૨. જીવન સાદું અને વિચાર ઊંચા રાખો

જીવન સાદું અને વિચાર ઊંચા રાખો
સાદગી સભ્યતાનું ચિહ્ન છે. સંસારના સઘળા સજ્જનોએ સદા ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ ની નીતિને અપનાવી છે. સાત્વિક પ્રકૃતિના લોકોએ જ પસંદ કરે છે કે તેઓ સાધારણ સભ્ય નાગરિકની જેમ સીધું-સાદું જીવન વ્યતીત કરે આ સરળતામાં જ એમની શ્રેષ્ઠતા છુપાયેલી હોય છે. જાણનારા જાણે છે કે શ્રેષ્ઠ વ્યક્તિ પોતાની શ્રેષ્ઠતાનો પરિચય આચાર-વ્યવહારનો પ્રદર્શન દ્વારા નહીં, પરંતુ સાદગીથી જ આપે છે.


ઉછાંછળા, ઉતરતા અને છીછરા લોકો જેમનામાં ખરેખર કશું હોતું નથી, પોતાની અયોગ્યતા અને તુચ્છતા સંતાડવા બહુધા મોટાઈનો ઢોંગ કરતા હોય છે. ફેશનપરસ્તી આ પ્રકારનો એક ઢોંગ છે. જેની આડશમાં કમજોર તબિયત અને ઉતરતી સ્થિતિનો આદમી એ કોશિશ કરે છે કે મારી ચમક-ભડકથી પ્રભાવિત થઈને બીજા લોકો મને અમીર, વિદ્વાન, ચતુર કે શાનદાર આદમી સમજે. એ માટે એ એક હલકા પ્રકારની નકામી બનાવટો પોતાની ઉપર લપેટે છે અને એક કથામાં મોરનાં પીંછા લગાડીને એક કાગડો જે રીતે પોતાને મોટો બતાવવાનો ઉપહાસ્યાસ્પદ પ્રયત્ન કરતો હતો, એવું જ એ કરે છે.
આપણો દેશ ગરીબ છે. અહીંના નાગરિકોની સરેરાશ આવક ખૂબ ઓછી છે, જે દ્વારા ખોરાક અને કપડાનું ગુજરાન મુશ્કેલીથી થાય છે. ઑફિસના અધિકારીઓ જેમને હજાર બે હજાર પગાર મળે છે, તેઓ આ મોંઘવારીના જમાનામાં મુશ્કેલીથી પોતાનું કામ ચલાવી શકે છે. આ દેશમાં અમીરોની સંખ્યા માંડ થોડા લાખની હશે. સામાન્ય જનતા કાં તો ગરીબ છે, અથવા વધુમાં વધુ ખાતી-પીતી મધ્યમ વર્ગની છે. આ બધું જાણીતું તથ્ય છે. છતાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે સામાન્ય સ્થિતિના માણસો પણ એમનો પહેરવેશ, અને શાન-શૌકત ખાસ પ્રસંગોએ એવી બનાવે છે કે જેથી લોકો એવું સમજે છે કે એ અમીર છે. વિવાહ-લગ્નોમાં, જાનમાં લોકો રેશમી, સાટીન, ઊનનાં સારા-સારા કીમતી કપડાં પહેરીને એટલાં માટે જાય છે કે બીજા બધા એવું અનુમાન કરે કે એમની સ્થિતિ તથા આવક તેટલી જ હશે જેટલી આજકાલ કીમતી કપડાં પહેરનારા અમીરોની હોય છે. વિવાહ-લગ્નોમાં જ નહીં, અન્ય સામાન્ય અવસરોમાં પણ ઘરમાંથી બહાર નીકળતી વખતે લોકો એવું વિચારે છે કે જોનારા મારી સ્થિતિને આધારે મને માન આપશે, તેથી ઊંચું માન મેળવવા ઊંચી સ્થિતિ જાહેર કરવી જરૂરી છે. આ કામ કીમતી પોશાક પહેરવાથી કે ઠાઠમાઠ કરવાથી જ થઈ શકે છે. બસ, એમને આજ ઠીક લાગે છે કે ગમે તે થાય પણ ટાપ-ટીપ એવી બનાવવામાં આવે કે જોનાર આભો બની જાય અને જોતાં જ એવું માની લે કે આ અમીર માણસ છે કેમકે અમીરોનો બધી જગાએ આદર થાય છે તેથી તે પણ સાર્વજનિક આદરનો અધિકારી બની જાય. આ ભ્રમમાં તે ઘણા પૈસા ખર્ચે છે, પ્રતિક્ષણ પોતાની ટાપટીપ ઉપર ધ્યાન આપે છે કે ક્યાંક દોષ રહી જશે તો લોકો એની અસલિયત જાણી જશે. આ ડર એને હંમેશાં રહ્યા કરે છે.
આ રીતની મનોદશાવાળાઓને અર્ધપાગલ કહીં શકાય પરંતુ દુર્ભાગ્યે એમની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. એ વાત સ્પષ્ટ છે કે નાનાં બાળકોને છોડી કોઈ સમજદાર માણસ પોશાકના આધારે કોઈની સ્થિતિનું અનુમાન થઈ શકે એવો ખ્યાલ ધરાવતો નથી. ધોબીને ત્યાંથી ભાડે કપડાં લઈને ઉત્સવ, જમણવારોમાં પોતાનો રુઆબ બતાવનારા આજકાલ ઓછા નથી. તેથી ફાલતુ ટાપટીપ કરનારાઓ માટે એવી શંકા પણ થવા લાગે છે કે ક્યાંક આ ધોબીને ત્યાંથી ભાડે કપડાં લાવ્યો નથી ને ! યોગ્યતાથી બહારની શાન બનાવનારાઓને લોકો નકામું ખર્ચ જ નહીં બદમાશ પણ માનવા લાગે છે. બુદ્ધિમાન માણસ વિચારે છે કે મામૂલી આવકવાળો માણસ જો આવી મોંઘી શાન બતાવશે, આવું નકામું ખર્ચ કરશે તો આખરે એની પૂર્તિ કેવી રીતે થશે ? એના માટે એને દેવું કરવાની કે ચોરી- ખોટી રીતો જ અપનાવવી પડશે. એનાથી દરેક આદમી સંસક્તિ રહે છે. ભલા માણસો એને નોકર રાખતા નથી. દરેક વધુ ખર્ચાળ વ્યક્તિને બુદ્ધિમાન લોકો ખોટો સમજે છે એ ઠીક પણ છે. જેને આબરૂનો એટલો ખ્યાલ હોય, જે એ બાબતમાં વધુ ખર્ચ કરે છે, તે યા તો બેઈમાન થઈ ચૂક્યો છે કે એવો થઇને રહેશે. એની આર્થિક સ્થિતિ યા તો ખોખલી થઈ ચૂકી હશે યા થઈને રહેશે. એવા લોકોને સામાન્ય રીતે અવિશ્વાસુ માનવામાં આવે છે.

હવે સમય આવી ગયો છે કે આપણે આપણી રહેણીકરણી ઉતરતી બાલીશ કક્ષાની નહીં, પરંતુ સભ્ય અને શિષ્ટ નાગરિકો જેવી બનાવીએ. એના માટે સર્વપ્રથમ આપણે આપણા પોશાક ઉપર ધ્યાન આપવું પડશે. બહુ કીમતી રંગબેરંગી વિલાયતી કપડાં પહેરવાની વાત આપણા મગજમાંથી દૂર કરવી જોઇએ. નાટકમંડળીના નટ રાજાઓની જેમ પોશાક બનાવવાનું કોઈ સભ્ય વ્યક્તિને શોભા આપતું નથી. ઠંડા પ્રદેશમાં રહેનારા અંગ્રેજોની નકલ કરીને એમના જેવો પોશાક પહેરવો આ ગરમ પ્રદેશવાળાઓ માટે તદ્દન નિરર્થક છે. અંગ્રેજોનું જાતીય સ્વાભિમાન જુઓ. બિચારાં આ ગરમપ્રદેશમાં બસો વર્ષ રહી ગયા પણ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે પોશાક બદલવા તૈયાર થયા નહીં. અહીંના ગરમ જળ-વાયુની ભિન્નતાને અનરૂપ એમણે અહીંનો પોશાક પહેરવો જોઈતો હતો પણ એમણે કષ્ટ સહીને પણ એવું કર્યું નહીં. એક આપણે છીએ, આંધળા નક્લખોર, જેઓ પોતાના જાતીય ગૌરવને તિલાંજલી આપીને નટખટ વાનરની જેમ બીજાની નક્લ કરવામાં જ પોતાનું ગૌરવ સમજીએ છીએ. અંગ્રેજી ભણવું અલગ બાબત છે. એ માટે શું એ જરૂરી છે કે આપણે અંગ્રેજો જેવો પોશાક પણ પહેરીએ અને વિચારશીલ લોકોની દૃષ્ટિમાં જાતીય ગૌરવહીન, આત્મસંમાનરહિત લોકોની કક્ષામાં આપણી ગણના કરાવીએ? ભારતીય પોશાક જ આપણે માટે સર્વોત્તમ છે. ધોતિયું અને ઝભ્ભામાં સાદાઈ, રાષ્ટ્રિયતા તેમજ જાતીપણું છે, જે ટાઇ ટોપામાં ક્યારેય વ્યક્ત થઈ શક્યું નથી. કીમતી કપડામાં ધનની બરબાદી કરવી અણસમજણનું ચિહ્ન છે. આપણે સાદાં સસ્તાં પરંતુ ચોખ્ખાં ધોયેલાં કપડાં પહેરીએ તો એનાથી એ સાદગીનું આપણા જીવનમાં અવતરણ થશે, જે આપણા આંતરિક સ્તરને ઊંચા વિચારો તરફ અગ્રેસર કરે છે.
સ્ત્રીઓ આ વાતમાં પુરુષોથી પણ આગળ છે. એમને વાતવાતમાં રેશમી કપડાં, ઘરેણાં વગેરે જોઇએ. હોઠ નખ રંગવા અને ચહેરા ઉપર પાવડર લગાડી, ઉંચી એડીનાં ચપ્પલ પહેરીને મેમસા’બ બનવાની એમની ચેષ્ટા એ તો એમનું વધારે ફૂવડપણું છે. અંગ્રેજી ઢબે, વેશભૂષા બનાવી કાળી મેમ બનવાની અથવા સજીધજીને ઘરેણાં-રેશમથી લપેટાયેલી ઢીંગલી બનીને ફરવાની અભિલાષા એમના છીછરાં દૃષ્ટિકોણને જ પ્રગટ કરે છે. આવી અર્થહીન વાતોમાં ધનનો અપવ્યય કરવાનું કોઈ સમજદાર નારી પસંદ કરશે નહીં. નારીઓ ગૃહલક્ષ્મી એટલા માટે કહેવાય છે કે તેઓ ઘરના આર્થિક સંતુલનને જાળવી રાખવા માટે દરેક બાબતોમાં બચતનું પૂરું ધ્યાન રાખે. જે આ તથ્યને સમજી લેશે તે આવી અર્થહીન વાતોમાં પોતાના ઘરવાળાઓની મહેનતની કમાણીને બરબાદ શા માટે કરશે? વાળને ઉત્તેજક અને આકર્ષક ઢંગથી સજાવીને ખુલ્લા માથે નીળવું એ ખરાબ લોકોને પોતાની તરફ ખરાબ દૃષ્ટિ કરવા માટે આમંત્રિત કરવા જેવું છે. ભારતીય નારીની સંસ્કૃતિમાં તો આને અસભ્યતા જ કહેવાશે. જેમને પોતાનો પ્રાચીન આદર્શ પ્રિય છે તે દેવીઓને માટે ફેશનપરસ્તી છોડી આવી છીછરી બાબતોમાં ધનની બરાબાદી કરે નહીં તે જ ઉચિત છે. જેનારમાં અનાવશ્યક ઉત્તેજના જન્માવે તેવો ઉત્તેજક દેખાવ શણગાર કરવો નહીં. સાદગી એ જ સભ્યતાનું ચિહ્ન છે. એમના પતિવ્રત શીલ અને કુલીનતાનું એ એક ઉત્તમ પ્રમાણ હશે કે તેઓ સાદાં પરંતુ સ્વચ્છ વસ્ત્રો પહેરે. વિલાસિતાની અર્થહીન ચીજો પ્રત્યે નફરત કરે. એમને સડેલી દેડકી જેવી દુર્ગંધ સમજીને ઘરમાં પ્રવેશવા દેશો નહીં.
