ધન પ્રત્યે યોગ્ય દૃષ્ટિકોણ રાખો | | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 29, 2022 Leave a comment
ધન પ્રત્યે યોગ્ય દૃષ્ટિકોણ રાખો
ભ્રમના કારણે આપણે પૈસાને જ ધન સમજી બેઠાં, સ્થાવર સંપત્તિને આપણે ધન નામ આપ્યું, પરિણામે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ – આનંદનો સ્રોત આ જડ સ્થાવર અને જંગમ મિલકતના રૂપમાં સામે આવ્યો, આપણો પ્રવાહ ખોટા માર્ગે વહેવા લાગ્યો.
આપણા શ્વાસોચ્છવાસની કેટલીક પ્રક્રિયાઓની તુલના અથવા મૂલ્યાંકન શું ત્રિલોકની સંપૂર્ણ સંપત્તિ સાથે કરી શકાય ? વિશ્વના ધનનો તમામ ખજાનો જીવનરૂપી ધનની ચરણરજ કરતાં પણ અલ્પ છે. સાચું ધન આપણું સ્વાસ્થ્ય છે. વિશ્વની સંપૂર્ણ ઉપલબ્ધ સામગ્રીનું અસ્તિત્વ જીવનરૂપી ધનની શક્તિ ઉપર જ અવલંબિત છે. મનુષ્ય અપ્રાપ્ય વસ્તુઓ માટે ચિંતિત છે, જ્યારે પ્રાપ્ય વસ્તુ માટે ઉદાસીન છે. આપણી પાસે જે કંઈ છે તેનો આનંદ લઈ આપણે સુખ મેળવી શકતા નથી, પરંતુ શું નથી તેના માટે ચિંતિત છીએ, દુઃખી છીએ, પરેશાન છીએ. માનવ સ્વભાવની અનેક દુર્બળતાઓમાં મળેલી વસ્તુઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવો તે સહજ સ્વભાવ બની ગયો છે.
મનુષ્યે આદિકાળથી જ મગજનું દેવાળું કાઢેલું છે. એક વખત એક હૃષ્ટપુષ્ટ ભિખારી એક જ્ઞાની ગૃહસ્થને દરવાજે જઈ પોતાની ગરીબાઈનું વર્ણન કરીને ભીખ માગી રહ્યો હતો. સદ્ગૃહસ્થ તેની અપૂર્ણતાનું જોરદાર શબ્દોમાં વર્ણન સાંભળી રહ્યો હતો. સાંભળતાં એવું લાગ્યું કે તે દુનિયાનો મહાન ભિખારી છે. આના માટે તે વિશ્વ નિર્માતા ઈશ્વરને દોષિત ઠરાવી રહ્યો હતો. એટલામાં પેલો જ્ઞાની ગૃહસ્થ બહાર આવ્યો. જોયું તો તે શરીરમાં પહેલવાન જેવો જણાયો. તેણે પેલાં ભિખારીને કહ્યું – “ ભાઈ ! મારા નાના ભાઈ માટે આંખની કીકીની જરૂર છે. હું તને રૂા. ૧૦૦/ – આપું. તું મને એક આંખની કીકી કાઢી આપ, ” ભિક્ષુકે કહ્યું કે, “ ૧૦૦ તો શું પણ રૂા. દસ હજાર આપે તોય હું આપવા તૈયાર નથી. ” થોડી વાર પછી પેલાં ગૃહસ્થે ફરીથી કહ્યું, “ મારા પુત્રનો મોટર દુર્ઘટનામાં પગ તૂટી ગયો છે. આથી તમો દસ હજાર રૂપિયા રોકડા લઈને દવાખાને આવી તમારો એક પગ કાપી આપો તો તમારી ખૂબ મહેરબાની થશે. ” આ સાંભળીને ભિક્ષુક ખૂબ જ ક્રોધિત થયો અને બોલ્યો, ‘ દસ હજાર તો શું પણ દસ લાખ રૂપિયા આપે તોય હું મારા બહુમૂલ્ય અવયવો કાપીને આપું નહિ. ” આટલું કહી ગુસ્સે થઈ ચાલવા લાગ્યો. પેલા જ્ઞાનીએ ગંભીરતાથી અટકાવીને કહ્યું, “ ભાઈ ! તું તો ખૂબ જ ધનવાન છે, જ્યારે તારા ફક્ત બે અવયવોનું મૂલ્ય જ ૫૦ લાખ રૂપિયા થાય છે, તો ભલા સંપૂર્ણ શરીરનું મૂલ્ય તો અબજો રૂપિયા થશે. તું તો તારી કંગાલિતનો ઢંઢેરો પીટી રહ્યો છે અને લાખોને ઠોકર મારે છે. ” આ દૃષ્ટાંત બતાવે છે કે ખરેખર જીવન ધન અમૂલ્ય છે.
આપણે આપણો દૃષ્ટિકોણ ઠીક કરીએ. માટીના ઢગલાને, જડ વસ્તુઓને ધનની ઉપમા આપી તેની રક્ષા માટે સંતરીઓની ફોજ ઊભી કરી, વિશાળ તિજોરીઓની અંદર બંધ કરી દીધું. કોઈ પણ કિંમતના ભોગે ચોર – લૂંટારાઓથી તેને બચાવ્યું. પરંતુ દરરોજ નાશ પામનાર, આપણી પ્રત્યેક ક્રિયાઓ દ્વારા ઘસાઈ – ઘસાઈને નાશ પામનાર આ જીવનનો દીપ, વગર તેલે બુઝાઈ જશે. “ નિર્વાણ દીપે કિમ તૈલ્ય દાનમ” પછી શું થવાનું છે, જ્યારે દીપક હોલવાઈ જશે. આપણી આળસ અને કામચોરી જ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેનાથી આ જીવન ધનનું રક્ષણ કરવું પડશે. વ્યસન, વ્યભિચાર, અસંયમ વગેરે ડાકુઓ આપણને ન લૂંટી જાય તેનું ધ્યાન રાખવું પડશે. સતર્કતા સાથે જાગતા રહેવું પડશે, માંદગીના બિછાને પડેલા રોમના છેલ્લા સમ્રાટને રાજવૈદે સૂચના આપી કે તેઓ હવે થોડી ઘડીના મહેમાન છે, ત્યારે રોમની મહારાણી અને પાસે ઊભેલા મંત્રીઓએ રાજવૈદ્યને કરગરીને કહ્યું, “ જો તમે એમને બે કલાક સુધી જીવિત રાખી શકતા હો તો તમને રોમન સામ્રાજયના ખજાનાનો અડધો ભાગ ભેટ તરીકે આપીશું.” રાજવૈદે જવાબ આપ્યો, “ત્રિલોકની સંપૂર્ણ રાજ્યલક્ષ્મી પણ સમ્રાટને નિશ્ચિત સમય કરતાં એક શ્વાસ લેવા જેટલો સમય પણ જીવિત રાખવા માટે અસમર્થ છે.” શું આપણી આંખો ફૂટી ગઈ છે ? શું ઉપરના ઉદાહરણથી સ્પષ્ટ નથી થતું કે જીવન ધન અમૂલ્ય છે ? ખૂબ કીમતી છે ? શું તે અખિલ બ્રહ્માંડની કોઈપણ વસ્તુ કરતાં વધારે મહાન નથી ?
ધનનું સાચું સ્વરૂપ
ધનનો સંગ્રહ તેના સદુપયોગ માટે કરવો જોઈએ. સુખ અને સંતોષ અપાવે તેનાં કાર્યોમાં વાપરવું જોઈએ. પરંતુ સંગ્રહ કરવાની લાલસા તૃષ્ણાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તથા વ્યક્તિ ધર્મ – અધર્મ, નીતિ – અનીતિ વગેરેનો ખ્યાલ કર્યા વિના કરાય છે અને તેવાં જ કાર્યોમાં ખર્ચે છે. જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે ત્યારે તે ધન ધૂળ બરાબર બની જાય છે. શક્ય એ કે કોઈક માણસ ધનવાન બની જાય, પણ તેનામાં માનવીય ગુણોનો વિકાસ થયો ન હોય તથા તેનું ચરિત્ર અત્યાચારી, બેઈમાન તથા લંપટ વ્યક્તિ જેવું હોય ; જો ધનના સંગ્રહની સાથે સાથે તેનામાં સદ્વૃત્તિઓનો વિકાસ ન થયો હોય તો સમજી લેવું કે જમા કરેલું ધન બેકાર છે, વ્યર્થ છે. એવા ધનને આપણે સાધન સમજવાને બદલે સાધ્ય સમજી બેઠાં છીએ. ધનનો ગુણ છે ઉદારતા વધારવી, હ્રદયને વિશાળ બનાવવું. કંજૂસાઈ અને બેઈમાની જેની સાથે જોડાયેલી હોય, તે કમાણી આખરે દુ:ખદાયક જ સાબિત થશે.
જેમનું હૃદય દુર્ભાવનાઓથી કલુષિત થઈ રહ્યું હોય, એવા લોકો કંજૂસાઈ કરીને થોડુંક ધન મેળવી પણ લે, તો તે તેના માટે સુખદાયક નીવડતું નથી, પરંતુ કષ્ટદાયક જ સાબિત થશે. એવા ધનવાનોને તો ભિખારી જ કહેવા જોઈએ, કારણ પૈસાથી જે શારીરિક અને માનસિક સગવડો મેળવી શકાય છે, તે તેઓ મેળવી શકતા નથી. ઉપરથી ધનના ચોકીદાર બનીને તેની રખેવાળીમાં રાતદિવસ ઊંઘતા નથી. જે આદમી પોતાના આરામ માટે, સ્ત્રીના સ્વાસ્થ્ય માટે, બાળકોના શિક્ષણ માટે એક દમડી પણ ખર્ચવા તૈયાર નથી, એવાને કોણ ધનવાન કહેશે ? બીજાઓનાં દુ:ખોને પથ્થરની જેમ જડ બનીને જોતો રહે છે, પણ સારાં કાર્યોમાં એક પણ પૈસો ખર્ચતાં જેનો પ્રાણ નીકળતો હોય એવા અભાગિયા, મખ્ખીચૂસને ધનવાન કહી શકાય નહિ. એવા લોકો પાસે ખૂબ જ સીમિત માત્રામાં પૈસાનો સંગ્રહ થતો હોય છે. કારણ કે આવા લોકો પૈસા દ્વારા ફક્ત વ્યાજ કમાવાની હિંમત કરી શકતા હોય છે. જે ધંધામાંથી વધુ પૈસા કમાઈ શકાય, તેવા ધંધામાં જોખમ પણ એટલું જ રહેલું છે. કંજૂસ ડરે છે, કારણ કે કદાચ તેના પૈસા ડૂબી ન જાય, આથી તે છાતીથી અળગા કરી શકતો નથી અને કોઈ ધંધામાં રોકી શકતો નથી. આથી કોઈ પણ કંજૂસ સ્વભાવની વ્યક્તિ ઘણો મોટો ધનવાન બની શકતી નથી.
તૃષ્ણાનો ક્યારેય અંત આવતો નથી. વાસના છાયા સમાન છે. જેને આજ સુધી કોઈ પકડી શક્યું નથી. મનુષ્ય જીવનનો ઉદ્દેશ માત્ર પૈસા એકત્ર કરવાનો જ નથી, પણ તેનાથી કંઈક વિશેષ છે. પોમ્પાઈ નગરનાં ખંડેરો ખોદતાં એક હાડપિંજર મળ્યું. આ હાડપિંજર એવું હતું કે જેના હાથમાં સોનાની એક ઈંટ પકડેલી હતી. આના ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે, તેના મૃત્યુ વખતે તેણે તેના જીવ કરતાં સોનાની ચિંતા વધુ કરી હશે. એક જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું, ત્યારે બધા જ લોકો નાવમાં બેસીને નાસ – ભાગ કરી રહ્યા હતા, પરંતુ એક વ્યક્તિ જહાજના ખજાનામાંથી ધન ચોરતો હતો. સાથીઓએ કહ્યું, “ ચાલો, દોડી જાઓ, નહિ તો ડૂબી જઈશું. પરંતુ પેલો આદમી પોતાની ધૂનમાં જ હતો અને જહાજની સાથે જ ડૂબી ગયો. એક કંજૂસ આદમીને ભગવાન શિવે પ્રસન્ન થઈને એક એવી થેલી આપી કે જેમાંથી વારંવાર લેવા છતાં એક રૂપિયો કાયમ રહેતો. ભગવાન શંકરે થેલી આપતી વખતે એવું પણ વરદાન આપ્યું હતું કે, જ્યાં સુધી આ થેલીનો નાશ ન કરે ત્યાં સુધી ખર્ચ કરવાની શરૂઆત કરતો નહિ. પેલો ગરીબ આદમી એક એક કરીને થેલીમાંથી રૂપિયા કાઢતો જ રહ્યો. જેમ જેમ કાઢતો ગયો, તેમ તેમ તેની તૃષ્ણા વધતી જ ગઈ. તે આખો દિવસ કાઢતો જ રહ્યો, અને અંતે કાઢતા કાઢતાં જ તેના રામ રમી ગયા.
એકવાર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને એક ભિખારીને કહ્યું કે, તારે જેટલું સોનું જોઈએ તેટલું લઈ લે, પણ તે જમીન ઉપર પડવું જોઈએ નહિ. જો પડ્યું તો માટી થઈ જશે. ભિખારી તેની ઝોળીમાં સોનું ભરવા લાગ્યો. તેણે એટલું બધું સોનું ભરી લીધું કે ઝોળી ફાટી ગઈ સોનું નીચે પડ્યું અને માટી બની ગયું. મહંમદ ઘોરી જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે લૂંટેલો તમામ ખજાનો પોતાની નજર સમક્ષ મૂકાવ્યો. તે આંખો ફાડી – ફાડીને તેની સામે જોઈ રહ્યો હતો અને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેતી હતી. તૃષ્ણામાં ફસાયેલો કંજૂસ માણસ ભિખારીથી જરાય ઊતરતો નથી. પછી ભલે ને તેની તિજોરી સોનાથી ભરેલી હોય ! આત્માના દિવ્ય ગુણોનો વિકાસ કરવો તે જ સાચી દોલત છે. ખરું માનો તો હ્રદયની સદ્પ્રવૃત્તિઓ સિવાય બીજે ક્યાંય સુખ શાંતિ નથી. માયાના આવરણ હેઠળ ભલે ને આપણે બાહ્ય દુનિયામાં સુખ શોધતા ફરીએ. એ પણ સાચું છે કે કેટલાક હરામખોર અને કામચોર માણસો અનાયાસ ધનવાન બની જાય છે, પણ વાસ્તવમાં તેઓ ધનપતિ નથી. ખરું પૂછો તો તેઓ વધુ ગરીબ છે અને ગરીબાઈ ભોગવી રહ્યા છે. તેમનું ધન બેકાર છે, એટલું જ નહિ તે અસ્થિર છે અને મોટે ભાગે તે તેમના માટે દુઃખદાયક છે. દુર્ગુણી ધનવાન એ ધનવાન નથી પણ એક ભિક્ષુક છે. અંત સમય સુધી જે ધનવાન રહે છે તેને લોકો ભાગ્યવાન માને છે, પણ મારો મત છે કે તે અભાગિયો છે, કારણ કે આવતા જન્મે તે તેના પાપોનું ફળ તો ભોગવશે જ, પરંતુ ધનને તો ન ભોગવી શક્યો કે ન સાથે લઈ જઈ શક્યો. જેના હ્રદયમાં સદ્વૃત્તિઓનો નિવાસ છે તે જ સાચો ધનવાન છે, પછી ભલેને બહારથી તે ગરીબીમાં જીવન જીવતો હોય. સદ્ગુણી ચોક્કસ સુખી થાય છે. સમૃદ્ધિ તેના સ્વાગત માટે દરવાજો ખોલીને ઊભી છે. જો તમો સ્થાયી રહેનાર સંપત્તિ ઇચ્છતા હો તો ધર્માત્મા બનો. લાલચમાં સપડાઈને વધુ પૈસા ભેગાં કરવા, કુકર્મો કરવા એ તો કંગાલિયતપણું છે. સાવધાન રહો, ક્યાંક લાલચમાં ફસાઈને સોનું કમાવા તો જાઓ, પણ બદલામાં માટી હાથમાં ન આવે !
એડીસને એક જગ્યાએ લખ્યું છે કે, દેવતા લોકો જ્યારે મનુષ્ય જાતિ પર કોઈ ખોટી ક્ર્રુપા કરે છે ત્યારે તેઓ તોફાન અને દુર્ઘટનાઓ પેદા કરે છે. આવું એટલાં માટે કરે છે કે, માણસમાં સુષુપ્તાવસ્થામાં રહેલું તેનું પુરુષત્વ પ્રગટીને બહાર આવે અને વિકાસની તક પ્રાપ્ત થાય, પથ્થર જ્યાં સુધી છીણી અને હથોડાના ઘા સહન ન કરે, ત્યાં સુધી તે મૂર્તિ બની શકતો નથી. એડમંડ બર્ક કહે છે કે, મુશ્કેલીઓ વ્યાયામ શાળાના એ ઉસ્તાદનું નામ છે, જે પોતાના શિષ્યોને પહેલવાન બનાવવા માટે તેમની સાથે જાતે લડે છે અને એમને પટકી પટકીને એવા તો મજબૂત બનાવી દે છે કે તેઓ બીજા પહેલવાનને હરાવી શકે. જહોન બાનથન ઈશ્વરને હંમેશાં પ્રાર્થના કરતો, “હે પ્રભુ ! મને વધુ દુઃખ આપ, જેથી હું અધિક સુખ ભોગવી શકું.
જે વૃક્ષો પથ્થર અને કઠોર – ખડકાળ જમીનમાં ઊગે છે અને જીવિત રહેવા માટે ટાઢ, તડકો, તોફાન વગેરેની સાથે સદા યુદ્ધ કરતાં રહે છે, તે વધારે મજબૂત અને વધારે દીર્ઘજીવી જોવા મળ્યાં છે. જેમને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો, તેઓ જીવનભર કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરી શકતાં નથી. એક તત્વજ્ઞાની કહ્યા કરતો હતો કે મહાપુરુષ દુ:ખોના પારણામાં ઝૂલે છે તથા મુશ્કેલીઓનું ઓશીકું બનાવે છે. આપત્તિની આગ આપણાં હાડકાંને પોલાદ જેવાં બનાવી દે છે. એકવાર એક યુવકે એક અધ્યાપકને પૂછયું, “ શું હું એક દિવસ પ્રખ્યાત ચિત્રકાર બની શકું ? ” શિક્ષકે કહ્યું, “ નહિ. આ સાંભળીને પેલાં યુવકે આશ્ચર્યથી પૂછ્યું, “ કેમ ? ” શિક્ષકે જવાબ આપ્યો, ‘ તું એટલાં માટે મહાન ચિત્રકાર નહિ બને કે તારી પૈતૃક મિલકતમાંથી તને ઘેર બેઠાં બેઠાં એક હજાર રૂપિયા માસિક મળી જાય છે. ” પૈસાના પ્રકાશમાં માણસ અંજાઈ જાય છે. પોતાનો કર્તવ્ય પથ દેખાતો નથી. તે રસ્તો ભૂલીને ક્યાંય જવાના બદલે ક્યાંય જતો રહે છે. લોખંડને વારંવાર ગરમ કરીને કીમતી ઓજારો બનાવી શકાય છે. હથિયાર તીક્ષ્ણ ધારદાર ત્યારે જ થાય છે, જ્યારે તેને વારંવાર પથ્થર ઉપર ખૂબ ઘસવામાં આવે છે. પહેલ પાડ્યા વગર હીરામાં ચમક આવતી નથી. ચુંબકીય પથ્થરને ખૂબ રગડવામાં ન આવે તો તેમાં છૂપાયેલો અગ્નિ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહે છે. પરમાત્માએ મનુષ્ય જાતિને ઘણી બધી અમૂલ્ય વસ્તુઓ આપી છે. આમાં મહત્ત્વની છે ગરીબાઈ, કઠણાઈ, આપત્તિ તથા અગવડો. કેમ કે એમના દ્વારા જ મનુષ્યને પોતાના સર્વોત્તમ ગુણોનો વિકાસ કરવાની યોગ્ય તક મળે છે. કદાચ ભગવાને દરેક વ્યક્તિનાં બધાં જ કામ સરળ કરી દીધાં હોત તો ચોક્કસ આપણે સૌ આળસુ બનીને ક્યારનાય નાશ પામી ચૂક્યા હોત.
જો આપે બેઈમાની કરીને લાખો રૂપિયા ભેગા કરી નાખ્યા તો શું તે ખૂબ મોટું કામ કરી લીધું ? દીન-દુ:ખીઓનું લોહી ચૂસીને આપે મોટી ફાંદ વધારી દીધી તો શું મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી ? આપના અમીર બનવાથી બીજાં અનેક ગરીબ બની રહ્યાં હોય, આપના વેપારથી બીજાઓનું જીવન પતિત થઈ રહ્યું હોય, અનેકોની સુખ શાંતિ નષ્ટ થઈ રહી હોય, તો એવી અમીરી પર શરમ છે શરમ ! યાદ રાખજો ! એક દિવસ તમને પૂછવામાં આવશે કે ધન કેવી રીતે મેળવ્યું અને તેનો ખર્ચ કેવી રીતે કર્યો. યાદ રાખજો, એક દિવસ ન્યાયના ત્રાજવે તમને તોળવામાં આવશે. ત્યારે તમારે તમારી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. જે વખતે તમને સાચી પરિસ્થિતિનું ભાન થશે.
તમને નવાઈ લાગશે કે શું વગર પૈસે પણ કોઈ ધનવાન બની શકે છે ? પરંતુ સત્યને સમજો, આ સંસારમાં એવા અનેક માણસો છે, જેમના ગજવામાં એક પણ પૈસો નથી, અરે, જેમને ગજવું પણ નથી, છતાં તેઓ એટલાં મોટા ધનવાન છે કે એમની બરોબરી બીજો કોઈ કરી શકે નહિ, જેનું શરીર સ્વસ્થ છે, ઉદાર હૃદય સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને પવિત્ર મનની કિંમત રત્નો કરતાં પણ વધુ છે. લોર્ડ કાલિંગ ઉડ કહેતા, “ બીજાઓને ધનના ઉપર મરવા દો, હું તો વગર પૈસાનો અમીર છું, કારણ કે હું જે કંઈ કમાઉ છું, નેકીથી કમાઉ છું. ” સીસરોએ કહ્યું છે, “ મારી પાસે થોડા ઈમાનદારીથી કમાયેલા પૈસા છે, પરંતુ તે મને કરોડપતિ કરતાં વધુ આનંદ આપે છે.”
દધીચિ, વશિષ્ઠ, વ્યાસ, વાલ્મીકિ, તુલસીદાસ, સૂરદાસ, રામદાસ, કબીર વગેરે પૈસાના ધનવાનો હતા. તેઓ જાણતા હતા કે માનવીનો બધો જ ખોરાક મુખ વડે જ અંદર જતો નથી અને નથી તો જીવનને આનંદ આપનારી તમામ વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી. ભગવાને જીવનરૂપી પુસ્તકના પ્રત્યેક પાના ઉપર અમૂલ્ય રહસ્યોને અંકિત કરી રાખ્યાં છે. જો આપણે ઇચ્છીએ તો તેને ઓળખીને જીવનને પ્રકાશપૂર્ણ બનાવી શકીએ છીએ. એક વિશાળ હૃદય અને ઉચ્ચ આત્માવાળો મનુષ્ય ઝૂંપડીમાં પણ રત્ન જેવો ઝગમગાટ પેદા કરશે. જે સદાચારી છે અને પરોપકારમાં પ્રવૃત્ત છે, તે આ લોકમાં અને પરલોકમાં પણ ધનવાન છે. પછી ભલેને તેની પાસે દ્રવ્યનો અભાવ હોય. જો તમે વિનયશીલ, પ્રેમી, નિ:સ્વાર્થ તથા પવિત્ર હો તો વિશ્વાસ કરો કે તમે અનંત ધનના સ્વામી છો.
જેની પાસે પૈસા નથી તે ગરીબ કહેવાશે, પરંતુ જેની પાસે ફક્ત પૈસા છે તે એનાથી વધારે કંગાળ છે. શું તમો સદ્બુદ્ધિ તથા સદ્ગુણોને ધન નથી માનતા ? અષ્ટાવક્ર આઠ જગ્યાએથી વાંકા હતા તથા ગરીબ હતા, પરંતુ જ્યારે જનકની સભામાં જઈને પોતાના ગુણોનો પરિચય આપ્યો તો રાજા જનક એમના શિષ્ય બની ગયા. દ્રોણાચાર્ય જ્યારે ધૃતરાષ્ટ્રના દરબારમાં પહોંચ્યા, તો એ વખતે તેમના શરીર પર કપડાં પણ ન હતાં. પરંતુ એમના ગુણોએ એમને રાજકુમારોના ગુરુનું સન્માનપૂર્ણ પદ અપાવ્યું. મહાત્મા ડાયોજનિજની પાસે જઈને વિશ્વ વિજેતા સિકંદરે વિનંતી કરી, “ મહાત્મન્ આપના માટે કઈ વસ્તુ લાવું ? જવાબ આપ્યો, “ તડકો આવવા દે અને એક બાજુ ઊભો રહે, “ તે વસ્તુ તું ન છીનવી લે, જે તું મારા માટે લાવી શકતો નથી. ” આ સાંભળી સિંકદરે કહ્યું, “જો હું સિકંદર ન હોત તો ડાયોજનીજ થવાનું જ પસંદ કરત.”
ગુરુ ગોવિંદસિંહ, વીર હકીકતરાય, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ વગેરેએ ધન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું ન હતું. માનનીય ગોખલેજીને એક સંપન્ન વ્યક્તિએ પૂછયું, “ આપ એટલાં મહાન રાજનીતિજ્ઞ હોવા છતાં ગરીબીનું જીવન કેમ જીવો છો ? ” જવાબ આપ્યો, “ મારા માટે આટલું ઘણું છે. પૈસા ભેગાં કરવા માટે જીવન જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુનો મોટો ભાગ નષ્ટ કરી દેવો તેમાં મને બુદ્ધિમત્તા લાગતી નથી.”
તત્ત્વજ્ઞાનીઓનું કહેવું છે કે, “હે ઐશ્વર્યની ઇચ્છા કરનારાઓ ! તમારા તુચ્છ સ્વાર્થને જીર્ણ થયેલા અને જૂના ફાટેલા ઝભ્ભાની જેમ ઉતારીને ફેંકી દો, પ્રેમ અને પવિત્રતાનાં નવાં વસ્ત્રો ધારણ કરી લો. રોવું, કૂટવું, ગભરાવું, નિરાશ થવું વગેરે છોડી દો, પ્રચુર સંપત્તિ તમારી અંદર જ ભરેલી છે. ધનવાન બનવું હોય તો તેની ચાવી બહાર નહિ પણ અંદર શોધો. ધન બીજું કશું જ નથી, સદ્ગુણોનું નાનકડું પ્રદર્શન છે. લાલચ, ક્રોધ, ઘૃણા, દ્વેષ, છળ કપટ તથા ઈન્દ્રિય – લિપ્સાને છોડી દો. પ્રેમ, પવિત્રતા, સજ્જનતા, નમ્રતા, દયાળતા, ધૈર્ય તથા પ્રસન્નતા વડે તમારા મનને ભરી દો. બસ, પછી તો ગરીબાઈ તમારા દરવાજેથી સદાયના માટે પલાયન થઈ જશે. નિર્બળતા અને દીનતાનાં દર્શન નહિ થાય. અંદરથી એક એવી અગમ્ય તથા સર્વ વિજયી શક્તિનો આવિર્ભાવ થશે કે, જેનો વિશાળ વૈભવ દૂરદૂર સુધી પ્રકાશિત થઈ જશે.
પ્રતિભાવો