ધનનો બગાડ બંધ કરો | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 29, 2022 Leave a comment
ધનનો બગાડ બંધ કરો
ઈમાનદારી અને સત્યપૂર્ણ વ્યવહારનો ઉપદેશ સાંભળવા છતાં મોટા ભાગના લોકો તેનું પાલન કરતા નથી, આનું મુખ્ય કારણ છે આપણી અપવ્યયની કુટેવ, જે લોકો દેખાદેખીથી બીજાના જેવો ભપકો અને મોટાઈ બતાવવા પોતાનું ગજું ન હોવા છતાં પ્રયત્ન કરે છે, તેમને વિવિધ પ્રકારનો ખર્ચ કરવાની ટેવ પડી જાય છે. આવા લોકો ઇચ્છે તો પણ ઈમાનદાર રહી શકતા નથી. આવા લોકોની આર્થિક સ્થિતિ ક્યા કારણોથી નથી સુધરતી તેનું એક ચિત્ર આ મુજબ છે :
તમે માસિક રૂા. ૧,૦૦૦/ – કમાઓ છો, આડોશી – પાડોશી તમને આર્થિક દૃષ્ટિએ સાધન – સંપન્ન માને છે, તમારા હાથમાં રૂપિયાની આવ – જા થયા કરે છે, પરંતુ તમને એ જોઈને દુઃખ થાય છે કે, તમારો પગાર દર મહિનાની ૨૦ તારીખે પૂરો થઈ જાય છે. છેલ્લા દસ દિવસ ખૂબ જ ભીડમાં પસાર કરવા પડે છે. તમે બજારમાંથી ઉધાર લાવો છો. જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકાતી નથી. તમારો નોકર, સ્ત્રી, બાળકો પૈસા માગે છે, દુકાનવાળા ઉઘરાણી મોકલે છે, તમે અનેક પ્રકારનાં બહાનાં બતાવીને તેને ટાળતા રહો છો અને ખૂબ જ ઉત્સુકતાપૂર્વક પહેલી તારીખની વાટ જુઓ છો. વરસના બાર મહિના આ જ ક્રમ ચાલતો રહે છે થોડી પણ બચત થતી નથી, વૃદ્ધાવસ્થામાં બીજાઓના આશ્રયે રહેવું પડે છે, બાળકોનાં લગ્નો વગેરે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકાતું નથી. મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થઈ શકતી નથી. પણ કેમ ?
શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમારો પગાર ૨૦ તારીખ સુધીમાં કેમ વપરાઈ જાય છે ? તમે અસંતુષ્ટ અને મૂંઝાયેલા કેમ રહો છો ?
તો જુઓ ! તમે તમારા ઘર પાસેની પાન બીડીની દુકાન છે તેના બિલને તપાસો. મહિનામાં કેટલા રૂપિયા તમે પાન બીડી પાછળ ખર્ચ કરો છો, રોજની પાંચથી સાત સિગારેટ અને ચારથી પાંચ પાન તમે ખાઓ છો. ઊંચી જાતની પેટી તમારા ગજવામાં હોય છે. જો રોજના ત્રણથી ચાર રૂપિયા તમે આમાં ખર્ચતા હો તો મહિનાના ૧૦૦ થી ૧૨૦ રૂપિયા બીડી – પાનના ખર્ચમાં વપરાઈ જાય છે. ઘણા તો દર મહિને ૨૦૦ થી રપ૦ રૂપિયા આ વ્યસન પાછળ ખર્ચી નાખે છે.
નાસ્તો, ભેળ, પકોડી, ચા, કોફી, રેસ્ટોરન્ટ, શરબત, સોડા, આઈસ્ક્રિમ, હળવો નાસ્તો વગેરેમાં તમે તમારી કમાણીના કેટલા પૈસા ખર્ચી નાખો છો, તેનો કોઈ દિવસ હિસાબ કરો છો ? જો એકલાં ગયા તો એકાદ બે રૂપિયા અને મિત્રો સાથે તો પાંચથી સાત રૂપિયા ખર્ચાઈ જતા હોય છે. એક કપ ચા ( પ્રત્યક્ષ ઝેર ) ખરીદીને તમે તમારા પરસેવાની કમાણી નકામી ખોઈ નાખો છો. ઉપર જણાવ્યા તે પદાર્થો આપણી જીભના સ્વાદની કુટેવને ક્ષણભર જ સંતોષ આપતા હોય છે, છતાં ઇચ્છા તો અતૃપ્ત જ રહે છે. મીઠાઈ ખાવાથી નથી તો શક્તિ આવતી કે નથી કોઈ કાયમી લાભ થતો, ઉપરથી પેટમાં વિકારો પેદા કરે છે.
સિનેમાની ટિકિટો વેચનાર અને ગેટ કિપર તમને ઓળખે છે. તમને જોઈને તે ખુશ થાય છે. હસીને આ વાત કરી લે છે. ફિલ્મ અભિનેત્રીઓની વાતો કરે છે. તમે તે ફિલ્મ જોવા પ્રેરાઓ છો. તમે ફિલ્મ જોયા પછી બીજાઓને વાત કરો છો અને ફિલ્મ જોવાનું બીજ બીજાના મનમાં વાવો છો. વળી એક જોયા પછી બીજી ત્રીજી આમ વારંવાર ફિલ્મો જોવાનું ભૂત સવાર થઈ જાય છે. પછી તો તમો રૂપિયા ખર્ચીને બદલામાં લાવો છો વાસનાઓનું તાંડવ, અશ્વિલ કલ્પનાઓનાં વાસનામય ચિત્રો, ગંદાં ગીતો, રોમાન્ટિક ભાવનાઓ, કુચેષ્ટાઓ ભરેલી આદતો. આની સાથે આંખોને નુકસાન થાય છે તે તો અલગ, ખાનગી રીતે વાસનાપૂર્તિના વિવિધ ઉપાયો વિચારો છો અને અંતે રોગગ્રસ્ત બની મૃત્યુને આમંત્રો છો.
લગ્નો, ખોટી મોટાઈ, ધનવાન પડોશીની હરીફાઈ, મોજમજા, યાત્રા, ઉત્સવ, દાન વગેરેમાં તમો એટલું બધું ખર્ચ કરી નાખો છો કે કેટલાય મહિના સુધી તમે બે પાસાં બરોબર કરી શકતાં નથી. દાગીના, સાડી અથવા અન્ય કોઈ વસ્તુ માટે પત્નીએ જીદ કરી તો તેને ખુશ કરવા પૈસાનો વિચાર કર્યા વિના તરત જ માગેલી વસ્તુ ખરીદી લો છો.
તમો રોજના કમાઓ છો. ૩૦ થી ૩૫ રૂપિયા અને ભોજન, વસ્ત્ર અથવા મકાન વગેરે ખૂબ સારું રાખવા ઇચ્છો છો. વિવિધ પ્રકારની ફેશન કરવામાં પાછા પડતા નથી. આરામ અને ભોગ – વિલાસની વસ્તુઓ -ક્રીમ, પાઉડર, સેવિંગ, સિનેમા, રેશમી વસ્ત્રો, સૂટ – બૂટ, સુગંધી તેલ, સિગારેટ, નાસ્તા પાણી વગેરે પણ ઓછું કરવાનું ઇચ્છતા નથી. પછી તમે જ કહો, શું કામ દેવાદાર ન બનીએ ?
તમારો ધોબી તમારી પાસેથી મહિને ૫૦ રૂપિયા લઈ જાય છે. તમે બે દિવસ માટે પણ એક જ ધોયેલું પહેરણ પહેરતાં શરમાઓ છો. પેન્ટની ક્રિજ, રંગ વગેરે એક દિવસમાં બગાડી નાખો છો, દર અઠવાડિયે હેઅર કટિંગ માટે જાઓ છો, દરરોજ બૂટપોલિશ કરાવો છો. વીજળીના પંખા અને રેડિયા વગર તો એક દિવસ પણ ચાલતું નથી. પૈસા છે નહિ છતાં તમે છાપું ખરીદો છો. મિત્રોને ઘેર બોલાવીને કંઈકને કંઈ ખવડાવો છો. બસ, રીક્ષા, ટ્રેઈન, સાઈકલ વગેરેમાં તમારા ઘણા બધા પૈસા ખર્ચાઈ જાય છે.
ત્રણ બાબતો એવી છે કે જેણે બધા માણસોને ગરીબ અને દેવાદાર બનાવી દીધા છે. આ ત્રણમાં જે ફસાઈ જાય છે તે ક્યારેય બચી શકતો નથી. આ ત્રણ છે નશાબાજી, વ્યભિચાર અને મુકદમાબાજી. સાવધાન !!!
જેમ જેમ તમારી જરૂરિયાતો વધશે તેમ તેમ તમને ખર્ચની તંગીનો અનુભવ થશે. આજકાલ તો કૃત્રિમ જરૂરિયાતોની બોલબાલા છે. એશ આરામ, ખોટો દેખાવ, ખોટું અભિમાન, ભોગ-વિલાસ, મોજશોખ, ખેલ, તમાશા, ફેશન, માદક દ્રવ્યો વગેરે બિનજરૂરી વસ્તુઓ ઉપર મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ બધી ઘડીભર આનંદ આપનારી વસ્તુઓ છે. કૃત્રિમ જરૂરિયાતો આપણને ગુલામ બનાવે છે. આના કારણે જ આપણે તંગી અને મોંઘવારીનો અનુભવ કરીએ છીએ. કૃત્રિમ જરૂરિયાતોમાં આપણે ઘણું બધું ધન વાપરી નાખીએ છીએ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ખૂબ જ જરૂરી પદાર્થો માટે ખર્ચવામાં આપણને મોંઘવારી જણાય છે. સાધારણ, સરળ તથા સ્વાસ્થ્ય સભર જીવન માટેની વસ્તુઓ અન્ન, વસ્ત્ર, મકાન વગેરે સામાન્ય સ્તરનાં પણ હોય છે. આરામથી આપ ગુજારો કરી શકો છો. આથી જેમ જેમ જીવન જરૂરી વસ્તુઓની કિંમત વધે છે, તેમ તેમ તમારે વિલાસિતા તથા મોજશોખની વસ્તુઓ ત્યાગતા રહેવું જોઈએ. તમારી નજર માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ તરફ મંડાયેલી રહેવી જોઈએ. આ વસ્તુઓ મોંઘી મળે તો પણ ખરીદો, પણ વિલાસિતા અને બિનજરૂરી ખર્ચથી બચતા રહો. બનાવટી, બીજાઓને ભ્રમમાં નાખવા માટે અથવા આકર્ષણમાં ફસાવવા માટે જે માયાચાર ચાલી રહ્યો છે, તેને છોડી દો. ભડકીલા પોશાકના દંભમાંથી બહાર આવીને સાદો અને સસ્તો પોશાક અપનાવી સર્જન કહેવડાવો.
તમને પ્રશ્ન થશે કે જરૂરિયાતો, આરામની વસ્તુઓ તથા ભોગ વિલાસની વસ્તુઓમાં શું તફાવત છે ? સૌથી કોઈ કીમતી વસ્તુ હોય તો તે મનુષ્યનું શરીર. શરીરમાં તેનું સમગ્ર કુટુંબ પણ આવી જાય છે. તે પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેની ચિંતામાં રહે. ઉપભોગના જરૂરી પદાર્થો એ છે, જે શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય, આ જ મનુષ્ય માટે ખૂબ મહત્વનું છે.
જીવન રક્ષક વસ્તુઓમાં ત્રણ વસ્તુઓ મુખ્ય સ્થાને છે – (૧) ભોજન, (૨) વસ્ત્ર, (૩) મકાન, ભોજન મળે શરીર ટકાવવા માટે, શરીર ઢાંકવા માટે વસ્ત્ર મળે અને શર્દી – ગરમી અને વરસાદથી બચવા માટે મકાન હોય. આ વસ્તુઓ ઠીક હોય તો ગુજારો ચાલ્યા કરે અને શરીરનો નિર્વાહ પણ ચાલે જીવન જીવવા માટે આ વસ્તુઓ અનિવાર્ય છે.
જો આ વસ્તુઓનું સ્તર સારું હશે તો શરીરના રક્ષણની સાથે સાથે નિપુણતા પણ પ્રાપ્ત થશે. કાર્યશક્તિ, સ્ફૂર્તિ, બળ તથા ઉત્સાહમાં વધારો થશે. શરીર નીરોગી રહેશે તથા મનુષ્ય તંદુરસ્ત રહી લાંબું આયુષ્ય ભોગવશે. આ નિપુણતા બક્ષનાર પદાર્થો ક્યા ક્યા છે ? સ્વચ્છ અને પૌષ્ટિક ભોજનમાં અન્ન, ફળફળાદિ, દૂધ, શાકભાજી, ઘી વગેરે પૂરતા પ્રમાણમાં હોય, શર્દીમાં રક્ષણ કરી શકે તેવાં ટકાઉ વસ્ત્રો અને હવા – ઉજાસવાળું મકાન.
શરીર રક્ષણ માટે પૂરતા પ્રમાણમાં જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી ખરીદી શકાય તેટલી તમારી જો આવક હોય, તો આરામની વસ્તુઓ પણ વસાવો. આનાથી તમારી કાર્ય કુશળતામાં વધારો થશે, પણ બિન જરૂરી વસ્તુઓ ક્યારેય ખરીદશો નહિ.
પ્રતિભાવો