ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું.

ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું.

કોઈના અંતરમાં શું છે તે તેના વ્યવહારથી જાણી શકાય છે. જે દારૂ પીને કે લસણ ખાઈને આવ્યો હશે, તેના મુખમાંથી બદબૂ આવતી હશે. તેવી જ રીતે જેની અંદર દુર્ભાવનાઓ, અહંકાર અને દુષ્ટતા ભરેલી હશે તે બીજાઓ સાથે અભદ્ર વ્યવહાર કરશે. તેની વાણીમાંથી કર્કશતા અને અસભ્યતા ટપકશે. બીજાઓ સાથે એવી રીતે બોલશે કે જેથી તેમને અપમાનિત કરવાના, ચીડવવાના, તિરસ્કૃત કરવાના અને મૂર્ખ સિદ્ધ કરવાના ભાવો છતા થાય. આવા લોકો કોઈના પર પોતાની મોટાઈની છાપ છોડી શકતા નથી. ઊલટું ઘૃણાસ્પદ અને દ્વેષના ભોગ બનતા જાય છે. કટુવચનો મર્મભેદી હોય છે, તે જેના પર છોડવામાં આવે છે તેને હચમચાવી દે છે અને સદાને માટે શત્રુ બનાવી લે છે. કટુભાષણ કરનારો નિરંતર પોતાના શત્રુઓની સંખ્યા વધારતો જાય છે અને મિત્રોની સંખ્યામાં ઘટાડો કરતો રહે છે.

બીજાઓની સાથે દુષ્ટતા અને અશિષ્ટતાનું વર્તન કરીને કેટલાક લોકો વિચારે છે કે એનાથી તેમની મોટાઈની છાપ પડશે, પરંતુ એથી સર્વથા ઊલટું જ થાય છે. તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતી વ્યક્તિને ઘમંડી અને હલકી સમજવામાં આવે છે. તેના પ્રત્યે કોઈના મનમાં આદર રહેતો નથી. ઉગ્ર સ્વભાવના લોકો પોતાનો દોષ ભલે માનતા ન હોય,પણબીજાલોકોતેમનેછીછરાઅનેહલકામાનેછેઅનેઉદાસીનતા તથા ઉપેક્ષાભર્યો વ્યવહાર કરે છે. ખરાબ સમયે આવી વ્યક્તિ કોઈને પોતાનો સાચો મિત્ર બનાવી શકતી નથી અને વખત આવ્યે કોઈ તેની મદદ કરતું નથી. સાચું તો એ છે કે મુશ્કેલીના સમયે એ બધા લોકો ખુશ થાય છે જેમને કોઈ વખતે તિરસ્કાર સહન કરવો પડ્યો હતો. આવા સમયે તેઓ બદલો લેવાની અને મુશ્કેલી વધારવાની જ વાત વિચારે છે. આપણે સંસારમાં રહેવું છે તો સાચો વ્યવહાર કરવાનું પણ શીખવું જોઈએ.સેવા-સહાયતા કરવાની તો દૂરની વાત છે, પણએટલી સજ્જનતા તો દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ કે જેની સાથે બોલવાનું થાય તેની સાથે નમ્રતા અને સદ્ભાવના સાથે મીઠાં વચનો બોલે તેમજ થોડા સમય માટે પણ કોઈની સાથે મળવાનો અવસર આવે ત્યારે શિષ્ટાચારથી વર્તે. આમાં નથી પૈસા ખર્ચવા પડતા કે ન સમય. જેટલા સમયમાં કટુવચનો બોલવામાં આવેછે, અભદ્ર વ્યવહાર કરવામાં આવેછેતેથી ઓછા સમયમાં મીઠાં વચનો અને શિષ્ટતાભર્યો વ્યવહાર પણ કરી શકાય છે. ઉગ્ર સ્વભાવ બીજાઓ પર ખરાબ છાપ છોડે છે અને તેનું પરિણામ ક્યારેક ખરાબ જ આવે છે. અકારણ પોતાના શત્રુ વધારવા તેમાં બુદ્ધિમાની નથી. આવા સ્વભાવની વ્યક્તિ છેવટે નુકસાનમાં જ રહે છે.

આપણે જ્યારે કોઈને મળીએ કેકોઈઆપણને મળે ત્યારેપ્રસન્નતા વ્યક્ત કરવી જોઈએ. હસીને સ્વાગત કરવું જોઈએ અને બેસવા બેસાડવા, કુશળ સમાચાર પૂછવા અને સાધારણ શિષ્ટાચાર દર્શાવ્યા બાદ આવવાનું કારણ પૂછવું કે બતાવવું જોઈએ. જો સહયોગ કરવાનું શક્ય બને તો આવો કરવો જોઈએ નહિ તો પોતાની પરિસ્થિતિઓ દર્શાવી સહયોગ ન કરી શકવા માટે દુઃખ વ્યક્ત કરવું જોઈએ. એ જ રીતે બીજા કોઈ સહયોગ ન કરી શકે તો પણ તેનો સમય લેવા અને સહાનુભૂતિ રાખવા બદલ ધન્યવાદ આપવા જોઈએ તથા એવી હાલતમાં પણ અણગમો કે અવિશ્વાસ વ્યક્ત ન કરવા જોઈએ. સામાન્ય પૂછપરછનો જવાબ પણ મીઠા અને સહાનુભૂતિપૂર્ણ શબ્દોમાં જ આપવો જોઈએ. રુક્ષ, કઠોર, ઉપેક્ષાપૂર્ણ, ચીડાઈને કે તિરસ્કારભર્યો જવાબ આપવાનું ધૃષ્ટ કે ગમારને જ શોભે છે. આપણે એમાં આપણી ગણતરી ન કરવી જોઈએ.

જેવો વ્યવહાર મોટી વ્યક્તિ કરશે તેવું જ અનુકરણ બાળકો પણ કરશે. જો આપણે આપણાં બાળકોને અશિષ્ટ અને ઉદ્દેડ બનાવવાં હોય તો જ આપણે અસભ્ય વ્યવહાર કરવાની આદત ચાલુ રાખવી જોઈએ; નહિ તો આવેશ, ઉત્તેજના, ઊકળી જવું, ક્રોધમાં સમસમી જવું, અશિષ્ટ વચનો બોલવાં અને અસત્ય વ્યવહાર કરવાનો દોષ પોતાની અંદર ઓછી માત્રામાં હોય તો પણ તેને હટાવવાનો સખતાઈ સાથે પોતાના સ્વભાવ સાથે સંઘર્ષ કરવો જોઈએ અને જ્યારે આપણામાં સજ્જનતાની પ્રવૃત્તિનો યોગ્ય સમાવેશ થઈ જાય ત્યારે જ જંપવું જોઈએ. એમાં જ ભલાઈ છે.

આપણે આપણી પોતાની અને બીજાઓની દૃષ્ટિમાં સજ્જનતા અને નમ્રતાથી પરિપૂર્ણ એક શ્રેષ્ઠ મનુષ્યની જેમ પોતાનું આચરણ અને વ્યક્તિત્વ બનાવી શકીએ તો મનુષ્યતાની પ્રથમ કસોટીમાં ઉત્તીર્ણ થયા એમ સમજવું જોઈએ. એથી આગળનાં કદમ નૈતિકતા, સેવા, ઉદારતા, સંયમ, સદાચાર, પુણ્ય અને પરમાર્થનાં છે. એમાં પણ અતિ આવશ્યક એવી પહેલી શરત એ છે કે આપણે સજ્જનતાની સામાન્ય પરિભાષા સમજીએ અને અપનાવીએ, જેની અંતર્ગત મધુર ભાષણ અને વિનમ્ર, શિષ્ટ તથા મૃદુ વ્યવહાર અનિવાર્ય બની જાય છે.

અસ્વચ્છતા ઃ મનુષ્યની આંતરિક અને ખરાબ સ્થિતિનો પરિચય – કરાવે છે. ગંદો માણસ એ પ્રગટ કરે છે કે તેને અનિચ્છનીયતાઓને હટાવવામાં અને ઉત્કૃષ્ટતા કેળવી રાખવામાં કોઈ રસ નથી. બિનજવાબદાર, આળસુ અને પ્રમાદી લોકો જ ગંદા જોવા મળે છે. જે અનિચ્છનીયતા સાથે સમજૂતી કરીને તેને વળગીને રહી શકે છે, તે જ ગંદો પણ રહી શકે છે. ગંદકી જોવી કોઈને ગમતી નથી અને તે વ્યક્તિ પ્રત્યે સહજ રીતે જ ઘૃણાનો ભાવ પેદા કરે છે. ગંદા માણસને કોણ પોતાની પાસે બેસાડવા ઈચ્છશે ? દુર્ગંધથી પોતાના નાકને, ગંદકીથી પોતાની આંખોને અને હલકી પ્રવૃત્તિઓ જોઈને કોણ પોતાની મનોદશા ક્ષુબ્ધ કરવા ઈચ્છશે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગંદકી અત્યંત નુકસાનકારક છે. એને રોગોની વાહક કહી શકાય. જ્યાં ગંદકી રહેશે ત્યાં બીમારી અવશ્ય પહોંચશે.ગંદકીને બીમારી સાથે ખૂબ જ પ્રેમ છે. જેમ ફૂલોને શોધતું પતંગિયું ફૂલ સુધી જઈ પહોંચે છે, તે જ રીતે જ્યાં ગંદકી ફેલાઈ રહી હશે ત્યાં બીમારી શોધ કરતી અવશ્ય પહોંચી જશે. બીમારી પણ ગંદકી પેદા કરે છે એ ઠીક છે, પરંતુ એ નિશ્ચિત છે કે જેઓ ગંદા છે તેઓ સ્વસ્થ રહી નહિ શકે. મનુષ્યની મૂળ પ્રકૃતિ ગંદકી વિરુદ્ધ છે, તેથી કોઈ વ્યક્તિ કે પદાર્થને ગંદું જોઈએ તો અનાયાસે જ ઘૃણા ઉત્પન્ન થાય છે અને ત્યાંથી દૂર હટી જવાનું મન થાય છે. આથી જેમને મનુષ્યતાનું જ્ઞાન છે તેમણે ગંદકી હટાવવાનો સ્વભાવ પોતાની પ્રકૃતિમાં અનિવાર્યપણે જોડી દેવો જોઈએ.

કોઈપણ સ્થિતિમાં દરેક વ્યક્તિએ સ્વચ્છતા માટે સ્નાનને જરૂરી માનવું જોઈએ. શીતળા જેવા રોગોમાં સ્નાન કરવાનું અશક્ય હોય તે સિવાયના રોગીઓએ પણ ડૉક્ટરની સલાહ મુજબ સ્વચ્છતાનો કોઈ ને કોઈ રસ્તો કાઢતા રહેવું જોઈએ.

મુખની સફાઈ ખૂબ જ ધ્યાન આપવાયોગ્ય છે. જીભ પર મેલની છારી જામવા લાગે છે અને બે દાંત વચ્ચેની જગ્યામાં અન્નના કણ ભરાઈને સડો પેદા કરે છે. સવારે કોગળા કરતી વખતે દાંતોને સારી રીતે સાફ કરવા જોઈએ. જેટલી વાર કશું પણ ખાવામાં આવે તેટલી વાર કોગળા પણ કરવા જોઈએ અને રાત્રે સૂતી વખતે તો મુખની સફાઈ કરવી જ જોઈએ. તેથી દાંત લાંબા સમય સુધી ટકશે, મોઢામાં દુર્ગંધ નહિ આવે અને લોકો પાસે બેસીએ ત્યારે આપણને દૂર હટાવવાની જરૂર નહિ પડે.

જે કપડાં આપણે રોજ પહેરીએ તેમને વિશેષ ધ્યાન આપીને દરરોજ સાબુથી ધોવાં જોઈએ. બનિયાન, અંડરવિયર, ધોતી, લેંઘો વગેરેપરસેવો શોષતા રહે છે અને તેમને રોજ સાબુથી ધોઈ તડકામાં સૂકવવાની જરૂર છે. કોટ જેવાં વસ્ત્રોનો પરસેવાથી સંપર્ક થતો નથી, તેમને દ૨૨ોજ ધોવાની જરૂર રહેતી નથી. ભારે ગાદલાંઓ ધોવાં મુશ્કેલ હોય છે પરંતુ શરીર સાથે સંપર્કમાં આવતી ચાદરો બદલતા રહેવું જોઈએ અને પથારીને સખત તડકામાં રોજ સૂકવવી જોઈએ. ઘરનાં વાસણો પર ઉંદરો અને ગરોળીઓ પેશાબ કરે અને તે ઝેરથી અપ્રત્યક્ષ બીમારીઓ શરીરમાં દાખલ થાય તે રીતે રાખવાં ન જોઈએ. ખુલ્લા ખાદ્ય પદાર્થોમાં કીડા-મંકોડાઓ ઘૂસી જાય છે. તેથી ખાવાના કામમાં આવતી દરેક વસ્તુઓ ઢાંકેલી રાખવી જોઈએ. વસ્ત્રો, વાસણ, ફર્નિચર, પુસ્તકો, પગરખાં તથા અન્ય સામાન યથાસ્થાને મૂકેલાં હોય તો જ સુંદર લાગશે નહિ તો વિખરાયેલી અસ્તવ્યસ્ત ચીજો કચરો અને ગંદકીનું રૂપ ધારણ કરી લે છે પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન કેમ ન હોય. જે વસ્તુને સાફ રાખવામાં આવતી ન હોય તેની પર ધૂળ જામી જશે તથા સતત ઋતુપ્રભાવ સહન કરતા રહેવાથી ખરાબ અને જૂની થઈ જશે. દરેક વસ્તુ સફાઈ, સંભાળ અને વ્યવસ્થા માગે છે. ઘરની દરેક વસ્તુ આપણી પાસેથી એ જ આશા રાખે છે કે તેને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં આવે. જેમને સ્વચ્છતા સાથે સાચો પ્રેમ છે તેઓ શરીરનો શૃંગાર કરીને બેસી ન રહેતાં જ્યાં પણ રહેશે ત્યાં દરેક પદાર્થની શોભા, સ્વચ્છતા અને સજાવટનું ધ્યાન રાખશે. મકાનની મરામત અને રંગકામ તેમજ બારી-બારણાંને રંગવામાં બહુ ખર્ચ થતું નથી. થોડો સમય કાઢતા રહીને ઘરના લોકો હળીમળીને આ બધું સહજ મનોરંજન તરીકે કરી શકે છે અને ઘર પરિવારમાં, શરીર અને બાળકોમાં મનુષ્યને શોભે એવી સ્વચ્છતાનું દર્શન થઈ શકે છે. સ્વચ્છતાની કલાત્મકતાનો આરંભ થાય છે.

અનિચ્છનીયતાનો અસ્વીકાર કરવાની પ્રવૃત્તિનો વિકાસ શરીરથી શરૂ થઈને વસ્ત્રો સુધી અને મનથી માંડી વ્યવહાર સુધીની સ્વચ્છતા સુધી વિકસિત થતો જાય છે અને આ સારી ટેવની મદદથી પરમ સૌંદર્યથી ભરપૂર આ વિશ્વમાં ભગવાનની પ્રકાશવાન કલાત્મકતાને જોઈ આનંદવિભોર થઈ પૂર્ણતાના લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. આપણે મળમૂત્ર સંબંધી ગંદકીથી ખૂબ જ ટેવાઈ ગયા છીએ. જૂની ઢબના જાજરૂઓમાં ફિનાઈલ, ચૂનો વગેરે ન નાંખવાથી એમાંથી ભારે દુર્ગંધ આવે છે. બાળકોને નાળાંઓ ૫૨ અને શેરીઓમાં હાજતે બેસાડીને રસ્તાઓ દુર્ગંધયુક્ત તથા ઉબકા આવે તેવી સ્થિતિના બનાવી દેવામાં આવે છે. જયાં સાર્વજનિક અવરજવર રહે છે એવાં સ્થળોએ મૂત્રત્યાગ કરવામાં આવે છે. ઘરની આગળ કચરાના ઢગલા ખડકી દેવામાં આવે છે. સફાઈ કામદારોના ભરોસે આ બધું છોડી દેવામાં આવે છે. એ નથી વિચારતા કે છેવટે મળમૂત્ર તો આપણાં શરીરનું જ છે અને તેની સ્વચ્છતા માટે થોડું કામ પોતે પણ કરીએ અને સફાઈ કરનારના કામમાં સહયોગ આપી સ્વચ્છતા જાળવી રાખવાનું કર્તવ્ય અદા કરીએ. ગામડાંઓનું વાતાવરણ તો આના કરતાં પણ વધુ ગંદકી, દુર્ગંધ અને સ્વાસ્થ્યને હાનિકારક તથા ઘૃણાસ્પદ દશ્યોથી ભરેલું રહે છે. કચરો અને છાણના ઢગલાઓ ઠેર-ઠેર પડેલા હોય છે અને તેનો સડો સાર્વજનિક સ્વાસ્થ્ય માટે સંકટ ઊભું કરતો રહે છે. આ દિશામાં વિશેષ રૂપે ધ્યાન આપવાની જરૂર છે. ગંદકી શોષી લે એવા પેશાબખાનાં, નાળાંઓ તથા ખાડાઓ ખોદીને લાકડાનાં શૌચાલયો ખૂબ જ ઓછા ખર્ચે તથા ખૂબ જ આસાનીથી બનાવી શકાય છે. ગામડામાં પાણી ભરેલો લોટો સાથે લઈ જવાય છે તેની સાથોસાથ જો ખૂરપી પણ લોકો સાથે લઈ જાય અને નાનો ખાડો ખોદી તેમાં શૌચ કર્યા બાદ ખાડાને પૂરી દે તો જમીનને ખાતર પણ મળશે અને ગંદકીને કારણે પેદા થતી શારીરિક, માનસિક અને સામાજિક મુશ્કેલીઓ પણ પેદા નહિ થાય.

સ્વચ્છતા, માનવજીવનની સુરુચિનો પ્રથમ ગુણ છે. આપણે પોતાના શરીર, વસ્ત્ર, વસ્તુઓ તથા નિવાસની સ્વચ્છતાનો એવો પ્રબંધ કરવો જોઈએ કે જેથી પોતાને સંતોષ અને બીજાઓને આનંદ મળે. નિર્મળતા, નીરોગતા, નિશ્ચિતતા અને નિર્લિપ્તતાના આધાર પર ઉત્પન્ન કરવામાં આવેલી આત્માની પવિત્રતા આપણને ઈશ્વર સાથેના મિલનનો પથ પ્રશસ્ત કરે છે. આપણે સ્વચ્છતાને અનિવાર્ય માની સતત અસ્વચ્છતા દૂર કરતા રહીએ તે જ આપણા માટે ઉચિત છે.

સારું તો એ છે કે આપણે સમજદારી અને સજ્જનતાથી ભરેલું સાદગીયુક્ત જીવન જીવીએ. આપણી બાહ્ય સજાવટ માટેનો ખર્ચ તાત્કાલીક ઘટાડી દઈએ અને એ બચતને પોતાની, પોતાના કુટુંબની તથા સમાજની જરૂરિયાતોને પૂરી કરવામાં લગાડીએ. સાદાઈ સજ્જનતાનું પ્રતિનિધિત્વ કરેછે. જેની વેશભૂષા સાદી હોય તેને વધુ પ્રામાણિક તથા વિશ્વાસુ માની શકાય છે. જે જેટલી ઉદ્ધતાઈ બતાવશે તે સમજદારીની ષ્ટિમાં તેટલી જ ઈજ્જત ગુમાવશે. તેથી એ યોગ્ય છે કે આપણે પોતાનાં વસ્ત્રો સાદાં રાખીએ, તેને સારા માણસોને શોભે તેવાં સીવડાવીએ, આભૂષણ ન લટકાવીએ, નખ અને હોઠ ન રંગીએ તથા વાળને એ રીતે ન સજાવીએ કે જેથી બીજાઓને બતાવવાની ચેષ્ટા કરવી પડે. સ્ત્રી-પુરુષ વચ્ચે માનસિક વ્યભિચારનું સર્જન મહદ્અંશે આ ફૅશનને લીધે થાય છે.

સાદાઈ શાલીનતા અને સજ્જનતાનું સર્જન કરે છે. તેની પાછળ ગંભીરતા અને પ્રામાણિકતા, વિવેકશીલતા અને બૌદ્ધિક પરિપક્વતાની ઝાંખી થાય છે. વાસ્તવમાં ઈજ્જતનાં સૂત્રો એમાં જ રહેલાં છે. સાદાઈ ઘોષણા કરે છે કે એ વ્યક્તિ બીજાઓને આકર્ષિત કે પ્રભાવિત કરવાની પેંતરાબાજીમાં નહિ પણ પોતાની વાસ્તવિકતા દર્શાવવામાં જ સંતુષ્ટ છે. ઈમાનદારી અને સચ્ચાઈનો આ જ માર્ગ છે. આ આવક વધારવાની પણ એક રીત છે. બિનજરૂરી ખર્ચ રોકવું એટલે આવક વધારવી. એ સમય આવી ગયો છે કે આ બાળબુદ્ધિ છોડીને પ્રૌઢતાનો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે. આપણે ગરીબ દેશના નિવાસી છીએ. સામાન્ય જનતાને સામાન્ય રહેણીકરણી અને ઓછા ખર્ચમાં ગુજારો કરવો પડે છે. આપણી વસ્તુસ્થિતિ એ જ છે કે આપણાં કરોડો ભાઈબહેનોની હટોળમાં જ આપણે ઊભા રહેવું જોઈએ અને એમના જેવી જ રહેણીકરણીની રીત અપનાવવી જોઈએ. આ સમજદારીમાં જ ઈજ્જ મેળવવાનાં સૂત્રો સમાયેલાં છે. ફેશનબાજી અને અપવ્યયનો રસ્તો અપનાવીને આપણે આર્થિક સંકટને જ નિમંત્રણ આપીએ છીએ.


સ્વચ્છતા સાથે જોડાયેલી સાદાઈ એક ઉત્કૃષ્ટ સ્તરની ફેશન છે. એમાં ગરીબાઈનો નહીં, મહાનતાનો પટ છે.સાદીવેશભૂષાઅને સજાવટવાળી વ્યક્તિ પોતાની સ્વતંત્ર પ્રતિભા અને સ્વતંત્ર ચિંતનનો પરિચય કરાવે છે. ઘેટાંઓની ચાલ છોડીને જે વિવેકશીલતાનો રસ્તો અપનાવે છે, તે બહાદુર છે. સાદાઈ આપણને અપવ્યયમાંથી બચાવીને આર્થિક સ્થિરતામાં જ સમર્થ નથી કરતી, પરંતુ આપણી ચારિત્મિક દઢતા પણ પ્રમાણિત કરે છે. અકારણ ઉત્પન્ન થતી ઈર્ષા અને લાંછનથી બચવાનો પણ આ જ સરળ માર્ગ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: