શક્તિનો નાશ કરવાનાં દુષ્પરિણામ | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 12, 2022 Leave a comment
શક્તિનો નાશ કરવાનાં દુષ્પરિણામ
શક્તિનાશનાં અનેક કારણોમાં વિષય લોલુપતા સૌથી મોટું કારણ છે. મોટે ભાગે જોવામાં આવે છે કે શક્તિસંપન્ન વ્યક્તિઓમાં કામવાસનાનો વિકાર વિશેષરૂપમાં ઉત્પન્ન થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે તેઓ પોતાની શક્તિઓનો નાશ કરે છે અને બીજાઓને પણ નુકસાન પહોંચાડે છે.. ? સૌદર્ય, શક્તિ, યૌવન અને ધન સંસારની ચાર વિભૂતિઓ છે. ઈશ્વ શક્તિઓની સૃષ્ટિ એ માટે કરી છે કે એમની સહાયતા તેમ જ વિવેકશીલ ઉપયોગ દ્વારા માનવ ધીરે ધીરે ઉત્થાન તેમ જ સમૃદ્ધિના શિખરે પહોંચી જાય. વાસ્તવમાં આ દૈવી વિભૂતિઓના સદુપયોગ દ્વારા મનુષ્ય શારીરિક, બૌદ્ધિક તેમ જ માનસિક શક્તિઓનો પૂર્ણ વિકાસ કરી શકે છે.
માનવીય વ્યક્તિત્વના વિકાસમાં તેઓ પોતાનું અલગઅલગ મહત્ત્વ ધરાવે છે. ભગવાનના સ્વરૂપની કલ્પનામાં આપણે સૌંદર્યશક્તિ તેમ જ ચિરયૌવનને મહત્ત્વ આપીઍ છીએ. આપણી કલ્પનામાં ઈશ્વર સૌદર્યનો પુંજ છે, શક્તિનો અગાધ સાગર છે, ચિરયુવા છે, અક્ષય છે. લક્ષ્મી એમની સેવિકા છે. આ જ ગુણ માનવ જગતમાં આપણી સર્વતોમુખી ઉન્નતિમાં સહાયક છે. જે જે મહાપુરુષોને આ શક્તિ કેન્દ્રોનું જ્ઞાન થયું અને જેમ જેમ એમણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો એમ એમ તેમની ઉન્નતિ થતી ગઈ, પરંતુ જયાં એમનો દુરુપયોગ થયો ત્યાં પતનનો આરંભ થયો. એ પતન પણ એટલું ભયંકર થયું કે ચરમ સીમાએ પહોંચી ગયું અને એનો સર્વનાશ એવો થયો કે બચવાનું સંભવ બન્યું નહીં. શક્તિનો દુરુપયોગ મનુષ્યને રાક્ષસ બનાવી શકે છે. રાવણ જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તે બુદ્ધિવાન તથા તપસ્વી રાજા હતો, પરંતુ શક્તિનો મિથ્યાદંભ એના પર સવાર થઈ ગયો. પંડિત રાવણ રાક્ષસ રાવણ બની ગયો. એની વાસના ઉત્તેજિત થઈ ગઈ.
જેટલો એણે વાસનાપૂર્તિનો પ્રયત્ન કર્યો, એટલી બમણાવેગથી એ ઉદ્દીપ્ત થઈ. શક્તિ એની પાસે હતી. વાસનાપૂર્તિ અર્થે રાવણે શક્તિનો દુરુપયોગ કર્યો. અંતે એની પાસે સમસ્ત શક્તિઓ હોવા છતાં તેનો નાશ થયો. શક્તિના દુરુપયોગથી ન્યાયનું ગળું દબાય છે. વિવેક દબાઈ જાય છે, મનુષ્યને સ્વકર્તવ્યનું જ્ઞાન નથી રહેતું. એ મદહોશ થઈ જાય છે અને એને સત્ અસત્ નો તફાવત જણાતો નથી.
ગાયત્રી માતા સ્વયં શક્તિસ્વરૂપિણી છે અને એની ઉપાસનાથી આપણે બધા જ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ શરત એ છે કે જે શક્તિ પ્રાપ્ત કરવામાં આવે એનો સદુપયોગ કરવામાં આવે. દુરુપયોગ કરવાથી એનું પરિણામ ભયાનક આવે છે અને એનાથી માત્ર આપણું સાંસારિક પતન જ થતું નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આપણે અત્યંત નિમ્ન સ્તરે પહોંચી જઈએ છીએ
પ્રતિભાવો