તમારી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવો | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા
June 12, 2022 Leave a comment
તમારી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવો
સમસ્ત આધ્યાત્મિક ઉપદેશોનો સારાંશ એ જ નીકળે છે કે આપણી પ્રવૃત્તિ બહિર્મુખી બનવાને બદલે અંતર્મુખી હોવી જોઈએ. ચેતનાનો પ્રકાશ જે તરફ જાય છે તે તરફ ઝગમગાટ થઈ જાય છે અને જે તરફ એનો પ્રકાશ જતો નથી તે તરફ અંધકાર થઈ જાય છે. ચેતનાના પ્રકાશમાં બે વિશેષતાઓ છે – એક, તે પદાર્થનું જ્ઞાન કરાવે છે ; બીજું તે એને પ્રિય બનાવે છે. તેથી જે બાજુ આપણી ચેતના જાય છે અથવા જે વસ્તુઓ પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ તેમને આપણે ફક્ત જાણતા જ નથી, પરંતુ તે આપણને પ્રિય બની જાય છે. જે બાબતોને આપણે જાણતા નથી તે આપણને પ્રિય હોતી નથી. માણસને જે વસ્તુ વહાલી લાગે છે એની તે વૃદ્ધિ પણ કરે છે. આ રીતે ચેતનાથી પ્રકાશિત વસ્તુઓની વૃદ્ધિ થવા લાગે છે.
મનુષ્યના સાંસારિક ધનવૈભવની વૃદ્ધિ આ રીતે થાય છે. શરીરની ઉન્નતિ પણ શરીરની બાબતમાં વિચારવાથી જ થાય છે. જ્યારે માણસ બહિર્મુખી રહે છે તો તે સાંસારિક ઉન્નતિ કરે છે. એનાં ધન, યશ અને માન – પ્રતિષ્ઠા વધે છે, પરંતુ એમનું સ્વત્વ અંધકારમાં રહી જાય છે. અંધકારમાં રહેવાને કારણે માણસને નથી પોતાની જાતનું કંઈ જ્ઞાન હોતું કે નથી એને પોતાની જાત પ્રિય લાગતી. એટલું જ નહિ, બહિર્મુખી વ્યક્તિને જો એકલી છોડી દેવામાં આવે તો તે પોતાની જાતથી એટલી નિષ્ફળ બની જશે કે એને આત્મહત્યા કરવાની ઇચ્છા થવા લાગશે. જો કોઈ કારણસર બહિર્મુખી વ્યક્તિને ક્યારેક એકલાં રહેવું પડે છે તો જીવનથી નિરાશ થઈ જાય છે. એના વિચારો પોતાના નિયંત્રણમાં રહેતા નથી. એની માનસિક ગ્રંથિઓ એને ભારે ત્રાસ આપે છે. તેનું જીવન ભારરૂપ બની જાય છે. ચેતનાનો પ્રકાશ બહાર જવાથી મનુષ્યના મનમાં અનેક પ્રકારના સંસ્કાર પડે છે. આ બધા માનસિક ક્લેશને કારણે પેદા થાય છે.
એનાથી આત્માની પ્રિયતા ઓછી થઈ જાય છે અને બાહ્ય પદાર્થોનું આકર્ષણ વધી જાય છે. આ રીતે મનુષ્યની ચેતના પાછળ સાંસારિક પદાર્થોની ઇચ્છાઓ રૂપે એક અચેતન મનની સૃષ્ટિ હોય છે. જે વ્યક્તિ જેટલી બહિર્મુખી છે, તેટલી જ તેની સાંસારિક પદાર્થોની ઇચ્છાઓ પ્રબળ હોય છે. આ ગ્રંથિઓને કારણે મનુષ્યનું આંતરિક સ્વત્વ દુભાય છે. પછી તે ચેતનાના પ્રકાશને પોતાનો કરવાના ઉપાયો રચે છે. રોગની ઉત્પત્તિ એ પોતાની તરફ ચેતનાના પ્રકાશને બોલાવવાનો ઉપાય છે. મનુષ્યનું વૈયક્તિક અચેતન મન એની માનસિક ગ્રંથિઓ અને દમિત ઈચ્છાઓનું બનેલું છે. દબાયેલી ઇચ્છાઓ ચેતના પર પ્રકાશિત હોવાથી ગળી જાય છે અને મોટાભાગની માનસિક ગ્રંથિઓ આ રીતે ખૂલી જાય છે. પણ તેનાથી માનસિક ગ્રંથિઓ બનવાનું અટતું નથી. નવી માનસિક ગ્રંથિઓ બનતી જ જાય છે. આ રીતે અચેતન મનનો નવો ભાર તૈયાર થઈ જાય છે. મનોવિશ્લેષણ ચિકિત્સાથી માણસની વ્યાધિ વિશેષનો ઉપચાર તો થઈ જાય છે, પરંતુ એનાથી રોગ નાશ પામતો નથી.
જ્યારે મનુષ્ય અંતર્મુખી બની જાય છે ત્યારે બાહ્ય પદાર્થો તરફનું આકર્ષણ છૂટી જાય છે. એને કારણે બાહ્ય પદાર્થો મનુષ્યના મન ઉપર પોતાના દૃઢ સંસ્કારો પાડી શકતા નથી. આ રીતે નવાં કર્મનો વિપાક બનવાનું બંધ થઈ જાય છે. હંમેશાં આધ્યાત્મિક ચિંતન કરવાથી મનુષ્યની જૂની માનસિક ગ્રંથિઓ ખૂલી જાય છે. હવે એને પોતાના સુખ માટે ક્યાંય દોડવું પડતું નથી. તેને અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ જન્મતી નથી. મનુષ્ય નિજાનંદમાં નિમગ્ન રહે છે. આવી વ્યક્તિ હંમેશાં સામ્યાવસ્થામાં રહે છે. ચેતનાના પ્રકાશને ધીમેધીમે અંદરની તરફ વાળવામાં આવે છે. એના માટે નિત્ય અભ્યાસ અને વિચારની આવશ્યકતા છે.
જ્યારે માણસને બાહ્ય વિષયોથી વિરક્તિ થઈ જાય છે અથવા જ્યારે તે એને દુઃખરૂપ લાગે છે, ત્યારે માણસ સુખને પોતાની અંદર શોધવાની ચેષ્ટા કરે છે. મન હતાશ થવાની સ્થિતિમાં માણસના વિચારો સ્થિર નથી રહેતા, તે બધા પ્રકારના પ્રયત્નોને શંકાની નજરે જુએ છે, તેથી જ એકાએક મનને અંતર્મુખી નથી બનાવી શકાતું, પરંતુ ધીમેધીમે અભ્યાસ દ્વારા એને અંતર્મુખી બનાવી શકાય છે. જ્યારે માણસ અંતર્મુખી થાય છે, ત્યારે એને જાણ થાય છે કે એના માનસિક સંસારનો વ્યાપ બાહ્ય સંસારના વ્યાપથી ઓછો નથી. જેટલો બાહ્ય સંસારનો વિસ્તાર છે એનાથી કેટલાય વિસ્તૃત આંતરિક સંસાર છે. અર્થાત્ માણસને આત્મસ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિજ્ઞાનમાં રુચિ રાખનાર અન્વેષક જેટલું જ વધારે અધ્યયન, વિચાર અને અન્વેષણ કરવું પડે છે. સંસારની બધી વસ્તુઓ આત્મસંતોષ માટે છે. જો માણસને આત્મસંતોષનો સહેલો માર્ગ મળી જાય તો તે સાંસારિક પદાર્થોની પાછળ શા માટે દોડે ? પરંતુ આ આત્મસંતોષ પ્રાપ્ત કરવો સરળ કામ નથી. જેટલી મુશ્કેલી કોઈ ઇચ્છિત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં થાય છે, એનાથી ક્યાંય વધારે મુશ્કેલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પડે છે. આત્મજ્ઞાન મનની સાધનાથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મન આધાર વગરનું ન થઈ જાય, ત્યાં સુધી નિજ સ્વરૂપનું જ્ઞાન થતું નથી, પરંતુ મનનો સહજ સ્વભાવ આત્મા સિવાયની વસ્તુ પર અવલંબિત બનીને રહેવાનો છે.
તેથી એને એની આદતમાંથી મુક્ત કરવામાં જે પ્રયાસ કરવો પડે છે તે કલ્પનાતીત છે. ઈશ્વરવાદમાં વિશ્વાસ રાખવાનો અને એના ધ્યાનમાં તલ્લીન થવાનો મુખ્ય ઉદેશ એ છે કે આત્મા પોતાના વાસ્તવિક સર્વોત્કૃષ્ટ સ્વરૂપને સમજીને સ્વાવલંબી બની શકે. ઈશ્વરની ઉપાસના દ્વારા આપણે ‘ દિવ્ય સત્ તત્ત્વ’ની આરાધના કરીએ છીએ, જેનાથી આપણો આત્મા તમોગુણ અને રજોગુણથી છૂટી સત્ તત્ત્વમાં ભળી જાય. અનેક પ્રકારનાં વિધાનો દ્વારા, અનેકાનેક કર્મકાંડો દ્વારા સમગ્ર સંસારમાં ઈશ્વરની જે પૂજા – ઉપાસના થતી જોવા મળે છે, એનો મર્મ એ જ છે કે જીવ ઈશ્વરીય સત્ – તત્ત્વની અધિકાધિક નજીક પહોંચતો જાય અને અંતે પોતે પણ એવો જ બની જાય. એ અવસ્થાને પ્રાપ્ત થઈ જવાથી આનંદની કોઈ સીમા નથી રહેતી. અનંત આનંદમાં એની ચેતના તલ્લીન બની જાય છે. સત્ત્વગુણની આ પરિપૂર્ણતાને બ્રહ્મની પ્રાપ્તિ કહે છે. બાદશાહ નૌશેરવાં એક દિવસ શિકાર ખેલતાં દૂર નીકળી ગયા. બપોરના સમયે એક ગામની પાસે ડેરાતંબૂ નાંખીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અકસ્માત્ ખબર પડી કે મીઠું ( નમક ) નથી. સેવક પાસેના ઘરમાં જઈને થોડુંક મીઠું લઈ આવ્યો. બાદશાહે તે જોઈને તેને પૂછયું. ‘ મીઠાની કિંમત ચૂકવી ? ” તેણે જવાબ આપ્યો. આટલાં મીઠાની શું કિંમત આપવી ? નૌશેરવાંએ તરત જ કહ્યું. હવે પછી આવું ન કરીશ અને આ મીઠાની કિંમત અત્યારે જ જઈને આપી આવ. તું નથી સમજતો કે જો બાદશાહ કોઈના બાગ – બગીચામાંથી કિંમત ચૂકવ્યા વિના એક ફળ પણ લે, તો તેના કર્મચારીઓ બાગને ઉજ્જડ બનાવી ખાઈ જાય. નૌશેરવાંની આ ન્યાયશીલતાએ તેના રાજ્યનાં મૂળ મજબૂત કર્યા અને આજે પણ શાસકો માટે તેનું આચરણ આદર્શરૂપ માનવામાં આવે છે.
પ્રતિભાવો