૧૬. ખતરનાક પ્રતિક્રિયાનું ધ્યાન રાખવું ઘટે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 16, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
ખતરનાક પ્રતિક્રિયાનું ધ્યાન રાખવું ઘટે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
થોડાક સમય પહેલાં બિહાર પ્રાન્તના એક સમાચાર ‘યુગનિર્માણ યોજના’ પત્રિકામાં છપાયા હતા. એક છોકરો ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પોતે છોકરીને જોઈને જ પસંદ કરશે એવો આગ્રહ એણે રાખેલો. અનેક છોકરીઓ એણે જોઈ અને નાપસંદ કરી. છેવટે એક સુંદર છોકરી એણે જોઇ અને પસંદ કરી. સગાઈ પાકી કરવા સારી એવી સંખ્યામાં અગ્રગણ્ય સજ્જનો ભેગા થયા. એ જ વખતે છોકરીએ કહેવડાવી દીધું કે છોકરો દેખાવડો નથી. એટલે તેણીને પસંદ નથી. હાજર રહેલા લોકોએ તેણીને સમજાવવા ખૂબ મથામણ કરી, પરંતુ છોકરીએ કહ્યું કે જ્યારે ચામડી જ સર્વસ્વ છે અને ઊજળી ચામડી જ હોવાના કારણે આ મહાશય અનેક છોકરીઓને નાપસંદ કરી ચૂક્યા છે, તો હું પણ ચામડીના મહત્ત્વને ઓછું શું કામ આકુ ? અને જ્યારે આ છોકરો મારાથી ઓછો રૂપાળો છે ત્યારે હું પણ એની સાથે લગ્ન શા માટે કરું ? છોકરીની વાત બરાબર હતી. તેણીને છોકરાની આ ક્ષુદ્રતાના કારણે ક્ષોભ પણ થયો હતો, એટલે ખૂબ પ્રયત્ન કરવા છતાં છોકરી સંમત ન થઈ અને છેવટે છોકરાને શરમિંદા બનીને પાછા જવું પડયું. પોતાના સાથી મિત્રો એને શીખવાડતા હતા કે પરી જેવી વહુ ખોળતાં પહેલાં યાર તારો ચહેરો તો અરીસામાં જોઈ લે તો !
એ વાતનું આશ્ચર્ય થાય છે કે કુરૂપ છોકરાઓ પણ રૂપવતી છોકરીઓની માગણી કરે છે. જો આ પ્રવૃત્તિ વધતી ચાલી તો થોડા વખતમાં ભારત યુરોપ બની જશે. રૂપયૌવનની લાલસાવાળાં અને ગુણ, કર્મ તથા સ્વભાવને મહત્ત્વ ન આપતાં છોકરાછોકરીઓ અતૃપ્ત રહીને ભટકતાં રહેશે. એમને અધિક રૂપની તરસ પોતાના સાથી સાથે પણ સંતોષપૂર્વક નહીં રહેવા દે. છેવટે આપણા દેશવાસીઓનું ગૃહસ્થ જીવન પણ યુરોપવાસીઓની માફ્ક નારકીય બની જશે. ખરેખર તો અહીં સ્થિતિ વધારે ખરાબ થશે, કારણ કે અહીં મોટા ભાગના માણસો શ્યામ અને ઘઉંવર્ણા હોય છે. એમને ઉપેક્ષિત અને તિરસ્કૃત કરવામાં આવશે તો શું થશે એની કલ્પના કરવી અઘરી છે. થોડાંક રૂપાળાંને શું બાદ કરતાં બાકીનાં કુરૂપ છોકરા છોકરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
પ્રતિભાવો