શક્તિ અને આધ્યાત્મિકતા | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 11, 2022 Leave a comment
શક્તિ અને આધ્યાત્મિકતા
એકાગ્રતામાં દિવ્ય શક્તિઓનો ભંડાર ભરેલો છે. સાંસારિક જીવનમાં મનની શક્તિથી મોટાંમોટાં અદ્ભુત કાર્યો મનુષ્ય પૂરાં કરે છે. આ માનસિક શક્તિને જયારે બહારથી સમેટીને અંતર્મુખી કરવામાં આવે છે અને કઠોર પરિશ્રમ દ્વારા એને સુવ્યવસ્થિત રૂપે આત્મસાધનામાં લગાડવામાં આવે છે ત્યારે ખૂબ જ અદ્ભુત તથા આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થાય છે, જેને રિદ્ધિ – સિદ્ધિ કહીએ છીએ. ખરેખર આધ્યાત્મિક સાધનાના ફળસ્વરૂપે થોડી એવી વિશેષ યોગ્યતાઓ પ્રાપ્ત થાય છે, જે સર્વ સાધારણમાં જોવા મળતી નથી. જો આ પ્રકારના વિશેષ લાભ ન મળતા હોત તો માનવ સ્વભાવતઃ જે વૈભવ અને આનંદ શોધતો ફરે છે તે ઈન્દ્રિયભોગો ત્યાગીને યોગની કઠોર સાધનાઓ તરફ આકર્ષિત થાત નહીં.
જો એના ફળ સ્વરૂપે કોઈ ઊંચી વસ્તુ પ્રાપ્ત ન થાય તો રુક્ષ, નીરસ, કઠોર, અરુચિકર તથા કષ્ટસાધ્ય સાધનાઓ કરવા કોઈ કદાપિ તૈયાર થાત નહીં. મૂર્ખ, નિરક્ષર, નશાખોર, હરામી અને અર્ધા ગાંડા ભિક્ષાર્થી માટે કહી શકાય કે એ લોકો મહેનત વિના પેટ ભરવા માટે જટા રાખે છે, પરંતુ બધા માટે એમ ન કહી શકાય. વિદ્યા, વૈભવ, બુદ્ધિ, પ્રતિભા અને યોગ્યતાસંપન્ન વ્યક્તિ જ્યારે વિવેકપૂર્વક સાંસારિક ભોગવિલાસમાંથી વિરક્ત થઈને આત્મસાધનામાં પ્રવૃત્ત થતી જોવા મળે છે તો એમાં કોઈ વિશેષ લાભ હોવાનું જ સાબિત થાય છે. પ્રાચીનકાળમાં જેટલા તપસ્વીઓ થયા હતા અને આજે પણ જે સાચા તપસ્વી છે તેઓ વિવેક બુદ્ધિથી નિર્ણય કરીને જ આ માર્ગમાં આવે છે. એમની વ્યાપારી બુદ્ધિએ ગંભીરતાપૂર્વક નિર્ણય કર્યો હોય છે કે ભોગની સરખામણીમાં આત્મસાધનામાં વધુ લાભ છે. લાભનો લોભ જ એમને સ્થૂળ વસ્તુઓમાં રસ લેવાના બદલે સૂક્ષ્મ સંપદાઓનો સંચય કરવા તરફ ખેંચી જાય છે. જે લોકો ખરી લગન અને નિષ્ઠા સાથે આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્ત છે એમનું ઉત્પાદન કાર્ય સારી ફસલ ઉગાડે છે. એમનામાં એક ખાસ પ્રકારની શક્તિ વધે છે, જેને આત્મબળ કહે છે.
આ બળ અન્ય સાંસારિક બાબતોની તુલનામાં વધુ મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીનકાળમાં રાજા વિશ્વામિત્રની સમસ્ત સેના તપસ્વી વશિષ્ઠના આત્મબળની સામે પરાજિત થઈ ગઈ, તો “ ધિક્ બલં ક્ષત્રિય બલં , બ્રહ્મ તેજો બલં બલમ્ ” કહીને વિશ્વામિત્ર રાજપાટ છોડીને આત્મ સાધનાના કરવા ચાલી નીકળ્યા. રાજા કરતાં ઋષિ એમને વધુ બળવાન લાગ્યા. સાંસારિક બળ કરતાં આત્મબળ એમને મહાન લાગ્યું. નાની વસ્તુને છોડીને લોકો મોટી વસ્તુ તરફ જાય છે. રાજ ત્યાગીને વિશ્વામિત્રનું યોગી થવું તે આનું જવલન્ત પ્રમાણ છે. ગૌતમ બુદ્ધનું ચરિત્ર પણ આની પુષ્ટિ કરે છે. જેઓ આત્મ સાધનામાં લીન છે તેઓ ઊંચી કક્ષાના વેપારી છે, કારણ કે તેઓ નાનકડો ધંધો છોડીને મોટી કમાણીમાં લાગ્યા છે.
પ્રતિભાવો