મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતેજ છે, એ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.

“મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતેજ છે, એ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.”

પરિસ્થિતિઓનો આપણા જીવનમાં ખૂબ પ્રભાવ પડે છે. આસપાસનું વાતાવરણ જેવું હોય છે, એવા બનવા અને કરવા માટે મનોભૂમિનું વલણ બને છે અને સામાન્ય સ્થિતિના લોકો એ પરિસ્થિતિઓના ઢાંચામાં ઢળી જાય છે. ઘટનાઓ આપણને પ્રભાવિત કરે છે, વ્યક્તિનો પ્રભાવ એમની ઉપર પડે છે. આટલું હોવા છતાં, એ માનવું પડશે કે પોતાના વિશ્વાસનો જ પોતાના ઉપર સૌથી વધુ પ્રભાવ પડે છે. પરિસ્થિતિઓ કોઈને ત્યારે જ પ્રભાવિત કરી શકે છે કે જ્યારે મનુષ્ય એમની સામે માથું ઝુકાવી દે છે. અગર જો એમના દબાણનો અસ્વીકાર કરવામાં આવે તો ફરી કોઈ પરિસ્થિતિ, કોઈ મનુષ્યને પોતાના દબાણમાં ઝાઝો વખત નથી રાખી શકતી. વિશ્વાસની તુલનામાં પરિસ્થિતિઓનો પ્રભાવ અવશ્ય નગણ્ય છે.

કહેવાય છે કે ભાગ્યની રચના બ્રહ્માજી કરે છે. સાંભળવામાં આવ્યું છે કે કર્મ રેખાઓ જન્મ પહેલાં જ માથા પર લખી નાખવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે તકદીરની સામે પુરુષાર્થનું કશું ચાલતું નથી. આ દંતકથાઓ એક સીમા સુધી જ સાચી હોઈ શકે છે. જન્મથી જ આંધળા કે અપંગ જન્મેલા અથવા અશક્ત અને અવિકસિત લોકો એવી વાતો કહે, તો તેમની ઉપર ભરોસો રાખી શકાય. આપણે ઘણીવાર અણધારી દુર્ઘટનાના શિકાર થઈ જતા હોઈએ છીએ અને એવી વિપત્તિ સામે આવી જાય છે કે જેનાથી બચી શકવું અથવા એને રોકી શકવી પોતાના વશમાં નથી હોતી. અગ્નિકાંડ, ભૂકંપ, યુદ્ધ, રોગચાળો અકાળ મૃત્યુ, દુકાળ, રેલવે, મોટર વગેરેનું પલટી ખાઈ જવું, ચોરી, ડાકુગીરી વગેરેના કેટલાય અવસરો એવા આવી જાય છે કે મનુષ્ય એમની સંભાવનાઓને ન તો સમજી શકે છે અને ન તો એમને રોકવામાં સમર્થ થઈ શકે છે. આવી કેટલીય ઘટનાઓને ભાગ્યને આધીન વાત માનીને સંતોષ માનવામાં આવે છે. પીડિત મનુષ્યના આંતરિક વિક્ષોભને શાંત કરવા માટે ભાગ્યવાદનો સિદ્ધાંત એક એવો ઉત્તમ ઉપચાર છે કે જે રીતે ઘાયલનો તરફડાટ દૂર કરવા માટે ડોક્ટરો ઊંઘની દવા પિવડાવતા હોય છે, મોર્ફિનનું ઈન્જેક્શન આપે છે અથવા કોકીન વગેરેનું પૂમડું લગાવીને પીડિત સ્થાનને બહેરું કરી નાખે છે. એ વિશેષ પરિસ્થિતિઓનો વિશેષ ઉપચાર છે. ક્યારેક જ એવું બને છે એટલે એને અપવાદ જ કહી શકાય.

