ભોગવિલાસમાં ધન વાપરવું નાશકારક છે | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 29, 2022 Leave a comment
ભોગવિલાસમાં ધન વાપરવું નાશકારક છે.
બિનજરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવાથી કાર્યકુશળતા વધવાને બદલે તેનો હ્રાસ થતો હોય છે. મનુષ્ય આળસુ અને વિલાસી બની જાય છે. કામ કરવાનું મન થતું નથી. પૈસા વધુ ખર્ચાય છે, અને લાભ નહિવત્ મળે છે. આવી વસ્તુઓમાં નીચેની વસ્તુઓ મુખ્ય હોય છે – આલીશાન મકાન, રેશમી અથવા જરીનાં ઊંચી જાતનાં ભભકાદાર વસ્ત્રો, મિષ્ટાન, મેવા મીઠાઈ, ભેળ પૂરી, દારૂ, ચા, વિવિધ જાતનાં અથાણા, માંસ, ફેશનેબલ વસ્તુઓ, મોટર, તમાકુ, પાન, ઘરેણાં, જન્મોત્સવ અને લગ્નોમાં થતો અમાપ ખર્ચ, દિવસમાં બે વાર બદલવામાં આવતાં કપડાં, સાડીઓ, વધારે પડતી સજાવટ, નોકર – ચાકર, મનોરંજન માટેનો કીમતી સામાન, ઊંચી જાતની ફાઉન્ટેન પેન, સોનાની ઘડિયાળ, મોટી હોટલોમાં ભોજન, સિનેમા, સિગારેટ, પાન, વેશ્યાગમન, નાચગાન, વ્યભિચાર, શૃંગારિક સાહિત્ય, કીમતી ફિલ્મી સાહિત્ય, ફિલ્મી ફોટાઓ, શક્તિ બહારનું દાન, વાસના, મુસાફરી, યાત્રા, ઊંચી જાતનો રેડિયો, ફેશનેબલ વસ્ત્રો, ક્રીમ, પાઉડર વગેરે.
ઉપરોક્ત વસ્તુઓ જીવન ટકાવવા માટે અથવા કાર્યકુશળતા વિકસાવવા માટે જરૂરી નથી. પરંતુ પૈસા વધી જતાં મનુષ્ય બિનજરૂરી ખર્ચ કરે છે અને પછી તો આ બધી વસ્તુઓ ખરીદવાનો પણ અનુભવ કરે છે. આ બધી વસ્તુઓ પર સૌથી વધારે ટેક્ષ પણ લાગે છે અને મોંઘી પણ હોય છે. આ બધી વસ્તુઓને કૃત્રિમ જરૂરિયાતોથી પોષણ મળે છે. આથી આનાથી સાવધાન બનો.
આપણે જોઈએ છીએ કે લોકો લગ્ન, વહેવાર, ઉત્સવ, પ્રેતભોજન, વગેરે પ્રસંગોએ લોકોની સામે મોટાઈનું પ્રદર્શન કરવા માટે આંધળું ખર્ચ કરતા હોય છે. ઘરમાં ન હોય તો દેવું કરીને પણ પ્રસંગ ધૂમધામથી કરે છે, જાણે કે પોતાનું નાક ઊંચું રહેતું દેખાય છે અને જો આ ન કરે તો પોતાની આબરૂ ધૂળમાં મળી જતી હોય તેવું લાગે છે.
ભારતમાં ગરીબી છે, પણ ગરીબી કરતાં તો જડતા, અંધવિશ્વાસ, કુરિવાજો, મિથ્યા પ્રદર્શન, ઘમંડ, ધર્મનો આંધળો આડંબર અને નિરક્ષરતા અજ્ઞાનતા વધુ છે. આપણી પ્રતિદિન સરેરાશ વ્યક્તિદીઠ આવક ત્રણ ચાર રૂપિયાથી વધારે નથી. આમાં ભોજન, વસ્ત્ર, મકાન, વિવાહ વગેરે માટે બચત કરવાની હોય છે. પૈસાની અછતના કારણે આપણા દેશવાસીઓ મુશ્કેલીથી દૂધ, ઘી, ફળ – ફળાદિ વગેરે મેળવી શકતાં હોય છે. મોટા ભાગના લોકો માટે તો સારાં રહેઠાણોનો પણ અભાવ છે. સારાં કપડાં પણ પ્રાપ્ત થતાં નથી. બાળકોને સારું શિક્ષણ આપી શકતાં નથી. માંદગીમાં સારી સારવાર આપી શકાતી નથી, યાત્રા, અભ્યાસ તથા મનોરંજનનાં સાધનોથી વંચિત રહેવું પડે છે. તેમ છતાં લગ્ન વખતે આ બધું ભૂલી જઈએ છીએ. મરણ વખતે દેવું કરીને બારમું કરીએ છીએ. મુકદમામાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. આ બધું કરવા માટે વર્ષો સુધી પેટે પાટા બાંધીને પૈસા ભેગાં કરવા પડે છે, દેવું કરવું પડે છે અથવા તો અનીતિ આચરવી પડે છે.
પ્રતિભાવો