તો પછી આપણે શું કરવું જોઈએ ?
June 25, 2022 Leave a comment
તો પછી આપણે શું કરવું જોઈએ ?
આ પુસ્તક વાંચીને તમારા મન અને અંતઃકરણમાં સ્વયં માટે દેશ, ધર્મ અને સંસ્કૃતિ માટે કંઈ પણ કરવાની તમન્ના (ઈચ્છા) જરૂર જાગૃત થઈ હશે. જેથી તમે વિચારતા થયા હશો કે છેવટે આપણે શું કરીએ ? ગભરાવાની કોઈ જરૂર નથી, શ્રેષ્ઠ જીવન જીવવા માટે દૈનિક જીવનમાં ખૂબ જ વ્યથિત (દુ:ખી ) થવાની કોઈ આવશ્યકતા નથી હોતી. સરળ સહજ જીવન જીવતાં જીવતાં પણ તમે સુખ અને શાન્તિનો અનુભવ કરી શકો છો. વ્યક્તિત્વના પૂરેપૂરા વિકાસને માટે ત્રણ ઉપક્રમ અપનાવવા જોઈએ – ઉપાસના, સાધના અને આરાધના, હમેશાં પ્રાતઃ સ્નાનાદિથી પરવારીને ૧૫ મિનિટ અથવા ૩૦ મિનિટનો સમય ઉપાસના માટે નિશ્ચિત કરવો જોઈએ. દેવમંદિરે જઈ ઈશ્વરના સાનિધ્યમાં બેસવું જોઈએ અને દેવશક્તિઓના આશીર્વાદ તેમ જ તેમની કૃપાવર્ષાનો ભાવ રાખતાં પોતાની અંદર દેવત્વની વૃદ્ધિનો અનુભવ કરવો જોઈએ. તમારી શ્રદ્ધા જે દેવતા ઉપર હોય તે પ્રમાણે તેના મંત્ર અને ઉપાસના પદ્ધતિ અનુસાર જ કાર્ય કરવું જોઈએ. પરંતુ દરેક ઉપાસનામાં પોતાના ઈષ્ટ દેવતાના દૈવી ગુણોની વૃદ્ધિનો ભાવ પોતાની અંદર જરૂર રાખવો જોઈએ. સાધના પ્રતિપળ કરવાની હોય છે.જ્ઞાન અને વિવેકનો દીપક નિરંતર પોતાના હૃદયમાં જળતોજ (પ્રકાશિત ) રાખવો જોઈએ.નિકૃષ્ટતા (દુર્ગુણો ) થી બચવા માટે અને ઉત્કૃષ્ટતાની તરફ આગળ વધવા માટે મનોબળ વધારતા રહેવું જોઈએ.
દુર્ગણોથી બચવા અને સદ્ગુણોને ધારણ કરવા સમર્થ બનીએ. એ જ સાધનાનું સ્વરૂપ છે. આ માટે પ્રતિક્ષણ સતર્કતા અને જાગૃતિ આવશ્યક છે. દેશ, સમાજ, ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન (ઉન્નતિ) ના ઉદ્દેશ્ય માટે જે સેવા કાર્ય કરવામાં આવે છે તેને આરાધના કહેવામાં આવે છે.
પતનનું નિરાકરણ કરવું એ જ સર્વોત્કૃષ્ટ સેવા છે. સેવા સાધનાથી પતનનું નિરાકરણ ત્યારે જ સંભવ છે, જ્યારે વ્યક્તિના ચિત્તમાં આવેલી વિકૃતિઓ અને ખરાબ ઈચ્છાઓનું અવમૂલ્ય થઈ જાય. સેવા કરવાનો જેને ઉમંગ (ઉત્સાહ) છે અને સર્વોત્કૃષ્ટ રૂપની સેવા કરવા માટે જેની લગની (તાલાવેલી) છે, તો તે સ્તરની સેવાકાર્યનો આરંભ કરવો જોઈએ. તેમજ તે પ્રમાણે આગળ ચલાવવું જોઈએ.
પ્રશ્ન એ ઊઠે છે કે એ સ્તરની સેવા સાધના કઈ પદ્ધતિથી કરવામાં આવે ? મનુષ્યના સ્તરમાં આવેલા પતનને કઈ રીતે દૂર કરવામાં આવે અને તેને કઈ રીતે ઉત્સાહની તરફ આગળ વધારવામાં આવે ? સ્પષ્ટ છે કે આ કાર્ય વિચારો અને ભાવનાઓની સમજ દ્વારા જ કરી શકાય છે. એના માટે વિચારોની સમજુતીની(પરિષ્કારની) પ્રક્રિયા ચલાવવી જોઈએ તથા ઉત્કૃષ્ટ અને પ્રગતિશીલ સદ્વિચારોને દરેક માણસો સુધી પહોંચાડવા જોઈએ. આ સાચું છે કે સમાજમાં જે કંઈ પણ અશુભ અને અવાંચનીય જોવામાં આવે છે, તેનું કારણ લોકોના વ્યક્તિગત દોષો જ છે. તે દોષોની ઉત્પત્તિ વ્યક્તિગત દુષિત વિચારણાઓ અને વિકૃતદષ્ટિકોણોથી થાય છે. ભોગ પ્રધાન આકાંક્ષાઓ રાખવાથી મનુષ્યોની અતૃપ્તિ વધી જાય છે અને તેઓ વધારે સુખ સામગ્રીની ઈચ્છા કરે છે. સ્વાર્થને કારણે જ કોઈનું પડાવી લેવું, ઝૂંટવી લેવું વગેરે ચાલાકી અને બેઈમાની (અપ્રામાણિકતા) વધે છે. શ્રમથી બચવાની અને મૌજ કરવાની ઈચ્છાઓ જ્યારે તીવ્ર બને છે ત્યારે ઉચિત અનુચિતનો વિચાર છોડી, લોકો કુમાર્ગ અપનાવે છે, જેનું પરિણામ તેમના પોતાને માટે જ નહીં, પરંતુ આખા સમાજ માટે પણ ઘાતક હોય છે. આ અદૂરદર્શિતાપૂર્ણ પ્રક્રિયાને અપનાવવાથી જ સંસારમાં સર્વત્ર દુઃખ, દૈન્ય (દીનતા) નો વિસ્તાર થયો છે.
પતનનું નિવારણ કરવા માટે માનવીય દૃષ્ટિકોણમાં પરિવર્તન કરવું જરૂરી છે અને તે પરિવર્તન માટે મનુષ્યનું જીવન-દર્શન પણ ઊંચું (ઉન્નત ) બનાવવું જોઈએ. પતિ ભાવનાઓવાળી (યુક્ત) વ્યક્તિ માટે (લાંછના) આત્મ-ગ્લાનીની વ્યથા દુઃખ દાયક નથી હોતી, તે નિર્લજ બનીને કુકર્મ કરતી રહે છે. જ્યારે લોકમાનસનું સ્તર ભાવનાત્મકદષ્ટિથી ઊંચું ઊઠશે ત્યારે જ જીવનમાં શ્રેષ્ઠતા આવશે અને તેના આધાર ઉપર વિશ્વશાન્તિની મંગલમય પરિસ્થિતિઓ ઉત્પન્ન થશે.
આજનો મનુષ્ય સભ્યતાના ક્ષેત્રમાં વિકાસ કરવાની સાથે-સાથે એટલો વિચારશીલ પણ બન્યો છે કે જો તેને તથ્ય-સાચી બાબત સમજાવવામાં આવે, તો તે તેને સમજવા માટે, માનવા માટે તૈયાર થઈ જાય છે. લોક સેવિકાઓએ આ પ્રયોજન માટે પ્રત્યેક ઘરે જવું જોઈએ અને લોકોની આસ્થાઓ, માન્યતાઓ અને વિચારણાઓ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
દરેક વ્યક્તિ એટલી બુદ્ધિમાન અને પ્રતિભાશાળી હોતી નથી કે તે તથ્યોને (વિચારને) સારી રીતે સમજાવી શકે અને કઈ પરિસ્થિતિમાં કેવું માર્ગદર્શન આપવું જોઈએ ? એ માટે ઉચિત વિચાર ધારાનું સાહિત્ય સાથે લઈને નીકળવું જોઈએ. લોકોને તે વાંચવા તથા વિચાર કરવાની પ્રેરણા આપવી જોઈએ, તેની સાથે અશિક્ષિત વ્યક્તિઓ માટે વાંચીને સંભળાવવાની અથવા બીજાઓને ભલામણ કરીને તેમના દ્વારા પ્રેરણા આપવાની પ્રક્રિયા ચલાવવી જોઈએ.શરૂઆતમાં બધા લોકોની રુચિ તે તરફ તૈયાર થઈ શક્તી નથી, એટલા માટે જે લોક જ્ઞાનયજ્ઞની આવશ્યકતા (જરૂરિયાત) સમજે છે તેમણે એ કરવું જોઈએ કે તેઓ એને લગતું વિચાર સાહિત્ય લઈને પોતે જ લોકો સુધી પહોંચી જાય. એ જ ઉચિત છે કે કૂવા તરસ્યાઓની પાસે જતા નથી, તરસ્યાઓએ જ કૂવાની પાસે જઈને પાણી પીવું પડે છે. લોક સેવિકાઓએ પણ સદ્વિચાર અને સત્પ્રેરણાઓની શીતળ સુખદ જળવૃષ્ટિ માટે દરેક વ્યક્તિઓની પાસે પહોંચવું જોઈએ. તે માટે વ્યક્તિઓમાં પહેલાં સદ્વિચારોની ભૂખ જગાડવી જરૂરી છે. ભૂખ ઉત્પન્ન કરવાનું આ કાર્ય સંપર્ક દ્વારા જ સંભવ છે.લોકોમાં સંપર્ક કર્યા પછી જ સદ્વિચારો અને સત્પ્રેરણાઓ આપવાની જરૂરિયાત છે. આ આવશ્યકતા સાહિત્ય અને નાના પ્રકારનાં સેવાકાર્યો દ્વારા પૂરી કરી શકાય છે.
પ્રતિભાવો