પુરુષાર્થ એક નિયમ છે અને ભાગ્ય એમનો અપવાદ. અપવાદોનું પણ અસ્તિત્વ તો માનવું પડે છે, પરંતુ એમના આધાર પર કોઈ નીતિ અપનાવી ન શકાય. કોઈ કાર્યક્રમ ન બનાવી શકાય. કોઈ કોઈકવાર સ્ત્રીઓના પેટથી મનુષ્યાકૃતિથી જુદા જ પ્રકારનાં સંતાનો જન્મતાં જોવા મળે છે, કોઈ કોઈ ઝાડ કસમયે જ ફળફૂલ આપવા લાગે છે, ક્યારેક ક્યારેક ગ્રીષ્મ ઋતુમાં પણ કરા પડે છે. આ અપવાદ છે. એમને કુતૂહલની દૃષ્ટિથી જોઈ શકાય છે, પરંતુ એમને નિયમ ન માની શકાય. એજ રીતે ભાગ્યની ગણના અપવાદોમાં તો થઈ શકે છે, પરંતુ એ ન માની શકાય કે માનવજીવનની બધી પ્રવૃત્તિઓ પૂર્વનિશ્ચિત ભાગ્યવિધાન અનુસાર થતી હોય છે અને જો આવું હોય તો પુરુષાર્થ અને પ્રયત્નની કોઈ આવશ્યક્તા જ ન રહી હોત. જેમના ભાગ્યમાં જેવું થાય છે એવું અફર જ હોય તો પછી પુરુષાર્થ કરવાથી વધુ શું મળે અને પુરુષાર્થ ન કરવાથી પણ ભાગ્યમાં લખેલી સફળતા અનાયાસ જ કેમ ન મળી શકે ?


દરેક વ્યક્તિ પોતપોતાના ઈચ્છિત ઉદ્દેશ્યોને માટે પુરુષાર્થ કરવામાં સંલગ્ન રહે છે. એથી સ્પષ્ટ છે કે આત્માનો સુનિશ્ચિત વિશ્વાસ, પુરુષાર્થથી ઉપર છે અને એજ એની પ્રેરણા નિરંતર રજૂ કરતો રહે છે. આપણે જાણવું જોઈએ કે, બ્રહ્માજી કોઈનું ભાગ્ય નથી ઘડતા. દરેક મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે. જે રીતે કાલનું મેળવેલું દૂધ આજે દહીં બને છે, એજ રીતે કાલનો પુરુષાર્થ આજે ભાગ્ય બનીને પ્રગટ થાય છે. આજનાં કર્મોનાં ફળ આજે જ નથી મળી જતાં. એમનો પરિપાક થવામાં, પરિણામ આવવામાં થોડો સમય તો લાગે છે. આ વાર લાગે છે તેને જ ભાગ્ય કહી શકાય છે. પરમાત્મા સમદર્શી અને ન્યાયકારી છે. એમને એમના બધા પુત્રો સમાન રૂપથી પ્રિય છે. પછી એ કોઈનું ભાગ્ય સારું અને કોઈનું ભાગ્ય ખરાબ લખવાનો અન્યાય અને પક્ષપાત શા માટે કરે ? એમણે પોતાના દરેક બાળકને સારાં તથા ખરાબ કર્મ કરવાની પૂર્ણ સ્વતંત્રતા આપી છે, પરંતુ સાથે જ એ પણ બતાવી દીધું છે કે સારાં અથવા નરસાં કર્મોનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે જ. આ જ કર્મને જો ભાગ્ય કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

આપણા જીવનમાં અનેક સમસ્યાઓ ગુંચવાયેલી મૂંઝવણોના રૂપમાં વિકસિત વેશ ધારણ કરીને સામે ઊભી છે. આ કડવા સત્યને માનવું જ જોઈએ. એમના ઉત્પાદક આપણે પોતે જ છીએ અને જો આ તથ્યનો સ્વીકાર કરીને આપણી આદતો, વિચારધારાઓ, માન્યતાઓ અને પ્રવૃત્તિઓને સુધારવાને માટે તૈયાર હોઈએ તો સમસ્યાઓને આપણે પોતે જ ઉકેલી શકીએ છીએ. બિચારા ગ્રહ નક્ષત્રોને દોષ દેવો બેકાર છે. લાખો કરોડો માઈલ દૂર રાતિદવસ ચક્કર મારતાં ગ્રહનક્ષત્રો ભલા આપણને શું સુખસુવિધા આપી શકે ? એમને છોડી સાચા ગ્રોનું પૂજન શરૂ કરીએ, જેમની થોડીક જ કૃપાથી આપણું બધું પ્રયોજન સિદ્ધ થઈ શકે છે, બધી આકાંક્ષાઓ જોતજોતામાં પૂર્ણ થઈ શકે છે.


નવ દુર્ગાઓની નવરાત્રીમાં આપણે દર વર્ષે પૂજા કરીએ છીએ કે જેઓ અનેક સિદ્ધિઓ પ્રદાન કરે છે. સુખસુવિધાઓ પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા અને સહાયતા પામવા માટે વિવિધ સાધના તથા પૂજન કરવામાં આવે છે. જે રીતે દેવલોકવાસિની નવ દુર્ગાઓ છે એ જ રીતે ભૂલોકમાં નિવાસ કરનારી આપણી અત્યંત સમીપ શરીર અને મસ્તિષ્કમાં રહેનારી નવ પ્રત્યક્ષ દેવીઓ પણ છે અને એમની સાધનાનું પ્રત્યક્ષ પરિણામ પણ મળે છે. દેવલોકવાસિની દેવીઓની પ્રસન્નતા હોવાની અને ન હોવાની વાત તો સંદિગ્ધ હોઈ શકે છે, ન પરંતુ શરીરલોકમાં રહેનારી નવ દેવીઓની સાધનાનો શ્રમ ક્યારેય પણ વ્યર્થ નથી જતો. અગર થોડો પણ પ્રયત્ન એમની સાધના માટે થાય તો એનો પણ પૂરતો લાભ મળી જાય છે.

આપણા મનઃક્ષેત્રમાં વિચરણ કરનારી નવ દેવીઓનાં નામ આ પ્રમાણે છે ઃ (૧) આકાંક્ષા (૨) વિચારણા (૩) ભાવના (૪) શ્રદ્ધા (૫) પ્રવૃત્તિ (૬) નિષ્ઠા (૭) ક્ષમતા (૮) ક્રિયા અને (૯) મર્યાદા. આમને સમતુલિત કરીને મનુષ્ય આઠ સિદ્ધિઓ અને નવનિધિઓનો સ્વામી બની શકે છે. સંસારના પ્રત્યેક પ્રગતિશીલ મનુષ્યને જાણે અજાણે એમની સાધના કરવી જ પડે છે અને એમના અનુગ્રહથી એમને ઉન્નતિના ઊંચા શિખર પર ચડવાનો અવસર પ્રાપ્ત થાય છે.

પોતાને ઉત્કૃષ્ટ બનાવવા પ્રયત્ન કરવામાં આવે તો આપણા સંપર્કમાં આવનારા બીજા લોકો પણ શ્રેષ્ઠ બની શકે છે. આદર્શ હંમેશાં થોડો ઊંચો જ રહે છે અને તેની પ્રતિક્રિયા થોડી નીચી રહી જાય છે. આદર્શની સ્થાપના કરનારાઓને સામાન્ય જનતાના સ્તરથી કાયમ ઊંચા રહેવું પડ્યું છે. સંસારને આપણે જેટલો ઊંચો બનાવવા અને શ્રેષ્ઠ જોવા ઈચ્છીએ છીએ એના કરતાં વધારે ઊંચા બનવાનો આદર્શ રજૂ કરવો પડશે. ઉત્કૃષ્ટતા જ શ્રેષ્ઠતાને ઉત્પન્ન કરે છે. પરિપક્વ શરીરવાળી માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આદર્શ પિતા બનીએ તો સુસંતતિનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીશું. જો આદર્શ પતિ હોઈએ તો જ પતિવ્રતા પત્નીની સેવા પ્રાપ્ત કરી શકીશું. શરીર કરતાં તેનો પડછાયો થોડો કુરૂપ હોય છે. ચહેરા કરતાં ફોટામાં થોડીક કચાશ જ રહી જાય છે. આપણે આપણી જાતને જેટલી વિકસિત કરી શક્યા હોઈશું તેટલા આપણા નજીકમાં રહેનારા લોકો એનાથી પ્રભાવિત થઈ ઉપર ઊઠશે જ, તો પણ એમની અપેક્ષા થોડી નીચી તો રહી જ જશે. એટલા માટે આપણે બીજાઓ પાસે જેટલી સજ્જનતા અને શ્રેષ્ઠતાની આશા રાખીએ છીએ, એની તુલનામાં આપણે થોડા વધુ ઊંચા સાબિત થવું જ પડશે. આપણે દર પળે એ યાદ રાખવું પડશે કે ઉત્કૃષ્ટતા વગર શ્રેષ્ઠતા ઉત્પન્ન નહીં થઈ શકે.

લેખો અને ભાષણોનો યુગ હવે વીતી ગયો. ગળું ફાડીફાડીને મોટી મોટી બડાઈ મારીને અને મોટા મોટા લેખો લખીને સંસારનો સુધાર કરવાની આશા વ્યર્થ છે. આ સાધનોથી થોડી મદદ તો મળી શકે છે, પરંતુ ઉદ્દેશ્ય પૂરો નથી થઈ શકતો. યુગનિર્માણ જેવા મહાન કાર્યને માટે આ સાધન અપૂરતાં અને અપૂર્ણ છે. એનું મુખ્ય સાધન એ જ હોઈ શકે છે કે આપણે આપણું માનસિક સ્તર ઊંચું ઉઠાવીએ, ચરિત્રની દૃષ્ટિએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ બનીએ. આપણા આચરણથી જ બીજાઓને પ્રભાવશાળી શિક્ષણ આપી શકાય છે. ગણિત, ભૂગોળ, ઈતિહાસ વગેરેની કહેવા સંભળાવવાની પ્રક્રિયાથી કામ તો ચાલી શકે છે, પરંતુ વ્યક્તિનિર્માણને માટે તો આદર્શ વ્યક્તિત્વ ધરાવતા લોકોની જ જરૂર પડશે. એ આવશ્યકતાઓની પૂર્ણતાને માટે સૌથી પહેલાં આપણે સૌએ આગળ આવવું પડશે. આપણી શ્રેષ્ઠતાથી સંસારની શ્રેષ્ઠતા એની મેળે વધશે. આપણે બદલાઈશું તો યુગ અવશ્ય બદલાશે અને આપણો યુગનિર્માણ સંકલ્પ પણ અવશ્ય પૂરો થશે. આજે ઋષિમુનિ નથી રહ્યા, જેઓ પોતાના આદર્શ ચરિત્ર દ્વારા લોકશિક્ષણ આપીને લોકોના સ્તરને ઊંચું ઉઠાવતા હતા. આજે એવા બ્રાહ્મણ પણ નથી રહ્યા, જેઓ પોતાના અગાધ જ્ઞાન, વંદનીય ત્યાગ અને પ્રબલ પુરુષાર્થથી જનમાનસની પતનોન્મુખ પશુપ્રવૃત્તિઓને પાછી વાળીને દેવત્વની દિશામાં બદલી નાંખવાની જવાબદારી પોતાના ખભા ઉપર લેતા હતા. વૃક્ષોના અભાવમાં એરંડો પણ વૃક્ષ કહેવાય છે. આ વિચારધારા સાથે જોડાયેલ વિશાળ દેવપરિવારના પરિજનો પોતાના નાના નાના વ્યક્તિત્વને આદર્શવાદની દિશામાં અગ્રેસર કરે તો કોઈ ને કોઈ પ્રયોજન તો સિદ્ધ થશે જ. ઓછામાં ઓછો એક અવરુદ્ધ દરવાજો તો ખૂલશે જ. જો આપણે માર્ગ બનાવવા માટે પોતાના નાનકડા અસ્તિત્વને ઓગાળી દઈએ તો આવતી કાલે આવનારા યુગપ્રવર્તકોની મંજિલ સરળ થઈ જશે. યુગનિર્માણ સત્સંકલ્પનો શંખનાદ કરી રહેલા નાના નાના લોકો આગળ વધે તો અજાગ્રત પડી રહેલી યુગનિર્માત્રી શક્તિઓને જાગરણની આવશ્યક્તાનો અનુભવ જરૂર થશે. રાષ્ટ્રની પ્રબુદ્ધતા અને ચેતનાને જો ચારિત્રિક વિકાસ માટે આપણે જાગ્રત કરી શકીએ તો આજે નહીં તો કાલે યુગનિર્માણનો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.

યુગપરિવર્તનની સુનિશ્ચિતતા ઉપર વિશ્વાસ કરવો તે હવામહેલ નથી, પરંતુ તથ્યો ઉપર આધારિત એક સત્ય છે. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી વિકટ હોય, પણ જ્યારે શુભ આશયવાળી સંલ્પશીલ વ્યક્તિઓ એક થઈને કાર્ય કરે છે ત્યારે સ્થિતિ બદલાયા વગર નથી રહેતી. અસુરતાના આતંકમાંથી મુક્તિ મેળવ્યાનાં પૌરાણિક આખ્યાન હોય કે જેમના શાસનમાં સૂર્ય નહોતો ડૂબતો એમની ચુંગાલમાંથી મુક્ત થવાનું સ્વતંત્રતા અભિયાન હોય, પરંતુ નગણ્ય શક્તિથી જ સંલ્પવાળી વ્યક્તિઓનો સમુદાય એના માટે યુગશક્તિના અવતરણનું માધ્યમ બની જાય છે. યુગનિર્માણ અભિયાનથી પરિચિત વ્યક્તિઓ સારી રીતે સમજી શકશે કે આ ઈશ્વરપ્રેરિત પ્રક્રિયા છે. આ સંકલ્પને અપનાવનારને ઈશ્વરના સંકલ્પનો ભાગીદાર કહેવામાં આવશે. તેથી સફળતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને એને જીવનમાં ચરિતાર્થ કરવા કરાવવા માટે પૂરેપૂરી શક્તિ વાપરવી, એ જ સૌથી મોટી જવાબદારી સિદ્ધિ થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: