અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચઢાવીશું

અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચઢાવીશું

લોકોની દૃષ્ટિએ સફળતાનું જ મૂલ્ય છે. જે સફળ થાય છે તેની જ પ્રશંસા કરવામાં આવે છે. સફળતા નીતિપૂર્વક મેળવી છે કે અનીતિપૂર્વક મેળવી છે તે કોઈ જોતું નથી. જૂઠા, બેઈમાન, દગાબાજ, ચોર અને લુટારાઓ પણ ઘણું ધન કમાઈ શકે છે, કોઈ ચાલાકીથી કોઈ મોટું પદ કે ગૌરવ પણ પ્રાપ્ત કરી શકે છે. તમે તો ફક્ત કમાણી અને વિભૂતિ જોઈને જ તેની પ્રશંસા કરવા લાગી જાવ છો અને સમર્થન પણ કરો છો, પરંતુ આ રીત વાજબી છે કે કેમ તે પણ વિચારવું જોઈએ. સફળતા કરતાં નીતિ શ્રેષ્ઠ છે. નીતિ પર ચાલતાં જે પરિસ્થિતિ મુજબ અસફળતા મળે તો એ પણ ઓછા ગૌરવની વાત નથી.

નીતિનું મહત્ત્વ સ્થાયી છે અને સફળતાનું અસ્થાયી છે. સફળતા ન મળવાથી ભૌતિક જીવનની પ્રગતિમાં થોડી અગવડ રહી શકે છે, પરંતુ નીતિનો ત્યાગ કરવાથી તો લોક, પરલોક, આત્મસંતોષ, ચરિત્ર, ધર્મ, કર્તવ્ય અને લોકહિત બધું જ નષ્ટ થઈ જાય છે. ઈસુએ ક્રોસ પર ચઢીને પરાજયનો સ્વીકાર કર્યો, પણ નીતિનો પરિત્યાગ ન કર્યો. શિવાજી, રાણા પ્રતાપ, બંદા બૈરાગી, ગુરુ ગોવિંદસિંહ, લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ વગેરેને પરાજય મળ્યો તો પણ તેમનો પરાજય વિજય કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હતો. ધર્મ અને સદાચાર પર દઢ રહેનારાઓ સફળતામાં નહિ, કર્તવ્યપાલનમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે અને એ દઢતાને સ્થિર રાખવામાં એક મોટી સફળતા માને છે.

અનીતિ અને નિષ્ફળતા બેમાંથી જો એકને પસંદ કરવી હોય તો નિષ્ફળતાને જ પસંદ કરવી જોઈએ, અનીતિને નહીં. તાત્કાલિક સફળતા પ્રાપ્ત કરવાના લોભમાં અનીતિના માર્ગ પર ચાલી નીકળવું તે એવી મોટી ભૂલ છે કે જેને માટે હંમેશાં પશ્ચાત્તાપ જ કરવો પડે છે. વાસ્તવમાં નીતિનો માર્ગ છોડીને માનવને શોભે એવા કોઈ સારા ઉદ્દેશ્યની પૂર્તિ કરી શકાતી નથી. મનુષ્યતા ખોઈને મેળવેલી સફળતા ઓછામાં ઓછું મનુષ્ય કહેવડાવવામાં ગૌરવનો અનુભવ કરનાર માટે ખુશીની વાત નથી. કોઈ વ્યક્તિ જ ઉપરથી નીચે જલદી પહોંચવાની ઉતાવળમાં સીધી જ કૂદીને હાથપગ તોડી લે તો એ જલદી પહોંચવામાં સફળ થઈ એમ કોઈ કહેશે નહિ. આના કરતાં થોડું મોડું થાય તો પણ ચાલે. માનવીય નૈતિકતાનો સ્તર અવગણીને કોઈ એક વિષયમાં સફળતાની લાલસા ઉપર્યુક્ત પ્રસંગ જેવી વિડંબના જ છે. દરેક વિચારશીલ મનુષ્યે આનાથી સાવધ રહીને નીતિનો માર્ગ અપનાવી મનુષ્યતાને અનુરૂપ વાસ્તવિક સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

