૧૨. દરજ્જો કોનો મોટો ? કોનો નાનો ? : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 15, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
૧૨. દરજ્જો કોનો મોટો ? કોનો નાનો ? : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
દીકરીવાળાનો મોભો નીચો જ હોય અને દીકરાવાળાની કક્ષા ઊંચી હોય એમ માનવું તે જરા પણ યોગ્ય નથી. દીકરીવાળા દીકરાવાળા સામે નતમસ્તકે કાકલુદી અને પ્રાર્થના કરતા રહે. એ લોકો
જો ધમકાવે કે અપમાન કરે તો પણ નમ્ર ભાવે સહન કરતા રહે એ ન્યાયસંગત નથી અને યોગ્ય પણ નથી. લેનાર કરતાં આપનારનું આસન હંમેશાં ઊંચું જ હોય છે. લોકરિવાજ એવો છે કે કોઈ વ્યક્તિ બીજા કોઈને દાન કે ભેટ આપે તો લેનારો પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે અને આ ઉદારતા માટે આભાર માને છે.
સામાન્ય મદદ પણ જેમના તરફથી આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. જ્યારે પોતાનો આત્મા એટલે કે પોતાની દીકરી કશું જ લીધા વગર આજીવન સેવા અને સહાયતા માટે આપનારનું દાન તો કેટલું મોટું ગણાય ? જીવનની અધુરપ દૂર કરનારી અને અપૂર્ણતાને પૂર્ણતાથી ભરી દેવાવાળી જીવન સહચરીનું કેટલું મૂલ્ય હોય છે એની તો કલ્પના કરવી પણ અઘરી છે જડ વસ્તુઓની કિંમત રૂપિયા પૈસામાં આંકવામાં આવે છે, પરંતુ આ તો આવડી મોટી જીવંત ભેટ કોઈપણ પ્રકારના બદલાની આશા વગર જેમણે આપી છે, એમના પ્રત્યે એ ઉપકારના બદલામાં કૃતજ્ઞતા, તેમની મોટાઈ અને આદરનો ભાવ રાખવાનું તો દૂર રહ્યું, ઊલટાનું એમને નાના કે નીચા માનવા તથા તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવો એ ક્યાંની માનવતા છે ?
સમાજમાં એવું જોવા મળે છે કે વરપક્ષવાળા કન્યાપક્ષ પાસે યોગ્ય અયોગ્ય માગણીઓ મૂકતા હોય છે અને જો કન્યાપક્ષવાળા તેમની માગણી પૂરી ન કરી શકે તો રિસાઈ જાય છે. પ્રત્યેક મિનિટે તેમને અસાધારણ માન-સન્માન ઈચ્છે છે. જો તેમના સ્વાગત સત્કારમાં જરા જેટલી પણ ચૂક આવી તો ક્રોધિત થઈ અપમાનજનક વ્યવહાર કરે છે. આવા લોકો સાસરી પક્ષવાળાને શનિ-રાહુની જેમ હેરાન કરતા રહેતા હોય એવાં દૃશ્યો આપણે આ યુગમાં ઘેર ઘેર જોઈએ છીએ. આવા વિચિત્ર વ્યવહાર પાછળ માત્ર એક જ ભાવના કામ કરતી હોય છે કે છોકરીવાળા છોકરાવાળા કરતાં હંમેશાં નીચા જ છે. વરપક્ષે તેમની દીકરી લઈને જાણે ખૂબ મોટો ઉપકાર કરી દીધો ન હોય ! એના બદલામાં પોતાની પૂજા કરાવવાનો જાણે અધિકાર છે એમ માની લેતા હોય છે. એમની ઇચ્છાનુસાર જો કોઈ વસ્તુ ન મળે તો તેમાં પોતાનું અપમાન સમજીને અશિષ્ટ વ્યવહાર કરવા સુધીની હદે પહોંચી જાય છે !
પ્રતિભાવો