૧૫. રંગરૂપ નહીં, ગુણ-કર્મ : : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 18, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
રંગરૂપ નહીં, ગુણ-કર્મ : : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
આજે તો છોકરા છોકરીઓનાં રંગરૂપ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓની પસંદગી એના રૂપરંગના આધારે કરવામાં આવે છે. આ દૃષ્ટિકોણ એક સામાજિક દૂષણના રૂપમાં ફેરવાઈ ગયો છે. એનાં અનેક દુષ્ટ પરિણામ આવી રહ્યા છે. ભારતની આબોહવા ગરમ છે. પંજાબ અને ઉત્તરભાગ તથા કાશ્મીરને બાદ કરતાં બીજા પ્રાન્તોમાં મધ્યમ રંગના સ્ત્રી પુરુષ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તો મોટા ભાગના માણસો શ્યામ રંગના જોવા મળે છે. ઉત્તર તથા મધ્યભારતમાં પણ એવી સંખ્યા ઓછી નથી. આપણા દેશમાં ત્રણ ચતુર્થાંશ માણસો એવા છે કે જેમને સિનેમાના એક્ટરની કસોટી પર કસવામાં આવે તો એમને શ્યામ જ કહેવા પડે. સ્ત્રી હોય કે પુરુષ તમામને આ વાત લાગુ પડે છે. ભારત યુરોપ નથી કે જ્યાં ગોરાં અને નખ શિખ સુંદર સ્ત્રી-પુરુષો મળે. એ સ્થિતિમાં સુંદરતા અને રૂપરંગને જ આધાર માનીને છોકરીઓની પસંદગી કરવામાં આવે તો બહુ મોટી સમસ્યા ઊભી થશે. ખૂબ ઓછી યુવતીઓ એ રીતની યોગ્યતા ધરાવી પસંદગી પામો. બાકી બધીને રદ્દી કાગળની ટોપલીમાં ફેંકવા લાયક માનવામાં આવશે. પછી એ બિચારીઓનું શું થશે ? એમની સાથે લગ્ન કોણ કરશે ?
“રૂપના આધાર પર જીવનસાથીની પસંદગી” એ એક ખતરનાક ખેલ છે. એમાં ગુણોની ઉપેક્ષા કરવાની અને ગુણોને ગૌણ સમજવાની ભાવના છુપાયેલી છે. ઓછી રૂપાળી પણ ગુણવાનના બદલે સુંદર પરંતુ ગુણહીન છોકરીને મહત્ત્વ મળવા લાગે તો એમ કહેવું પડશે કે આપણે આધ્યાત્મિક આદર્શોનો ત્યાગ કરીને પૂરેપૂરા ભૌતિકવાદી દષ્ટિકોણવાળા બની ગયા છીએ. આત્માના બદલે ચામડીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અત્યારે તો આવી માગણી છોકરાઓ તરફથી થાય છે. તેઓ સુંદર અને ગોરી કન્યાઓની પસંદગી કરે છે. પણ થોડા સમય પછી એની પ્રતિક્રિયા થશે. છોકરીઓ પણ એવી જ પસંદગી કરશે તો શ્યામ અને કુરૂપ છોકરાઓનાં લગ્ન થવાં જ મુશ્કેલ બની જશે.
પ્રતિભાવો