રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ.
June 21, 2022 Leave a comment
રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ.
આવતી સદીની સંભાવનાઓ અદ્ભુત, અનુપમ અને અભૂતપૂર્વ છે. એકબાજુ બૌદ્ધિક, વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પ્રગતિ થઈ, તો બીજી બાજુ ઉદારતાનું તથા ચેતનાનું અવમૂલ્યન પણ થયું છે. એના કારણે પ્રગતિના નામે જે કાંઈ મળ્યું તેનો દુરુપયોગ થવાના કારણે પરિણામ ઊલટું જ આવ્યું. સાધનસગવડો અવશ્ય વધ્યાં છે, પરંતુ વિકૃત માનસના કારણે વ્યક્તિત્વ એટલું હલકું બની ગયું છે તથા સાધનોનો એટલો બધો દુરુપયોગ થઈ રહ્યો છે કે આપણા પૂર્વજોની સામાન્ય સ્થિતિની સરખામણીમાં આપણે અનેક સમસ્યાઓ તથા વિપત્તિઓથી ઘેરાઈ ગયા છીએ. કાદવમાં ફસાઈ ગયા જેવી સ્થિતિ અવશ્ય છે, પરંતુ શું એવું ન થઈ શકે કે દેવ જેવો માનવામાં આવતો મનુષ્ય લાચાર બનીને પોતાનો સર્વનાશ થતો જોઈ રહેવાના બદલે સમયસર ચેતી જાય ?
લોકોનું માનસ બગડવાથી સામાજિક વ્યવસ્થા અને રીતરિવાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપસમાં એકતા ન હોવી તે તથા અસમાનતા એ બે મોટાં સંકટો છે. એમાંથી જ બીજાં અનેક સંકટો ઊભાં થાય છે. એમને દૂર કરવા માટે એકતા અને સમતાની સ્થાપના કરવી પડે છે. એમ કરવાથી પેલા બધા અવરોધો અનાયાસે જ દૂર થઈ જાય છે કે જે રાઈનો પર્વત બનીને, મહાવિનાશનો પડકાર ફેંકીને ગર્જના કરી રહ્યા હતા. નવયુગમાં એકતા અને સમતાના બંને સિદ્ધાંતોનો દરેક વ્યક્તિએ ઈચ્છા કે અનિચ્છાએ પણ અંગીકાર કરવો પડશે એવું વિદ્વાનો તથા ભવિષ્યવેત્તાઓનું માનવું છે. સમાજ તથા શાસને પણ પોતાની માન્યતાઓ તથા વ્યવસ્થા એ રીતે જ ઘડવી પડશે. પ્રવાહને અનુરૂપ પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવું પડશે. અડબંગ લોકો તો પોતાની ઉદંડતાનો પરિચય આપ્યા વગર રહેતા નથી. સળગતા દીપકની જ્યોત હોલવી નાંખવા માટે પતંગિયાં એના પર કૂદી પડે છે. ભલે પછી એમની પાંખો બળી જાય કે પોતાનો જીવ પણ ખોવો પડે. તોફાનનો માર્ગ રોકનારાં વૃક્ષો ઊખડી જાય છે. મહાકાળના નિર્ણય અને અનુશાસનની સામે કોઈ ઉદંડ તત્ત્વો અવરોધ ઊભો કરી એને રોકવાનો પ્રયત્ન કરશે તો મહાકાળનો આકરો દંડ તેમણે સહન કરવો પડશે.
એકવીસમી સદીની સંપૂર્ણ વ્યવસ્થા એકતા તથા સમતાના આધારે નક્કી થશે. દરેક બાબતમાં, દરેક ક્ષેત્રમાં એમની જ બોલબાલા જોવા મળશે. જે બનવાનું છે એને અનુરૂપ તૈયા૨ીઓ આપણે અત્યારથી જ કરવા માંડીએ તો એ આપણા હિતમાં જ હશે. બ્રાહ્મમુહૂર્તમાં જાગીને નિત્યકર્મ કરી લેનારા માણસો સૂર્યોદય થતાં જ પોતાના કામકાજમાં પરોવાઈ જાય છે, જયારે દિવસ ઊગતા સુધી સૂઈ રહેનારા લોકો બધાં કામોમાં પાછળ પડી જાય છે.
મૂર્ધન્ય વિદ્વાનોનું કહેવું છે કે ભવિષ્યમાં એક સર્વમાન્ય વ્યવસ્થા ઘડાશે. બધા લોકોએ હળીમળીને રહેવું પડશે. કોઈ પોતાનો અલગ ચોકો ઊભો કરવાની મૂર્ખાઈ નહિ કરે. સભ્યતાનાં આગળ વધતાં ચરણોમાં એકતા જ બધાની આરાધ્ય દેવી હશે. અલગતાવાદ દૂર થઈ જશે. સંકુચિત સ્વાર્થપરાયણતા અને પોતાના મતલબથી મતલબ રાખનારી ક્ષુદ્રતા કોઈપણ ક્ષેત્રમાં જોવા નહિ મળે. હળીમળીને રહેવાથી જ શાંતિ, સુવિધા, સુરક્ષા અને પ્રગતિની દિશામાં આગળ વધી શકાશે. વસુધૈવ કુટુંબકમનો આદર્શ હવે સમાજવાદ, સમૂહવાદ, સંગઠન તથા એકીકરણના સ્વરૂપમાં અમલી બનશે. બધા જ લોકોનું એને સમર્થન મળશે.
ભવિષ્યની દુનિયા એકતાનું લક્ષ્ય સ્વીકારવાનો નિશ્ચય કરી ચૂકી છે. એમાં અવરોધ ઊભો કરનારા લોકો પાણીના પ્રવાહમાં તણાતાં પાંદડાંની જેમ ક્યાંથી ક્યાંય વહી જશે. ચક્રવાત સાથે ટકરાવાની મૂર્ખતા કરનારાં તણખલાંનું અસ્તિત્વ નથી રહેતું. હવે કોઈ એકતાનો ત્યાગ નહિ કરી શકે. નાતજાતના નામે, રંગ, વર્ણ કે લિંગના આધારે જુદા જુદા બીલા બનાવીને રહેવાનું આદિકાળમાં શક્ય હતું. ઔચિત્યને સમર્થન આપનારા આજના યુગમાં તે શક્ય નથી.
આખી દુનિયામાં એક જ જાતિનું અસ્તિત્વ રહેશે અને તે સભ્ય તથા સુસંસ્કારી માનવજાતિનું. કાળા, ગોરા, પીળા કે ઘઉંવર્ણા રંગની ચામડીના આધારે કોઈનો અલગ સમાજ નહિ બને. સમજદારીના વાતાવરણમાં માત્ર ન્યાય જ જીવતો રહેશે અને ઔચિત્યની પ્રશંસા થશે તથા એને જ અપનાવવામાં આવશે.
ધર્મ, સંપ્રદાય, ભાષા, જાતિ, પ્રથા, ક્ષેત્ર વગેરેના નામે ભેદભાવની જે કૃત્રિમ દીવાલો ઊભી થઈ ગઈ છે તે લહેરોની જેમ ભલે અલગ અલગ દેખાય, પણ તે એક જ જળાશયની માત્ર સામયિક હલચલ જેવી હશે. પાણીમાં પેદા થતા પરપોટા થોડીવાર માટે ભલે પોતાનું કુતૂહલ બતાવે, પરંતુ જોતજોતામાં તે અથાગ જળરાશિમાં વિલીન થઈ જાય છે. મનુષ્યને અલગ કરનારાં તત્ત્વો ભલે ગમે તેટલાં પુરાતન, સંકુચિત કે પ્રબળ હોય, પરંતુ આવનારા તોફાનમાં એમાંના એકેયનું અસ્તિત્વ નહિ ૨હે. આજે માનવજાત ભલે એક ના બને, પરંતુ આગામી દિવસોમાં તો એને એક બનીને રહેવું જ પડશે.
આખું વિશ્વ એક રાષ્ટ્ર બનશે. દેશોની કૃત્રિમ દીવાલોના આધારે અલગ અલગ ટુકડામાં વહેંચાઈ રહેવું વ્યાવહારિક નહિ રહે. જ્યાં સુધી તે અલગ રહેશે ત્યાં સુધી શોષણ, આક્રમણ તથા ખેંચાતાણીનું વાતાવરણ રહેશે. દેશભક્તિના નામે યુદ્ધો થતાં રહેશે અને શક્તિશાળી લોકો દુર્બળોને કચડતા રહેશે. આ અપ્રાકૃતિક વિભાજનના કારણે જ જંગલનો કાયદો, મત્સ્યન્યાય (મોટી માછલી નાની માછલીને ગળી જાય તે) પેદા થયો છે. દરેક ક્ષેત્રના નાગરિકે પોતાની નાનકડી ઘોલકીમાં રહેવું પડે
છે. તે પોતાને અનુકૂળ હોય કે પોતાને પસંદ હોય તે ક્ષેત્રમાં જઈને રહી શકતો નથી. કેટલાક દેશો પાસે અપાર ભૂમિ છે, તો કેટલાકને ગીચ વસ્તીમાં રહેવું પડે છે. કેટલાક દેશો પોતાના દેશનાં ખનિજો તથા પ્રાકૃતિક સંપત્તિના આધારે ધનકુબેર બની ગયા છે, તો કેટલાકને ખૂબ મહેનત કરવા છતાં કુદરતી સંપત્તિનો લાભ ન મળવાના કારણે ગરીબીમાં સબડવું પડે છે. ભગવાને પોતાના બધા પુત્રોને એકસરખી સગવડ આપવા માટે ધરતીનું સર્જન કર્યું છે. કુદરતી સંપત્તિ ૫૨ બધાનો સરખો હક છે. પછી કેટલાક દેશો અયોગ્ય રીતે બધી સંપત્તિને પોતાના પટારામાં મૂકી દઈને બીજાઓને એક એક દાણા માટે ટટળાવે એવું વિભાજન અન્યાયપૂર્ણ હોવાના કારણે હવે લાંબો સમય ટકવાનું નથી. કોઈ દેશની દાદાગીરી ચાલવાની નથી. આખું વિશ્વ એક દેશ બની જશે અને એમાં વસતા બધા લોકો બધી જ કુદરતી સંપત્તિનો ઉપયોગ એક પિતાનાં સંતાન હોવાના નાતે સમાન રૂપે કરી શકશે. પરિશ્રમ તથા કુશળતાના આધારે કોઈકને થોડુંક વધારે મળે એ જુદી વાત છે, પરંતુ પૈતૃક સંપત્તિ પર બધાનો સમાન અધિકાર હશે.
પાણીનાં ટીપાં અલગ રહે તો એમનું ગૌરવ જળવાતું નથી. હવાનો એક સપાટો એમને સૂકવી શકે છે, પરંતુ જ્યારે તે ભેગાં મળીને એક વિશાળ જળાશયનું રૂપ ધારણ કરે છે ત્યારે એમની સમર્થતા અને વ્યાપકતા ખૂબ વધી જાય છે. આ તથ્ય સમજીને આપણે સમગ્ર માનવજાતિએ એકતાના સૂત્રમાં બંધાઈ જવાનું સાહસ કરવું જોઈએ. ધર્મસંપ્રદાયોની વિભાજન રેખા પણ આવી જ છે. તે પોતાની માન્યતાઓને સાચી અને બીજાની માન્યતાઓને ખોટી સાબિત કરવામાં પોતાની બુદ્ધિપ્રતિભાનો દુરુપયોગ કરી સંધર્ષની સ્થિતિ ઊભી કરે છે. યુદ્ધોએ કેટલો વિનાશ કર્યો છે તેનું પરિણામ પ્રત્યક્ષ છે, પરંતુ પોતાના ધર્મની માન્યતાઓ બીજા લોકો પર લાદવા કેટલાં પ્રલોભનો, કેટલો પક્ષપાત અને કેટલો અન્યાય કરવામાં આવ્યો છે તેનું પરોક્ષ સર્વેક્ષણ કરવું શક્ય હોય તો ખાતરી થશે કે ધાર્મિક આક્રમણો પણ ઓછાં દુઃખદાયી નથી. આગળ પણ જો એમ થતું રહેશે તો વિવાદ, વિનાશ અને વિષાદ વધતા જ જશે, તેથી સંપ્રદાયવાદ છોડીને અનેકતામાં એકતાની દીર્ઘદ્રષ્ટિ અપનાવવી જ પડશે.
શરૂઆતમાં સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સહિષ્ણુતાની કામચલાઉ પ્રતિ ઠીક છે, પરંતુ છેવટે તો વિશ્વમાનવનો એક જ માનવધર્મ હશે. એના સિદ્ધાંતો ચિંતન, ચરિત્ર અને વ્યવહારની સાથે જોડાનાર આદર્શવાદ પ૨ આધારિત હશે. માન્યતાઓ અને પરંપરાઓને તર્ક, તથ્ય, પ્રમાણ, પરીક્ષણ તથા અનુભવની કસોટી પર કસ્યા પછી જ વિશ્વધર્મની માન્યતા મળશે. ટૂંકમાં એને આદર્શવાદી વ્યક્તિત્વ અને ન્યાયનિષ્ઠા પર આધારિત માનવામાં આવશે. આજના અંધકારભર્યા વાતાવરણમાં વિશ્વધર્મની વાત ભલે અશક્ય લાગતી હોય, પરંતુ હવે એ સમય દૂર નથી કે જ્યારે એકતાનો સૂરજ ઊગશે અને પૂર્ણ રીતે પ્રકાશશે. આ જ છે ભવિષ્યની સતયુગી સમાજવ્યવસ્થાની થોડીક ઝાંખી કે જે દરેક આસ્તિકને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે આશાવાન બનાવે છે.
પ્રતિભાવો