ઈમાનદારીની કમાણી જ સ્થિર રહે છે | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 29, 2022 Leave a comment
ઈમાનદારીની કમાણી જ સ્થિર રહે છે
જે માણસ ધનની બાબતમાં અધ્યાત્મવેત્તાઓનો દૃષ્ટિકોણ સમજી લે છે, તે તેને ક્યારેય સર્વોપરી ગણશે નહિ. આનો અર્થ એ નથી કે તે સંસારનો ત્યાગ કરી દે અથવા ગરીબી અને દરિદ્રતાનું જીવન વિતાવે. મારો કહેવાનો અર્થ તો એટલો જ છે કે ધન માટે નીતિ તથા ન્યાયના નિયમોની અવગણના કદાપિ ન કરો અને જ્યાં ધર્મ તથા અધર્મ, સત્ય તથા અસત્યનો પ્રશ્ન પેદા થાય ત્યારે ત્યાં હંમેશાં ધર્મ તથા સત્યનો પક્ષ ગ્રહણ કરો, પછી ભલેને ધન લાભ થાય કે ધન – હાનિ, ધન કમાઓ અને તેનો ઉચિત ઉપભોગ પણ કરો, પણ પૂરી ઈમાનદારીપૂર્વક.
ધન નદી સમાન છે. નદી હંમેશાં સમુદ્રની તરફ અર્થાત્ નીચેની તરફ વહે છે. એ જ રીતે ધનને પણ જ્યાં જરૂરી છે, ત્યાં જ જવું જોઈએ. પરંતુ જેમ નદીની ગતિ બદલાઈ શકે છે તેમ ધનની ગતિમાં પણ પરિવર્તન થઈ શકે છે. કેટલીયે નદીઓ આમથી તેમ વહેતી હોય છે અને પરિણામે તેની આસપાસ પાણી ભરાઈ રહે છે જે ઝેરી હવા પેદા કરે છે. આ જ નદીમાં બંધ બાંધીને જ્યાં જરૂર હોય. ત્યાં પાણી લઈ જવાથી જમીનને ઉપજાઉ અને આજુબાજુની હવાને ઉત્તમ બનાવે છે. એ જ રીતે ધનનો ગમે તેમ ઉપયોગ કરવાથી ખરાબી વધે છે, ગરીબી વધે છે. સારાંશ એ જ કે એ ધન વિષ સમાન થઈ જાય છે. પરંતુ એ જ ધનનો ઉપયોગ નિશ્ચિત કરી દેવામાં આવે, તેનો નિયમપૂર્વક વ્યવહાર કરવામાં આવે, તો બંધ બાંધેલી નદીની જેમ સુખદાયક બની શકે છે.
અર્થશાસ્ત્રીઓ ધનની ગતિના નિયંત્રણના નિયમોને ભૂલી જાય છે. તેમનું શાસ્ત્ર ફક્ત ધન ભેગું કરવાનું શાસ્ત્ર, પરંતુ ધન તો ઘણી બધી રીતે મેળવી શકાય છે. એક સમય એવો હતો, જ્યારે યુરોપમાં ધનિકોને ઝેર આપીને તેમના ધનના પોતે માલિક બની જતા હતા. આજકાલ ગરીબ લોકો માટે જે ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે. એમાં વેપારી લોકો ભેળસેળ કરે છે. જેમ કે કાળામરીમાં, પપૈયાના બી, ધાણા – જીરૂમાં લાકડાનો વેર, દૂધમાં પાણી, માખણમાં ચરબી વગેરે. આ ભેળસેળ પણ ઝેર આપીને ધનવાન બનવા સમાન છે. શું આને આપણે ધનવાન બનવાથી કળા અથવા વિજ્ઞાન કહી શકીએ ?
એવું પણ ન માની લેવું જોઈએ કે અર્થશાસ્ત્રી નરી લૂંટ ચલાવીને ધનવાન બનવાનું કહે છે તેમનું શાસ્ત્ર તો કાનૂન – સંગત તથા ન્યાય યુક્ત રીતે ધનવાન બનવાનું જણાવે છે. ન્યાયપૂર્વક ધન પ્રાપ્ત કરવું એ જ માત્ર સાચો રસ્તો કહી શકાય અને જો ન્યાયપૂર્વક જ પૈસા કમાવાની વાત બરોબર હોય, તો ન્યાય – અન્યાયનો વિવેક જગાડવો તે મનુષ્યનું પ્રથમ કામ હોવું જોઈએ, ફક્ત લેવડ – દેવડના વ્યાવસાયિક નિયમોથી વ્યાપાર કરવો પૂરતું નથી. આ કામ તો માછલીઓ, વરુ અને ઊંદરો પણ કરે છે. મોટી માછલી નાનીને ગળી જાય છે, ઊંદર નાનાં જીવજંતુઓને ખાઈ જાય છે અને વરુ માણસને ફાડી ખાય છે. એમનો આ જ નિયમ છે, એમને બીજું કોઈ જ્ઞાન જ નથી, પરંતુ મનુષ્યને તો ભગવાને સમજણ આપી છે, ન્યાય બુદ્ધિ આપી છે. આથી તેને તો બીજાઓનું ભક્ષણ કરીને, એમને ઠગી જઈને, એમને ભિખારી બનાવીને ધનવાન ન બનવું જોઈએ.
ધન સાધન માત્ર છે. તેનાથી સુખ અને દુ:ખ બંને પ્રાપ્ત થઈ શકે છે. જો તે સારા માણસના હાથમાં પડે છે, તો તેનાથી ખેતી થાય છે અને અન્ન પેદા થાય છે, ખેડૂત નિર્દોષ મજૂરી કરીને સંતોષ મેળવે છે તથા રાષ્ટ્ર સુખી થાય છે. ખરાબ મનુષ્યના હાથમાં ધન પકડતાં માની લો કે તે દારૂગોળો બનાવે છે અને સર્વનાશ કરે છે. દારૂગોળો બનાવનાર રાષ્ટ્ર અને જેના ઉપર તેનો પ્રયોગ કરવામાં આવે છે. તે બંને નુકસાન વેઠે છે અને દુઃખ ભોગવે છે.
આ રીતે આપણે જોઈએ છીએ કે સાચો મનુષ્ય એ જ ધન છે. જે રાષ્ટ્રમાં નીતિ છે તે ધનવાન છે. આ જમાનો ભોગ – વિલાસનો નથી. દરેક માનવીએ થઈ શકે તેટલી મહેનત મજૂરી કરવી જોઈએ.
સોનું – ચાંદી ભેગું થઈ જવાથી કંઈ રાજ્ય મળી જતું નથી. યાદ રાખવું જોઈએ કે પશ્ચિમમાં સુધારો થયાને હજુ તો સો વર્ષ જ થયાં છે. ખરું કહીએ તો પચાસ જ થયાં છે અને ફક્ત એટલાં જ સમયમાં પ્રજા વર્ણસંકર બની રહી હોય એવું લાગે છે.
વેપારીનું કામ પણ પ્રજા માટે જરૂરી છે, પણ આપણે માની લીધું છે કે ફક્ત તેનું ઘર ભરવું તે જ વેપારીનો ઉદ્દેશ છે. કાયદાઓ પણ આ જ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને બનાવાયા છે કે વેપારી ઝડપથી ધન ભેગું કરી શકે. પ્રણાલી પણ એવી જ પડી ગઈ છે કે ગ્રાહક ઓછામાં ઓછી કિંમત આપે અને વેપારી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી વધારે માગે અને વધારે લે. જો કે લોકોએ જ વેપારમાં આ કુટેવ ઘાલી છે અને હવે તો તેની બેઈમાનીના કારણે પતિત દૃષ્ટિથી જોવામાં આવે છે. આ પ્રથાને બદલવાની જરૂર છે. આ કોઈ નિયમ નથી બની ગયો કે વેપારીએ પોતાનો સ્વાર્થ જ સાધવો જોઈએ. ધન જ ભેગું કરવું જોઈએ. આ પ્રકારના વેપારને આપણે વેપાર ન કહેતાં ચોરી જ કહેવું જોઈએ. જે રીતે સિપાહી રાજ્યના સુખ માટે પોતાનું બલિદાન આપે છે, એવી જ રીતે વેપારીએ જનતાના સુખ માટે ધન વાપરવું જોઈએ, પ્રાણ પણ આપવો જોઈએ. સિપાઈનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે, ધર્મોપદેશકનું કામ તેને સ્વસ્થ રાખવાનું છે અને વેપારીનું તેના માટે આવશ્યક સામગ્રી પહોંચાડવાનું છે. આ બધાંનું કર્તવ્ય છે કે સમય આવે પોતાનો પ્રાણ પણ આપી દેવો જોઈએ.
પ્રતિભાવો