નરનારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખશે

નરનારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખશે

નરનો ના૨ી પ્રત્યે તથા નારીનો નર પ્રત્યે પવિત્ર દૃષ્ટિકોણ આત્મોન્નતિ, સામાજિક પ્રગતિ તથા સુખશાંતિ માટે જરૂરી છે. બ્રહ્મચર્યનું વ્રતપાલન કરનારાઓ અને અવિવાહિત નરનારીઓ માટે વ્યવહાર તથા ચિંતનમાં એકબીજા પ્રત્યે પવિત્રતાનો સમાવેશ અનિવાર્ય છે જ, પરંતુ બીજાઓએ પણ તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. અપવિત્ર પાશવિક દૃષ્ટિ રાખીને કોઈપણ વર્ગ બીજા વર્ગની શ્રેષ્ઠતાનું ન મૂલ્યાંકન કરી શકે છે કે ન તેનો લાભ ઉઠાવી શકે છે. આ હાનિથી બચવાની સૌથી વધુ ઉપયોગી પ્રેરણા આ વાક્યમાં આપવામાં આવી છે.

‘નારી આ સંસારની સર્વોત્કૃષ્ટ પવિત્રતા છે.’ જનનીના રૂપમાં તે અગાધ વાત્સલ્ય લઈને આ ધરતી પર અવતરિત થાય છે. નારીના રૂપમાં ત્યાગ અને બલિદાનની, પ્રેમ અને આત્મદાનની સજીવ પ્રતિમાના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. બહેનના રૂપમાં સ્નેહ, ઉદારતા અને મમતાની દેવી સમાન લાગે છે. પુત્રીના રૂપમાં તે કોમળતા, મૃદુલતા અને નિશ્ચલતાની પ્રતિકૃતિના રૂપમાં આ નીરસ સંસારને સરસ બનાવી રાખે છે. પરમાત્માએ નારીમાં સત્ય, શિવ અને સુંદરનો અનંત ભંડાર ભર્યો છે. તેનાં નેત્રોમાં એક અલૌકિક જ્યોતિ રહે છે જેનાં કિરણો પડવા માત્રથી નિષ્ઠુર હૃદયોની પણ કરમાયેલી કળીઓ ખીલી શકે છે. દુર્બળ તથા અપંગ મનુષ્યને શક્તિમાન અને સત્તાસંપન્ન બનાવવાનું સૌથી વધુ શ્રેય જો કોઈને મળતું હોય તો તે નારી જ છે. તે મૂર્તિમાન પ્રેરણા, ભાવના અને સ્ફૂર્તિના રૂપમાં અચેતનને ચેતન બનાવે છે. તેના સાન્નિધ્યમાં અશ્ચિન વ્યક્તિનું ભાગ્ય ખીલી ઊઠે છે. તે પોતાને ધન્ય અનુભવ કરે છે.

નારીની મહત્તા અગ્નિસમાન છે. અગ્નિ આપણા જીવનનો સ્રોત છે, તેના અભાવમાં આપણે નિર્જીવ અને નિષ્ઠાણ બનીને જ રહી શકીએ છીએ. તેની ઉપયોગિતાનો જેટલો મહિમા ગાવામાં આવે તેટલો ઓછો જ છે પરંતુ આ અગ્નિની બીજી બાજુ પણ છે, તે સ્પર્શ કરતાં જ કાળી નાગણની જેમ લપકારા મારી ઊઠે છે અને સ્પર્શ કરતાં જ તડફડાટ કરી નાખતી, ભારે પીડા આપતી પરિસ્થિતિ ઉત્પન્ન કરી દે છે. નારીમાં જયાં અનંત ગુણો છે ત્યાં એક દોષ એવો પણ છે જેનો સ્પર્શ કરતાં જ અસીમ વેદનાથી તરફડવું પડે છે. એ રૂપ છે – નારીનું રમણી રૂપ. રમણની આકાંક્ષા સાથે જ્યારે પણ એને જોવામાં, વિચારવામાં અને સ્પર્શવામાં આવશે તે જ વખતે તે કાળી નાગણની જેમ તેના વિષ ભરેલા દાંતથી ડંખ આપી દેશે. વીંછીની બનાવટ કેવી સુંદર છે, સોનેરી રંગનો આ સરસ જીવ કેટલો મનોહર લાગે છે, પણ તેના ડંખનો સ્પર્શ થતાં જ વિપત્તિ ઊભી થઈ જાય છે. મધમાખી કેટલી ઉપકારી છે. ભમરો કેવું મધુર ગુંજન કરે છે, કાચીંડો કેવા રંગબેરંગી પગ વડે ચાલે છે, ભમરીઓ તેમના માળાઓમાં બેઠી કેવી સુંદર ગુલદસ્તા જેવી સજાવેલી દેખાય છે, પરંતુ એમનામાંથી કોઈનો પણ સ્પર્શ આપણા માટે વિપત્તિનું કારણ બની જાય છે. નારીના કામિની અને રમણીના રૂપમાં જે એક વિષની નાનકડી થેલી છુપાયેલી છે, તે સોનેરી કટારથી આપણે બચવું જ જોઈએ.

પોતાના કરતાં મોટી ઉંમરની સ્ત્રીને માતાના રૂપમાં, સમાન ઉંમરની હોય તો બહેનના રૂપમાં અને નાની ઉંમરની હોય તો દીકરીના રૂપમાં જોઈને એવી જ ભાવનાઓ વધુમાં વધુ વિકસાવીને આપણે એટલા જ આહ્લાદિત અને પ્રસન્ન થઈ શકીએ છીએ જેમ માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનાં ચરણોમાં બેસી અનંત વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. આપણે ગાયત્રી ઉપાસકો ભગવાનની સર્વશ્રેષ્ઠ સજીવ રચનાને નારીના રૂપમાં જ માનીએ છીએ, નારીમાં ભગવાનની કરુણા, પવિત્રતા અને સદાશયતાનું દર્શન કરવું તે આપણી ભક્તિભાવનાનો દાર્શનિક આધાર છે. ઉપાસનામાં જ નહીં, વ્યાવહારિક જીવનમાં પણ આપણો એવો જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ. નારીમાત્રને આપણે પવિત્ર દૃષ્ટિથી જોઈએ, વાસનાની દૃષ્ટિથી ન વિચારીએ, ન તેને જોઈએ કે ન સ્પર્શ કરીએ.

દામ્પત્યજીવનમાં સંતાનોત્પાદનનો વિશેષ અવસર કે પ્રયોજન જરૂરી હોય તો પતિપત્ની થોડીક ક્ષણો માટે વાસનાની હળવી ધૂપછાંવનો અનુભવ કરી શકે છે. શાસ્ત્રોમાં તો એટલી પણ છૂટ નથી, એમણે તો ગર્ભાધાન સંસ્કરણને પણ યજ્ઞોપવીત કે મુંડનસંસ્કારની જેમ એક પવિત્ર ધર્મકાર્ય માન્યું છે અને એવી દૃષ્ટિથી જ એ ક્રિયા પૂર્ણ કરવાની આશા આપી છે, પરંતુ માનવીય દુર્બળતાને જોતાં દામ્પત્યજીવનમાં એક સીમિત મર્યાદાની અંતર્ગત વાસનાને છૂટ મળી શકે છે. તે સિવાય દામ્પત્યજીવન પણ એવું જ પવિત્ર હોવું જોઈએ જેમ કે બે સગા ભાઈઓનું અથવા બે સગી બહેનોનું હોય છે. લગ્નનો ઉદ્દેશ્ય તો બે શરીરોએ એક આત્મા બનીને જીવનની ગાડીનો ભાર બે ખભા પર વહન કરતા ચલાવવાનો છે, દુષ્પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો નહીં. એ તો સિનેમા, ગંદાં ચિત્રો, અશ્લીલ સાહિત્ય અને દુર્બુદ્ધિનો પ્રમાદ છે કે આપણે નારીની પરમ પવિત્ર પ્રતિમાને આવા અશ્લીલ, ગંદાં અને નિંદિત સ્વરૂપમાં ઉતારી રાખી છે. નારીને વાસનાના ઉદ્દેશથી જોવી કે વિચારવી એ તેની મહાનતાનો એવો જ તિરસ્કાર છે જેમ કોઈ દેવમંદિરની પ્રતિમાને ચોરીને ફક્ત પથ્થરને પોતાની કોઈ જરૂરિયાતને પૂરી કરવાના ઉદ્દેશથી જોવી. આ દષ્ટિ જેટલી નિંદનીય અને ધૃણાસ્પદ છે તેટલી જ હાનિકારક અને વિગ્રહ પેદા કરનારી પણ છે. આપણે એ સ્થિતિને આપણી અંદરથી અને આખા સમાજમાંથી હટાવવી પડશે તથા નારીને એ સ્વરૂપમાં ફરીથી પ્રતિષ્ઠિત કરવી પડશે જેની એક દૃષ્ટિમાત્રથી માનવપ્રાણી ધન્ય થતો રહ્યો છે.

ઉપરોક્ત લખાણમાં નારીનું જેવું ચિત્રણ નરની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે, ઠીક એવું જ ચિત્રણ થોડાક શબ્દોના ફેરફાર સાથે નારીની દૃષ્ટિએ નરના સંબંધમાં કરી શકાય છે, જનનેન્દ્રિયની બનાવટમાં રાઈ રત્તી જેટલું અંતર હોવા છતાં મનુષ્યની દૃષ્ટિએ બન્ને લગભગ સમાન ક્ષમતા, બુદ્ધિ, ભાવના અને સ્થિતિના બનેલા છે. એ ઠીક છે કે બન્નેમાં પોતપોતાની વિશેષતાઓ અને પોતપોતાની ઊણપો છે, તેમની પૂર્તિ માટે બન્ને એકબીજાની મદદ લે છે. આ આશ્રય પતિપત્નીના રૂપમાં ફક્ત કામ પ્રયોજનના રૂપમાં હોય તો એવું કોઈપણ રીતે જરૂરી નથી. નારી પ્રત્યે નર અને નર પ્રત્યે નારી પવિત્ર, પુનિત, કર્તવ્ય અને સ્નેહનો સાત્ત્વિક તથા સ્વર્ગીય સંબંધ રાખવા છતાં માતા, પુત્રી કે બહેનના રૂપમાં સખા, સહોદર, સ્વજન અને આત્મીયના રૂપમાં શ્રેષ્ઠ સંબંધ રાખી શકે છે અને એવો જ રાખવો પણ જોઈએ.

પવિત્રતામાં જે અજસ બળ છે તે વાસનાના નરકસમાન કાદવમાં ક્યારેય જોવા નહિ મળે. વાસના અને પ્રેમ બન્ને દૃષ્ટિકોણ એકબીજાથી એટલા જ ભિન્ન છે જેટલી કે સ્વર્ગ અને નરકમાં ભિન્નતા છે. વ્યભિચારમાં દ્વેષ, ઈર્ષ્યા, આધિપત્ય, સંકુચિતતા, કામુકતા, રૂપસૌંદર્ય, શ્રૃંગાર, કલહ, નિરાશા, પતન, હ્રાસ, નિંદા વગેરે અગણિત યંત્રણાઓ ભરેલી પડી છે, પરંતુ પ્રેમ આ બધાથી સર્વથા મુક્ત છે. પવિત્રતામાં ત્યાગ, ઉદારતા, શુભકામના, સહૃદયતા અને શાંતિ સિવાય બીજું કશું હોઈ જ ન શકે.

યુગનિર્માણ સંકલ્પમાં આત્મવત્ સર્વભૂતેષુની, પરદ્રવ્યેષુ લોવત, પર દારેષુ માતૃવતની પવિત્ર ભાવનાઓ ભરેલી પડી છે. આ આધાર પર જ નવયુગનું સર્જન થઈ શકે છે. એમનું અવલંબન લઈને આ દુનિયાને સ્વર્ગના રૂપમાં ફેરવી નાખવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: