ્યત્વનું પ્રારંભિક શિક્ષણ તો શીખવું જ જોઇએ કે સાર્વજનિક ઉપયોગોના સ્થળો કે વસ્તુઓનો ઉપયોગ પોતાના હક જેટલો જ કરવો જોઇએ. જનરલ ડબ્બાઓ બેસવા માટે જ હોય છે. ખાલી હોય તો કોઈ આરામ પણ કરી શકે છે પરંતુ જ્યારે ઘણા પ્રવાસીઓ ઊભા કે લટકતા જઈ રહ્યા હોય અને કેટલાય લોકો આરામથી સૂવાનો એવો આનંદ લે કે જેનો તેમને હક નથી તો એને ઉદ્દંડતા કે પશુતા જ કહેવામાં આવશે.
કેળાં, નારંગી વગેરેનાં છોતરાં લોકો આમ જ ફેંકતા રહે છે અને અવારનવાર દુર્ઘટનાઓ થતી રહે છે. કેટલાય લોકો ગાય પાળે છે અને દૂધ દોહી એને એમ સમજીને ખુલ્લી છોડી દે છે કે બહારથી પેટ ભરી લેશે અને તેમને દૂધ આપશે. ગૌમાતા પ્રત્યેની પ્રચલિત શ્રદ્ધાના આધારે કોઈ એને મારશે નહિ અને આપણું કામ થઈ જશે. આ રીતે એ ગાય લોકોનું આપેલું ખાઈને આમતેમ ફરીને બીજાઓનું નુકસાન કરે છે અને માર ખાતી રહે છે. આ રીતે બીજાઓને તકલીફ આપીને લાભ ઉઠાવનારને શું કહેવાય ? પોતાને કીર્તન કરવાનું મન છે તો પોતાના ઘરમાં પૂજાને યોગ્ય મંદ સ્વરમાં પ્રસન્નતાપૂર્વક કરવું જોઈએ. લાઉડસ્પીકર લગાવીને આખી રાત ધમાલ કરીને તથા પડોશના બીમાર, પરીક્ષાર્થીઓ અને અન્ય લોકોની ઊંઘ બગાડનાર ઈશ્વરભક્તિ કરતા પહેલાં આપણે આપણી નાગરિક મર્યાદાઓ અને જવાબદારીઓને સમજવી જોઈએ. એનો અર્થ એ છે કે બીજાઓની સુવિધાનું ધ્યાન રાખી પોતાની ઇચ્છા સ્વેચ્છાપૂર્વક મર્યાદિત રાખવી.
વચનનું પાલન અને ઈમાનદારીનો વ્યવહાર મનુષ્યનું પ્રાથમિક તથા નૈતિક કર્તવ્ય છે. જે સમયે જેને મળવાનું, કોઈ વસ્તુ આપવાનું કે કામ પૂરું કરવાનું વચન આપ્યું હોય એ વચનને ચોક્કસ સમયે પૂર્ણ કરવાનું ધ્યાન રાખવું જોઈએ જેથી બીજાઓને અગવડ વેઠવી ન પડે. જો આપણે દરજી કે મોચી હોઈએ તો એ યોગ્ય છે કે વાયદો કર્યા મુજબ તેને આપવા માટે બને તેટલો પ્રયત્ન કરીએ. વારંવાર વાયદાઓ કરવામાં અને પાછા કાઢવામાં જે સમય ખર્ચાય છે અને અસુવિધા થાય છે તે જોતાં આવા દરજી-ધોળીઓ પોતાને મળતી મજૂરી કરતા ગ્રાહકનું બમણું કે ચારગણું નુકસાન કરી દેતા હોય છે. ભાષણ કરવું હોય તો આપણે આપેલ સમયે પહોંચી જઈ નિયમિત સમયમાં જ પૂરું કરવું જોઈએ. સમયનો ખ્યાલ ન રાખવો તે સાંભળનારાઓ માટે ત્રાસરૂપ છે, જે સમયે મિજબાની રાખવામાં આવી હોય એ જ સમયે શરૂ કરવી જોઈએ. મહેમાનોને કલાકો સુધી રાહ જોતા બેસાડવા તે એક રીતે એમના સમયની બરબાદી છે. એને ધનની બરબાદીની જેમ જ નુકસાનકારક સમજવું જોઈએ.
વસ્તુની જે કિંમત અને સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં હોય તે જ હોવા જોઈએ, અસલમાં નકલી વસ્તુ ભેળવી દેવી, રકઝક કરીને કિંમત ઓછી કરવી તે વેપાર કરનારાઓ માટે સર્વથા અશોભનીય છે. રકઝક કરીને વસ્તુની કિંમત ઓછી ક૨વી તે પોતાનો વિશ્વાસ અને પ્રમાણિકતા પર લંક લગાડવા જેવું છે. અસલી અને નકલી વસ્તુઓ જુદી જુદી વેચવામાં આવે અને તેની કિંમત પણ તે મુજબ ઓછી કે વધુ તે સ્પષ્ટ કહી દેવામાં આવે તો વેપારમાં સાખ વધશે, ગ્રાહકોનો સમય પણ બચશે અને તેમને સંતોષ થશે. પ્રમાણિકતા એ નુકસાનનો સોદો નથી. એ પ્રમાણિકતા અને વિશ્વાસની પરીક્ષા કરવા માંગે છે. આ કસોટી પર સાચા ઊતરવું તે દરેક ધંધાદારીનું નાગરિક કર્તવ્ય છે. આ કર્તવ્યપાલન વ્યક્તિનું સન્માન પણ વધારે છે અને વ્યવસાય પણ વધારે છે.
બીજાઓની અગવડોને ધ્યાનમાં રાખી પોતાની સગવડોને મર્યાદિત રાખવી, શિષ્ટતા અને સભ્યતાભર્યો મધુર વ્યવહાર કરવો અને મીઠા બોલ બોલવા, વચનનું પાલન કરવું, પ્રમાણિકતા અને વિશ્વાસની રીતિ-નીતિ અપનાવવી તથા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓને દરેકે સ્વીકારીને કાર્ય કરવું જોઈએ. આપણા આચરણથી સમાજમાં સ્વસ્થ પરંપરાઓનું પ્રચલન થઈ શકે અને સમાજમાં સભ્ય નાગરિકોની જેમ આપણે સારી રીતે જીવી શકીએ અને બીજાઓને પણ જીવવા દઈએ.
પ્રતિભાવો