“આપણે બદલાઈશું – યુગ બદલાશે’’, “આપણે સુધરીશું – યુગ સુધરશે’’

“આપણે બદલાઈશું – યુગ બદલાશે’’, “આપણે સુધરીશું – યુગ સુધરશે’’

વર્તમાન નારકીય પરિસ્થિતિઓને ભવિષ્યના સુખશાંતિમય સ્વર્ગીય વાતાવરણમાં બદલવા માટે ચિંતન જ માત્ર એક કેન્દ્રબિંદુ છે, જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા, ક્રિયા, સ્થિતિ તથા પ્રગતિનો પૂરેપૂરો આધાર રહેલો છે. ચિંતનની ઉત્કૃષ્ટતા કે નીચતાના આધાર પર વ્યક્તિ દેવ અથવા અસુર બને છે. સ્વર્ગ તથા નરકનું નિર્માણ પૂર્ણ રીતે મનુષ્યના પોતાના હાથમાં છે. પોતાના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ સૌ કોઈ પોતે જ કરે છે.

ઉત્થાન અને પતનની ચાવી ચિંતનની દિશાને માનવામાં આવી છે. આપણે આપણી પરિસ્થિતિઓ જો ઉત્કૃષ્ટ સ્તરની બનાવવી હોય તો એને માટે એક અનિવાર્ય શરત એ છે કે પોતાના ચિંતનની ધારને નીચેની દિશામાં જતી રોકીને એને શ્રેષ્ઠતાની દિશામાં વાળી દો.આ વળાંક જ આપણો સ્તર, સ્વરૂપ અને પરિસ્થિતિઓને બદલવામાં સમર્થ થઈ શકે છે. ચિંતન ખરાબ સ્તરનું હોય અને આપણે મહાનતાનું વરણ કરી શકીએ એ સંભવ નથી. સંકીર્ણ અને સ્વાર્થી લોકો અનીતિથી ભલે થોડા પૈસા ભેગા કરી લે, પરંતુ તેઓ એ વિભૂતિઓથી સર્વથા વંચિત જ બની રહેશે કે જે વ્યક્તિત્વને પ્રખર અને પરિસ્થિતઓને સુખશાંતિથી ભરપૂર તથા સંતોષજનક બનાવી શકે છે.

સમાજ એ વ્યક્તિઓનો બનેલો સમૂહ છે. લોકો જેવા હશે એવો જ સમાજ તથા રાષ્ટ્ર બનશે. દીન દુર્બળ સ્તરની જનતા ક્યારેય સમર્થ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકે. ધર્મ, શાસન, વ્યવસાય, ઉદ્યોગ, ચિકિત્સા, શિક્ષણ, શિલ્પ, કલા વગેરે બધાં જ ક્ષેત્રોમાં નેતૃત્વ જનતાના માણસો કરે છે અને જ્યારે જનમાનસનું સ્તર નીચો જ હોય તો ઊંચો, સારાં સમર્થ અને પ્રાણવાન વ્યક્તિત્વો નેતૃત્વ માટે ક્યાંથી આગળ આવશે ? વ્યક્તિ અને સમાજની સમગ્ર પ્રગતિને માટે ચિંતનની સ્વસ્થ દિશા તથા ઊંચા દૃષ્ટિકોણનું હોવું જરૂરી છે. આની પૂર્તિ આજથી જ કરી શકાય અથવા તો હજારો વર્ષ પછી, પરંતુ પ્રગતિનો પ્રભાવ એ દિવસે જણાશે કે જે દિવસે એવો બરાબર અનુભવ થશે કે આ દુર્દશામાંથી છુટકારો પામવા માટે દુર્બુદ્ધિનો ત્યાગ કરવો આવશ્યક છે. આજની સ્થિતિમાં સૌથી વધુ શૌર્ય, સાહસ, પરાક્રમ અને પુરુષાર્થ એ છે કે આપણે સંપૂર્ણ મનોબળ એકઠું કરીને આપણી તથા આપણાથી સંબંધિત વ્યક્તિઓની વિચારશૈલીમાં એવું પ્રખર પરિવર્તન રજૂ કરીએ, જેમાં વિવેકની જ સ્થાપના થઈ હોય અને અવિવેકપૂર્ણ દુર્ભાવનાઓ તથા દુષ્પ્રવૃત્તિઓને પગ નીચે કચડી નાખવામાં આવે.

મૂઢતા અને દુષ્ટતા પ્રત્યેના મોહે આપણને અસહાય અને કાયર બનાવી દીધા છે. જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, એને બદલવા તથા સુધારવાનું સાહસ નથી કરી શકતા. આપણામાં ન તો સત્યને અપનાવવાનું સાહસ છે કે ન તો અસત્યને ત્યાગવાનું. આપણે જાણીએ છીએ ખરા કે આપણે બિનઉપયોગી વિચારણા તથા પરિસ્થિતિઓથી ઘેરાયેલા છીએ, પરંતુ જયારે સુધાર તથા બદલવાનો પ્રશ્ન આવે છે તો પગ કાંપવા લાગે છે અને જીવ ગભરાવા લાગે છે. કાયરતા નસેનસમાં વ્યાપી ગઈ છે. પોતાની ખોટી માન્યતાઓ સામે જે નથી લડી શકતા તેઓ આક્રમણકારી સામે કેવી રીતે લડશે ? જેઓ પોતાના વિચારોને નથી સુધારી શકતા તેઓ પરિસ્થિતિઓને કેવી રીતે સુધારશે ?

યુગ પરિવર્તનનો શુભ આરંભ પોતાની મનોભૂમિના પરિવર્તનની સાથે શરૂ કરવો જોઈએ. આપણે લોકો નવનિર્માણના સંદેશવાહક તથા અગ્રદૂત છીએ. પરિવર્તનની પ્રક્રિયા આપણે આપણા ચિંતનની દિશાને વિવેકપૂર્ણ બનાવીને વિનિર્મિત કરવી જોઈએ. જે અસત્ય છે, અયોગ્ય છે, બિનઉપયોગી છે એને છોડીને આપણે સાહસ દેખાડીએ. હવે બહાદુરીનો મુગટ એમના માથા પર બાંધવામાં આવશે જેઓ પોતાની દુર્બળતાઓ સામે લડી શકે અને બિનઉપયોગિતાનો અસ્વીકાર કરે. નવનિર્માણના અગ્રદૂતોની સાહસિકતા આ સ્તરની હોવી જોઈએ. એમણે સૌપ્રથમ પોતાની બિનઉપયોગી માન્યતાઓને બદલી નાખવી જોઈએ અને પોતાની જીવનપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર પૂરેપૂરું મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાઓનાં નિંદા, સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વગર નક્કી કરેલા માર્ગ પર ચાલવું જોઈએ.

આવાં મોટાં કદમ જે લોકો ઉઠાવી શકે છે એમની પાસેથી એ આશા રાખી શકાય કે તેઓ યુગપરિવર્તનના મહાન અભિયાનમાં સાચેસાચ યોગદાન આપી શકશે.

જાણકારી આપવા તથા ગ્રહણ કરવા જેવી આવશ્યકતા વાણી અને લેખની દ્વારા પૂરી કરી શકાય છે. તર્ક અને સાબિતી રજૂ કરીને વિચારોને બદલી શકાય છે, પરંતુ અંતરમાં જામી ગયેલી આસ્થાઓ તથા ઘણા લાંબા સમયથી ચાલી આવતી પ્રવૃત્તિઓને બદલવા માટે સમજાવટથી પણ મોટો આધાર રજૂ કરવો પડશે અને તે એ છે કે “પોતાનો આદર્શ તથા ઉદાહરણ રજૂ કરવાં.” અનુકરણની પ્રેરણા આમાંથી જ ઉત્પન્ન થાય છે. બીજાઓને એ સીમા સુધી પ્રભાવિત કરવા કે તેઓ પણ અયોગ્ય બાબતોને છોડવાનું સાહસ દેખાડી શકે એ ત્યારે જ શક્ય છે કે જ્યારે એવા સાહસિક લોકોના અનુકરણીય આદર્શોને રજૂ કરી શકીએ.

આજે આદર્શવાદિતાની મોટી મોટી વાતો કરનારા બીજાઓને ઉપદેશ આપનારા ઘણા છે, પણ જેઓ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા. આ એ જ કારણ છે કે ઉપદેશ આપવા કરવામાં આવેલો શ્રમ વ્યર્થ જઈ રહ્યો છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂરી થઈ શકતી નથી.

જનમાનસના પરિવર્તનની મુખ્ય આવશ્યકતાને જો સાચે જ પૂરી કરવી હોય તો એનો રસ્તો એક જ છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકે તેવા સાહસિક લોકોનું એક એવું દળ તૈયાર થાય, જેઓ પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરે કે આદર્શવાદિતા કેવળ બીજાને ઉપદેશ આપવાની ક્રિયા નથી, પરંતુ એને જીવનમાં ઉતારી પણ શકાય છે. આને પ્રમાણિત કરવા માટે આપણે જ આગળ આવવું પડશે. બીજાઓના ખભા પર બંદુક રાખીને ગોળી ન ચલાવી શકાય. આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતૃત્વ આપણે કરીએ એ વાત હવે નહીં બને. આપણે આપણી આસ્થાની પ્રમાણિકતા પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરવી પડશે. આચરણ જ હંમેશાં પ્રમાણિક રહ્યું છે, એનાથી જ લોકોને અનુકરણની પ્રેરણા મળે છે.

આજે જનમાનસમાં એ ભય અને ભ્રમ એ ઊંડે સુધી ઘૂસી ગયો છે કે આદર્શવાદી જીવનમાં કષ્ટ અને મુશ્કેલીઓ જ રહેલી છે. શ્રેષ્ઠ વિચારો કેવળ કહેવા સાંભળવા માટે જ છે. એમને વ્યાવહારિક જીવનમાં કાર્યાન્વિત નથી કરી શકાતા. પ્રાચીનકાળના મહાપુરુષોનાં ઉદાહરણ રજૂ કરવા પૂરતાં નથી. ઉત્સાહ તો પ્રત્યક્ષથી જ ઉત્પન્ન થાય છે. જે સામે છે એનાથી જ ઉત્પન્ન થાય છે. જે સામે છે એનાથી જ અનુકરણની પ્રેરણા ઉત્પન્ન થઈ શકે છે. તેથી આ અભાવ તથા આવશ્યક્તાની પૂર્તિ કોઈકે તો પૂરી કરવી જ પડશે. એના વગર વિકૃતિઓ અને વિપત્તિઓના વર્તમાન સંકટમાંથી છુટકારો નહીં મળી શકે.

આ આવશ્યકતા આપણે લોકોએ જ પૂરી કરવી પડશે. બીજા લોકો એનાથી પાછળ હટી રહ્યા છે. એમને નેતાગીરી, યશ, પ્રશંસા અને માન પ્રાપ્ત કરવાની લાલસા તો છે, પરંતુ પોતાને આદર્શવાદના પ્રતીકના રૂપમાં રજૂ કરવાનું સાહસ નથી થઈ શકતું. આજના અનેક કહેવાતા લોકસેવકો ખોટી લોકમાન્યતાઓના જ અનુગામી બની ગયા છે.

ધાર્મિક ક્ષેત્રના મોટાભાગના નેતા, સંત, મહંતો, જનતાની રૂઢિઓ, મૂઢતાઓ અને આંધળી પરંપરાઓનું પોષણ ખોટું હોવા છતાં પણ કરી રહ્યા છે. રાજનૈતિક નેતા પોતે ચૂંટણીમાં જીતવા માટે મતદારની ખોટી માગણીઓ પણ પૂરી કરવા માટે માથું ઝુકાવી દે છે. આ સ્થિતિમાં રહેલા લોકો જનમાનસના પરિષ્કાર જેવી લોકમંગળની મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરી શકવા માટે સમર્થ નથી થઈ શકતા. આ પ્રયોજનની પૂર્તિ તેઓ કરશે, જેમનામાં લોકરંજનના બદલે લોકનિર્માણને માટે આગળ વધવાનું, નિંદા, અપયશ અને વિરોધ સહન કરવાનું સાહસ હોય. સ્વતંત્રતા-સંગ્રામના સૈનિકોએ બંદુકની ગોળીઓ ખાધી હતી. બૌદ્ધિક પરાધીનતાની વિરૂદ્ધ શરૂ કરેલા આપણા વિચારક્રાંતિ સંગ્રામમાં ભાગ લેનાર સેનાનીઓએ કમસે કમ ગાળો ખાવા તો તૈયાર રહેવું પડશે.

જે લોકો ગાળો ખાવાથી ડરશે એ અનિચ્છનીય બાબતો વિરુદ્ધ અવાજ કેવી રીતે ઉઠાવી શકશે ? અન્યાય સામે લડી કેવી રીતે શકશે? એટલે યુગપરિવર્તનના આ મહાન અભિયાનનું નેતૃત્વ કરી શકવા માટેની આવશ્યક શરત એ છે કે આ ક્ષેત્રમાં કોઈ યશ અને માન મેળવવા માટે નહીં, પરંતુ વિરોધ, નિંદા અને તિરસ્કાર પામવાની હિંમત લઈને આગળ આવે. નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં થનારા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે આગળ કોણ આવે ? એના માટે પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. એને એક દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે મૂર્ધન્ય સ્તરના લોકો પણ સાહસવિહીન નિર્વીર્ય દેખાઈ રહ્યા છે અને શૌર્ય તથા પરાક્રમના માર્ગમાં આવનારી મુશ્કેલીઓથી ગભરાઈને આગળ વધવાની હિંમત જ નથી કરી શકતા.

આજે સાચા અધ્યાત્મને કલ્પનાલોકમાંથી નીચે આણીને વ્યાવહારિક જીવનમાં ઉતારવાની ખૂબ આવશ્યકતા છે. પોતાનો અનુકરણીય આદર્શ ઉપસ્થિત નહીં કરી શકે તો સમાજના નવનિર્માણનું ધરતી ઉપર સ્વર્ગના અવતરણનું પ્રયોજન પૂરું નહીં થાય. જરૂરિયાત એ વાતની છે કે આપણે આપણું સઘળું સાહસ એકઠું કરીને પોતાની વાસનાઓ, તૃષ્ણાઓ, સકીર્ણતાઓ અને સ્વાર્થીપણા સામે લડી શકીએ. આ ભવબંધનોને કાપી નાખીએ અને જીવનને એવું પ્રકાશવાન બનાવીએ કે જેની આભાથી વર્તમાન યુગનો અંધકાર દૂર થઈ જાય અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ પ્રકાશિત થઈ ઊઠે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: