પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો

પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો

એ નિર્વિવાદ સત્ય છે કે ધર્મ અને સદાચારના આદર્શવાદી સિદ્ધાંતોનું પ્રશિક્ષણ ભાષણો અને લેખોથી ન થઈ શકે. આ બન્ને માધ્યમો મહત્ત્વપૂર્ણ તો છે જ, પરંતુ એમનો ઉપયોગ એટલો જ છે કે તે વાતાવરણ તૈયાર કરી શકે. વાસ્તવિક પ્રભાવ તો ત્યારે જ પડે છે કે જ્યારે પોતે અનુકરણીય આદર્શ ઉપસ્થિત કરીને બીજાને પ્રભાવિત કરી શકીએ. જો કે આપણે નવા સમાજની, નવા આદર્શોની જનમાનસમાં સ્થાપના કરવાની છે, એટલે એ ખૂબ જરૂરી છે કે યુગનિર્માણ પરિવારના સભ્યો બીજાની સામે પોતાનો અનુકરણીય આદર્શ રજૂ કરે. પ્રચારનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ પદ્ધતિને અપનાવ્યા સિવાય જનમાનસને ઉત્કૃષ્ટતાની દિશામાં વાળવું શકય નથી, એટલે સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય એ જ છે કે પરિવારનો પ્રત્યેક સભ્ય એ પ્રયત્ન કરે કે એમના જીવનમાં આળસ, પ્રમાદ, અવ્યવસ્થા અને અનૈતિકતાની જે દુર્બળતાઓ રહેલી છે એમનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કરે અને એ આત્મચિંતનમાં જે દોષ જણાય એને સુધારવા માટે એક ક્રમબદ્ધ યોજના બનાવીને આગળ વધે.

આત્મચિંતન માટે આપણામાંથી દરેક વ્યક્તિએ પોતાને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ અને એમના જવાબ નોંધી લેવા જોઈએ.

(૧) સમય જેવી જીવનની અમૂલ્ય નિધિનો આપણે સારી રીતે સદુપયોગ કરીએ છીએ ખરા ? એની બરબાદી તો નથી થતી ને ?

(૨) જીવનલક્ષ્યની પ્રાપ્તિનું આપણને ધ્યાન છે કે નહીં ? શરીરસજ્જામાં જ આ અમૂલ્ય અવસરને નષ્ટ નથી કરી રહ્યા ને ? દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિની સેવાના પુનિત કર્તવ્યની ઉપેક્ષા તો નથી કરી રહ્યા ને ?

(૩) આપણી વિચારધારા અને કાર્યોમાં આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ કે પછી વિવેક, દૂરદર્શિતા અને આદર્શવાદિતા અનુસાર એમનો નિર્ણય કર્યો છે ?

(૪) મનોવિકારો અને કુસંસ્કારોનું શમન કરવા માટે આપણે સંઘર્ષશીલ રહીએ છીએ કે નહીં ? નાનાં નાનાં કારણોને લઈને આપણે આપણી માનસિક શાંતિથી હાથ ધોઈને પ્રગતિના બધા રસ્તા અવરોધવાની ભૂલ તો નથી કરતા ને ?

(૫) શરીર, વસ્ત્ર, ઘર તથા વસ્તુઓને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાનો અભ્યાસ શરૂ કર્યો કે નહીં ? શ્રમ પ્રત્યે ધૃણા તો નથી કરતા ને ?

(૬) કટુભાષણ, બીજાની ભૂલો શોધવી અને અશુભ કલ્પનાઓ કરતા રહેવાની આદત છોડીને કાયમ સંતુષ્ટ, પ્રયત્નશીલ અને હસમુખા રહેવાની ટેવ આપણે પાડી રહ્યા છીએ કે નહીં?

(૭) પરિવારને સુસંસ્કારી બનાવવા માટે આવશ્યક ધ્યાન અને સમય આપીએ છીએ કે નહીં ?

(૮) આહાર સાત્ત્વિક છે કે નહિ ? જીભના ચટાકાની આદત છૂટી કે નહીં ? સપ્તાહમાં એક સમય ઉપવાસ, વહેલા સૂવું અને વહેલા ઊઠવું તથા બ્રહ્મચર્યનો નિયમ પાળો છો કે નહીં ?

(૯) ઇશ્વર ઉપાસના, આત્મચિંતન તથા સ્વાધ્યાયને આપણા નિત્ય નિયમમાં સ્થાન આપ્યું છે કે નહીં ?

(૧૦) આવક કરતાં વધુ ખર્ચ તો નથી કરતા ને ? કોઈ વ્યસન તો નથી ? બચત કરો છો કે નહીં ? ઉપરોક્ત દસ પ્રશ્નો નિત્ય પોતાને પૂછતા રહીને પોતાનો આત્મા જે ઉત્તર આપે એના પર વિચાર કરવો જોઈએ અને જે ત્રુટિઓ જણાય એમને સુધારવા માટે નિત્ય પ્રયત્નો કરવા જોઈએ.

આત્મસુધાર માટે ક્રમિક પરિષ્કારની પદ્ધતિ અપનાવવાથી પણ કામ ચાલી શકે છે. આપણા બધા દોષદુર્ગુણોનો એક જ દિવસમાં ત્યાગ કરી નાખવાનો ઉત્સાહ લોકોમાં જાગે છે, પરંતુ સંકલ્પશક્તિના અભાવમાં એ પ્રતિજ્ઞા ટકતી નથી. થોડાક સમયમાં એજ જૂના કુસંસ્કારોની શરૂઆત થઈ જાય છે. પ્રતિજ્ઞા ન નિભાવી શકવાથી પોતાનું સંલ્પબળ ઘટી જાય છે અને પછી નાની નાની પ્રતિજ્ઞાઓને નિભાવવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. આ ક્રમ લાંબા સમય સુધી ચાલવાથી મનુષ્યનો આત્મવિશ્વાસ પણ ડગી જાય છે અને એ વિચારે છે કે મારા કુસંસ્કાર એટલા પ્રબળ છે કે જીવનોત્કર્ષની દિશામાં આગળ વધવાનું મારા માટે શક્ય જ નથી. આ નિરાશાજનક સ્થિતિ ત્યારે જ આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવેશ અને ઉત્સાહમાં પોતાના બધા દોષદુર્ગુણોને તરત ત્યાગી દેવાની પ્રતિજ્ઞા કરે છે અને મનોબળના અભાવના કારણે ચિરસ્થાયી કુસંસ્કારો સામે લડી નથી શકતી.

આત્મશોધનનું કાર્ય એક પ્રકારનો “દેવાસુર સંગ્રામ” છે. કુસંસ્કારોની આસુરી વૃત્તિઓ પોતાનો મોરચો જમાવીને બેસી જાય છે અને એ સંસ્કાર ધારણ કરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે અનેક છળકપટો કરતી રહે છે. એટલે ક્રમશઃ આગળ વધવા માટે સુવ્યવસ્થિત રીતે આપણા દોષદુર્ગુણોને પરાજિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચી રીત તો એ છે કે આપણી બધી બૂરાઈઓ અને દુર્બળતાઓને એક કાગળ પર નોંધી લેવી જોઈએ અને દરરોજ વહેલી સવારે ઊઠીને એ દિવસનો એવો કાર્યક્રમ બનાવવો જોઈએ કે આજે મારે અમુક દુર્બળતાઓ અમુક પ્રમાણમાં ઘટાડવી જ છે. એ દિવસનો જે કાર્યક્રમ બનાવ્યો હોય તે સંબંધમાં વિચાર કરી લેવો જોઈએ કે આમાં ક્યારે કેટલા, કયા કયા કુસંસ્કારોની પ્રબળતા રહેવાની સંભાવના છે. એ સંભાવનાઓ સામે આવતાં આપણે કમસે કમ કેટલી આદર્શવાદિતા દેખાડવી જોઈએ એ નિર્ણય પહેલેથી જ કરી લેવો જોઈએ અને ફરી આખો દિવસ વહેલી સવારે લીધેલી પ્રતિજ્ઞાને નિભાવવા માટે દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે દરરોજ સફળતાપૂર્વક આત્મસુધારની દિશામાં આગળ વધીએ તો આપણું સાહસ વધશે અને ધીરે ધીરે બધા જ દોષદુર્ગુણોને છોડી શકાશે.

“ નાનો સંકલ્પ – મોટી સફળતા’

આજે આટલી જ માત્રામાં ભોજન કરીશું, આટલે દૂર ફરવા જઈશું, આટલો વ્યાયામ કરીશું, આજે તો બ્રહ્મચર્ય રાખીશું જ, બીડી પીવાનું કોઈ વ્યસન હોય તો રોજ જેટલી બીડી પીતા હો એમાંથી એક ઓછી કરી જ દઈશું, આટલો સમય તો ભજન અથવા સ્વાધ્યાય કરીશું જ, સફાઈ અને વ્યવસ્થામાં આટલો સમય કાઢીશું જ. આવી નાની નાની પ્રતિજ્ઞાઓ નિત્ય લેવી જોઈએ અને એ દિવસે તો એનું કડકાઈથી પાલન કરવું જ જોઈએ. બીજા દિવસની સ્થિતિ સમજીને ફરી બીજા દિવસની સુધારેલી દિનચર્યા બનાવવી જોઈએ. આમાં શારીરિક ક્રિયાઓનો જ નહીં, માનસિક પ્રવૃત્તિઓનો સુધાર કરવા માટેનું ધ્યાન પણ રાખવું જોઈએ. દરરોજ નાની નાની સફળતાઓ પ્રાપ્ત કરવાથી આપણું મનોબળ નિરંતર વધે છે અને પછી આપણું સાહસ અને સંકલ્પબળ એટલું મજબૂત થઈ જાય છે કે આત્મશોધનની કોઈ અઘરી પ્રતિજ્ઞાને થોડા દિવસ માટે નહીં, પરંતુ આજીવન નિભાવવી સરળ થઈ જાય છે.

દૈનિક આત્મચિંતન અને દિનચર્યા માટે એક સમય નક્કી કરવો જોઈએ. દિનચર્યા નક્કી કરવા માટે વહેલી સવારે ઊઠીને જ્યાં સુધી પથારીનો ત્યાગ ન કરીએ એ સમય સર્વોત્તમ છે. સામાન્ય રીતે ઊંઘ પૂરી થયા પછી પણ થોડાક સમય બાદ આપણે પથારી છોડીએ છીએ. થોડોક સમય એમ જ આળસમાં પડી રહીએ છીએ. આ સમય દૈનિક કાર્યક્રમ બનાવવા માટે ઉત્તમ છે. પથારીમાં પડ્યા પછી પણ કોઈને તરત જ ઊંઘ નથી આવતી. આમાં થોડો સમય લાગે છે. આ સમય દરમિયાન આત્મચિંતન માટે આપણે પોતાને આ દસ પ્રશ્નો પૂછીને એમનો ઉત્તર મેળવવો જોઈએ. જેમની પાસે અન્ય સગવડભર્યો સમય હોય તેઓ આ કાર્યને સગવડતાના અન્ય સમયે પણ કરી શકે છે, પણ ઉપરોક્ત બંને સમય વ્યસ્તમાં વ્યસ્ત સજ્જનો માટે પણ સુવિધાજનક બની શકે છે. આ બન્ને પ્રક્રિયાઓને અપનાવીને આપણે આસાનીથી આત્મિક પ્રગતિના માર્ગ પર ઘણા આગળ વધી શકીએ છીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: