સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું

સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું.
સુસંસ્કારો માટેના ચાર આધારોને મુખ્ય ગણવામાં આવ્યા છે – (૧) સમજદારી (૨) ઈમાનદારી, (૩) જવાબદારી અને (૪) બહાદુરી. શરીર માટે અન્ન, જળ, વસ્ત્ર અને નિવાસને જેટલાં અનિવાર્ય સમજવામાં આવે છે તેમ આ ચાર બાબતોને પણ આધ્યાત્મિક-આંતરિક વરિષ્ઠતાની દૃષ્ટિએ તેટલી જ મહત્ત્વપૂર્ણ માનવી જોઈએ.

સમજદારીનું તાત્પર્ય છે – દૂરદર્શી વિવેકશીલતા અપનાવવી. મોટેભાગે લોકો તાત્કાલિક લાભને જ સર્વસ્વ સમજી લે છે અને તે માટે ખોટા વ્યવહારો પણ અપનાવી લે છે. એનાથી ભવિષ્ય અંધકારમય બને છે અને વ્યક્તિત્વનો સ્તર એક રીતે હલકો બની જાય છે. અદૂરદર્શિતા તાત્કાલિક વધુ સગવડો મેળવવા માટે તત્પર રહે છે અને ઉતાવળમાં એવાં કાર્યો કરે છે, જેનાં ભાવિ પરિણામો ખરાબ હોઈ શકે. મૂર્ખ ચકલીઓ અને માછલીઓ આવી જ દુર્બુદ્ધિને કારણે નાનાસના પ્રલોભનમાં પોતાની જિંદગી ગુમાવતા જોવા મળે છે. સ્વાદશોખીન લોકો આવી જ રીતે પોતાની સ્વાસ્થ્યસંપદાને નષ્ટ-ભ્રષ્ટ કરી લે છે. અતિ યૌનાચારમાં લોકો યુવાનીમાં જ વૃદ્ધ અને ખોખલા થઈને અકાળ મોતના મુખમાં જતા રહે છે. અપરાધી તત્ત્વોમાંથી મોટાભાગના લોકો આવી જ મનોવૃત્તિના હોય છે. ભણવાનો સમય વ્યર્થ રખડપટ્ટીમાં વિતાવતા લોકો યુવાનીમાં જ ડગલે ને પગલે ઠોકરો ખાય છે. આવી જ મૂર્ખતાને અપનાવીને નશો કરતા લોકો ધીમી આત્મહત્યા ભણી આગળ વધતા રહે છે. આવી ગેરસમજ રહેવાને કારણે આજનો અત્યારનો જ લાભ નજરમાં આવે છે અને ભવિષ્યની સંભાવનાઓના સંદર્ભમાં કંઈપણ વિચારવાનો સમય મળતો નથી.

દૂરદર્શિતા અને વિવેકશીલતા એ અનુભવી ખેડૂતની ગતિવિધિઓ જેવી છે જે અનુસાર ખેતર ખેડવા, બી વાવવા, ખાતર-પાણી આપવાંઅને દેખરેખ કરવામાં શરૂઆતમાં નુકસાન અને કષ્ટ સહન કરવામાં આવે છે. દૂરદર્શિતા એને બતાવે છે કે આનું પ્રતિફળ સમય થતાં એને મળવાનું જ છે. બીજના એક દાણાને બદલે સો દાણા ઊગવાના જ છે અને યોગ્ય સમયે એ પ્રયત્નોના ફળરૂપે કોઠીઓ ભરીને ધનધાન્યના રૂપમાં મળવાનું જ છે. સંયમ અને સત્કાર્યો પણ આવી જ બુદ્ધિમત્તા છે. પુણ્ય૫રમાર્થમાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની સંભાવનાઓ છુપાયેલી છે. સંયમનું પ્રતિફળ વૈભવ અને પૌરુષના રૂપમાં સામે આવવાનું જ છે. દૂરબીનની મદદથી ઘણે દૂરની વસ્તુઓ જોઈ શકાય છે અને એ જાણકારીના આધારે વધુ બુદ્ધિમત્તાપૂર્ણ નિર્ણય લઈ શકાય છે. અધ્યાત્મની ભાષામાં આને ‘ત્રીજું નેત્ર ખૂલવું’ પણ કહે છે, જેના આધારે વિપત્તિઓથી બચવાનું અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓનું સર્જન શક્ય બની શકે છે.

સુસંસ્કારિતાનું બીજું ચિહન છે – ઈમાનદારી – પ્રામાણિકતા, કથની અને કરણી એકસમાન રાખવી તે ઈમાનદારી છે. લેવડદેવડમાં આ જ સિદ્ધાંતને આધારે પ્રામાણિકતા ટકાવી રાખવામાં આવે છે. વિશ્વસનીયતા આ જ આધારે બને છે. સહયોગ અને સદ્ભાવ મેળવવા માટે ઈમાનદારી જ મુખ્ય આધાર છે. એને પોતાના વ્યવસાયમાં અપનાવીને ઘણાએ નાની પરિસ્થિતિમાંથી મોટા બનવામાં સફળતા મેળવી છે. મોટી જવાબદારીઓને પ્રાપ્ત કરવા તેનો નિર્વાહ કરવામાં ઈમાનદાર લોકો જ સફળ થાય છે. આ સદ્ગુણને સુસંસ્કારિતાનો એક મહત્ત્વપૂર્ણ પક્ષ માનવામાં આવ્યો છે. એને અપનાવનારાઓ ઈમાનદારી અને મહેનતની કમાણીથી જ પોતાનું કામ ચલાવતા હોય છે, એમની ગરીબાઈ પણ એવી શાનદાર હોય છે, જેના પર અમીરીના ભંડાર ન્યોછાવર કરી શકાય.

સુસંસ્કારિતાનો ત્રીજો પક્ષ છે – જવાબદારી. મનુષ્ય ઘણી જવાબદારીઓથી બંધાયેલો છે. આમ તો બિનજવાબદાર લોકો કંઈ પણ કરતા હોય છે અને ગમે તે દિશામાં પ્રવૃત્ત થતા હોય છે. પોતાની કોઈપણ જવાબદારીઓને નિર્લજ્જતાથી નકારી શકે છે, પણ જવાબદાર લોકોને જ પોતાની અનેક જવાબદારીને સાચી રીતે અને યોગ્ય સમયે પૂરી કરવી પડે છે. જેઓ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની, જીવનસંપદાનો શ્રેષ્ઠતમ સદુપયોગ કરવાની, લોક અને પરલોકને ઉત્કૃષ્ટ બનાવવાની વ્યક્તિગત જવાબદારી નિભાવવા ઈચ્છે છે તેઓ જ સંતોષ, યશ અને આરોગ્યનો લાભ પ્રાપ્ત કરી શકે છે. કૌટુંબિક જવાબદારી સમજનારાઓ આશ્રિતોને સ્વાવલંબી અને સદ્ગુણી બનાવવામાં પ્રયત્નશીલ રહે છે અને સંતતિ વધારવાનો સમય આવે ત્યારે સમજી વિચારીને આગળ વધે છે. હજાર વાર વિચારે છે નવાગંતુકને બોલાવવા માટે ઉપયોગી સામગ્રી, પરિસ્થિતિ અને યોગ્યતા પાસે છે કે નહીં ? વડીલો, આશ્રિતો અને અસમર્થો પ્રત્યે પોતાની જવાબદારીઓનો નિર્વાહ કરવામાં સંકુચિત સ્વાર્થ એમને નડતો નથી.

પેટ અને પ્રજનન સુધી જ મનુષ્યની સીમા નથી. ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે, વિશ્વમાનવતા પ્રત્યે તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ પ્રત્યે પણ મનુષ્યની સામાજિક તથા સાર્વભૌમ જવાબદારીઓ જોડાયેલી છે. એ બધાના સંબંધમાં જવાબદારીઓ તથા કર્તવ્યોના નિર્વાહની ચિંતા દરેકને રહેવી જોઈએ. આ કાર્ય ત્યારે જ શક્ય છે જ્યારે પોતાનું સંકુચિત સ્વાર્થીપણું નિયંત્રિત રાખવામાં આવે. સરેરાશ વ્યાવહારિક સ્તરના નિર્વાહનો સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં આવે. જો લોભ, મોહ, અહંકારના, વાસના, તૃષ્ણા અને સંકુચિત સ્વાર્થના વાદળાં છવાયેલાં રહેશે તો અણસમજુ બાળકો જેવું મન ન એ સ્તરનું વિચારશે ન સમજદારોની મદદથી લોકમંગલ માટે કોઈ ત્યાગ કરી શકશે. જરૂરિયાતો તો કોઈ થોડો શ્રમ અને સમયમાં પૂરી કરી શકે છે પણ વૈભવજન્ય ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓ તો એવી છે જેમને પૂર્ણ કરવાનું રાવણ, હિરણ્યકશિપુ, સિકંદર વગેરે સુધ્ધાંને શક્ય બન્યું નહીં, પછી સામાન્ય સ્તરના લોકોની વાતનું તો પૂછવું જ શું ? તેઓ હવનની બળતી ચિતાઓ જેવી ખેચતાણમાં આજીવન વિચરણ કરતા રહે છે. ભૂતપ્રેતની જેમ ડરતા, ડરાવતા સમય વિતાવે છે અને અંતે અસંતોષ તથા પાપનાં પોટલાં માથે મૂકીને વિદાય લે છે. જેમને માનવજન્મ સાથે જોડાયેલી જવાબદારીઓ નિભાવવી હોય એમને માટે ઘણું બધું કરવા માટે પડેલું છે, પરંતુ જ્યારે અંગત જીવનમાં સંતોષ અને સત્પ્રવૃત્તિ વધારવા જેવા લોકમંગલના કાર્યો માટે અંતઃકરણમાં યોગ્ય ઉત્સાહ ઊઠતો હોય ત્યારે જ એ બધું શક્ય બનશે. જવાબદારીઓ નિભાવવાનો અને સુસંસ્કારિતાના લક્ષ્ય સુધી પહોંચવાનો આ જ રાજમાર્ગ છે.

સુસંસ્કારિતાનું ચોથું ચરણ છે – બહાદુરી. દૈનિક જીવનમાં ઘણી અડચણો આવતી રહે છે. એ બધાનો સામનો કરવા માટે જરૂરી સાહસ હોવું આવશ્યક છે, અન્યથા ઉતાવળમાં સમાધાનનો કોઈ ઉપાય પણ સૂઝશે નહિ. આગળ વધવાની અને ઊંચે ઊઠવાની સ્પર્ધાઓમાં સામેલ થવું પડે છે. ગુણ, કર્મ અને સ્વભાવમાં ઊંડે સુધી ઘુસી ગયેલા જન્મજન્માંતરોના કુસંસ્કારો સાથે પણ સતત એ મહાભારતનું યુદ્ધ કરવું પડે છે જેમાં ગીતાકારે અર્જુનને પ્રશંસા અને નિંદાની નીતિ અપનાવીને પ્રવૃત્ત થવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પોતાને નિખારવા, ઉગારવા અને ઊંચે ઉઠાવવા માટેના અદમ્ય સાહસની મદદ લીધા વિના કોઈ માર્ગ નથી. સમાજમાં અનિચ્છનીય તત્ત્વોની, અંધવિશ્વાસો, કુરિવાજો અને દુરાચારોની કમી નથી.

એમની સાથે સમજૂતી શક્ય નથી. જે ચાલી રહ્યું છે તેને ચાલવા દેવાનું સહન થઈ શકતું નથી. તેની વિરુદ્ધ અસહયોગ અને વિરોધની નીતિ અપનાવવા સિવાય કોઈ આરો નથી. એ માટે સજ્જન પ્રકૃતિના લોકોને પણ સંગઠિત કરવા પડે છે. આ બધા બહાદુરીનાં ચિહન છે. એમને પણ સુસંસ્કારિતાનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે.

સભ્યતાના સર્વતોમુખી ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે જાગૃતિ, પરાક્રમ અને પ્રયત્નો અપનાવવાની જરૂર છે, તેની સાથોસાથ સુસંસ્કારિતાને પણ વધારવા અને અપનાવવા માટે ભરપૂર પ્રયત્નો કરતા રહેવાની પણ અનિવાર્ય આવશ્યકતા છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: