૧૪. શ્રીમંતો તરફ ન દોડો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 17, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
શ્રીમંતો તરફ ન દોડો : આ પરિવર્તન લાવવાની સાથોસાથ એ પણ ધ્યાન રાખવામાં આવે કે પોતાની કક્ષાના પરિવાર સાથે જ સંબંધો બાંધવામાં આવે. ખાસ કરીને જ્યારે કન્યા માટે વર ખોળવામાં આવે ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખૂબ શ્રીમંત પરિવાર તો નથી ને! કારણ કે શ્રીમંતાઈભર્યા વાતાવરણમાં જે છોકરાઓનો ઉછેર થયો હોય છે તેમના મગજમાં અમીરીની દુર્ગંધ ભરેલી હોય છે. એવા છોકરાઓમાં અભિમાન અને વ્યસન જેવાં અનેક દૂષણો જોવા મળે છે. અને વળી આ યુગમાં પૈતૃક સમૃદ્ધિનું કાંઈ કહેવાય નહિ. સરકાર મૃત્યકર અને પિતાની મિલ્કતમાં દીકરીનો હિસ્સો જેવા કાયદા કરીને સ્થાયી સંપત્તિને છિન્નભિન્ન કરવાની વ્યવસ્થા કરી રહી છે. એટલા માટે સમૃદ્ધ લોકો સામે પ્રસ્તાવ મૂકીને એમના છોકરાઓનો ભાવ વધારવો જોઈએ નહિ. એ જ રીતે જે છોકરાઓ ખૂબ ભણેલા હોય તેમને તેમની કક્ષાની ન્યાઓ માટે બાજુ પર રાખવા જોઈએ.
સામાન્ય શિક્ષણ, સામાન્ય રંગરૂપ અને સામાન્ય પરિવારની દીકરીને જો એના માબાપ પોતાની આર્થિક ક્ષમતાનો નાશ કરીને પણ ઊંચા સ્તરના છોકરાઓ સાથે લગ્નસંબંધ બાંધો તો પરિણામે છેવટે છોકરીને સહન કરવાનું આવશે. એવા પરિવારોમાં એને આરામ કે સન્માન નહિ મળે, પરંતુ મુશ્કેલીઓ જ સહન કરવાની આવશે.
આજકાલ છોકરાઓ માટે જાણે કે હરાજીની બોલી બોલવામાં આવે છે. છોકરાવાળાઓનો મિજાજ સાતમાં આસમાને હોય છે. આવી હોડમાં જે છેલ્લી બોલી બોલે છે તે તો બિચારો પિસાઈ જ જાય છે. એટલે જ પોતાની કક્ષાનો અથવા થોડી નીચી કક્ષાના પરિવારનો છોકરો ખોળવો એ જ ઉત્તમ છે.
સાચી સંપત્તિ તો પ્રતિભા અને સજ્જનતા છે. એના આધારે જ છોકરાની પરખ કરવી જોઈએ. આવક ઓછી હોય તો પણ એવા પાત્રને પ્રાથમિકતા આપવી જોઈએ. કારણ કે પ્રતિભાવાન છોકરો પોતાની રીતે આગળ વધી ઉન્નતિ કરી શકશે. જે છોકરો સજ્જન હોય તેની સાથે પત્નીને ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળી શકો. ઉત્તમ તો એ છે કે આપણે ગરીબ છોકરો ખોળીએ અને જે પૈસા લગ્નમાં ખર્ચ કરવાના હોઈએ તે તેના શિક્ષણ માટે અને એની પ્રગતિ માટે ખર્ચી એને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કરીએ. એમાં એક પ્રકારની ઉદારતા છે, અને પૈસાનો સદુપયોગ પણ છે.
પ્રતિભાવો