બીજાઓ સાથે એવો વ્યવહાર નહીં કરીએ, જે આપણા પોતાના માટે પસંદ નથી

બીજાઓ સાથે એવો વ્યવહાર નહીં કરીએ, જે આપણા પોતાના માટે પસંદ નથી

આપણે ઈચ્છીએ છીએ કે બીજા લોકો આપણી સાથે સજ્જનતાનો ઉદાર અને મધુર વ્યવહાર કરે, જે આપણી પ્રગતિમાં સહાયક થાય તથા એવું કાર્ય ન કરે કે જેથી પ્રસન્નતા અને સુવિધામાં કોઇ પ્રકારનું વિઘ્ન પેદા થાય. ઠીક એવી જ આશા બીજા લોકો પણ આપણી પાસેથી રાખે છે. જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણા સ્વાર્થની પૂર્તિમાં કોઇ આંચ ન આવે અને બીજાઓ પાસેથી અનુચિત લાભ ઉઠાવી લઇએ તો એવી જ આકાંક્ષા બીજાઓ પણ આપણી પાસેથી કેમ ન રાખે ? લેવા અને આપવાનાં બેવડાં ધોરણો રાખવાથી બધી ગરબડ પેદા થાય છે. જો આપણે કોઇને મદદરૂપ ન બનીએ, કોઇના કામમાં ન આવીએ, કોઇની સાથે ઉદારતા, નમ્રતા અને ક્ષમાની નીતિ ન રાખીએ તો એ માટે પણ તૈયાર રહેવું જોઇએ કે બીજા લોકો આપણી સાથે એવી જ ધૃષ્ટતા ક૨શે તો આપણે મનમાં જરા પણ ખોટું નહિ લગાડીએ.

આપણે જ્યારે ગાડીમાં ચઢીએ છીએ અને બીજા લોકો પગ ફેલાવીને પથારી લગાવીને બેઠા હોય છે ત્યારે આપણે ઊભા રહેવું પડે છે. એ લોકોને પગ ખસેડી લેવા અને આપણને પણ બેસવા દેવા માટે કહીએ છીએ તો તેઓ બબડવા લાગે છે. ઝંઝટથી બચવા માટે આપણે ઊભા ઊભા પોતાની યાત્રા પૂરી કરીએ છીએ અને મનમાં ને મનમાં જગ્યા રોકીને બેઠેલા એ લોકોના સ્વાર્થીપણા અને અનુદારતાને વખોડીએ છીએ, પરંતુ જયારે આપણને જગ્યા મળી જાય છે તો આપણે પણ એવો જ વ્યવહાર કરીએ છીએ. એવી જ રીતે નવા પ્રવાસીઓ પ્રત્યે પગ ફેલાવી લઈએ છીએ અને નવા પ્રવાસીઓ પ્રત્યે ઠીક એવા જ નિષ્ઠુર બની જઈએ છીએ. શું આ બેવડું ધોરણ યોગ્ય છે ? આપણી કન્યા વિવાહયોગ્ય થઇ જાય છે તો આપણે ઇચ્છીએ છીએ કે વરપક્ષના લોકો દહેજ વગર સજ્જન જેવો વ્યવહાર કરી વિવાહસંબંધ સ્વીકારે. દહેજ માગનારાઓને ખૂબ વખોડીએ છીએ પણ જ્યારે આપણો પોતાનો દીકરો લગ્નને યોગ્ય થઇ જાય છે ત્યારે આપણે પણ ઠીક એવી જ અનુદારતા દર્શાવીએ છીએ જેવી કે પોતાની દીકરીના લગ્ન સમયે બીજાઓએ દર્શાવી હતી. કોઇ આપણી સાથે બેઈમાની કરી લે છે, ઠગી લે છે તો ખરાબ લાગે છે, પણ બીજી તરફ એવી જનીતિ પોતાના વ્યવસાયમાં આપણે પણ રાખીએ છીએ અને ત્યારે એ ચતુરતા પર પ્રસન્ન થઇએ છીએ તથા ગર્વનો અનુભવ કરીએછીએ. આબેતરફી નીતિ ચાલતી રહી તો માનવસમાજમાં સુખશાંતિ કેવી રીતે સ્થપાઈ શકશે ?

કોઇ વ્યક્તિ તેની જરૂરિયાતના સમયે આપણી પાસેથી થોડું ઉધાર લઈ જાય છે તો આપણે એવી જ આશા રાખી છીએ કે ખરાબ સમયે કરેલી આ મદદને સામાપક્ષની વ્યક્તિ કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખશે અને વહેલામાં વહેલી તકે એ ઉધારની રકમ પાછી આપી દેશે. જો એ પાછી આપવાના સમયે આનાકાની કરે તો આપણને કેટલું ખરાબ લાગે છે. જો આજવાતને ધ્યાનમાં રાખવામાં આવે તો કેટલું સારું! આપણે કોઇનું ઉધાર જરૂર કરતાં એક ક્ષણ પણ વધુ શા માટે રોકી રાખીએ ? આપણે બીજાઓ પાસેથી એ આશા રાખીએ છીએ કે તેઓ જ્યારે પણ કંઇ કહે કે જવાબ આપે ત્યારે નમ્ર, શિષ્ટ, મધુર અને પ્રેમયુક્ત વાતો સાથે સહાનુભૂતિભર્યા વલણ સાથે બોલે. કોઈ કડવાશ, રુક્ષતા, નિષ્ઠુરતા, ઉપેક્ષા અને અશિષ્ટતા સાથે જવાબ આપે તો આપણને ઘણું દુઃખ થાય છે. જો આ વાત મનમાં સમાવી લઇએ તો પછી આપણી વાણીમાં હંમેશા શિષ્ટતા અને મધુરતા જ ભળેલી કેમ ન રાખીએ? પોતાના કષ્ટ સમયે આપણે બીજાઓની મદદની વિશેષરૂપથી અપેક્ષા રાખીએ છીએ. આ વાતને ધ્યાનમાં રાખવામાં આવે તો જ્યારે બીજા લોકો ક્સ્ટમાં ફસાયેલા હોય અને એમને આપણી મદદની જરૂર હોય ત્યારે શું એ યોગ્ય છે કે આપણે નિષ્ઠુરતા ધારણ કરી લઈએ ? પોતાનાં બાળકો પાસેથી આપણે આશા રાખીએ છીએ કે ધડપણના સમયે આપણી સેવા કરશે, આપણે કરેલા ઉપકારોનો બદલો કૃતજ્ઞતાપૂર્વક ચૂકવશે, પરંતુ આપણાં વૃદ્ધ માબાપ પ્રત્યેનો આપણો વ્યવહાર ખૂબ જ ઉપેક્ષાપૂર્ણ રહે છે. આ બેવડી નીતિનું શું ક્યારેય કોઇ શુભ પરિણામ આવી શકે ?

આપણે ઇચ્છીએ છીએ કે આપણાં દીકરી વહુઓને બીજા લોકો માન આપે, એમની પોતાની બહેન-દીકરીની નજરે જુએ તો એ કેટલું યોગ્ય કહેવાય કે આપણે બીજાઓની બહેન-દીકરીઓને દુષ્ટતાભરેલી નજરે જોઇએ ? પોતાના દુ:ખ સમાન જ જે બીજાનું દુઃખ સમજશે એ માંસ કેવી રીતે ખાઇ શકે ? બીજાઓ પર અન્યાય અને અત્યાચાર કેવી રીતે કરી શકે? કોઇની સાથે બેઇમાની કરવા, કોઇને તિરસ્કૃત, બદનામ કે ઉતારી પાડવાની વાત કેવી રીતે વિચારશે? પોતાની નાની-મોટી ભૂલો વિશે આપણે એવી જ આશા રાખીએ છીએ કે લોકો તેના પર બહુ ધ્યાન નહિ આપે, ‘ક્ષમા કરો અને ભૂલી જાવ’ની નીતિ અપનાવશે તો પછી આપણે પણ એટલી જ ઉદારતા મનમાં કેમ ન રાખવી જોઇએ અને ક્યારેક કોઇનાથી કોઇ દુર્વ્યવહાર આપણી સાથે થઇ જાય તો તેને કેમ ન ભૂલી જવો જોઇએ ?

આપણે પોતાની સાથે બીજા દ્વારા જે સજ્જનતાભર્યા વ્યવહારની આશા રાખીએ છીએ તેવી જ નીતિ આપણે બીજા સાથે પણ અપનાવવી જોઇએ. કેટલાક દુષ્ટ લોકો આપણી સજ્જનતાના બદલામાં તદ્નુસાર વ્યવહાર ન કરે એવું બની શકે. ઉદારતાનો લાભ ઉઠાવનારા અને પોતે નિષ્ઠુરતા આચરનારા નરપશુઓની આ દુનિયામાં ખોટ નથી. ઉદારતા અને ઉપકાર કરનારા પર જ વાર કરનારાઓ દરેક જગ્યાએ હોય છે. આપણે એમની દુર્ગતિનો ભોગ ન બની જઇએ એટલી સાવધાની તો રાખવી જોઇએ, પરંતુ સત્પાત્ર નથી મળતા એટલા માટે પોતાના કર્તવ્ય અને સૌજન્યને છોડી ન દેવાં જોઇએ. વાદળાં દરેક સ્થળે વરસે છે. સૂર્ય અને ચંદ્ર દરેક સ્થળે પોતાનો પ્રકાશ ફેલાવે છે, પૃથ્વી દરેકનો ભાર અને મળમૂત્ર ઉઠાવે છે. તો આપણે પણ એવી જ મહાનતા અને ઉદારતાનો પરિચય કેમ ન આપવો જોઇએ ? ઉદારપ્રકૃતિના લોકો ઘણીવાર ચાલાક લોકો દ્વારા ઠગાઇ જાય છે અને તેથી એમને નુકસાન ભોગવવું પડે છે, પણ એમની સજ્જનતાથી પ્રભાવિત થઈને બીજા લોકો એમને જેટલી મદદ કરે છે એ લાભના બદલામાં ઠગાઇ જવાનું નુકસાન ઓછું જ હોય છે. બધું મળીને તેઓ લાભમાં જ રહે છે. એ જ રીતે સ્વાર્થી લોકો કોઇના કામમાં આવવાથી પોતાનું કોઇ નુકસાન કે હાનિ થવાનો અવસર આવવા દેતા નથી, પણ એમને કોઇ મદદ કરતું નથી તો તેઓ એ લાભથી વંચિત પણ રહે છે. આવી સ્થિતિમાં એ અનુદાર અને ચાલાક વ્યક્તિ એ ઉદાર અને ભોળી વ્યક્તિ કરતાં નુકસાનમાં જ રહે છે. જુદા જુદા કાટલાં રાખનારા બેઇમાન દુકાનદારો ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. પોતાનો સ્વાર્થ સાધનારા અને અશિષ્ટતા વર્તતા લોકો જ્યારે બીજાઓ પાસેથી સજ્જનતા અને સહાયતાની આશા રાખે છે, ત્યારે પેલા જુદાં જુદાં કાટલા રાખનાર બેઇમાન દુકાનદારનું અનુકરણ કરે છે. આવો વ્યવહાર ક્યારેય પણ કોઇને ઉન્નતિ અને પ્રસન્નતા આપી નહિ શકે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: