મનુષ્યના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહીં પરંતુ તેના સદ્વિચારો અને સત્કર્મોથી થાય છે.
June 15, 2022 Leave a comment
મનુષ્યના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહીં પરંતુ તેના સદ્વિચારો અને સત્કર્મોથી થાય છે.
મનુષ્યની શ્રેષ્ઠતાની કસોટી એ હોવી જોઈએ કે તેના દ્વારા ઉચ્ચ માનવીય મૂલ્યોનો કેટલો નિર્વાહ થઈ શક્યો અને તેમને કેટલું પ્રોત્સાહન આપી શક્યો. યોગ્યતાઓ અને વિભૂતિઓ તો માત્ર સાધનો છે. લાઠી અને ચાકુ પોતે નથી પ્રશંસનીય કે નથી નિંદનીય. તેમનો ઉપયોગ પીડા પહોંચાડવા માટે થયો કે પ્રાણના રક્ષણ માટે, એના આધાર પર જ તેમની પ્રશંસા કે નિંદા કરી શકાય છે. મનુષ્યની વિભૂતિઓ અને યોગ્યતાઓ પણ એવાં જ સાધનો છે. તેમનો ઉપયોગ ક્યાં થાય છે તે તેમના વિચારો અને કાર્યોથી શોધી શકાય છે. જો તે સત્ છે તો તે સાધનો પણ સ છે પરંતુ જો તે અસત્ છે તો એ સાધનો પણ અસત્ જ કહેવાશે. મનુષ્યતાનું ગૌરવ અને સન્માન આ જડ સાધનોથી નહીં પણ તેના પ્રાણરૂપ સદ્વિચારો અને સપ્રવૃત્તિઓથી જોડવું જોઈએ. એ આધાર પર સન્માન આપવા અને પ્રાપ્ત કરવાની પરંપરા બનાવવી જોઈએ.
જે કાર્યથી પ્રતિષ્ઠા વધે છે, પ્રશંસા થાય છે તે જ કામ કરવા માટે અને તે જ માર્ગ પર ચાલવા માટે લોકોને પ્રોત્સાહન મળે છે. આપણે પ્રશંસા અને નિંદા કરવામાં તથા સન્માન અને તિરસ્કાર કરવામાં થોડી સાવધાની રાખીએ તો લોકોને કુમાર્ગ પર ન ચાલવા અને સત્યનો માર્ગ અપનાવવામાં મહદ્અંશે પ્રેરણા આપી શકીએ છીએ. મોટેભાગે જેમણે સફળતા, યોગ્યતા, સંપદા અને વિભૂતિ પ્રાપ્ત કરી લીધી છે, તેમની પ્રશંસા કરવામાં આવે છે. ચમત્કારને નમસ્કાર કરવામાં આવે છે. આ રીત ખોટી છે. વિભૂતિઓને લોકો ફક્ત પોતાની સુખસગવડો માટે જ એકત્રિત કરતા નથી પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો પણ ઉદ્દેશ હોય છે. જ્યારે ધનવૈભવ ધરાવતા લોકોને જ સમાજમાં પ્રતિષ્ઠા મળે છેતો માનનો ભૂખ્યો મનુષ્ય કોઈપણ ભોગે તેને પ્રાપ્ત કરવા માટે આતુર થઈ ઊઠે છે. અનીતિ અને અપરાધોમાં વધારો થવાનું એક મુખ્ય કારણ એ છે કે આંધળી જનતા સફળતાની પ્રશંસા કરે છે અને દરેક અસફળતાને તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. ધન કે ધની પ્રત્યે આદરબુદ્ધિ તો જ રહેવી જોઈએ, જ્યારે એ નીતિ અને સદાચારપૂર્વક કમાયેલું હોય, જો આપણે અધર્મ અને અનીતિથી મેળવેલા ધન દ્વારા ધની બનેલી વ્યક્તિ પ્રત્યે આદરની દૃષ્ટિ રાખીએ છીએ તો એથી એવા પ્રકારના અપરાધો કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન જ મળે છે અને આ દૃષ્ટિએ આપણે પણ અપરાધોની વૃદ્ધિમાં ભાગીદાર બનીએ છીએ.
બીજાઓને સન્માર્ગ પર ચલાવવા માટેનું તથા કુમાર્ગ તરફ પ્રોત્સાહિત કરવાનું એક સશક્ત સાધન આપણી પાસે મોજૂદ છે અને તે છે આદર અને અનાદર. જે રીતે મત આપવો તે એક નાની ઘટના માત્ર છે પણ તેનું પરિણામ દૂરગામી હોય છે તે જ રીતે આદરના પ્રગટીકરણનું પણ દૂરગામી પરિણામ શક્ય છે. થોડાક મતો ચૂંટણીમાં ફેરફાર કરી શકે છે અને એ ચૂંટાયેલી વ્યક્તિનું વ્યક્તિત્વ કોઈ મહત્ત્વપૂર્ણ સ્થાન પર પહોંચીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં પ્રભાવશાળી ભૂમિકા સંપન્ન કરી શકે છે. થોડા મતો વ્યાપક ક્ષેત્રમાં તેનો પ્રભાવ બતાવી શકે છે અને અસંભવ શક્યતાઓ સાકાર બનાવી શકે છે, તેવી જ રીતે આપણી આદરબુદ્ધિ જો વિવેકપૂર્ણ ભૂમિકા પ્રસ્તુત કરે તો કુમાર્ગ પર ચાલતાં કેટલાંય કદમ રોકાઈ શકે છે અને સન્માર્ગ પર ચાલતાં ખચકાટ અનુભવતા કેટલાય પથિક પ્રેરણા અને પ્રોત્સાહન મેળવીને એ દિશામાં તત્પરતાપૂર્વક અગ્રેસર થઈ શકે છે.
જે લોકોએ અવરોધ સહન કરીને પણ પોતાના જીવનમાં કોઈ આદર્શો સ્થાપિત કર્યા હોય તેમનું સાર્વજનિક સન્માન થવું જોઈએ, તેમની મુક્તકંઠે પ્રશંસા થવી જોઈએ અને જે લોકો નિંદનીય માર્ગો દ્વારા પ્રગતિ કરી રહ્યા હોય તેમની કોઈપણ રૂપે પ્રશંસા કે મદદ કરવી જોઈએ. નહીં. ખરાબ કાર્યોમાં સામેલ થવું એ પણ એક રીતે તેમને પ્રોત્સાહન આપવા જેવું જ છે કેમ કે શ્રેષ્ઠ પુરુષોની માત્ર ઉપસ્થિતિ જ લોકો તેમનું સમર્થન માની લે છે અને પછી પોતે પણ તેમનો સહયોગ કરવા લાગે છે. આ રીતે અનુચિત કાર્યોમાં આપણું પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન અંતે તેમને વધારનારું જ સિદ્ધ થાય છે.
મનુષ્યનું મૂલ્યાંકન આપણે તેની સફળતાઓ અને વિભૂતિઓથી નહીં પરંતુ એ નીતિ અને ગતિવિધિના આધાર પર કરવું જોઈએ કે જેની મદદથી એ સફળતા પ્રાપ્ત કરવામાં આવી હોય. બેઈમાનીથી કરોડપતિ બનેલી વ્યક્તિ પણ આપણી દૃષ્ટિમાં તિરસ્કૃત હોવી જોઈએ અને જે અસફળ અને ગરીબ વ્યક્તિએ વિષમ પરિસ્થિતિઓમાં પણ જીવનનાં ઉચ્ચ આદર્શોનું રક્ષણ કર્યું હોય તેને પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માન અને સહયોગ બધું જ પ્રદાન કરવું જોઈએ. એ યાદ રાખવાનું છે કે જ્યાં સુધી જનતાનો નિંદા-પ્રશંસાનો અને આદર-તિરસ્કારનો માપદંડ બદલાય નહીં ત્યાંસુધી અપરાધીઓ વધુ ઉત્સાહથી પોતાની સફળતા પર ગર્વ કરી વધુ ને વધુ ઉદ્દંડ બનતા જશે અને સદાચારને કારણે મર્યાદિત સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત કરનારાઓ ખિન્ન અને નિરાશ રહીને સન્માર્ગથી વિચલિત થવા લાગશે, યુગનિર્માણ સંકલ્પમાં એ મુખ્ય પ્રેરણા પ્રસ્તુત કરવામાં આવી છે કે આપણે મનુષ્યના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ અને વિભૂતિઓને નહીં, સજ્જનતા અને આદર્શવાદને જ માનીશું.
પ્રતિભાવો