૧. સદ્ગુણ પણ આપણા ધ્યાનમાં રહે
June 29, 2022 Leave a comment
સદ્ગુણ પણ આપણા ધ્યાનમાં રહે, સદ્ગુણોની સાચી સંપત્તિ
આપણું ધ્યાન જે વસ્તુ પર વધુ જાય છે એ મુખ્ય બની જાય છે અને જેની ઉપેક્ષા કરવામાં આવે છે એ વાત ગૌણ તેમજ મહત્ત્વહીન બની જાય છે, જે તરફ આપણી અભિરુચિ વળે છે, જે પ્રિય લાગે છે, જેને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે એ સઘળું ગમે તેટલું મહત્ત્વહીન કેમ ન હોય, મહત્ત્વનું બની જાય છે અને મગજનો અધિકાંશ ભાગ એ જ વિચારધારામાં નિમગ્ન રહે છે, જે દિશામાં વિચાર ચાલશે એવા જ કામ થશે અને ધીરે ધીરે સમગ્ર જીવન એ જ ઢાંચામાં ઢળી જશે. જેમણે પોતાના જીવનને સ્થાયી દિશામાં વિકસિત કર્યું છે, એ તરફ એમનું પૂરેપૂરું ધ્યાન રહ્યું છે. ઉપેક્ષિત માર્ગમાં કદી કોઈ પ્રગતિ કરી શક્યું હોય એવું જોવામાં આવતું નથી.
મનુષ્ય પાસે સૌથી મોટી પૂંજી સદ્ગુણોની છે. જેની પાસે જેટલા સદ્ગુણ છે, એ એટલો જ મોટો અમીર છે. રૂપિયાથી બજારમાં દરેક વસ્તુ ખરીદી શકાય છે. આ રીતે સદ્ગુણોની પૂંજીથી કોઇ પણ દિશામાં ઇચ્છિત પ્રગતિ કરી શકાય છે. ગુણહીન વ્યક્તિ પોતાની વ્યર્થતા, નિરર્થકતાને કારણે સૌની દૃષ્ટિમાં હીન અને ઘૃણાસ્પદ બની રહે છે, કોઈ એને પૂછ્યું નથી, એની તરફ ધ્યાન આપતું નથી, બિચારો પોતાનું જીવન જીવે છે અને પોતાના મોતે મરતો રહે છે. આવા લોકોને ગમે તે રીતે જીંદગીના દિવસો પસાર કરી લેવાનું જ પર્યાપ્ત હોય છે. એ લોકોની દૃષ્ટિમાં ઉપહાસ કે દયાપાત્ર બની રહે છે. કોઈ મહત્ત્વનાં કામમાં એમને કોઈ પૂછતું નથી, સદાય પાછળ જ ધકેલાતા રહે છે.
દુષ્ટ વ્યક્તિઓ મોટે ભાગે સ્વાર્થી હોય છે. તેઓ બીજા પાસેથી ઇચ્છે છે ઘણું, પરંતુ બદલામાં આપવા માટે એમની પાસે કશું હોતું નથી. એટલે તેઓ ડરાવી-ધમકાવીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાની કોશિશ કરે છે. ગુંડા, ઉદ્દંડ, ઉચ્છૃંખલ, ચોર, ડાકુ, લૂંટારા, ઝઘડાખોર પ્રકૃતિના લોકો પોતાની હાનિ પહોંચાડવાની ક્ષમતાનું પ્રદર્શન કરીને દુર્બળ મનવાળા લોકોને આતંકિત કરે છે અને પછી પોતાનો સ્વાર્થ સાધવાની ચેષ્ઠા કરે છે પણ એ લાંબું ટકતું નથી. આ બધા લોકો એમના વિરોધી હોય છે અને ઘૃણા કરે છે. જ્યારે પણ અવસર મળે ત્યારે બદલો લઈ લે છે. જો એક ખરાબ વ્યક્તિ કોઈ મુસીબતમાં ફસાઈ જાય ત્યારે તો સૌ કોઈ ધીના દીવા પ્રગટાવે છે અને એવો પ્રયત્ન કરે છે કે એને વધુ મુસીબત ભોગવવી પડે. ખરાબ વ્યક્તિનો ક્યારેય કોઈ સાચો મિત્ર હોઈ શકે નહીં. કેમકે કોઈના મનમાં એના પ્રત્યે શ્રદ્ધા કે સદ્દભાવના હોતી નથી, એના વિના મૈત્રીનાં મૂળ કદી ઊંડા હોઈ શકે નહીં.
પ્રગતિ પોતાની શકિતથી જ થાય છે. સાચી મૈત્રી અને સહાનુભૂતિ તો સદ્ગુણીમાં મળે છે. ખરાબ વ્યક્તિ એ બધું ખોઈ બેસે છે. ડરાવી-ધમકાવીને એક વાર કોઈ પાસે થોડું કામ કરાવી લીધું હોય તો પણ એ નિરંતર કેવી રીતે સંભવ હોઈ શકે ? બીજાની સહાનુભૂતિ અને સહાયતાથી વંચિત રહેવાને કારણે આ લોકો કોઈ મહત્ત્વપૂર્ણ સફળતાના અધિકારી બની શકતા નથી. બધી બાજુથી ઘૃણાની વર્ષાને કારણે એમનો આત્મા અંદર ને અંદર દબાયેલો, મરેલા જેવો, ચોરની જેમ ભય અને લજ્જાથી ઘેરાયેલો બની રહે છે. જેમનું અંતઃકરણ લજ્જા અને સંકોચના ભારથી દબાઈ ગયું હોય એમના માટે પ્રગતિનાં બધા દ્વાર બંધ થઈ જાય છે.
પોતાના ખરાબ ગુણોને કારણે ખરાબ વ્યક્તિ પોતાનો સર્વનાશ કરતો રહે છે. અપવ્યયી પોતાની ખરાબ આદતોમાં પોતાની સંપત્તિ ખોઈ બેસે છે અને પછી જયાં-ત્યાં ભિખારી બની ઠોકરો ખાતો ફરે છે. વ્યસની પોતાનો બધો સમય નિરર્થક શોખ પૂરો કરવામાં બરબાદ કરતો રહે છે, જે બહુમૂલ્ય સમયમાં કંઈક કહેવા જેવું કામ કરી શક્યો હોત પણ એ તો વ્યસન સંતોષવામાં જ ચાલ્યો જાય છે. સમયના અભાવમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય એનાથી ક્યારે થાય છે ?
ખાઉધરા, જિહ્વાલોલુપ લોકો સ્વાદ પાછળ પાગલ બની આખો દિવસ જેને ખાધા કરે છે અને પછી કમોતે મરે છે. તેમને બીમારીઓ ઘેરી વળે છે, દવાથી એ મટાડવાના પ્રયત્નમાં પૈસા તો ગુમાવે છે, પરંતુ પોતાની આદતો પર કાબૂ મેળવતા નથી. આવી દશામાં ઇલાજ માટે પૈસા વાપરવા છતાં એમને અસ્વસ્થતાથી છુટકારો મળતો નથી. કામવાસનામાં પોતાનું શરીર, સ્વાસ્થ્ય અને સૌંદર્ય ખોઇ નાખનારાઓની મોટી સંખ્યા ગમે ત્યાં જોઇ શકાય છે. એ ભોગો ભોગવીને મોજમજા કરવા ચાહે છે. પણ ગરીબ સ્વયં લૂંટાઈ જાય છે, મેળવતા કશું નથી, બધું ગુમાવી બેસે છે. ક્રોધી પણ કોઈ ફાયદામાં રહેતો નથી. ઉત્તેજના અને આવેશમાં પોતાનું લોહી બાળે છે, ન કહેવા યોગ્ય કહી બેસવાથી પોતાનાને પરાયા બનાવી દે છે અને ઘૃણા-દ્વેષની કાંટાળી દિવાલ પોતાની ચારે બાજુ ઊભી કરે છે.
ઇર્ષાળુ, નિદા કરનાર, ચાડીખોર, સૌની આંખોમાં પોતાનું માન ખોઇ બેસે છે. એમને અવિશ્વાસુ, અપ્રમાણિક અને હલકી પ્રકૃતિના માનવામાં આવે છે. કોઈ એમની સાથે હળતું-મળતું નથી, બધા સાશંક બની રહે છે. એમનું શરીર અને મન અધઃપતનની દિશામાં જ જતું જાય છે. દુર્ગુણોની વૃદ્ધિ થવી એ માનવ જીવનનો સૌથી મોટો અભિશાપ છે. વસ્તુતઃ આ સૌથી ખરાબ પ્રકારની કુરૂપતા છે જેને જોઈને સર્વત્ર ઘૃણા અને તિરસ્કારનું વાતાવરણ સર્જાય છે.
ધનને ધન માનવું જોઈએ નહીં. એ તો આવે છે અને ચાલ્યું જાય છે. પરિસ્થિતિના ઝટકા મોટા મોટા ધનવાનને નીચા પાડી દે છે. ગરીબને અમીર બનવામાં વાર લાગી શકે છે પરંતુ લગાતાર ત્રણ-ચાર થપાટો વાગવા માત્રથી અમીરની સ્થિતિ ગરીબ કરતાં પણ દયનીય થઈ જાય છે. વેપારમાં નુકસાન, ખોટ, દુર્ઘટના, ખોટા કેસ, બીમારી, ફૂટ વગેરે કેટલાંય એવા કારણ છે જે સારી આર્થિક સ્થિતિને અદલ બદલ કરી નાંખે છે. આવી દશામાં ગુણહીન વ્યક્તિ નિર્ધન થઇ ગયા પછી પુનઃ સ્થિર થવા અસમર્થ જ રહે છે. પરંતુ જેની અંદર સદ્ગુણોની પૂંજી ભરી પડી છે એ પુનઃ પોતાનો ગુમાવેલો વૈભવ પ્રાપ્ત કરી લે છે. આત્મબળ અને આત્મવિશ્વાસ અને દૈવી સહાયતાની જેમ સદાય પ્રગતિનો માર્ગ દર્શાવે છે. પોતાના મધુર સ્વભાવને કારણે એ જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું સ્થાન બનાવી લે છે. પોતાની વિશેષતાથી એ સૌને પ્રભાવિત કરે છે અને સૌની સહાનુભૂતિ મેળવે છે. બીજાને પ્રભાવિત કરવાનું અને એની સફળતાનું મુખ્ય કારણ તો પોતાના સદ્ગુણ જ હોય છે. જેની પાસે આ વિશેષતા હશે એને માટે પરાયા પોતાના બની જશે અને શત્રુઓને મિત્ર બનતાં વાર લાગશે નહીં.
જીવનનો આધારસ્તંભ સદ્ગુણ છે. પોતાના ગુણ, કર્મ, સ્વભાવને શ્રેષ્ઠ બનાવી લેવા, પોતાની આદતોને શ્રેષ્ઠ સજ્જનોની જેમ કેળવી લેવી એ વસ્તુત: એવી મોટી સફળતા છે કે જેની તુલના અન્ય કોઈપણ સાંસારિક લાભ સાથે કરી શકાય નહીં. એટલે સર્વાધિક ધ્યાન આપણે એ બાબત પર આપવું જોઈએ કે આપણે ગુણહીન ન રહીએ. સદ્ગુણોની શક્તિ અને વિશેષતાઓથી પોતાને સુસજ્જિત કરવાનો નિરંતર પ્રયત્ન કરવો જોઇએ. દુર્ગુણોને શોધી શોધીને એમને માંકડની જેમ પોતાના સંપર્કથી દૂર હટાવવાની ચેષ્ટા કરતા રહેવું જોઇએ.
સદ્ગુણોના વિકાસનો ચિત માર્ગ એ છે કે એના જ સંબંધમાં વિશેષરૂપે વિચારો કર્યા કરવા, એવું જ વાંચવું, એવું જ કહેવું, એવું જ વિચારવું જે સદ્ગુણ વધારવામાં, સત્પ્રવૃત્તિઓને ઊંચે ઊઠાવવામાં સહાયક હોય. સદ્ગુણો અપનાવવાથી પોતાનું ઉત્થાન અને આનંદનો માર્ગ કેટલો મોકળો થઈ શકે છે એનું ચિંતન અને મનન નિરંતર કરવું જોઈએ. કોઈ વસ્તુના લાભ વિશે વિચારવાથી એને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે અને એનાથી જ જે હાનિ થઇ શકે છે એનો વિચાર આરંભી દેવામાં આવે તો એ જ બહુ ખરાબ અને ત્યાજ્ય પ્રતીત થવા લાગશે. કોઈ વ્યક્તિની સારપ પર વિચાર કરો તો એ દેવતા લાગશે, પરંતુ જો એની મર્યાદાઓ શોધવા લાગશો તો એ પણ એટલી બધી મળશે કે એ સાક્ષાત્ શેતાન લાગવા માંડશે.
વિવેકશીલતાના આધારે જે આપણને ઉપયોગી લાગે, જેને પ્રાપ્ત કરવાનું આવશ્યક લાગે એની ઉપયોગિતાનું અધિકાધિક ચિંતન કરવું જોઇએ માહાત્મ્યોનું વર્ણન એટલાં માટે કરવામાં આવે છે કે કોઈ કાર્યનાં સારાં પાસાં આપણને સમજાય અને અભિરુચિ ઉત્પન્ન થાય. કથા વાર્તાનો બધો આધાર તો એ જ હોય છે કે આધ્યાત્મિક વિષયોની ઉપયોગિતા અને એનાથી પ્રાપ્ત થનારા લાભ સમજાવાથી પ્રવૃત્તિઓ એ તરફ વળે. જયાં પણ મનુષ્યને લાભ દેખાય છે, જ્યાં પણ એને આકર્ષણ દેખાય છે, ત્યાં જ મન ઝૂકવા લાગે છે. સદ્ગુણોના માહાત્મ્ય વિશે આપણે જેટલું ગંભીરતાથી વિચારીશું, એનાં સત્પરિણામો વિશે જેટલું વધુ વિચારીશું, એટલી જ એને પ્રાપ્ત કરવાની આપણી આકાંક્ષા પ્રબળ બનશે. આ પ્રબળતાને પ્રકારાન્તરે આત્મકલ્યાણની, જીવનવિકાસની પ્રેરણા પણ કહી શકીએ. આના પર જ આપણા મનુષ્યની ઉજ્જવળતા ઘણી બધી નિર્ભર હે છે.
આપણી અંદર સદ્ગુણોના જેટલા બીજાંકુર દેખાય, જે સારપ અને સત્પ્રવૃત્તિઓ દેખાય એને શોધતા રહેવું જોઇએ. જે મળે તેનાથી આનંદ થવો જોઈએ અને એને સીંચવા, વિકસાવવામાં લાગી જવું જોઈએ. ઘાસ-ઝાડી વચ્ચે જો કોઈ સારૂં વૃક્ષ ઊગે છે તો એને જોઇને ચતુર ખેડૂત પ્રસન્ન થાય છે અને એની સુરક્ષા તથા અભિવૃદ્ધિની વ્યવસ્થા કરે છે, જેથી આ નાનો છોડ વિશાળ વૃક્ષ બનવાથી થતા લાભોથી એ લોભાન્વિત થઇ શકે. આપણે પણ આપણા સદ્ગુણો આ રીતે જ શોધવા જોઈએ. જે અંકુર ઉગેલો છે એની જો આવશ્યક દેખભાળ કરવામાં આવે તો એ જરૂર વિકસશે અને એક દિવસ પુષ્પપલ્લવોથી હર્યુંભર્યું થઈને ચિત્તમાં આહ્લાદ ઉત્પન્ન કરશે.
સદા પોતાના દોષ-દૂષણ શોધતા રહેવું એ ખરાબ બાબત છે. એ ઠીક છે કે આપણી ત્રુટિઓથી બેખબર રહીએ નહીં, એને શોધીને દૂર કરીએ, પરંતુ નિરંતર કેવળ એ જ દિશામાં વિચારો કર્યા રાખવામાં આવશે નો અગણિત ખરાબીઓ જ ખરાબીઓ આપણી અંદર દેખાશે. ત્યારે ચિત્તમાં નિરાશા જાગશે અને પોતાને દુષ્ટ, દુરાચારી માની બેસવાની ભાવના દૃઢ થશે. જે રીતે પોતાને ‘શિવોહમ્’, ‘સચ્ચિદાન્દોડહમ્’, ‘સોડહમ્’ વગેરેની ઉચ્ચ બ્રહ્મભાવના કરવાથી આત્મા સ્વસંકેતોના આધારે બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર થઇને અદ્વૈત લક્ષ તરફ અગ્રેસર થાય છે એ જ રીતે પોતાની જાતને નિરંતર પાપી, દુષ્ટ, દુરાચારી માનતા રહેવાથી એનાં જ પ્રમાણ શોધી શોધીને પોતાની નિકૃષ્ટતા તરફ દૃષ્ટિ કરતા રહેવાથી આત્મિક સ્તર નીચું જાય છે. જેવું આપણે વિચારીએ છીએ એવા જ બનીએ છીએ. જે આપણી ખરાબીઓ વિશે જ વિચારતા રહેવામાં આવે તો આપણું રૂપ એવું જ બનતું જશે.
આત્મશોધકનું કાર્ય ખૂબ સાવધાની અને સમતુલિત મન:સ્થિતિમાં જ કરવું જોઈએ. એકાંકી આલોચના ઉચિત નથી. ન કેવળ દોષ વિશે વિચારો ન કેવળ ગુણોનો જ વિચાર કરો. બલકે દૃષ્ટિ એવી રાખો કે જે ખરાબીઓ દેખાય એના માટે ઘૃણાની ભાવના કરો અને જે સારપ દેખાય એનાથી પ્રસન્નતાનો અનુભવ કરો, પ્રોત્સાહન પ્રાપ્ત કરો અને સંતોષ વ્યક્ત કરો. સારપ વધારવાથી ખરાબીઓ સ્વત: ઘટે છે. કેવળ ખરાબીઓ છોડવાની જ વાત વિચારવામાં આવે અને સારપ વધારવા તરફ ધ્યાન હોય નહીં તો પ્રયોજન સિદ્ધ થાય નહીં. પાણીથી ભરેલા વાસણમાં જો કાંકરા-પથ્થર નાખવામાં આવે તો એટલું જ પાણી વાસણની બહાર નીકળી જશે. મન રૂપી વાસણમાં સદ્ગુણોની જેટલી પ્રતિષ્ઠા વધતી જશે એટલાં જ દોષ દુર્ગુણ પોતાની મેળે સમાપ્ત થતા જશે.
વ્યભિચાર છોડીશું એમ વિચારવાની અપેક્ષાએ એમ કહેવું વધુ સારૂં છે કે બ્રહ્મચર્યનું પાલન કરીશું, ચોરી છોડીશું એમ કહેવાને બદલે એમ વિચારવું જોઈએ કે ઈમાનદારીથી પવિત્ર જીવન જીવીશું. આળસથી પડયા નહીં રહીએ એમ ન કહેતાં એમ કહેવું જોઇએ કે સ્ફૂર્તિ અને શ્રમશીલતાની પસંદગી કરીશું વાત એક જ છે. પણ નિષેધાત્મક પક્ષને મનક્ષેત્રમાં સ્થાન દેવાને બદલે એ ઉત્તમ છે કે રચનાત્મક પક્ષની વિચારધારાથી મગજને પ્રભાવિત કરવામાં આવે ધૃષ્ટતાનું ઉન્મૂલન કરીશું એમ વિચારવાથી ઉન્મૂલન માટે જે ક્રોધ, વિનાશ, વિધ્વંસની આવશ્યકતા છે, એની તૈયારીમાં મન લાગશે, પરંતુ જો સજ્જનતાનો પ્રસાર કરીશું એ આપણું લક્ષ હોય તો સજ્જનતાને ઉપયુક્ત શિષ્ટાચાર, પ્રેમ, ઉદારતા, મધુરતા, ત્યાગ, સહિષ્ણુતા આદિના ભાવ મનમાં ભ્રમણ કરશે. એક જ વાતનાં સારાં અને ખરાબ એમ બે પ્રકારનાં પાસા હોય છે. એ બેમાંથી ખરાબ નહીં, સારું પાસું આપણે માટે પસંદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આપણે સજ્જન બનીશું શ્રેષ્ઠતા વધારીશું, સદ્ગુણોનો વિકાસ કરીશું એ જ આપણી આકાંક્ષા રહેવી જોઈએ. સદ્ગુણ જો થોડી માત્રામાં પણ આપણી અંદર હાજર હોય તો ભવિષ્યમાં એનો વિકાસ થાય ત્યારે આપણું ભાગ્ય અને ભવિષ્ય ખૂબ ઉજ્જ્વળ બનાવવાની કોશિશ સહજ જ કરી શકાય એ માન્યું કે આજે આપણી અંદર સદ્ગુણ ઓછા છે, નાના છે, દૂબળ છે પણ એ શું ઓછું છે કે એ હાજર છે અને એ શું ઓછું છે કે આપણે એને વિકસાવવા માટે વિચારીએ છીએ. છોડ ભલે નાનો હોય પણ ચતુર માળી જો તત્પરતાપૂર્વક એની માવજત કરશે તો એ આજે નહીં તો કાલે વિશાળ વૃક્ષ બનવાનો છે. સંસારમાં કોઈ વિભૂતિ એવી નથી જે તીવ્ર આકાંક્ષા અને પ્રબળ પુરુષાર્થનાં આધારે પ્રાપ્ત કરી શકાય નહીં. સદ્ગુણોની બહુમૂલ્ય સંપત્તિ માનવજીવનની સૌથી મોટી વિભૂતિ માનવામાં આવે છે. એને મેળવવાનું અઘરું તો છે પણ મુશ્કેલી એમના માટે જ છે જે એ તરફ ધ્યાન આપતા નથી. જેમણે પોતાનું મન અને મગજને શ્રેષ્ઠતાનું મહત્ત્વ સમજવા અને એને પ્રાપ્ત કરવા તરફ અભિમુખ કરી રાખ્યું છે તેમને તેમનું લક્ષ્ય પ્રાપ્ત થવાનું જ. તેઓ શ્રેષ્ઠ સજ્જન બનીને પોતાને પરમ સૌભાગ્યશાળી હોવાનો અનુભવ કરશે જ.
પ્રતિભાવો