સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપે વાપરતા રહીશું.
June 18, 2022 Leave a comment
સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપે વાપરતા રહીશું.
પરમાર્થપરાયણ જીવન જીવવું હોય તો તેના નામે ગમે તે કરવા લાગી જવું યોગ્ય નથી. પરમાર્થના નામે પોતાની શક્તિ એવાં કાર્યોમાં લગાડવી જોઈએ જેમાં તેની સૌથી વધુ સાર્થકતા હોય. પોતે પોતાની અંદરથી માંડી બહાર સમાજમાં સત્પ્રવૃત્તિઓ પેદા કરવી અને વધારવી ‘ તે આ દૃષ્ટિએ સૌથી વધુ ઉપયુક્ત છે. સંસારમાં જે કંઈ સત્કાર્ય થઈ રહ્યું છે તે બધાના મૂળમાં સત્પ્રવૃત્તિઓ જ કામ કરે છે.
બીજનું અસ્તિત્વ મોજૂદ હોય ત્યારે જ સારો પાક થઈ શકે છે. બીજ ના હોય તો છોડ કચાંથી ઊગે ? સારાં કે ખરાબ કાર્યો આપોઆપ પેદા થતાં નથી, તેમના મૂળમાં સદ્વિચારો અને કુવિચારો જામી ગયેલા હોય છે. સમય થતાં જે રીતે બીજ અંકુરિત થાય છે અને ફૂલેફાલે છે, તેવી જ રીતે સત્પ્રવૃત્તિઓ પણ અગણિત પ્રકારના પુણ્યપરમાર્થો રૂપે વિકસિત થતી દેખાય છે. જે શુષ્ક હૃદયમાં સદ્ભાવનાઓ અને સદ્વિચારો માટે કોઈ સ્થાન મળ્યું ન હોય તેના દ્વારા જીવનમાં કોઈ શ્રેષ્ઠ કાર્ય થઈ શકે તે લગભગ અશક્ય જ માનવું જોઈએ. જે લોકોએ કોઈ સત્કર્મો કર્યાં છે, આદર્શોનું અનુકરણ કર્યું છે, એમાંથી દરેકને તેની પૂર્વે પોતાની પાશવિક વૃત્તિઓ પર નિયંત્રણ કરી શકવા યોગ્ય સદ્વિચારોનો કોઈ ને કોઈ રીતે લાભ મળી ચૂક્યો હોય છે. કુકર્મી અને દુર્બુદ્ધિગ્રસ્ત લોકોની આ ઘૃણાસ્પદ સ્થિતિમાં પડ્યા રહેવાની જવાબદારી તેમની એ ભૂલની છે જેને કારણે તેઓ સદ્વિચારોની જરૂરિયાત અને ઉપયોગિતા સમજવાથી વંચિત રહ્યા, જીવનના એ સર્વોપરિ લાભની ઉપેક્ષા કરતા રહ્યા અને તેને વ્યર્થ માની તેનાથી બચતા રહ્યા અને કતરાતા રહ્યા.
મનુષ્ય અસલમાં એક જાતના કાળા કુરૂપ લોઢા જેવો છે. સદ્વિચારોના પારસનો સ્પર્શ થતાં જ એ સોનું બની જાય છે. એક નગણ્ય તુચ્છ પ્રાણીને માનવતાનું મહાન ગૌરવ આપી શકવાની ક્ષમતા ફક્ત સદ્વિચારોમાં છે. જેને આ સૌભાગ્ય ન મળી શક્યું એ બિચારો શી રીતે પોતાના જીવનલક્ષ્યને સમજી શકશે અને શી રીતે તે માટે કોઈ પ્રયત્ન-પુરુષાર્થ કરી શકશે ?
આ સંસારમાં પરમાર્થ અને ઉપકારનાં ઘણાં કાર્યો છે તે બધાં આવરણ માત્ર છે, તેમના આત્મામાં સદ્ભાવનાઓ સમાયેલી છે. સદ્ભાવનારહિત સત્કર્મ પણ ફક્ત ઢોંગ બનીને રહી જાય છે. ઘણી સંસ્થાઓ આજે પરમાર્થનો ઢોંગ રચીને સિંહનું ચામડું ઓઢી ફરતા શિયાળનું ઉપહાસાસ્પદ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. એમનાથી કોઈનો કશો લાભ થતો નથી પણ વિડંબના વધે છે અને પુરુષાર્થને પણ લોકો શંકા અને સંશયની દૃષ્ટિથી જોવા લાગે છે. પ્રાણરહિત શરીર કેટલાંય સુંદર વસ્ત્રો ધારણ કેમ ન કરી લે, તેને કોઈ પસંદ નહિ કરે કે તેનાથી કોઈનું ભલું પણ નહિ થાય. એ જ રીતે સદ્ભાવનારહિત જે કોઈ લોકહિત અને જનસેવાના પ્રયત્નો કરવામાં આવશે તે ભલાઈ નહીં, બૂરાઈ જ પેદા કરશે.
આજે સંસારમાં બૂરાઈઓ એ માટે વધી અને ફૂલીફાલી રહી છે કે પોતાના આચરણ દ્વારા બૂરાઈનો પ્રચાર કરતા પાકા પ્રચારકો, પૂર્ણપણે મન, કર્મ અને વચનથી તેને ફેલાવનાર લોકો મોટી સંખ્યામાં મોજૂદ છે. ઉત્તમતાના પ્રચારકો આજે નિષ્ઠાવાન નહીં, ફક્ત વાતો કરતા જ દેખાય છે, પરિણામે બૂરાઈઓની જેમ ઉત્તમતાનો પ્રસાર થઈ શકતો નથી અને તેઓ પુરાણનાં વચનોની જેમ ફક્ત કહેવા-સાંભળવાની વાતો રહી જાય છે. કથા-વાર્તાઓને લોકો વ્યવહારની નહીં પણ કહેવા સાંભળવાની વાતો માને છે અને એટલા માત્રથી જ પુણ્યલાભ મળી જશે એવું માની લે છે.
સત્પ્રવૃત્તિઓને મનુષ્યના હૃદયમાં ઉતારી દેવાથી વધુ બીજું કોઈ મહત્ત્વપૂર્ણ સેવાનું કાર્ય આ સંસારમાં ન હોઈ શકે. જરૂરિયાતના સમયમાં વસ્તુઓની મદદ પણ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે, પરંતુ તેનું સ્થાયી મહત્ત્વ નથી. આર્થિક દૃષ્ટિથી સમૃદ્ધ લોકો સિવાય બીજા લોકો આવી સેવા કરી પણ શકતા નથી. દરેક મનુષ્ય પોતાના પુરુષાર્થ અને વિવેક દ્વારા જ સમસ્યાનું સમાધાન કરી શકે છે. બીજાઓની સહાયતા પર જીવતા રહેવાનું તો કોઈ મનુષ્યના ગૌરવને અનુકૂળ નથી અને તેનાથી સ્થાયી સમાધાન પણ થઈ શકતું નથી. જેટલી પર કઠણાઈઓ વ્યક્તિગત તથા સામૂહિક જીવનમાં દેખાય છે તેમનું એકમાત્ર કારણ કુબુદ્ધિ છે. મનુષ્ય જો પોતાની ટેવો સુધારી લે, સ્વભાવને યોગ્ય બનાવી લે અને વિચારો તથા કાર્યોનું યોગ્ય સંતુલન બેસાડે તો બહારથી પેદા થતી જોવા મળતી બધી મુશ્કેલીઓ ચપટી વગાડતાં જ દૂર થઈ શકે છે. સત્પ્રવૃત્તિઓને વધુને વધુ વિકસવાનો અવસર મળે એમાં જ વ્યક્તિ અને સમાજનું કલ્યાણ છે. આવા જ પ્રયાસમાં પ્રાચીનકાળમાં કેટલાક લોકો પોતાનું જીવન હોમી દેતા હતા, એમને મહાન માનવામાં આવતા હતા અને બ્રાહ્મણના સન્માનસૂચક પદે પ્રતિષ્ઠિત કરવામાં આવતા હતા. જોકે સત્પ્રવૃત્તિઓ વિકસાવવાનું કાર્ય સંસારનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તેથી એમાં લાગેલા લોકોને સન્માન મળવું પણ જોઈએ.
દાનોમાં સર્વોત્તમ દાન બ્રહ્મદાન કહેવાય છે. બ્રહ્મદાનનો અર્થ છે જ્ઞાનદાન. જ્ઞાનનો અર્થ છે એ ભાવના અને નિષ્ઠા કે જે મનુષ્યના નૈતિક સ્તરને સુસ્થિર બનાવી રાખે છે. યુગનિર્માણ સત્સંકલ્પમાં જે સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસારની પ્રેરણા કરવામાં આવી છે તે આ જ બ્રહ્મદાન છે. આ અમૃતજળનું સિંચન કરવાથી કરમાતું લોક્માનસ ફરીથી પુષ્પો અને પલ્લવોથી હર્યુંભર્યું બની શકે છે. આ મહાન કાર્યને પરમાર્થ કહી શકાય છે, જેને પૂર્ણ કરવા માટે પરમાત્માએ મનુષ્યને વિશેષ ક્ષમતા, સત્તા અને મહાનતા આપી છે.
આપણે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનની પાંચેય વિભૂતિઓનો વધુમાં વધુ ભાગ પરમાર્થમાં લગાડવો જોઈએ. વ્યક્તિગત જીવનની જરૂરિયાતોને પૂરી કરવામાં દિવ્ય વિભૂતિઓને પૂરેપૂરી નષ્ટ ન કરતાં ઓછાવત્તા અંશે એમનો કંઈ ને કંઈ ભાગ પરમાર્થ માટે અને સત્પ્રવૃત્તિઓના વિકાસ માટે જુદો કાઢવો જોઈએ. રોજિંદા જીવનમાં જેમ બીજાં જરૂરી કાર્યો નક્કી કરેલાં હોય છે અને તેમને કોઈપણ રીતે પૂરાં કરીએ છીએ તેવી જ રીતે આ પરમાર્થ કાર્યને પણ એક અત્યંત જ જરૂરી અને લોકપરલોક માટે શ્રેયસ્કર તથા મહત્ત્વપૂર્ણ કાર્ય માનવું જોઈએ. જે કાર્યને આપણે મહત્ત્વપૂર્ણ માનીશું તેને માટે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક નિયમિત અંશ સતત વાપરતા રહેવાનું ભારરૂપ નહિ લાગે, પરંતુ એ માર્ગે કરેલો પ્રયત્ન જીવનને ધન્ય બનાવનાર સર્વોત્તમ અને સાર્થક કાર્ય પ્રતીત થવા લાગશે.
સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે યુગ નિર્માણ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમ સૂચવવામાં આવ્યા છે. ઝોલા પુસ્તકાલય દરેકને માટે સુલભ છે. જેની પાસે જે વિભૂતિ હોય તે તેને માટે નિયોજિત કરતા રહેવાનો ક્રમ બનાવી લે. સમય અને શ્રમ પુરુષાર્થ તો દરેક વ્યક્તિ કરી જ શકે છે. તેનો સુનિશ્ચિત અંશ લગાડતા રહેવાનો નિયમ બનાવી લેવો જોઈએ. પ્રભાવશાળી વ્યક્તિ તેનું ખુલ્લી રીતે સમર્થન કરે અને લોકો પર તે માટે દબાણ કરે તો ઘણી પ્રગતિ થઈ શકે છે. જ્ઞાનવાન પોતાની સૂઝબૂજ અને માર્ગદર્શનથી માંડી પ્રેરણા આપવા સુધીનું કાર્ય કરી શકે છે. ધનવાન તે માટે જરૂરી સાધનો પૂરાં પાડતા રહી શકે છે. ન્યૂનતમ એક કલાકનો સમય તથા એક દિવસની આવક સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે લગાડવાનો ક્રમ દરેક વ્યક્તિ બનાવી લે તો એટલું મહાન કાર્ય થઈ શકે છે કે ઇતિહાસમાં તેને સુવર્ણ અક્ષરે લખી શકાય.
પ્રતિભાવો