વિવાહ જેવા ઉત્સવોમાં મોટા ભાગનું ધન ઠાઠ માઠ, દેખાવ કરવામાં, અમીરીનો સ્વાંગ રચવામાં ખર્ચાય છે. બેન્ડવાજાં, આતશબાજી, કાગળના ધોડા-બગીઓ, સવારીઓ, પૈસા વેરવા, નાચ-તમાશા વગેરે માટેનો જે સરંજામ આ દિવસોમાં વાપરવામાં આવે છે તે જોઇએ તો અંદાજ લગાવી શકાય કે તે લોકો કેટલાય અમીર હશે. એમની પાસે એટલા વધારાના પૈસા પડયા હશે જેથી આ રીતે ફૂંકી મારવા સિવાય એના ઉપયોગનો કોઇ ઉપાય એમને સૂઝયો નહીં હોય. જેમને ત્યાં આ વિવાહ-લગ્ન થાય છે તે લોકો શું હકીક્તમાં એટલા અમીર છે કે આનંદપૂર્વક આટલું ખર્ચ કરી શકે અને એનો કોઇ પ્રભાવ એમની આર્થિક સ્થિતિ ઉપર ન પડે ? આવું બિલકુલ નથી. આ દિવસોમાં લોકો ઉપર હર્ષોન્માદ સવાર હોય છે, એવી ધૂન ચઢી હોય છે કે આ દિવસોમાં જેટલો વધુ ઠાઠમાઠ કરીશું એટલી જ અમારી આબરૂ વધશે. કેટલાક એમના જેવા ઓછી અક્કલવાળા, આ ઘરફૂંક તમાશાને ઈજજત વધારનારો સમજે પણ છે અને એને માટે પ્રશંસા પણ કરતા હોય છે. આવી હલકી, નબળી પ્રશંસાથી એ લોકો ખુશ પણ થતા હોય છે અને માનતા હોય છે કે વાસ્તવમા લગ્નપ્રસંગે આટલું વધારે ખર્ચ કરીને અમે બડાઈનું મોટું છોગું પોતાને માથે બાંધી દીધું છે. આ મૂર્ખતાને આપણે જેટલા જલ્દી છોડી શકીએ અને વિવાહ વગેરે ઉત્સવોમાં જેટલી વધુ સાદગી લાવી શકીએ તેટલું જ કલ્યાણ છે.
ફેશન તરફી અને ખોટાખર્ચ બંને એક સિક્કાની બે બાજુઓ છે. જ્યારે શોખની સાથે બીજાઓ ઉપર રોફ જમાવવા માટે ટાપટીપ કરવાનું મન થયું તો સમજવું જોઇએ કે વ્યર્થ ચીજો સમેટવાની જરૂરિયાત વધી. એ તરફ સહેજ પણ ઈચ્છા થાય તો ખર્ચ બમણું થઈ જાય છે. જે પૈસાથી પોતાની તથા પોતાના પરિવારના સ્વાસ્થ્ય-રક્ષા માટે દૂધ, ઘી, ફળ, મેવો ખરીદવાની વ્યવસ્થા થઈ શકે, જે પૈસાથી પોતાના તથા સ્ત્રી-બાળકોનું શિક્ષણ વધારવાનો પ્રબંધ થઈ શકત, જે પૈસાથી મોત, ઘડપણમાં કામ આવે તે માટે વીમો વગેરે લઈ શકત, રહેવા માટે ઘર બની શકત, દીન-દુઃખીઓને મદદ થઇ શકત. એવી કોઈ બચત સંભવતી નથી- જ્યારે આવા શોખનો આરંભ થાય છે, જેમની પાસે અતિશય પૈસો છે, જેમની બધી જ આવશ્યકતાઓ પૂરી થાય પછી પણ એટલું બચે છે કે એને વાપરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી એવા લોકો શોખ માટે કે ફેશન તરફીમાં ડૂબે તો એ વાત સમજી શકાય છે, પરંતુ જેમનાં જરૂરી કામો ધનના અભાવે રોકાઈ ગયાં છે તેવા સાધારણ પરિસ્થિતિના લોકો જો છેલછબીલા બનવા માટે ઠાઠમાઠ કરવા ધન વેડફે એ તો ગાંડપણ જ કહેવાય.
ફેશન એ એક પ્રકારનો ઢોંગ છે, પાખંડ છે, આત્મવંચના છે અને બીજાંઓને બહેકાવે છે. કાળી-કદરૂપી છોકરીઓ જ્યારે ચહેરાને પાવડર ચોપડીને બીજાઓને છેતરવાનો પ્રયાસ કરે છે કે હું કાળી નહીં ગોરી છું ત્યારે એ બિચારીના મનોરથ તો ફળતા નથી, ઊલટું બીજાંઓની નજરમાં તે ઊતરી જાય છે અને હાસ્યાસ્પદ બને છે. હોઠ ફીક્કા હોય તો એને રંગીને સ્વાભાવિક ખૂનથી પરિપૂર્ણ હોઠ જેવા આકર્ષક બનાવી શકાય નહીં. નક્લ તો નકલ જ છે.
આ બાળરમતો તો એમને જ શોભે જેઓ માનસિક દષ્ટિથી બાળકો છે અને એવી કલ્પના કર્યા કરે છે કે આખી દુનિયા અમારી જેમ બાળક જ છે અમારી આ સચ્ચાઈને ઓળખશે નહીં અને હાર કબૂલી લેશે. આવો દૃષ્ટિકોણ કોઈ સમજદાર વ્યક્તિનો હોઇ શકે નહીં, તે તો જાણે છે કે સાદગીમાં જ હંમેશાં મોટાઇ છુપાયેલી છે. મહાનતા અને શ્રેષ્ઠતાને બનાવી ચાદર ઓઢવાનું ક્યારેય નથી ગમ્યું કે ગમશે. દુનિયાનાં બધાં ક્ષેત્રોમાં મોટા માણસો થઈ ગયા છે. અમીર, પહેલવાન, ગુણવાન, શિલ્પી, વિદ્વાન, વિશેષજ્ઞ, નેતા, સાધુ એમ બધાં ક્ષેત્રમાં અગણિત શ્રેષ્ઠ, સફળ અને પ્રતિભા સંપન્ન વ્યક્તિ થઈ ગઈ છે. એમનામાંથી કોઈનું જીવનચરિત્ર એવું બતાવશે નહીં કે તેઓ ફેશન અને ખોટા ખર્ચને પસંદ કરતા હતા. સાચું તો એ છે કે એમને આવી બનાવો પ્રતિ ઘૃણા હતી. પ્રાચીન ઋષિમુનિઓની સાદગી તો પ્રસિદ્ધ છે જ. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, ગાંધી, દયાનંદમાંથી કોણ એવા હતા જે ઠાઠમાઠની જંજાળ લાદીને કર્યા હોય ? ભારતના પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી ચાણક્યે મામૂલી ઝૂંપડીમાં બિલકુલ સાદા કપડાંમાં સૂર્ય સમાન ચમકતા સૌભાગ્યના દિવસોને પસાર કર્યા. મરાઠા પેશવાઓના અનન્ય શ્રદ્ધાપાત્ર અને એ સામ્રાજયના પ્રધાન ન્યાયાધીશ રામશાસ્ત્રી એક્દમ સાદા-ગરીબોની જેમ રહેતા હતા, તેમ છતાં તેમના એકમાત્ર ઇશારાથી કોઈ પણ કાર્ય પાછળ વિપુલ ધનરાશિ ખાઈ શકતી હતી.
જરૂરિયાતો ઓછી કરવાથી જ આપણી આર્થિક અને નૈતિક સમતુલા જળવાઈ રહે છે. જરૂરિયાતોનો તો કોઈ છેડો નથી. એમને જેટલી વધારવી હોય તેટલી સહેલાઈથી વધારી શકાય છે. હોશિયારી ખર્ચ વધારવામાં નહીં, પરંતુ જરૂરિયાતો ઘટાડવામાં છે. મિતવ્યયી, સાદું જીવન જીવનારા, આવક કરતાં ઓછું ખર્ચ કરનારા અને સાદાઈને સભ્યતાની જનની માનનારા લોકો જ એમના જીવનમાં સુખી અને સંતુષ્ટ રહી શક્યા છે. બીજા એ લોકો છે જેમની જરૂરિયાતો અને ઇચ્છાઓ અસીમ છે તેઓ તો ક્યારેય સંતુષ્ટ રહી શકતા નથી કે એમની નૈતિકતા જાળવી શકતા નથી. નાનાં નાનાં પ્રલોભનોમાં તેઓ સહેલાઈથી લપસી શકે છે. ધનના લોભમાં તેઓ કોઈ પણ ખોટું કામ કરી શકે છે. જો માણસ દૃઢ ચરિત્ર, ઇમાનદાર અને સન્માર્ગગામી બનવાની આકાંક્ષા રાખતો હોય તો તેણે મનમાં નકકી કરી લેવું જોઇએ કે પોતે સાદાઇની નીતિ અપનાવવાની છે. પોતાના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સાદાઇને સ્થાન આપવાનું છે. જ્યાં સાદાઈ હશે ત્યાં જ ઉંચા વિચાર રહેશે. પ્રાચીન કાળથી ગુરુકુળોમાં સુખી-સંપન્ન કુટુંબોના છોકરાઓ ભણતા હતા. એમને સાદું જીવન જીવવાનો અભ્યાસ કરવો પડતો હતો, એને પરિણામે તેઓ લોખંડી પુરુષ બનતા હતા. આજે શિક્ષણક્ષેત્રમાં શાળા-કોલેજોમાં જે ફેશન અપનાવાઈ છે, છોકરા-છોકરીઓ બની ઠનીને ફરવામાં જે ગર્વ અનુભવે છે તે જોઇને તો દુ:ખપૂર્વક એમ જ ક્ડી શકાય કે હજુ આ દેશના સાચા ઉત્કર્ષના દિવસો દૂર છે.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા અને મહાનતાનો સાદાઈ સાથે અનન્ય સંબંધ છે. જો આપણે સાચા અર્થમાં ભારતીય બનવું હોય તો આપણા અને આપણા પરિવારના સ્વભાવમાં સાદાઈ અને સજજનતાને પ્રથમ સ્થાન આપીએ. આપણી બધી ચીજો વ્યવસ્થિત, સ્વચ્છ અને સાફ હશે તો તે મૂલ્યમાં સસ્તી હોવા છતાં પણ ઉપયોગ કરનારની ક્લાત્મક અભિરુચિનો પરિચય કરાવશે. ટાપટીપ છોડી આપણે જો સ્વચ્છતા અને સુવ્યવસ્થાની કલાપૂર્ણ અભિરુચિનો અભ્યાસ કરીએ અને આપણાં શરીર, વસ્ત્ર, ધર તથા સામાનને સારી રીતે સજાવવાનું શરૂ કરી દઈએ તો ઓછા ખર્ચે ક્લાકારની જેમ આપણી પોતાની તથા બીજાઓની નજરમાં આપણું માન વધારી શકીએ.
જીવનના દરેક પાસામાં સાદાઈનો સમાવેશ થવો એઈએ. કેવળ વેશભૂષા કે સાજસજામાં જ સાદાઈ હોય એવું નહીં, બીજાઓની સાથેના વ્યવહારમાં પણ બનાવટ ન કરતાં નિર્મળ હૃદયથી સજજનના જેવી મનોવૃતિનો પરિચય કરાવવો જોઈએ. વધારીને વાતો ન કરો, ગપ્પાં ન મારો, પોતાની બડાઈ પોતાના જ મોઢે ન કહો. વિચારોને ઊંચા રાખો. સાદાઈ અને સાત્વિકતા એ આધ્યાત્મિકતા અને મહાનતાનાં નિકટવર્તી પાસાં છે. એમને આપણે માનવતાનું ગૌરવ સમજી અપનાવીએ. આ આત્મગૌરવનો અંત:કરણમાં જ્યારે ઉદય થાય છે ત્યારે આપણે ભલમનસાઇ અને મિતવ્યયતાથી જ લાભાન્વિત થઈએ છીએ એવું નથી. પરંતુ આત્મવિકાસ માટે ઉપયોગી એવી ઉચ્ચ વિચારોની મનોભૂમિનું પણ નિર્માણ કરીએ છીએ. માનવજીવનનું આ એક મહત્વપૂર્ણ પાસું છે એની ઉપેક્ષા કરીએ નહીં એમાં જ બુદ્ધિમત્તા છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: