પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું
June 19, 2022 Leave a comment
પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું
ભગવાને મનુષ્યને યોગ્ય-અયોગ્યનો, લાભ-નુકસાનનો નિષ્કર્ષ કાઢવા તથા કયાં જવું અને કયાં ન જવું તેનો નિર્ણય કરવા માટે ઉપયોગી બુદ્ધિ આપી છે. એ આધારે જ તેની ગતિવિધિઓ ચાલે છે પણ એવું જોવા મળે છે કે રોજિંદા જીવનની સામાન્ય વાતોમાં જે વિવેક સારું કામ કરે છે એ જ વિવેક મહત્ત્વની સમસ્યા સામે આવે ત્યારે કુંઠિત થઈ જાય છે. પરંપરાઓની તુલનામાં તો કોઈ વિરલાનો જ વિવેક જાગૃત રહે છે નહિ તો આંતરિક વિરોધ રહેવા છતાં લોકો પાણીમાં વહેતા તણખલાની જેમ અનિચ્છિત દિશામાં વહેવા લાગે છે. જે તરફ ધેટાંનું ટોળું જાય છે એ તરફ જ બધાં ઘેટાં જાય છે. એક ઘેટું કૂવામાં પડે તો પાછળથી બધાં ઘેટાં એ જ કૂવામાં પડી પોતાના પ્રાણ ગુમાવવા લાગે છે. દેખાદેખીની નકલ કરવાની પ્રવૃત્તિ વાંદરામાં જોવા મળે છે. તે બીજાઓને જેવું કરતા જુએ તેવું જ પોતે પણ કરવા લાગે છે. આ આંધળું અનુકરણ કરવાની ટેવને જ્યારે મનુષ્યનું મન પણ માની લે છે ત્યારે તે એ સિદ્ધ કરવાની કોશિશ કરે છે કે માણસ વાનરનો વંશજ છે.
સમાજમાં એવી કેટલીય પ્રથાઓ પ્રચલિત છે જેમાં રત્તીભાર પણ લાભ નથી, નુકસાન ઘણી રીતે છે પરંતુ એકની દેખાદેખીથી બીજો તેને કરવા લાગે છે. બીડી અને ચાનો પ્રચાર દિવસે-દિવસે વધી રહ્યો છે. નાનાં-નાનાં બાળકો તે શોખથી પીએ છે. આ વસ્તુઓ મોટાઈ કે સભ્યતાની નિશાની છે એવું સમજવામાં આવે છે. આ વસ્તુઓ પીવી એ પોતાને અમીર અને ધનવાન સાબિત કરવા માટે છે અને એક જાતની ફેશન કરવા જેવું છે. આવી જ કેટલીક ભ્રાંતિઓથી પ્રેરિત થઈને મોજ શોખ, ફેશન જેવાં પ્રદર્શનની ભાવનાથી એકની દેખાદેખીથી બીજો આ નશીલી વસ્તુઓને અપનાવે છે અને અંતે એક કુટેવના રૂપમાં એ લત એવી લાગી જાય છે કે છોડીએ તો પણ છૂટતી નથી. ચા, બીડી, ભાંગ, ગાંજો, દારૂ, અફીણ વગેરે બધી નશીલી વસ્તુઓ ભયંકર દુર્વ્યસનો છે, એમના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો નાશ થાય છે અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. દરેક નશાખોર સ્વભાવની દૃષ્ટિએ દિવસે-દિવસે ખરાબ માણસ બનતો જાય છે. ક્રોધ, આવેશ, ચિંતા, નિરાશા, આળસ, નિર્દયતા, અવિશ્વાસ વગેરે કેટલાય માનસિક દુર્ગુણો ઊપજે છે. સમજાવવાથી કે પોતે વિચાર કરવાથી દરેક નશાખોર આ લતની બુરાઈનો સ્વીકાર કરે છે પણ વિવેકની પ્રખરતા અને હિંમતની સજીવતા ન હોવાથી કશું કરી શકતો નથી. એક અંધ પરંપરામાં ઘેટાંની ચાલે ચાલતો જાય છે. શું આ જ મનુષ્યની બુદ્ધિમત્તા છે ?
સામાજિક કુરીતિઓને કારણે હિંદુ સમાજ એટલો જર્જરિત થઈ રહ્યો છે કે આ વિકૃતિઓથી મધ્યમ વર્ગના લોકો માટે જીવનનિર્વાહ કરવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. બાળલગ્ન એક નરભક્ષી પિશાચની જેમ દરેક વાલીના માથે ખુલ્લી તલવારની જેમ નાચતો રહે છે. લગ્નના દિવસે જિંદગીભરની પરસેવાની કમાણીના પૈસા હોળીની જેમ ફૂંકી નાખવા માટે દરેકને લાચાર થવું પડે છે. હત્યારો દહેજ છૂરો લઈને આપણી દીકરીઓનું લોહી પી જવા માટે નિર્ભય થઈને વિચરણ કરતો રહે છે. મૃત્યુભોજ, અવસર-મિજલસ, વિવાહ-લગ્ન પ્રસંગે લેવડદેવડ મુંડન, જનોઈ અને બીજા એવાં કેટલાંય નકામાં કાર્યો કરવા માટે લોકો લાચાર થતા રહે છે અને જે કંઈ કમાય છે તેનો અધિકાંશ ભાગ આવા ફિજુલ ખર્ચામાં જ સ્વાહા કરતા રહે છે. આભૂષણો ઘડાવવામાં રૂપિયામાંથી આઠ આના જ હાથમાં રહે છે, જાનનું જોખમ, ઇર્ષ્યા, અહંકાર, સાચવવાની ચિંતા, વ્યાજનું નુકસાન વગેરે ઘણી આપત્તિઓ પેદા થાય છે, છતાં પરંપરા માટે કરતા હોય છે. બધા લોકો જેવું કરે છે એવું જ આપણે પણ કેમ ન કરીએ ? પરંપરાઓની તુલનામાં વિવેકનો પરાજય થવો એ કોઈ બકરો સિંહનું ગળું મરડી નાખે એવા જ આશ્ચર્યની વાત છે. આશ્ચર્યની વાત અવશ્ય છે પણ એવું જ થઈ રહ્યું છે.
શરીરથી રોગી, મનથી મલિન અને સમાજ કુસંસ્કારી થવાનું એક જ કારણ છે.—‘અવિવેક’. આમ આપણે સ્કૂલનું શિક્ષણ ઉચ્ચસ્તર સુધીનું પ્રાપ્ત કરતા રહીએ છીએ અને પોતાની રીતે ચતુરતા પણ ઘણી હોય છે પણ જીવનની મૂળભૂત સમસ્યાઓને ઊંડાણ સુધી સમજવામાં લગભગ ઊણાં ઊતરીએ છીએ, બહારની વાતો પર ઘણો વાદવિવાદ અને વિચાર કરીએ છીએ, પરંતુ જે આધાર પર આપણા જીવનનો ઉદ્દેશ આધારિત છે, તે તરફ જરાય ધ્યાન આપતા નથી. આનું જ નામ છે ‘અવિવેક’ જો વિચારશીલતાનો અભાવ ન હોય અને ગુણદોષની દૃષ્ટિએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ પર વિચારવાનું શરૂ કરીએ તો જણાશે કે બુદ્ધિમત્તાનો દાવો કરતા હોવા છતાં પણ આપણે કેટલી વધુ મૂર્ખતાથી ઘેરાયેલા છીએ ? સીધીસાદી વિચારધારા અપનાવીને મનુષ્ય પોતાની સર્વતોમુખી સુખશાંતિ સુરક્ષિત રાખી શકતો હતો અને પૃથ્વી પર સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરી શક્તો હતો પરંતુ ઊલટી, વાંકીચૂકી, અયોગ્ય અને બિનઉપયોગી ઇચ્છાઓ તથા આકાંક્ષાઓ તો એ રાખે જ છે, તેના સમીપવર્તી લોકો પણ ચંદનના વૃક્ષ નજીક રહેનારાઓની જેમ સુગંધિત થતા રહે છે. આપણાં મનનું અને દૃષ્ટિકોણનું પરિવર્તન શું આપણા માટે મુશ્કેલ છે ? બીજાઓને સુધારવા મુશ્કેલ હોઈ શકે છે પણ પોતાને કેમ સુધારી ન શકાય ? વિચારોની મૂડીનો અભાવ જ માનસિક કઠણાઈઓનું કારણ છે. અંતઃકરણમાં વિવેકનો ઉદય થતાં જ કુવિચાર કેવી રીતે ટકશે અને કુવિચારો હટતાં જ આપણું પશુજીવન દેવજીવનમાં પરિવર્તિત કેમ નહીં થાય ?
કેટલીક મૂઢતાઓ, અંધ પરંપરાઓ, અનૈતિકતાઓ અને સંકુચિતતાઓ આપણા સામૂહિક જીવનમાં પ્રવેશી ગઈ છે. દુર્બળ મનથી વિચાર કરતાં તે ઘણી કઠિન, બહુ મુશ્કેલ અને ઊંડે સુધી ઊતરી ગયેલી દેખાય છે પણ વાસ્તવમાં એ કાગળથી બનેલા રાવણની જેમ બિહામણી હોવા છતાં અંદરથી ખોખલી છે. દરેક વિચારશીલ એની ધૃણા કરે છે પણ પોતાને એકલો અનુભવી આસપાસ ઘેરાયેલા લોકોની ભાવુક્તાથી ડરીને કશું કરી શકતો નથી. મુશ્કેલી નાનકડી છે. થોડાક જ વિવેકશીલ લોકો જો સંગઠિત થઈને ઊભા થઈ જાય અને મક્કમતાથી વિરોધ કરવા લાગે તો આ કુરીતિઓને થોડા સંઘર્ષથી જ નેસ્તનાબૂદ કરી શકે છે. જેઓ આ અંધ-પરંપરાઓને તોડીફોડી નાખવા માટે કટિબદ્ધ સૈનિકોની જેમ કદમતાલ કરતા આગળ વધશે, તેમનું સ્વાગત ગોવાની જનતાએ જે રીતે ભારતીય ફોજનું સ્વાગત કર્યું એવું જ આ કુરીતિઓથી ત્રાસી ગયેલી જનતા કરશે.
હત્યારો દહેજ કાગળના રાવણની જેમ ખૂબ જ બીભત્સ, નૃશંસ અને બિહામણો લાગે છે. દરેક જણ અંદર ને અંદર તેની ઘૃણા કરે છે પણ પાસે જવાથી ડરે છે. કેટલાક સાહસિક લોકો એમાં પલીતો ચાંપવા માટે દોડી જાય તો એને જડમૂળથી નાબૂદ થતાં વાર નહિ લાગે. દાસીપ્રથા, દેવદાસ પ્રથા, બહુલગ્નો, જન્મતાં જ કન્યાવધ, ભૂતપૂજા, પશુબલિ, વગેરે જેવી અનેક સામાજિક કુરીતિઓ એક સમયે બહુ પ્રબળ લાગતી હતી, હવે જોતજોતામાં એમનું નામોનિશાન મટી રહ્યું છે. આજે જે કુરીતિઓ, અનૈતિકતાઓ અને સંકુચિતતાઓ મજબૂતાઈ સાથે મૂળ જમાવીને બેઠેલી લાગે છે તે વિવેકશીલોના સંગઠિત વિરોધ સામે લાંબો વખત ટકી શકશે નહીં. રેતીની દીવાલની જેમ તે એક જ ધક્કામાં નીચે આવી જશે. વિચારોની ક્રાંતિનું એક તોફાન આ તણખલાંના ઢગલાને ઉડાડીને જોતજોતામાં વેરવિખેર કરી નાંખશે. જે નવા સમાજની રચના આજે સ્વપ્ન જેવી લાગે છે તે વિચારશીલતા જાગૃત થતાં જ મૂર્તિમંત થઈને સામે દેખાવા લાગશે.
પૂજ્ય ગુરુદેવનું આખું જીવન જ ધર્મ અને અધ્યાત્મની વિચારધારા પ્રવાહિત કરવામાં પસાર થયું છે. યુગ નિર્માણ માટે આપણે પહેલાં જનમાનસને બદલવું પડશે, કાર્યોમાં પરિવર્તન તો એ પછી જ શકય બનશે. જેમ જેમ આપણી વિચારધારા પ્રબુદ્ધ બનશે અને વિવેકશીલતા જાગશે તેમ તેમ અયોગ્યને ત્યાગવાની અને યોગ્યને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ સક્રિય થતી જશે.
પ્રતિભાવો