છોડના મૂળમાં પાણી મળતું રહે તો એ વધતું જ જશે. અનીતિનું પોષણ થતું રહે તો એ બેફામ વધતી રહેશે. જેઓ અન્યાય સહન કરે છે તેમનાથી અન્યાયયુક્ત આચરણ કરનારાઓને પોષણ મળે છે. અત્યાચાર સહન કરનાર ચૂપચાપ બધું જ સહન કરી લે છે એ સમજી અત્યાચારીની હિંમત વધી જાય છે અને તે વધુ ઉત્સાહથી દુરાચાર કરવા માટે તૈયાર થઈ જાય છે. અન્યાય સહી લેવો તે આપણા જેવા અન્ય અસંખ્યોને એવું જ દુ:ખ સહન કરવા માટેની પરિસ્થિતિઓ પેદા કરવા જેવું છે. અનીતિ સહન કરવાથી આતતાયીઓને પ્રોત્સાહન મળે છે.

અનીતિને કારણે બીજાઓને પીડાતા જોઈ કેટલાય લોકો વિચારે છે કે જેના ૫૨ વીતે એ ભોગવશે. આપણે નકામી મુસીબત કેમ માથે લઈએ. એકની સતામણી થતી રહે છે અને પાડોશી ચૂપચાપ જોતો રહે છે. દુષ્ટ લોકો આપણને પણ સતાવે નહિ એ વિચારીને તે તરફ જોતા નથી અને ઉદંડ લોકોને ઉદંડતા વર્તવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. ચાર બદમાશ સો માણસોની ભીડમાં ઘૂસીને ખુલ્લા બજારમાં એક-બે જણાને ચાકુ મારી શકે છે. આખી ભીડ તમાશો જોશે, આંખો ફેરવી લેશે અથવા ભાગી જશે. આપણે પણ એમની લપેટમાં આવી ન જઈએ એ ભયથી ચાર દુષ્ટોને રોકવાનું કે પકડવાનું સાહસ કોઈ કરશે નહિ. આ જાતીય દુર્બળતા જાણી લઈ અવારનવાર અપરાધ, ચોરી, હત્યા, લૂંટ, ખૂન, બળાત્કાર વગેરેની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓના જાણકાર, સંબંધિત અને જેઓને બધી જ ખબર હોય એવા લોકો સાક્ષી સુધ્ધાં આપવા જતા નથી અને આતંકવાદીઓ કોર્ટમાંથી છૂટી જાય છે અને ફરીથી બમણા જોશથી સામાન્ય જનતાને આતંકિત અને પીડિત કરતા રહે છે, પરંતુ કશું જ કરી શકતા નથી. મનમાં ને મનમાં ભડભડતા રહે છે. વિશાળ જનસમૂહ નિર્બળ બની રહે અને થોડાક દુષ્ટ અને દુરાચારીઓ નિર્ભય બની ત્રાસ આપતા રહે એ કોઈપણ દેશની જનતા માટે, સામાજિકતા માટે ભારે કલંક છે. એનાથી એ વર્ગની કાયરતા, નપુંસકતા, ડરપોકપણું અને નિર્જીવતા જ સિદ્ધ થાય છે. આવા વર્ગને પુરુષ કહેવડાવવાનો અધિકાર નથી. પુરુષાર્થ કરનારને, સાહસ અને શૌર્ય રાખનારને પુરુષ કહેવાય છે. જે અનીતિનો વિરોધ કરી શકતો નથી તેને નપુંસક, નિર્જીવ અને અર્ધમૃત પણ કહેવો જોઈએ. આ સ્થિતિ આપણા માટે ખૂબ જ શરમજનક છે.

આપણને એક-એક કરીને સતાવવામાં આવે છે, એનું કારણ એક જ છે કે સામૂહિક વિરોધની ક્ષમતા ખોવાઈ ગઈ છે. તેને જગાડવી જોઈએ. આજે એક પર જે વીતી રહ્યું છે તે કાલે આપણા પર પણ વીતી શકે છે. બીજા પર થતા અત્યાચારનો વિરોધ આપણે નહિ કરીએ તો આપણી સહાયતા કરવા માટે કોઈ શું કામ આવે? આ વિચારીને વ્યક્તિગત સુરક્ષાની ચપેટમાં આપણને પણ ઈજા થાય, આર્થિક તથા બીજા પ્રકારનું નુકસાન ભોગવવું પડે અને આને મનુષ્યતાની જવાબદારીનું મૂલ્ય સમજીને ચૂકવવું જોઈએ. એને સહન કરવું જ જોઈએ. શૂરવીરોને આધાત સહન કરવાનો જ પુરસ્કાર મળે છે અને તેઓ આ આધાર પર જ લોકશ્રદ્ધા મેળવે છે. લોકશ્રદ્ધાના હકદાર ત્રણ જ છે (૧) સંત, (૨) સુધારક, (૩) શહીદ, જેમણે પોતાના આચરણ, વિચારો અને ભાવનાઓમાં આદર્શવાદ તથા ઉત્કૃષ્ટતાનો સમાવેશ કર્યો છે, તેઓ સંત છે. ખરાબ પરિસ્થિતિઓને બદલીને જેઓ સુવ્યવસ્થા પેદા કરવામાં લાગી ગયા છે, અયોગ્યના સ્થાને યોગ્યની સ્થાપના કરી રહ્યા છે, તેઓ સુધારક છે. અન્યાય સાથે લડવામાં જેમણે આઘાત સહ્યા અને હસતાં હસતાં બરબાદીને માથે ચડાવી, તેઓ શહીદ છે. આવા માનવો પ્રત્યે મનુષ્યતા હંમેશાં કૃતજ્ઞ રહી છે અને ઈતિહાસ એમનું હંમેશાં અભિવાદન કરતો રહ્યો છે. આપત્તિ ભલે સહન કરવી પડે પણ આ ગૌરવથી જે ગૌરવાન્વિત થઈ શકતો હોય તેણે પોતાને ભાગ્યશાળી જ માનવો જોઈએ. આપણે લોકોના મનમાં અનીતિનો સામૂહિક વિરોધ કરવાની વૃત્તિ જાગૃત કરવી જોઈએ અને આ સંદર્ભમાં જેમણે કષ્ટ વેઠ્યું હોય, સાહસ બતાવ્યું હોય તેમનો ભાવભર્યો સાર્વજનિક સત્કાર કરવો જોઈએ, જેથી બીજાઓને પણ એવું પ્રોત્સાહન મળે અને જનજીવનમાં અનીતિ સામે લડવાનો ઉત્સાહ પેદા થાય.

આપણને ઘણીવાર એવી વાત માનવા અને એવાં કામો કરવા માટે લાચાર કરવામાં આવે છે કે આપણો આત્મા તેમનો સ્વીકાર કરવાની ના કહે છે, તેમ છતાં આપણે દબાણમાં આવી જઈએ છીએ અને ઈન્કાર કરી શકતા નથી. ઈચ્છા ન હોવા છતાં પણ એ દબાણમાં આવીને એવું કરવા લાગીએ છીએ, જે ન કરવું જોઈએ. આવાં દબાણોમાં મિત્ર કે વડીલોનો આગ્રહ એટલો બધો હોય છે કે ગુણદોષનું ધ્યાન રાખનાર મૂંઝવણમાં પડી જાય છે. શું કરે, શું ન કરે ? કશું જ સમજાતું નથી. કમજો૨ પ્રકૃતિના લોકો મોટેભાગે આવા સમયે ના કહી શકતા નથી અને ઈચ્છા ન હોવા છતાં પણ એવું કરવા લાગે છે. આવી ખરાબ સ્થિતિમાં સાહસથી ઈન્કાર કરી દેવો જોઈએ. આપણે જેને ખરાબ સમજીએ છીએ કે વડીલ સાથે કરી શકાય છે. એમાં જરાપણ અનુચિત કે અધર્મ નથી. આવાં ઉદાહરણો ઈતિહાસમાં ડગલે ને પગલે ભર્યાં છે. પ્રહલાદ, ભરત, વિભીષણ, બલિ વગેરેની અવજ્ઞા પ્રખ્યાત છે. અર્જુનને ગુરુજનો સાથે લડવું પડ્યું હતું. મીરાએ પતિનું કહ્યું માન્યું નહોતું. મોહગ્રસ્ત વાલીઓ પોતાનાં બાળકોને અનેક પ્રકારનાં કૃત્યો કરવા માટે લાચાર કરે છે. બેઈમાનીનો ધંધો કરનાર વડીલો પોતાનાં બાળકો પાસે પણ એ જ કરાવે છે. પોતાની મૂઢતા અને રૂઢિવાદિતાની રીતિ-નીતિ અપનાવી લેવા માટે દબાણ કરે છે. ન માને તો નારાજ થાય છે, અવજ્ઞાનો આરોપ લગાડે છે, આવી સ્થિતિમાં મૂંઝાઈ જવાની જરૂર નથી. ફક્ત યોગ્ય હોય તેનો જ સ્વીકાર કરવામાં આવે, પછી ભલે ને કોઈના પણ પક્ષમાં હોય. એવો આદર્શ રહેવો જોઈએ. અયોગ્યનો દરેક હાલતમાં અસ્વીકાર થવો જોઈએ, ભલે તેના માટે કોઈએ પણ ગમે તેટલું દબાણ કેમ ન કર્યું હોય. આજની સામાજિક કુરીતિઓનું આંધળું અનુકરણ કરવામાં જૂની પેઢી જ મોખરે છે. બાળકોનાં વહેલાં લગ્નો કરી તેમને સ્વાસ્થ્ય તથા શિક્ષણથી વંચિત રાખવાં એ તેમનો મિથ્યા મોહ જ છે. આવા પ્રસંગે નમ્રતાથી પોતાની હઠ કે અસહમતિ વ્યક્ત કરી શકાય છે. ખર્ચાળ લગ્ન કોઈપણ શરતે અમને સ્વીકાર્ય નથી એવું સ્પષ્ટ શબ્દોમાં દઢતાપૂર્વક કહી દેવામાં આવે. લગ્ન કરવાનું હોય ત્યારે દહેજ વગર, આભૂષણો કે ધામધૂમ } વિના જ લગ્ન કરીશું. દેખીતી રીતે આ અવજ્ઞા લાગે છે, પરંતુ એમાં દરેકનું કેવળ હિત જ સમાયેલું છે. તેથી ખોટું લાગવા છતાં કડવી દવાની જેમ આ અવજ્ઞા સૌને માટે લાભદાયક છે. આથી તેને કોઈ રીતે અનુચિત કે અધર્મ કહી શકાય નહીં.

મિત્રતાના બહાને લોકો સિગારેટ, શરાબ, જુગાર, સિનેમા વગેરેના કુમાર્ગ પર લઈ જવા ઈચ્છે છે. આવા પ્રસંગોએ પણ પોતાની અસહમતિ સ્પષ્ટ અને કડક શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. મિત્રને કુમાર્ગથી છોડાવવો તે મિત્રતા છે, પથભ્રષ્ટ કરવા માટે ઘસડીને લઈ જવામાં મિત્રતા નથી.

આ જ રીતે કર્જ માંગનારાઓ, ભીખ માટે અડી જનારાઓ, સ્વાર્થ માટે અયોગ્ય કાર્ય કરાવવા માટે દબાણ કરનારાઓ અને અનીતિનો વિરોધ ન કરી ચૂપ રહેવાનો આગ્રહ કરનારા લોકો અવારનવાર સામે આવતા રહે છે અને પોતાના તર્કો અને પ્રતિભાનો પ્રયોગ એવી ચતુરતાથી કરે છે કે અનિચ્છા હોવા છતાં પણ આપણે તેમના પ્રભાવમાં આવીને એવું જ કરવા માટે લાચાર થઈ જઈએ છીએ. આવા પ્રસંગોએ આપણું સાહસ એટલું પ્રખર હોવું જોઈએ કે નમ્ર છતાં સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરી શકાય. ઇન્કાર અસહયોગ, વિરોધ અને સંઘર્ષ આ ચાર શસ્ત્રોથી આપણે અનીતિ અને અવિવેકનો સામનો કરી શકીએ છીએ. સત્ય અને ન્યાય માટે આપણે સાહસી શૂરવીર યોદ્ધાની જેમ આ શસ્ત્રોનો પ્રયોગ પણ કરતા રહેવું જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: