૪. સાહસથી કામ લો
June 29, 2022 Leave a comment
સાહસથી કામ લો : કેટલાક પ્રયત્ન કરવા છતાં ગમે તેટલી સાવધાની રાખવા છતાં પણ એવું સંભવતુ નથી કે માણસના જીવનમાં કોઈ અપ્રિય પરિસ્થિતિ આવે નહીં. અહીં કોઈનું સીધું અને સરળ જીવન નથી. પોતાના તરફથી માણસ શાન્ત, સંતોષી અને સંયમી રહે, કોઇને કંઇ હે નહીં કે કંઇ ઇચ્છે નહીં તો પણ બીજા લોકો એને શાંતિપૂર્વક સમય પસાર કરવા જ દેશે એવું કંઈ નક્કી નહીં. ઘણી વાર તો સીધા સાદા માણસો પાસેથી વધારે લાભ ઉઠાવવા માટે દુષ્ટ લાલસા વધુ તીવ્ર બની જાય છે. કડક પ્રતિરોધની સંભાવના ન જોતાં સરલ વ્યક્તિઓને સતાવવામાં દુર્જન કંઇક ને કંઇક લાભ વિચારે છે. સતાવવાથી કોઇક ને કોઇક વસ્તુઓ મળી જાય છે અને બીજાઓને આતંક્તિ કરવાનું અને કરાવવાનું એક ઉદાહરણ એમને મળી જાય છે.
આપણા બધાનાં શરીર હવે એવાં કંઇક થઇ ગયાં છે કે એમાં ડગલે ને પગલે કોઇક બિમારી થવાની આશંકા રહે છે. એટમબોબના પરીક્ષણથી વૃક્ષ-વનસ્પતિ ઓછાં થઈ જવાથી, કારખાનાંઓના ધુમાડાથી હવા ગંદી થતી રહેવાથી પ્રકૃતિનું સંતુલન બગડતું જાય છે એને કારણે દૈવી આપત્તિની જેમ ઘણી વાર આપત્તિઓ ફૂટી નીકળે છે અને સંયમી લોકો પણ એમનું સ્વાસ્થ્ય ખોઈ બેસે છે. ખાધ પદાર્થો અશુદ્ધ સ્વરુપમાં મળવા, એમાં પોષક તત્વોનો ધટાડો થવો, આહાર વિહારની અપ્રાકૃતિક પરંપરાની સાથે ધસડાવાની વિવશતા વગેરે કેટલાંક કારણો એવાં છે જે સંયમી માણસોને બિમારી તરફ ધસડી લઇ જાય છે.
એવું કોણ છે જેને પ્રિયજનોના મૃત્યુનો શોક સહેવો પડતો નથી. આ નાશવંત દુનિયામાં બધાય મરણધર્મી થઈને જ જન્મ્યા છે. સ્મશાનઘાટોની ચિંતાઓ સળગતી જ રહે છે. જન્મની જેમ મૃત્યુ પણ આ સંસારની એક સુનિશ્ચિત સચ્ચાઈ છે. પોતાના ઘરનાં, પોતાના પરિવારનાં, પોતાના પ્રિય સમાજના કોઈ ને કોઈ સ્વજન, સ્નેહી મરશે જ અને એમના મરવાથી શોકસંતાપ થવાનો જ. માતાઓને એમની ગોદમાં રમતાં પ્રાણપ્રિય બાળકોનો શોક સહન કરવો પડે છે. પત્નીઓ એમના જીવનાધાર પતિઓને અર્થી પર બંધાતા જુએ છે. મિત્ર-મિત્રથી છુટા પડે છે, ભાઈ-બહેન, સાળાબનેવી, જમાઇ, પિતા, માતા, પુત્ર, પૌત્ર આગળ પાછળ, સમયે-સમયે મરતાં જ રહે છે. જેમની ઉપર વીતે છે તેઓ તેને વર્જપાત જેવો માને છે, બાકીના લોકો એને એક નાનકડી-નગણ્ય ઘટના, ક્ષણિક કુતૂહલ માત્ર માનીને દેખાવની સહાનુભૂતિ બતાવી ઉપેક્ષા કરતા રહે છે. આ ક્રમ સંસારમાં અનાદિ કાળથી ચાલતો આવ્યો છે.
પરિસ્થિતિ માણસને સ્થાન પરિવર્તન કરવા માટે પણ વિવશ કરતી રહે છે. નોકરી, ધંધાવાળાઓની બદલી થતી રહે છે. વેપાર, શિક્ષણ અથવા અન્ય કાર્યોને કારણે પતિ-પત્નીને અલગ અલગ રહેવું પડે છે. હવાની લહેરખીઓમાં ઊડતાં સૂકાં પાંદડાઓની જેમ પરમ સ્નેહી માણસ પણ ઘણીવાર ક્યાંના ક્યાં ચાલ્યા જાય છે અને એમનો વિયોગ પીડે છે. આર્થિક નુકશાનના પ્રસંગો પણ બુદ્ધિશાળીઓ સામે આવતા રહે છે. ચતુર વેપારી ઘણીવાર આવા ઉતારચઢાવામાં ફસાઈ જાય છે કે એમને એમની આજીવિકા અને પ્રતિષ્ઠા બંનેથી હાથ ધોવા પડે છે. દૈવી પ્રકોપ, અતિવૃષ્ટિ દુષ્કાળ, ભૂકંપ, પૂર, અગ્નિકાંડ, ચોરી, લૂંટ, કમાઉ વ્યક્તિનું મૃત્યુ, સ્પર્ધા, ભાવોની તેજી-મંદી, વિશ્વાસધાત, ઠગાઈ વગેરે આકસ્મિક કારણો એવાં હોય છે જેને કારણે અનાયાસ જ મોટો આર્થિક આધાત લાગે અને એને પરિણામે ભારે હાનિ વેઠવી પડે, ચાલતી ગાડી પાટા પરથી ઉતરી પડે અને અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડે.
પરીક્ષાની તૈયારીમાં લાગેલા છાત્રોમાંથી ૩૫ ટકા પાસ થાય છે અને ૬૫ ટકા નાપાસ થાય છે. નોકરી માટે ખાલી જગાઓમાં એક જ્ગા હોય અને ૧૦૦ અરજીઓ પહોંચે છે. જગા એકને મળે છે અને બાકીના ૯૯ ને નિરાશ થવું પડે છે. કેટલાંક પ્રેમ-નાટકોનો દુઃખદ અંત આવે છે. સોનેરી સપનાંઓ પરિસ્થિતિની ઠોકર ખાઈ નિષ્ફળ થઈ જાય છે. આ રીતે અસફળતા, નિરાશા, હાનિ, ચિન્તા, પ્રતિકૂળતા અને પરેશાનીના નાના કે મોટા પ્રસંગો દરેક માણસની સામે આવતા રહે છે. એનાથી સંપૂર્ણ સુરક્ષિત રહેવું કોઈ પણ વ્યક્તિ માટે સંભવ નથી. ઇચ્છા કે અનિચ્છાએ પ્રતિકૂળતાઓનો સામનો કરવો જ પડે છે. રડીને હસીને એમને તક્લીફો ભોગવવી જ પડે છે.
માનસિક રીતે દુર્બળ અને ભાવાવેશમાં વડી જનાર આ નાનીનાની પ્રતિકૂળતાઓમાં પોતાની સમતુલા ખોઈ બેસે છે અને પરેશાનીમાં એવા ખળભળી ઊઠે છે કે એમનું મગજ વિક્ષિપ્ત અને ઉદ્વિગ્ન થઇને એવી ખરાબ પરિસ્થિતિમાં જઈ પહોંચે છે કે શું કરવું, શું ન કરવું તે એ બિલકુલ વિચારી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ જે કદમ ઉઠાવે છે તે પ્રાય: ખોટું જ હોય છે. વિક્ષોભની સ્થિતિમાં કરેલો નિર્ણય મોટે ભાગે એવો હોય છે કે એનાથી આપત્તિમાંથી નીકળવાનો માર્ગ મળતો નથી, પરંતુ ઉલટું મુશ્કેલીઓના વધારે ઊંડા કળણમાં ફસાઈ જવાનો ખતરો સામે આવીને ઊભો રહે છે. ઘણી વાર ઘર છોડી ભાગી નીક્ળવું, આત્મહત્યા કરી લેવી, કપડાં રંગીને બાવાજી થઈ જવું, જેવી ભૂલો માનવી કરી બેસે છે કે જેથી પાછળથી તેને પથાતાપ કરવાનું જ બાકી રહે છે. ઘણી વાર ઉદ્વિગ્ન લોકો જેમને એ પ્રતિકુળતાઓનું કારણ સમજે છે તેવી વ્યક્તિઓ ઉપર વરસી પડે છે. ગાળાગાળી, મારપીટ, ફોજદારી કેસ, ક્નલ, હત્યા વગેરે દુર્ઘટનાઓ મોટે ભાગે આવેશની સ્થિતિમાં જ સર્જાય છે અને પાછળથી એની પ્રતિક્રિયામાં એટલું નુકસાન વેઠવું પડે છે જેને માટે આ બધું કર્યું હતું ને કારણ કરતાં વધુ મોંધુ પડે છે.
કહેવાય છે કે “આપત્તિ એકલી આવતી નથી. તે પોતાની સાથે બીજી પણ અનેક મુસીબતોને લઈને આવે છે.” કારણ સ્પષ્ટ છે કે પ્રતિકૂળતાથી ગભરાયેલો માણસ એ વિચારી શકતો નથી કે હવે એણે શું કરવું જોઇએ. સાધારણ મુશ્કેલીઓમાંથી બહાર નીળવામાં જ ખાસ્સું ધૈર્ય, સૂઝબૂઝ અને દૂરદર્શિતાની જરૂર પડે છે અને જો વધુ પરેશાનીની વાત હોય તો એનાથી પણ વધુ માનસિક સમતુલા જરૂરી હોય છે. જો એ ન હોય તો આપત્તિગ્રસ્ત માણસ કિકર્તવમૂઢ થઇ જે ન કરવાનું હોય તે કરી બેસે છે. એને પરિણામે મુસીબતની નવી શાખાઓ ફૂટી નીકળે છે અને મુશ્કેલીઓનો નવો દોર શરૂ થઇ જાય છે. જ્યારે કોઇક વાર ઠંડા મગજથી વિચારવાનો અવસર આવે છે ત્યારે માણસ પાશ્ચાત્તાપ કરે છે અને વિચારે છે કે આવેલી આપત્તિ ન ટળી શકત તો કોઇ વાત નહોતી પણ માનસિક સમતુલા તો વિવેક દ્વારા જાળવી શકાતી હોત અને જે મુશ્કેલીઓ પોતાની ભૂલોને કારણે માથે ઓઢી લીધી એમનાથી તો બચી શકાયું હોત.
ઘરમાં કોઈકનું મૃત્યુ થઈ ગયું, એક પ્રિયપાત્ર ચાલ્યું ગયું, એના જવાથી નુકસાન પણ થયું. આધાત પણ લાગ્યો અને શોકને કારણે રડવું પણ આવ્યું પણ જો સતત રોતા જ રહીએ, ખાવાનું છોડી દઈએ, મૂર્છિત પડી રહીએ, એ શોકનું જ સ્મરણ કર્યા કરીએ તો થવાનું એ જ છે કે રહ્યાસહ્યા સ્વાસ્થ્યનો નાશ અને એ ગરબડમાં સાધારણ કાર્યક્રમો નષ્ટ થવાથી બમણી આપત્તિનો જન્મ વધુ રડતા રહેવાથી આંખોનું તેજ ચાલ્યું જાય છે. દમ, બ્લડપ્રેશર, અનિલ, ગાંડપણ, મૂર્છા, અપચો, ઊલટી, શિરદર્દ વગેરે અનેક નવા રોગો ઊભા થાય છે. બીજા લોકો એ શોક-સંતપ્તને સમજાવવા-બુઝાવવામાં અથવા એની સહાનુભૂતિમાં લાગ્યા રહે છે અને સાધારણ વ્યવસ્થાને ભૂલી જાય છે. તેથી બીજી બાજુથી પણ કામ બગડે છે. દુધાળાં પશુને સમયે ન દોહવાથી કે સારી રીતે ચારોપાણી ન મળવાથી દૂધ આપવાનું બંધ કરી દે છે. દેખભાળ વિના ખેતી કે વેપાર પણ બગડે છે. બાળકો પરેશાન થાય છે. ચોર આવા મોકાનો લાભ ઉઠાવે છે. દુશ્મનોને હસવાની તક મળે છે. એ મૃત્યુને કારણે ઉપસ્થિત થયેલાં નવાં કામો અને જવાબદારીનો નિભાવ કરવા માટે જ મહત્વપૂર્ણ હેરાફેરા જરૂરી હોય છે તે પણ સુઝના નથી. આ રીતે એ મૃત્યુ શોક પોતાની સાથે અનેક નવી વિપત્તિઓને જન્મ આપનારો સિદ્ધ થાય છે.
જો દૂરદર્શિતાની સાથે એવું વિચારી લીધું હોત કે બની ગયેલી ઘટના હવે પાછી વળી શકતી નથી, ગયેલી વ્યક્તિ પાછી આવી શકતી નથી, અંતે તો શોને મૂકીને સાધારણ કાર્યક્રમને અપનાવવો જ પડશે, તો પછી વધુ ક્ષતિ પહોંચાડયા વિના કે વધુ સમય બરબાદ કર્યા વગર જ શા માટે આ કાર્યને સંપન્ન કરવુ જોઇએ નહીં. આ રીતે વિચારનાર એમના મનને સંભાળે છે, ધૈર્ય, વિવેક, સંતોષ અને દૂરદર્શિતાથી કામ લે છે. શોક ઓછો કરી સમતુલા જાળવી રાખી સ્વાભાવિક જીવનની વ્યવસ્થા જલદીથી બનાવી લે છે. આવા માણસો અનાવશ્યક રુપમાં પોતાનાથી ઉત્પન્ન કરવામાં આવેલી આપત્તિથી બચી જાય છે.
નિષ્ફળતાના સમયે મનને નાનું કરવાની કે નિરાશ થવાની શી જરૂર છે ? પહેલા પ્રયત્ને અવશ્ય સફળતા મળવી જોઇએ એવું કાંઈ જરૂરી નથી. સંસારમાં પ્રયત્નશીલ વ્યક્તિઓ પણ ૨/૩ અસફળતા અને ૧/૩ સફળતાનું અનુમાન કરીને કામ કરે છે. એટલાથી સંતોષ કરે છે અને એટલું પર્યાપ્ત પણ માને છે. એક પરીક્ષામાં એક્વાર નિષ્ફળ જવું એ કોઇ એવી આપત્તિ નથી જેથી ખૂબ ચિંતિત અને નિરાશ થવું પડે. એક વાર નાપાસ થવાથી બે વર્ષની તૈયારી કરી ફરી પરીક્ષા આપતાં સારો ક્લાસ મળી શકે છે અને આગળનો પાયો પાકો બને છે. જિંદગી એટલી લાંબી છે કે એમાં બે-ચાર અસફળતાઓ માટેની જગા પણ રાખવી પડે છે.
દરેક કામમાં જો સફળતા જ મળતી રહે તો માણસ મટીને દેવતાની કક્ષાના ગણાવા લાગીએ. એવું વિચારીને પરીક્ષામાં નાપાસ થનારા એમનું સાહસ જાળવી શકે છે અને એ ભિન્નતાને ભૂલીને બમણા ઉત્સાહી આગળની તૈયારીમાં લાગી શકે છે. આ વખતે નોકરી મળી નહીં, એક જગાએ નિમણુંક મળી નહીં, બઢતીની આ વખતે તક મળી નહીં, તો આગળ મળશે. એમાં હતોત્સાહ થવાની વાત ક્યાં છે ? ઉન્નતિને માટે પ્રયત્ન કરવો જોઇએ, પરંતુ જે પરિણામ સામે આવે એને સંતોષ અને ધૈર્યપૂર્વક હસતા જઈને માથા ઉપર ચઢાવવું જોઇએ.
આર્થિક નુકસાન થયું તો આશ્ચર્યની વાત શું છે ? પોતાની પાસે જો ક્ષમતા, પ્રતિભા, સાહસ, પુરુષાર્થ અને કૌશલ છે તો આજે નહીં તો ચાર દિવસ પછી ફરી આવશ્યક સાધનો મળી આવશે. ન પણ મળે તો સ્તરની અપેક્ષા થોડીક ઘટાડીને ઓછા ખર્ચમાં પણ ઘણું સારી રીતે જીવન જીવી શકાય છે. ગરીબ લોકો પણ આનંદ અને ઉલ્લાસની જિંદગી જીવે છે તો આપણે એવું કેમ કરી શકીએ નહીં ? ખર્ચાઓમાં ધટાડો કરવાથી ગરીબી અફસોસ કરવા જેવી રહેતી નથી. સમયે આપણી આવક ઉપર કુહાડી મારી તો આપણે આપણા ખર્ચાઓમાં કાપકૂપ કરી સહેલાઇથી સમતુલા જાળવી શકીએ છીએ. સમયને અનુરૂપ પોતાનું સ્તર ઘટાડી લેવાનું સાહસ જેનામાં હોય છે, જેને નીચા પ્રકારની મજૂરીમાં પોતાના ગૌરવની હાનિ દેખાતી નથી. એના માટે નુકસાનીની સ્થિતિમાં પણ કોઇ પરેશાની થતી નથી.
પરિસ્થિતિને અનુરૂપ પોતાને ઢાળી લેવાનું વિજ્ઞાન જે શીખ્યા છે એમના માટે અમીરીની જેમ ગરીબીમાં પણ હસવા અને પ્રસન્ન રહેવાનાં કારણો હોય છે, જેમને શ્રમ કરવામાં શરમ આવતી નથી, જેમણે પ્રયત્ન, પુષાર્થ, સાહસ અને ઉલ્લાસ ખોયાં નથી, તેઓ આજીવિકાનો ઉપયુક્ત માર્ગ આજે નહીં તો કાલે ચોક્કસ પ્રાપ્ત કરી લેશે. કાલે પંજાબમાં બધું ગુમાવીને આવેલા અને આજે સારી રીતે જીવનનિર્વાહ કરી રહેલા શરણાર્થી ભાઇઓનાં ઉદાહરણો આપણી સામે છે. અધીરતા તો કાયરતાની નિશાની છે. મનમાં મોજ ઉડાવનારા હરામખોર જે હાનિ થતાં રોદણાં રડે તો વાત સમજી શકાય, પરંતુ જેમની નસોમાં પુરુષાર્થ રહેલો છે તેઓ તો જમીનમાં લાત મારીને ક્યાંયથી પણ પાણી કાઢી લેશે. તે શું કામ નિરાશ થશે, તે શું કરવા માથું ખંજવાળશે ? લક્ષ્મી તો પુરુષાર્થની ચેલી છે. જેની પાસે પુરુષાર્થ છે તે શું કામ લક્ષ્મીના ચાલ્યા જવાની ચિંતા કરશે ?
મતભેદનાં, લડાઈ, ઝધડાનાં, ઘણાં કારણો હોઈ શકે છે. ઠંડા મગજથી, શાંતચિત્તે વિચાર વિનિમય કરીએ તો આપણે એમાંનાં કેટલાક કારણોનું ચપટી વગાડતામાં સમાધાન શોધી શકીએ છીએ. ઉત્તેજિત મન તલને તાડ બનાવી દે છે અને રાઇને પર્વત બનાવે છે સંશય, અવિશ્વાસ અને વિક્ષોભથી ભરેલું મન બીજાંઓ વિશે અગણિત પ્રકારની ખરાબ કલ્પના કર્યા કરે છે. એમને બીજા બધા દુષ્ટ, દુર્જન, દ્વેષ કરનારા, સ્વાર્થી અને આક્રમણકારી જ દેખાય છે, પરંતુ જો ચડેલા દિમાગના પારાને જરા નીચે ઉતારી લેવામાં આવે તો લાગશે કે મતભેદ થવાનાં કારણો બહુ નાનાં છે. થોડીક પોતાની જાતને સુધારીને અને થોડાક એમને સમજાવીને સારો રસ્તો આસાનીથી નીકળી શકે છે. સમજાવટ કરીને હળીમળીને સમન્વય અને સહિષ્ણુતા સહઅસ્તિત્વની નીતિ ઉપર ચાલવાથી મતભેદ રાખનાર લોકોની સાથે પણ ગુજારો કરવાનો રસ્તો નીકળી શકે છે.
ભવિષ્યની આશંકાઓથી ચિંતિત અને આતંક્તિ ક્યારેય થવું જોઇએ નહીં. આજની અપેક્ષાએ કાલ માટે વધુ સારી પરિસ્થિતિની આશા કરવી એ જ એવું બળ છે જેના આધારે પ્રગતિના માર્ગમાં માણસ સીધો ચાલતો રહી શકે છે, જે નિરાશ થઇ ગયો, જેની હિંમત તૂટી ગઇ, જેની આશાનો દીપક બૂઝાઈ ગયો, જેને ભવિષ્ય અંધકારમય દેખાય છે, તે તો મૃતક સમાન છે. એના માટે જિંદગી ભાર બની જશે અને તે વીતાવવી અઘરી પડશે. આ દુનિયા કાયરો અને ડરપોકો માટે નથી, સાહસિક અને શૂરવીરો માટે બની છે. આપણે સાહસિક અને નિર્ભય બનીને જીવવું જોઇએ.
પ્રતિકુળતાઓ સામે લડવાનું સાહસ રાખવું અને જયારે તેઓ સામે આવી જાય ત્યારે હિમંતબાજ પહેલવાનની જેમ એને પરાજય કરવા માટે લાગી જવું એ જ બહાદુરીનું કામ છે બહાદુરને જોઈને જ અડધી વિપત્તિઓ આપમેળે ભાગી જાય છે. માણસ પ્રયત્ન કરીને પ્રતિકૂળતાઓનો ચોકકસ પરાજય કરી શકે છે. અંધકાર બાદ પ્રકાશનું આવવું નક્કી જ છે તો આપત્તિ એકલી જ હંમેશ માટે કેવી રીતે ટકી શકે ? આપણે હિંમત બાંધીએ તો ઇશ્વરની મદદ જરૂર મળશે. પરમાત્મા હંમેશાં પ્રયત્નશીલોને, સાહસિકોને, વિવેકશીલોને અને બહાદુરોને સહાય કરતા રહ્યા છે તો આપણને કેમ કરે નહીં ? શાંતિ બાદ જો અશાંતિની પરિસ્થિતિ આવી ચડી તો પરિવર્તનચક એને હંમેશાં થોડું જ રહેવા દેવાનું છે ? અશાંતિ બાદ શાંતિની ક્ષણોનું આપત્તિ બાદ સંપતિનું આવવું પણ એટલું નિશ્ચિત છે, જેટલું રાત પછી દિવસનું આવવું નિશ્ચિત છે. તો પછી આપણે નિરાશ થા માટે થવું ? આપણે શા માટે અશાંત કે આતંક્તિ બનીએ ?
ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની દુ:ખદ સ્મૃતિઓની ક્લ્પના પણ મનુષ્યને માટે એક સમસ્યાનો વિષય છે. જેઓ પોતાના ભવિષ્યની ચિંતામાં જ ડૂબેલા રહે છે એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી. અમુક કાર્ય કેવી રીતે પૂરું થશે ? ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કેવી રીતે થશે ? ભવિષ્યની બાબતમાં વિચારવું એ કોઈ અસંગત બાબત નથી, પરંતુ જો એમાં જ રત રહીને વર્તમાનની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામ સ્વરૂપ દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ભવિષ્યના સુંદર મહેલનું નિર્માણ વર્તમાનના પાયાને આધારે જ થાય છે. તેથી વર્તમાનનું મૂલ્ય સમજીને એનો સદુપયોગ કરવો આવશ્યક છે.
ભવિષ્ય હંમેશાં અચોક્કસ છે. વર્તમાન નિશ્ચિત છે. તેથી પોતાના નિશ્ચિત ખજાનાને ખોઈને અનિશ્ચિતતાના વિચારોમાં મશગૂલ રહેવું ભવિષ્ય ખાતર વર્તમાનનો અનાદર કરવા જેવું છે. ભવિષ્યને માટે વર્તમાનનો અનાદર કરવાથી દુ:ખોનું જ કારણ બને છે. ભવિષ્યની ચિંતા કરવી એ ખોટું નથી. એની એક નિશ્ચિત યોજના – રૂપરેખા બનાવીને જ વર્તમાનની પગદંડી પર ચાલી શકાય છે, પરંતુ એનાથીય વધુ મહત્વનું તો વર્તમાનનો સદુપયોગ કરવાનું છે, વર્તમાનનો સદુપયોગ થતો રહેવાથી અસંતોષ હંમેશને માટે જતો રહે છે. સાથે જ પ્રસન્નતા, સુખ, શાંતિ મળશે અને ભવિષ્ય પણ બધી જ રીતે સુખ, સંપન્ન, વિકસિત અને કલ્યાણકારી બનીને આવશે. જીવનમાં વર્તમાનને મહત્વ આપો અને એનો સાચો સદુપયોગ કરો. ભૂતકાળની યાદ પણ માણસને અસ્વસ્થ રાખે છે. વીતેલા સમયની દુઃખપૂર્ણ ઘટનાઓની યાદ જીવનને વિષાદ, વિષાદયુક્ત બનાવી દે છે. દુઃખદ સ્મૃતિઓ વર્તમાનના સુખી, સંપન્ન જીવનને પદ્મ નીરસ, દુઃખદ અને ભારરૂપે બનાવી દે છે. તેથી એમને ભૂલી જવી એ જ ઉત્તમ છે. એ દુ:ખદ સ્મૃતિઓને ભુલવાની ટેવ પાડવી જોઇએ જેથી વર્તમાન નીરસ, ભારરૂપ અને દુઃખદ બને નહીં.
ભૂતકાળની દુ:ખદ સ્મૃતિઓ જો પ્રબળ થતી જતી હોય તો એમને ભૂંસી નાખવા માટે અધ્યયન કરવા લાગવું એ બહુજ ઉપયોગી સાબિત થાય છે. સગ્રંથોનું અધ્યયન કરતા રહેવાથી એમને સહજતાથી ભુલાવી શકાય છે. એ જ રીતે કોઇ મનપસંદ કામમાં લાગી જવું. કલા, સાહિત્ય, સંગીત વગેરે પણ એનાં રામબાણ ઔષધ છે. અધિક ચિંતનથી દૂર રહીને પોતાની જાતને કાર્યમાં વ્યસ્ત રાખવી એ પણ ભૂતકાળની વ્યથાને ભુલવા માટેનો એક સહજ ઉપાય છે. રચનાત્મક કાર્યોમાં વિશે વિચારવાનો સમય જ રહેતો નથી. પ્રવૃત્ત રહેવાથી ભૂતકાળ વિશે વિચારવાનો સમય જ રહેતો નથી.
પ્રતિભાવો